ઝટપટ બહુબધી ખરીદી કરી લેવી છે? તો આ રહ્યાં ફાસ્ટેસ્ટ અને લાર્જેસ્ટ શૉપિંગ-કાર્ટ્સ

16 November, 2014 07:34 AM IST  | 

ઝટપટ બહુબધી ખરીદી કરી લેવી છે? તો આ રહ્યાં ફાસ્ટેસ્ટ અને લાર્જેસ્ટ શૉપિંગ-કાર્ટ્સ




રેકૉર્ડ-મેકર - સેજલ પટેલ

મહિલાઓને અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીનેય શૉપિંગ માટે જવાનું કહો તો મસ્ત તૈયાર થઈ જાય. એટલે જ પશ્ચિમના દેશોમાં તો કહેવાય છે કે શૉપિંગ ઇઝ ચીપર ધૅન સાઇકિયાટ્રિસ્ટ. આપણે ત્યાં પણ વિન્ડો-શૉપિંગના શોખીનોથી શૉપિંગ-મૉલ્સ ઊભરાતા જ હોય છે. ક્યારેક સ્કીમમાં સસ્તું મળશે એમ માનીને ખરીદી કરવા માટે તો ક્યારેક મૂડ સુધારવા માટે મૉલમાં લટાર મારવા માટે થઈને સુપરમાર્કેટ્સમાં ફરવા નીકળવાની ફૅશન હવે નવી નથી.

બે પર એક ફ્રીની સ્કીમ જોઈને અથવા તો મહિનાભરનું કરિયાણું એકસામટું સુપરમાર્કેટ્સમાંથી ઢગલાબંધ ખરીદી કરી લઈએ ત્યારે ત્યાંની ચાર પૈડાંવાળી શૉપિંગ કાર્ટ ક્યારેક નાની પડે છે. અમેરિકના ન્યુ યૉર્ક રાજ્યની સાઉથ વેલ્સ સિટીમાં રહેતા ફ્રેડરિક રીફસ્ટેકે મહિલાઓની આ સમસ્યાનો જબરો તોડ કાઢ્યો છે. તેણે એટલી જાયન્ટ શૉપિંગ ટ્રૉલી બનાવી છે કે સુપરમાર્કેટમાં અવેલેબલ બધી જ ચીજોનું એક-એક સૅમ્પલ ખરીદી લો તોય એમાં સમાઈ જાય. જોકે આ ટ્રૉલી એક સામાન્ય માણસની હાઇટ કરતાં લગભગ ત્રણગણી ઊંચી અને દોઢગણી પહોળી છે. ૮.૨૩ મીટર એટલે કે ૨૭ ફૂટ લાંબી, ૪.૫૭ મીટર એટલે કે ૧૫ ફૂટ ઊંચી અને ૨.૪૩ મીટર એટલે કે ૮ ફૂટ પહોળી આ ટ્રૉલી ફ્રેડરિકે જાતે તૈયાર કરી છે. ઍલ્યુમિનિયમના સળિયા હોવા છતાં એનું વજન પણ ખાસ્સુંએવું વધી ગયું હોવાથી એને હાંકવામાં પણ હાંફ ચડી જાય એમ હોવાથી નીચેના ભાગમાં તેણે મોટર બેસાડી છે. જોકે આ જાયન્ટ ટ્રૉલી ભરીને શૉપિંગ કરવું હોય તો ખિસ્સામાં પાકીટ પણ નોટોથી ભરેલું હોવું જરૂરી છે.

ફાસ્ટેસ્ટ શૉપિંગ ટ્રૉલી

ઇંગ્લૅન્ડના પ્લેમાઉથ શહેરમાં રહેતા બાવન વર્ષના મૅટ મૅક્કીઓને સ્પીડ કાર જેવી સ્પીડ શૉપિંગ કાર્ટ બનાવી છે. પ્લેમાઉથ સિટીમાં કાર્ટિંગ ટ્રૅક ધરાવતા મૅટે જૂના હેલિકૉપ્ટરનું એન્જિન વાપરીને શૉપિંગની ટ્રૉલીને દોડતી કરી છે. નૉર્મલ સાઇઝની શૉપિંગ ટ્રૉલીની નીચે રેસ માટેની ટૉય કારનાં પૈડાં અને હેલિકૉપ્ટરનું એન્જિન લગાવીને એને ૭૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાનો રેકૉર્ડ કયોર્ છે. મૅટે જ્યારે કાર્ટ બનાવવાનું શરૂ કરેલું ત્યારે એમાં સ્પોર્ટ્સકારના એક-બે સ્પેરપાર્ટ્સ વાપરીને એને ૧૨૯ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવી શકાય એવી થિયરી પણ ડેવલપ કરી છે, પણ આ સ્પેરપાર્ટ્સથી ખૂબ જ ગરમી પેદા થતી હોવાથી ખુલ્લા વાહનમાં એ કામ આપી શકે એમ ન હોવાથી વિચાર પડતો મૂક્યો છે. જેટ એન્જિનથી ચાલતી શૉપિંગ-કાર્ટે યૉર્કશરના ઍરફીલ્ડ પર ફાસ્ટમફાસ્ટ દોટ લગાવીને ૨૦૧૩માં રેકૉર્ડ બનાવ્યો હતો.