હવે ઘણું થયું નરેન્દ્ર મોદી પ્રામાણિકતા બતાવે કાં હિંમત બતાવે

14 December, 2014 07:18 AM IST  | 

હવે ઘણું થયું નરેન્દ્ર મોદી પ્રામાણિકતા બતાવે કાં હિંમત બતાવે


નો નૉન્સેન્સ- રમેશ ઓઝા

વિનોબા ભાવેએ સાચું જ કહ્યું છે કે ધર્મ અને રાજકારણ સમાજને તોડનારાં તkવો છે અને અધ્યાત્મ અને વિજ્ઞાન સમાજને જોડનારાં તkવો છે. સંવેદનશીલ અને વિવેકી માણસ અધ્યાત્મ અને વિજ્ઞાનના પંથે વળશે અને અવિવેકી-આગ્રહી-અસંવેદનશીલ માણસ ધર્મ અને રાજકારણ તરફ આકર્ષાશે. આમાં પણ વિકૃત માનસ ધરાવનારાઓ હજી એક ડગલું આગળ જઈને ધર્મનું રાજકારણ કરે છે. આ એવી જમાત છે જેને વ્યક્તિ માટે આદર નથી. વ્યક્તિને આદર આપવો એટલે વ્યક્તિના વ્યક્તિગત અધિકારોને આદર આપવો. વ્યક્તિને આદર આપવો હોય તો તેને તેની રીતે વિચારવાની આઝાદી આપવી પડે, એ વિચાર વ્યક્ત કરવાની આઝાદી આપવી પડે, એ વિચાર મુજબ જીવવાની આઝાદી આપવી પડે, જરુર પડે તો તમારી સાથે તેને અસંમત થવાની આઝાદી આપવી પડે, તમારો વિરોધ કરવાની આઝાદી આપવી પડે, તમારી સામે સંઘર્ષ કરવાની આઝાદી આપવી પડે અને એનાથી પણ આગળ; આઝાદી આપનારા તમે વળી કોણ એવો સવાલ તમને પૂછવામાં આવે તો એ સાંભળવાની અને સ્વીકારવાની તૈયારી પણ રાખવી પડે. તમે તમારી જાતને પૂછી જુઓ; તમે મનની આટલી મોકળાશ અને દિલમાં કુમાશ ધરાવો છો? આ સામાન્ય સવાલ નથી, તમારી માણસાઈની કસોટી કરનારો સવાલ છે.


આ એવી જમાત છે જે વ્યક્તિની જગ્યાએ સમાજને મહાન ગણે છે અને વ્યક્તિએ સમાજ (સમાજના રીતરિવાજો)નો આદર કરવો જોઈએ એવો આગ્રહ રાખે છે. વ્યક્તિના વ્યક્તિગત અધિકારોને આદર નહીં આપનારાઓ તેને જે-તે સમાજનું અંગ ગણીને તેની સાથે અત્યાચાર કરે છે. સમાજના હિતના નામે કોણ કોની સાથે અત્યાચાર કરે છે એનો આંખ ખોલીને ક્યારેય અભ્યાસ કર્યો છે? સબળ નર્બિળ સાથે અત્યાચાર કરે છે અને એ પણ એવા દાવા સાથે કે તે આ અંગત સ્વાર્થ માટે નથી કરી રહ્યો, સમાજના હિત માટે કરી રહ્યો છે. પરિવારની અંદર, પરિવારના હિતના નામે સ્ત્રી અને બાળકો સાથે પુરુષ અત્યાચાર કરે છે. પરિવારથી લઈને રાષ્ટ્ર સુધી જેટલા સામૂહિક સામાજિક એકમો છે એમાં સબળ નર્બિળ સાથે અત્યાચાર કરે છે.


આ બધું મર્યાદાને નામે કરવામાં આવે છે. સમાજને ટકાવવો હોય તો સામૂહિક હિતનો વિચાર કરવો પડે. સામૂહિક હિતની ચિંતા કરવી હોય તો વ્યક્તિગત હિતને ગૌણ ગણવું પડે. વ્યક્તિગત હિતને ગૌણ કરવાનો અર્થ થાય છે વ્યક્તિએ સામાજિક મર્યાદા પાળવી પડે. આ બધી દલીલો પહેલી નજરે ગળે ઊતરે એવી લાગશે, પણ એ જેટલી દેખાય છે એટલી નિર્દોષ નથી. આ મર્યાદા શબ્દ રુપાળો પણ છેતરામણો છે. મર્યાદાનો વ્યવહારિક અર્થ બંધનો થાય છે. સમાજના સામૂહિક હિતમાં વ્યક્તિએ પાળવાં પડતાં બંધનો. સવાલ એ છે કે મર્યાદાની વ્યાખ્યા કોણ કરશે? મર્યાદાના નામે બંધનો કોણ કોના પર લાદે છે? સામથ્યર્‍વાન મર્યાદાની વ્યાખ્યા કરે છે. સામથ્યર્‍વાન શાસ્ત્રોનાં અર્થઘટનો કરે છે. સામથ્યર્‍વાન નર્બિળ પર મર્યાદાને નામે બંધનો લાદે છે. સામથ્યર્‍વાન બંધનો પાળવામાં આવે એ માટે આગ્રહ રાખે છે અને સામથ્યર્‍વાન બંધનોને તોડનારને દંડે છે. આ બધું તે પોતાની સત્તા ટકાવી રાખવા કરે છે. તેને જાણ છે કે જે દિવસે વ્યક્તિના અંગત અધિકારો અને ગરિમા સર્વોચ્ચ સ્થાન પામશે અને સમાજ ગૌણ બની જશે એ દિવસે તેની સત્તાનો અંત આવવાનો છે.


આ એવી જમાત છે જે કેવળ પોતાના સમાજને મહાન ગણે છે અને બીજાના સમાજને ઓછો આંકે છે અથવા નફરત ધરાવે છે. હિન્દુત્વવાદી હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજને મહાન ગણે છે અને બીજા ધર્મો અને ધર્માનુયાયીઓ માટે નફરત ધરાવે છે. ઇસ્લામિસ્ટ માટે ઇસ્લામ અને મુસલમાન મહાન છે અને બીજા ધર્માનુયાયી નફરતને પાત્ર છે. પ્રાંતવાદી કે ભાષાવાદી માણસ માટે પોતાના પ્રાંત કે ભાષાની અસ્મિતા મહાન છે, બાકી અસ્મિતા ગૌણ છે. બ્રાહ્મણો બ્રાહ્મણ મહાસંઘ રચે છે, મરાઠાઓ મરાઠા સંઘ રચે છે અને આર્ય એ વાતનું છે કે વ્યક્તિની ગરિમાનો અનાદર વેઠીને સમાજહિતના નામે જેમને સવર્ણોની સેવા કરવી પડતી હતી એ દલિતો હવે વ્યક્તિની જગ્યાએ સમૂહનો મહિમા કરવા લાગ્યા છે. ડૉ. આંબેડકરે કહ્યું હતું કે અન્યાયી સમાજનો પ્રતિકાર કરો અને એની જગ્યાએ વ્યક્તિને સ્થાપો, વ્યક્તિની ગરિમા અને તેના અધિકારોનો જ્યારે આદર કરવામાં આવશે ત્યારે સામાજિક અન્યાય દૂર થશે. ડૉ. આંબેડકર જે સમાજમાંથી આવતા હતા એ મહારો આજે દલિતોના બ્રાહ્મણ બની ગયા છે.
માનવ-સભ્યતાએ હજારો વર્ષ દરમ્યાન અનેક સામાજિક સંસ્થાઓ વિકસાવી છે જેમાં ધર્મ અને જ્ઞાતિ મુખ્ય અને સૌથી શક્તિશાળી સંસ્થા છે. માનવ-સભ્યતાએ વિકાસના ક્રમમાં આગળ જતાં આધુનિક રાજ્ય નામની સંસ્થા પણ વિકસાવી છે. જૂની પરંપરાગત સંસ્થાઓ અને નવી આધુનિક રાજ્ય નામની સંસ્થામાં ફરક એ છે કે જૂની સંસ્થામાં સામાજિક સમૂહ એકમ હતો, જ્યારે નવી સંસ્થામાં વ્યક્તિ મૂળભૂત એકમ છે. ગો બ્રાહ્મણ પ્રતિપાલક રાજ્યધર્મ એવો હતો જેમાં રાજાએ બ્રાહ્મણનું પ્રતિપાલન કરવું એ ધર્મ હતો. ખલીફાના રાજ્યમાં ઇસ્લામ અને મુસલમાનનું પ્રતિપાલન અનિવાર્ય હતું. ચર્ચનું શાસન મુખ્યત્વે ઈસાઈઓ માટેનું હતું. અન્ય સમાજના લોકો નાગરિક તરીકે તો નહીં, રૈયત તરીકેની ગરિમા પણ નહોતા ધરાવતા. આધુનિક રાજ્યે એ બધી સામૂહિક ઓળખને ફગાવી દીધી છે તે ત્યાં સુધી કે રૈયત નામની સેક્યુલર રાજકીય ઓળખને પણ ફગાવી દીધી છે.


આધુનિક રાજ્ય બંધારણ દ્વારા સંચાલિત થાય છે અને નાગરિક કહેતાં વ્યક્તિ એનો મૂળભૂત એકમ છે. ભારતના બંધારણમાં કોઈ સામાજિક એકમ કે સંસ્થાનો ઉલ્લેખ નથી તે ત્યાં સુધી કે રાજકીય પક્ષનો પણ એમાં ઉલ્લેખ નથી. રાજ્ય સમૂહ માટે છે જ નહીં, નાગરિક માટે છે. નાગરિકના કેન્દ્રમાં હોવાનો અર્થ થાય છે નાગરિકની વ્યક્તિગત ગરિમાનો અને તેના અધિકારોનો આદર. માણસના વ્યક્તિગત અધિકારોને સ્વીકાર્યા વિના આદર આપવો શક્ય જ નથી. ઘરમાં પત્ની કે પુત્રીને અધિકારો નહીં આપનારો પુરુષ સ્ત્રીને પ્રેમ તો કરી શકે, આદર ન આપી શકે. જ્યાં અધિકાર આપવા જેટલી સંવેદના હોય ત્યાં જ આદર હોઈ શકે અન્યથા નહીં. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે સોગંદ લીધા પછી પહેલી વાર જ્યારે સંસદભવન આવ્યા ત્યારે તેમણે ગોઠણીએ વળીને સંસદભવનને પ્રણામ કર્યા હતા. પહેલા પ્રણામ તેમણે તેમની માતાને કર્યા હતા, બીજા ગાંધીજીને કર્યા હતા અને ત્રીજા સંસદભવનને કર્યા હતા. આ ઉપરાંત તેમણે તેમના પ્રવચનમાં ભારતીય બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલા પહેલા પ્રવચનમાં કહ્યું હતું કે તેમની સરકાર દેશની સરકાર છે, કોઈ એક પક્ષ કે પક્ષ સમૂહની નથી, કોઈ સમાજવિશેષ માટેની પણ નથી. સબ કા સાથ સબ કા વિકાસનું તેમનું સૂત્ર જાણીતું છે. થોડા દિવસ પહેલાં નરેન્દ્ર મોદી નેપાલ ગયા તો ત્યાં તેમણે ભારતની જેમ બુનિયાદી સિદ્ધાંતો વિશે સવર્‍સંમતિ વિકસાવવાની અને પછી બંધારણ ઘડવાની સલાહ આપી હતી.
આ બધી ડહાપણભરી વાતોને એકસાથે જોશો તો એમ માનવાનું મન કરશે કે વડા પ્રધાન આધુનિક રાજ્યમાં અને એના બુનિયાદી સિદ્ધાંતોમાં નિષ્ઠા ધરાવે છે. વ્યક્તિની ગરિમા અને નાગરિકના અધિકારો આધુનિક રાજ્યનો બુનિયાદી સિદ્ધાંત છે. દરેક વ્યક્તિને સમાન ગણવી, સમાન તક આપવી અને ભેદભાવ ન કરવો એ આધુનિક રાજ્યનો બુનિયાદી સિદ્ધાંત છે. જે-તે ધર્મ તરફ દ્વેષ કે પક્ષપાત વિનાનું સેક્યુલરિઝમ આધુનિક રાજ્યનો બુનિયાદી સિદ્ધાંત છે. નરેન્દ્ર મોદી આ બધું જાણે છે અને તેઓ જે વાતો કરે છે એમાં આ ડહાપણ છલકાય છે.


નરેન્દ્ર મોદી જે પરિવારમાંથી આવે છે એને આધુનિક રાજ્યના કોઈ બુનિયાદી સિદ્ધાંત સ્વીકાર્ય નથી. બીજા શબ્દોમાં કહેવું હોય તો એને આધુનિક રાજ્ય જ સ્વીકાર્ય નથી જેમાં સમૂહવિશેષ માટે કોઈ જગ્યા ન હોય અને વ્યક્તિનો મહિમા હોય. બંધારણપ્રણિત આધુનિક ભારતીય રાજ્યે વ્યક્તિને માત્ર ગરિમા જ નથી આપી, તેને મૂળભૂત અધિકારો આપ્યા છે અને તેને ઊની આંચ ન આવે એની પાક્કી વ્યવસ્થા કરી છે. નરેન્દ્ર મોદી જે પરિવારમાંથી આવે છે એની નિષ્ઠા હિન્દુ રાષ્ટ્ર માટેની છે જેમાં વ્યક્તિ નહીં પણ સમૂહ તરીકે હિન્દુ કેન્દ્રમાં હોય, રાજ્યનું મૂળભૂત એકમ હિન્દુ હોય, રાજ્યની પ્રાથમિકતા હિન્દુ હોય, હિન્દુને ઝૂકતું માપ અપાતું હોય અને દેખીતી રીતે અન્ય ધર્માનુયાયીઓને થોડે દૂર ઊભા રખાતા હોય. નરેન્દ્ર મોદી જે પરિવારમાંથી આવે છે એ પુરાતન ગો (બ્રાહ્મણની જગ્યાએ) હિન્દુ પ્રતિપાલક હોય.
વિચિત્રતા એ છે કે નરેન્દ્ર મોદી જ્યારે બોલે છે ત્યારે તેઓ પ્રત્યેક ભારતીયના પ્રતિપાલક તરીકે બોલે છે અને સંઘ પરિવારના લોકો નરેન્દ્ર મોદીની સરકારને ગો હિન્દુ પ્રતિપાલક સમજીને વર્તે છે. કયા નરેન્દ્ર મોદી સાચા? મહાન વાતો કરનારા કે પરિવારના આધુનિક રાજ્ય વિરોધી ગોરખધંધા તરફ આંખ આડા કાન કરનારા? જો પ્રવૃત્તિને રોકવામાં ન આવે તો શબ્દોની કોઈ કિંમત નથી. આચરણ વિનાનો શબ્દ બોદો હોય છે. જો નરેન્દ્ર મોદી આંખ આડા કાન કરી રાખશે તો એક દિવસ વગર કહ્યે સિદ્ધ થઈ જશે કે તેમની સરકાર ગો હિન્દુ પ્રતિપાલક સરકાર છે. મહાન વાતો કરીને તમે પ્રજાને હંમેશ માટે મૂરખ ન બનાવી શકો.


ઉત્તર પ્રદેશમાં કરવામાં આવેલાં ૫૦૦ જેટલાં કોમી છમકલાંઓ, મુઝફ્ફરનગર જિલ્લાનાં ગામડાંઓમાં હજી પણ મુસલમાનોને પાછા ફરવા નથી દેવાતા, લવજિહાદને નામે મુસલમાનોનો કરાતી રંજાડ અને હવે મુસલમાનોનું ધમાર઼્તરણ કયા નરેન્દ્ર મોદીનો પરિચય કરાવે છે? દીનાનાથ બત્રા ભારતીય વિદ્યાર્થીઓને જે ઇતિહાસ ભણાવવા માગે છે એ વિદ્વાનો દ્વારા લખાયેલો ભારતનો ઇતિહાસ છે કે હિન્દુ ધર્મઝનૂને લખેલો હિન્દુઓનો ઇતિહાસ છે? નરેન્દ્ર મોદીના પ્રધાનો, ભગવાધારી ઝનૂની બાવાઓ અને સંઘના બીજા નેતાઓ એવી રીતે વર્તી રહ્યા છે અને પ્રવૃત્તિ કરી રહ્યા છે જાણે કેન્દ્રમાં આપણી ગો હિન્દુ પ્રતિપાલક સરકાર હોય. હવે સમય આવી ગયો છે જ્યારે નરેન્દ્ર મોદીએ નક્કી કરી લેવું જોઈએ કે તેઓ આધુનિક રાજ્ય અને એના સિદ્ધાંતોમાં સાચી શ્રદ્ધા ધરાવે છે કે પછી તેઓ તેમના પરિવારની ઇચ્છા મુજબના ગો હિન્દુ પ્રતિપાલક શાસક છે. તેમણે કાં તો તેમના પરિવારની પંક્તિમાં જઈને બેસવા જેટલી પ્રામાણિકતા બતાવવી જોઈએ અને નહીં તો ટટ્ટાર ઊભા રહીને, ખોંખારો ખાઈને, ૫૬ ઇંચની છાતી બતાવીને પરિવારને એની જગ્યા બતાવી આપવા જેટલી હિંમત બતાવવી જોઈએ. તેઓ કાં પ્રામાણિકતા બતાવે અને કાં હિંમત બતાવે. શું આ વધારે પડતી માગણી છે?