માનવમળના ગૅસમાંથી રસોઈ

14 December, 2014 07:15 AM IST  | 

માનવમળના ગૅસમાંથી રસોઈ


સ્પેશ્યલ સ્ટોરી- શૈલેશ નાયક

માનવમળની વાત છેડાય ત્યારે સ્વાભાવિક છે કે આપણને સૂગ ચડી જાય, પરંતુ માનવમળમાંથી મિથેન ગૅસ ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ કરીને અમદાવાદના ગાંધી આશ્રમને અડીને આવેલા સફાઈ વિદ્યાલય દ્વારા રસોડું ચલાવવામાં આવે છે તેમ જ માનવમળના ખાતરમાંથી ફૂલ–છોડ ડેવલપ કરવામાં આવ્યાં છે.અમદાવાદમાં મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા ગાંધી આશ્રમમાં આવેલી પરીક્ષિતલાલ આશ્રમ શાળામાં ૧૧૦ સ્ટુડન્ટ્સ અને સ્ટાફની રસોઈ માનવમળના ગૅસમાંથી રોજ બનાવવામાં આવી રહી છે એટલું જ નહીં; દીનબંધુ બાયોગૅસના નામે માનવમળમાંથી અમદાવાદ, સુઘડ અને અમરાપુર ગામમાં આવેલી ગ્રામ ભારતી સંસ્થામાં એનો સફળ ઉપયોગ સફાઈ વિદ્યાલય દ્વારા કરવામાં આવી રહ્યો છે.


અમદાવાદમાં ગાંધી આશ્રમને અડીને આવેલા સફાઈ વિદ્યાલયમાં માનવ-વેસ્ટમાંથી ગૅસનું ઉત્પાદન કરવાના અનોખા કીમિયા વિશે સંસ્થાના મંત્રી ધીરુભાઈ પુરબિયા ‘સન્ડે-સરતાજ’ને કહે છે, ‘એક વ્યક્તિ ડેઇલી ૪૦૦થી ૪૫૦ ગ્રામ મળ ઉત્પન્ન કરે છે જેમાંથી મિથેન ગૅસ મળે છે. આ મિથેન ગૅસનો ઉપયોગ બળતણ તરીકે થઈ શકે છે. ગાંધી આશ્રમમાં આવેલી પરીક્ષિતલાલ આશ્રમ શાળામાં રહેતા ૧૧૦ સ્ટુડન્ટ્સ અને સ્ટાફ માટે આશ્રમ શાળામાં પાછળના ભાગે નવ ટૉઇલેટ છે. આ ટૉઇલેટમાંથી માનવમળ એક અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં એકઠો કરીએ છીએ જેમાંથી પ્રોસેસ થયા બાદ રોજ ૧૦૫ ઘનફૂટ ગૅસ ઉત્પન્ન થાય છે, જે ટાંકામાંથી પાઇપલાઇન દ્વારા કિચનમાં જાય છે અને એના દ્વારા આશ્રમ શાળામાં સવાર–સાંજ બે ટાઇમ રસોઈ બનાવવામાં આવે છે. આવી જ રીતે ગાંધીનગર હાઇવે પર આવેલા સુઘડ ગામ ખાતે અમારી સંસ્થામાં રોજના ૨૦થી ૨૫ કાર્યકરોની રસોઈ બનાવવામાં આવે છે તેમ જ અમરાપુર ગામમાં આવેલી ગ્રામ ભારતી સંસ્થામાં અભ્યાસ કરતા ૧૦૦થી વધુ સ્ટુડન્ટ્સ અને સ્ટાફ માટે પણ માનવમળમાંથી ઉત્પન્ન થતા ગૅસમાંથી રસોઈ બનાવવામાં આવે છે.’


માનવમળમાંથી ગૅસ ઉત્પન્ન થાય છે અને એમાંથી વીજળી પણ મેળવી શકાય છે. ગૅસ-ઉત્પાદનની પ્રક્રિયા બાદ જે વેસ્ટ રહે એનો ખાતર તરીકે ખેતીમાં અને ગાર્ડનમાં ઉપયોગ કરવામાં આવે છે. સફાઈ વિદ્યાલય દ્વારા માનવમળના વેસ્ટમાંથી ફૂલ–છોડ અને ઝાડનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આમ કરવાથી ગૅસની બચત થાય છે અને પૈસા પણ બચે છે.વિશ્વમાં રોજનાં બે હજાર બાળકો અસ્વચ્છતાને કારણે મૃત્યુ પામે છે અને વિશ્વમાં અઢી અબજ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરે છે ત્યારે દરેક વ્યક્તિના મળના વેસ્ટમાંથી બેસ્ટ કરી શકાય છે.

મિસ્ટર ટૉઇલેટ

સફાઈ વિદ્યાલયના સ્થાપક ઈશ્વર પટેલ ગામડાંઓમાં શૌચાલય માટે અવેરનેસ ઊભી કરવા વર્ષો અગાઉ કામે લાગ્યા હતા. કોઈ પણ જાતની શરમ વગર હાથમાં ઝાડુ લઈને સફાઈ માટે તેમ જ શૌચાલયના કામ માટે બેસી જતા ઈશ્વરભાઈને એટલે જ નાગરિકોએ પ્રેમથી મિસ્ટર ટૉઇલેટનું બિરુદ આપ્યું હોવાનું ધીરુભાઈ પુરબિયાએ કહ્યું હતું.ઈશ્વરભાઈના અવસાન પછી હવે સફાઈ વિદ્યાલયનું કામ તેમના દીકરા જયેશ પટેલે ઉપાડી લીધું છે અને અત્યાર સુધીમાં સફાઈ વિદ્યાલય દ્વારા ગુજરાતમાં વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં આવેલાં ગામોમાં પાંચ લાખ શૌચાલયો બનાવવામાં આંવ્યાં છે. એક શૌચાલય બનાવવાનો ખર્ચ ૧૨ હજાર રુપિયા થાય છે જેમાં લાભાર્થીનો ફાળો, સરકારનો ફાળો તેમ જ ઘણી જગ્યાએ ગામની દૂધમંડળી અને બિનસરકારી સંગઠનો પણ સહયોગ આપે છે.


અનોખું ટૉઇલેટ ગાર્ડન

શૌચાલય માટે લોકોમાં અવેરનેસ ઊભી થાય એ માટે સફાઈ વિદ્યાલયમાં અનોખું ટૉઇલેટ ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં પહેલાંના જમાનાથી માંડીને અત્યાર સુધીનાં ટૉઇલેટનાં મૉડલ મૂકવામાં આવ્યાં છે. ખડકાળ જમીન, રેતાળ જમીન, ભેજવાળી જમીન પરનાં ટૉઇલેટ અને ખાડા-ટૉઇલેટનાં મૉડલ અહીં મૂકવામાં આવ્યાં છે. સફાઈ વિદ્યાલયમાં આવતા નાગરિકોને આ ટૉઇલેટ ગાર્ડન જોઈને તેમનામાં શૌચાલય માટે જાગૃતિ આવે એ માટે આ ટૉઇલેટ ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં બેસીને ચા–પાણી અને નાસ્તો પણ સ્ટાફના સભ્યો અને બહારથી ટ્રેઇનિંગમાં આવેલા કર્મચારીઓ કરે છે.સફાઈ વિદ્યાલયમાં સ્વચ્છતા–સૅનિટેશનની શિબિર યોજવામાં આવે છે જેમાં જુદાં-જુદાં ગામના સરપંચો, તલાટીઓ, આંગણવાડીની બહેનો અહીં ટ્રેઇનિંગ લે છે અને સ્વચ્છતાનો સંદેશ ગામેગામ પહોંચાડે છે.