હવે પૉટી પણ પૈસા રળી આપશે

16 November, 2014 07:33 AM IST  | 

હવે પૉટી પણ પૈસા રળી આપશે




માનો યા ન માનો - સેજલ પટેલ


ઇન્ડિયામાં ગોબર ગૅસ પ્લાન્ટ બને છે. કેટલીક જગ્યાએ હ્યુમન વેસ્ટમાંથી બાયોગૅસ બનાવવા માટે ટૉઇલેટના કૂવાઓને કનેક્ટ કરીને એના પ્લાન્ટ બનાવવાના પ્રયોગો પણ થાય છે. જોકે એ બધા માટે આપણે સહિયારા પ્રયત્નો કરવા પડે. આખી સોસાયટી કે બિલ્ડિંગની ટાંકીમાંથી બાયોગૅસ પ્લાન્ટ બનાવવા માટે જહેમત ઉઠાવવી પડે. જોકે અમેરિકાના મૅસેચુસેટ્સના રહેવાસીઓ કોઈ જ લાંબી જફા વિના પોતાની પૉટીમાંથી પૈસા, સૉરી ડૉલર રળી શકે છે. જરૂર છે માત્ર તેમની પૉટી હેલ્ધી હોય એની. હેલ્ધી પૉટી માટેના કેટલાંક પેરામીટર્સમાંથી પાસ થઈ જાઓ તો આ સ્ટૂલ-બૅન્ક તમને એક સૅમ્પલના ૪૦ ડૉલર જેટલી રકમ ચૂકવે.

પુરુષો સ્પર્મ ડોનેશન દ્વારા કે સ્ત્રીઓ એગ ડોનેશન દ્વારા પૈસા રળી લે એ વાત હજી એટલી જૂની નથી થઈ ત્યાં સાવ જ એફર્ટલેસ કમાણીનો આ નવો ઑપ્શન અજાયબી જ લાગે એવો છે. મૅસેચુસેટ્સમાં ખૂલેલી નવતર સ્ટૂલ-બૅન્ક એક બ્લડ-બૅન્ક કે સ્પર્મ-બૅન્કની જેમ જ કામ કરે છે. માત્ર અહીં સૅમ્પલ તરીકે તમારે તમારી વહેલી સવારની પહેલી પૉટી જમા કરાવવાની હોય છે. રક્તદાન કરવા સોયની અણી શરીરમાં ભોંકવી પડે, પણ છી-છી વેચીને કમાણી કરવા માટે તો તમારે કંઈ જ ન કરવું પડે. રોજ સવારે આમ પણ નૈસર્ગિક ક્રિયા થવાની જ છે. બસ, તમારે એ વખતે બૅન્કે આપેલી સ્ટરાઇલ બૉટલમાં પૉટી ભરી લેવી પડે.

છીછીછી..... આવું તે વળી હોય? વાંચીને પણ ઊબકા આવી જાય છેને? લોહી, સ્પર્મ કે એગ જેવું ડોનેશન તો બીજી વ્યક્તિને નવું જીવન અને ખુશી આપવા માટે હોય છે; પૉટીથી વળી એવું તો શું થાય એવું જો વિચારતા હો તો કહી દઈએ કે આ બૅન્ક પણ હેલ્ધી પૉટીની મદદથી બીજી જરૂરિયાતમંદ વ્યક્તિના જીવન માટે નવું જીવન બક્ષવાનું કામ કરે છે. હેલ્ધી વ્યક્તિની પૉટીનો પણ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ પેટમાં ખાસ પ્રકારના બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન ધરાવતા લોકો માટે અસરકારક સારવાર બની શકે છે. આ બૅક્ટેરિયા છે સુપરબગ ક્લોસ્ટ્રિડિયમ ડિફિસાઇલ. માત્ર અમેરિકાની જ વાત કરીએ તો દર વર્ષે અહીં પાંચ લાખ લોકોને આ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન લાગુ પડે છે અને વર્ષે ૧૪,૦૦૦ લોકો એને કારણે જીવ ગુમાવે છે. ક્લોસ્ટ્રિડિયમ ડિફિસાઇલ ઇન્ફેક્શન એટલે કે CDI  એક એવું વિચિત્ર ઇન્ફેક્શન છે જેમાં સતત ડાયેરિયા થયા કરે છે. વ્યક્તિ કુપોષણથી નંખાઈ જાય એટલા ડાયેરિયા. આ બૅક્ટેરિયા પાચનની ક્ષમતા જ ખોરવી નાખે છે. પાચન કરીને યોગ્ય પોષક તત્વોલોહીમાં ભેળવવા માટે આંતરડાંમાં આવેલા સારા અને હેલ્ધી બૅક્ટેરિયાને આ ઇન્ફેક્શન મારી નાખે છે. લાંબો સમય આ ઇન્ફેક્શન ચાલે તો આંતરડાંમાં ખૂબ જ ઓછા સારા બૅક્ટેરિયા બચે છે અને ખોરાકનું પાચન કરીને શોષણ કરવાની આંતરડાંની ક્ષમતા સાવ જ મંદ પડી જાય છે. આ ઇન્ફેક્શન દૂર કરવા માટે હેલ્ધી અને સારા બૅક્ટેરિયા આંતરડાંમાં દાખલ કરવા જરૂરી હોય છે. જો તમે હેલ્ધી હો, તમને પેટની કોઈ બીમારી ન હોય, તમારી ખાવા-પીવાની લાઇફ-સ્ટાઇલ હેલ્ધી હોય તો તમારી પૉટીમાં સારીએવી માત્રામાં સારા અને હેલ્ધી બૅક્ટેરિયાની હાજરી પણ હોવાની. આવી હેલ્ધી બૅક્ટેરિયાવાળી પૉટીને દરદીનાં આંતરડાંમાં દાખલ કરીને અમુક કલાકો માટે રાખી મૂકવામાં આવે તો આ બૅક્ટેરિયા દરદીનાં આંતરડાંમાં સ્થાપિત થઈને બીજા નવા સારા બૅક્ટેરિયા પેદા કરે અને પાચનવ્યવસ્થાને થાળે પાડવામાં મદદ થાય.

ડોનરની પૉટીને દરદીનાં આંતરડાંમાં દાખલ કરવાની પદ્ધતિને ફીકલ ટ્રાન્સપ્લાન્ટ કહે છે. આ કોઈ મનઘડંત વાત નથી, પણ મેડિકલ સાયન્સે પ્રૂવ કરેલી પદ્ધતિ છે. CDIના દરદીને તાવ અને પેટમાં ચૂંક આવે છે, અતિશય ડાયેરિયા થાય છે અને ક્યારેક તો આંતરડાં સૂજી જાય છે. આ ઇન્ફેક્શન પર કોઈ પ્રકારની ઍન્ટિ-બાયોટિક લાંબા ગાળે કામ નથી આપતી. ઍન્ટિ-બાયોટિક્સનો મારો કરવાથી પેટમાં રહેલા સારા બૅક્ટેરિયા ઘટતા જવાનું જોખમ પણ વધે છે. જો અમુક મહિનાઓ સુધી આ ઇન્ફેક્શન રહે તો એ જીવલેણ સાબિત થઈ શકે છે. એવા સંજોગોમાં ફીકલ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે હેલ્ધી વ્યક્તિની પૉટી દરદીનાં આંતરડાંમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પદ્ધતિ જ એકમાત્ર ઇલાજ બચે છે.

તમારે પણ આવા ડોનર બનવું હોય તો પેટને સ્વસ્થ અને સાફ રાખવું જરૂરી છે. કોઈ રેચક દ્રવ્યો કે દવા વિના પેટ સાફ થતું હોય એ જરૂરી છે. ડોનર બનતા પહેલાં સ્ટૂલનું એક સૅમ્પલ તપાસવામાં આવે. લગભગ એક ડઝન જેટલી ટેસ્ટમાંથી એ પાર ઊતરે તો તમે પૉટી ડોનર બની શકો છો. સામાન્ય રીતે પૉટી બૉડીમાંથી બહાર નીકળે એટલે એક-બે કલાકમાં જ વાપરી લેવામાં આવે એ જરૂરી છે. જો એવું કરી શકાય એમ ન હોય તો એને ડીપ ફ્રિઝમાં સાચવીને રાખી શકાય છે. તમારું સૅમ્પલ પાસ થઈ જાય અને જો તમે અઠવાડિયામાં પાંચ દિવસ રેગ્યુલરલી પૉટી ડોનેટ કરવાનું કમિટમેન્ટ આપો તો મૅસેચુસેટ્સની આ સ્ટૂલ-બૅન્ક તમને એક્સ્ટ્રા ૫૦ ડૉલરનું બોનસ પણ આપે છે.

તો હવે હેલ્ધી રહો, પૉટી દાન કરતા રહો અને પૈસા કમાતા રહો!