રમતની વાત આવે ત્યારે બીજી બધી વાતને આ લેડી રમતમાં ઉડાવી શકે

14 December, 2014 07:14 AM IST  | 

રમતની વાત આવે ત્યારે બીજી બધી વાતને આ લેડી રમતમાં ઉડાવી શકે


ગુજરાતીની પૅશનપંતી- રુચિતા શાહ

તેમની રગરગમાં સ્પોટ્ર્‍સ સમાયેલું છે. તેમને પોતાના રુટીનમાંથી સ્પોર્ટ્સ માટે સમય કાઢવો નથી પડતો, પરંતુ સ્પોર્ટ્સ એ તેમના જીવનનો હિસ્સો છે. કોઈ પણ રમતની વાત આવે ત્યારે બીજી દરેક વાતને તેઓ રમતમાં ઉડાવી શકે છે, કારણ કે સ્પોર્ટ્સથી વધારે તેમના માટે કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે વાત કરી રહ્યા છીએ વિટા દાણીની. એકદમ ગ્રેસફુલ, પ્રતિભાશાળી અને અતિશય નમ્ર એવાં વિટા દાણી મૂળ તો બિઝનેસ-વુમન છે. એશિયન પેઇન્ટ્સ ફૅમિલીના જલજ દાણી સાથે લગ્ન કરનારાં વિટા મેસવાણી અત્યારે ફિનલીઝ પ્રાઇવેટ લિમિટેડ અને ગીતાંજલિ ટ્રેડિંગ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનાં ડિરેક્ટર તરીકે સક્રિય છે.
ઇન્ડિયન સુપર લીગ નામની ફૂટબૉલ ટુર્નામેન્ટની શરુઆત બાદ દેશભરમાં ફૂટબૉલનો ફીવર ચાલી રહ્યો છે ત્યારે ચેન્નઇયીન FC નામની ફૂટબૉલ ટીમ ખરીદનારા લોકોમાં વિટા દાણી પણ સામેલ છે. આ પહેલાં ક્રિકેટને પ્રમોટ કરવા માટે તેમણે ખાસ્સીએવી મહેનત કરી હતી. અત્યારે મુંબઈ ટેબલ ટેનિસ અસોસિએશનનાં પ્રેસિડન્ટ તરીકે સક્રિય છે. પોતાની ટીમને એન્કરેજ કરીને તેમનામાં જીતવાનું ઝનૂન જગાડવાનું કામ તેઓ બખૂબી નિભાવી રહ્યાં છે. બબ્બે કંપનીની ડિરેક્ટરશિપ, પુત્રવધૂ, વાઇફ અને માતા તરીકેનો રોલ નિભાવવાની સાથે પોતાની ટીમના પ્લેયર્સ માટે મેન્ટર તરીકેનો રોલ પણ તેઓ બેહતરીન રીતે નિભાવી રહ્યાં છે. સ્પોટ્ર્‍સ માટેનું તેમનું કનેક્શન, સ્પોર્ટ્સ માટેનો તેમનો પ્રેમ અને સ્પોર્ટ્સ માટેનું તેમનું પૅશન કઈ રીતે આટલાં સજ્જડ છે જાણીએ તેમની પાસેથી.

બાળપણથી જ ક્રેઝ

ખૂબ નાની ઉંમરથી જ ધીરુભાઈ અંબાણીની આ ભાણેજને સ્પોર્ટ્સનો ચટાકો હતો. છોકરી હોવા છતાં ઘરના વાતાવરણે તેમને રમતગમતની વધુ નજીક રહેવાની તક પૂરી પાડી એમ જણાવીને વિટા દાણી ઉમેરે છે, ‘હું ગ્રાન્ટ રોડમાં આવેલી ન્યુ ઈરા સ્કૂલમાં ભણતી હતી. સ્કૂલમાં પણ સ્પોર્ટ્સ સાથે હું વિશેષ સંકળાયેલી રહેવાનું પસંદ કરતી હતી. સોસાયટીના કમ્પાઉન્ડમાં ક્યારેક રમવા ન મળે તો અમે ત્રણ ભાઈ-બહેન ઘરે જ રહીને ગેમ રમતાં. લિવિંગ-રુમ અમારી ક્રિકેટની પિચ બની જતી અને બૅટ-બૉલ લઈને મંડી પડતાં. ઘણી વાર બૉલ વાગવાને કારણે ઘરની વસ્તુઓ તૂટી હોય અને મમ્મીની વઢ પણ ખાવી પડી છે એવું બન્યું છે. ક્રિકેટથી થાકતાં એટલે ડાઇનિંગ ટેબલ પર ટેબલ-ટેનિસ રમતાં. બૅડ્મિન્ટન રમવાની હું ખાસ શોખીન હતી. મારા પિતા રસિકભાઈ અને માતા રજનીબહેને અમને જે કરવું હોય એ કરવાનો પૂરો અવકાશ આપ્યો હતો. એટલે જ કદાચ ક્રિકેટ, ફૂટબૉલ જેવી આઉટડોર સ્પોટ્ર્‍સ અમે ઇન્ડોર રમી શકતાં હતાં. વીક-એન્ડમાં અમે વેકેશન માટે જતાં ત્યારે પણ અમારુ ફોકસ સ્પોર્ટ્સ જ હોય. ધારો કે લોનાવલા જઈએ તો હાઇકિંગની તૈયારીઓ સાથે જઈએ. એ જમાનામાં ફેમસ નહોતી થઈ એવી સ્પોટ્ર્‍સ પણ અમે રમતાં હતાં. બીજું એક કારણ એ પણ હતું કે ત્યારે ગણીને ત્રણ-ચાર ચૅનલો હતી. એન્ટરટેઇનમેન્ટનાં માધ્યમો ઓછાં હતાં. બુક્સ વાંચો અને રમો એ બે જ ઑપ્શન અમારી પાસે હતાં, જે બન્ને મને પ્રિય હતાં.’

ક્રેઝ કન્ટિન્યુ

ઉંમર વધવાની સાથે અન્ય જવાબદારીઓ આવતી ગઈ છતાં રમતગમતનો ક્રેઝ અકબંધ રહ્યો. તેમણે બીડું ઝડપ્યું ભારતમાં અવગણાઈ રહેલા સ્પોર્ટ્સને આગળ ધપાવવાનું, વિશ્વના ફલક પર ભારતીય ખેલાડીઓમાં રહેલી ટૅલન્ટને ઉપર ઉઠાવવાનું, જેની શરુઆત કરી તેમણે ટેબલ-ટેનિસથી. તેમનો સ્પોર્ટ્સ માટેનો લવ અને પૅશન તેમનાં બાળકોમાં ઊતયાર઼્. તેમનો ૧૬ વર્ષનો દીકરો મુદિત નૅશનલ લેવલનો જુનિયર ટેબલ-ટેનિસ પ્લેયર છે. મુદિતને કારણે તેમને ટેબલ-ટેનિસમાં ઇન્ટરેસ્ટ પડ્યો. તેઓ કહે છે, ‘મારી નાની દીકરી સ્વીટી પહેલાં ફૂટબૉલ રમતી હતી. આજકાલ તે કથક શીખી રહી છે. મોટો દીકરોટેબલ-ટેનિસ પાછળ ક્રેઝી છે. તેને આખો દિવસ ટેબલ-ટેનિસ જ દેખાતું હોય છે. કોચ જાય એ પછી પણ તે કલાકો સુધી પ્રૅક્ટિસ કર્યા કરે. ટીવી જુએ તો એમાં પણ ટેબલ-ટેનિસ ચાલતું હોય. કમ્પ્યુટરમાં ગેમ રમતો હોય એમાં પણ ટેબલ-ટેનિસ રમે. એને કારણે મને પણ ટેબલ-ટેનિસમાં ઇન્ટરેસ્ટ જાગવા માંડ્યો.’

પ્રમોટ કરવાના પ્રયાસ

વિટા દાણીએ ટેબલ-ટેનિસમાં રસ જાગ્યા પછી ટેબલ-ટેનિસને આગળ ધપાવવા અને એને પ્રમોટ કરવા માટેના પ્રયત્નો શરુ કર્યા છે. અત્યારે ઑલ ઇન્ડિયા ટેબલ-ટેનિસ અસોસિએશનનાં વાઇસ પ્રેસિડન્ટ અને મહારાષ્ટ્ર ટેબલ ટેનિસ અસોસિએશનનાં તેઓ પ્રેસિડન્ટ છે. ગયા વર્ષે યોજાયેલી વર્લ્ડ જુનિયર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે સફળતાપૂર્વક પાર પાડી હતી. આ ઉપરાંત તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી એશિયન જુનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ઑર્ગે‍નાઇઝિંગ કમિટીનાં ચેરપર્સન હોવાના નાતે ટુર્નામેન્ટ માટે ફન્ડ ઊભું કરવાથી લઈને પોતે હાજર રહીને ટુર્નામેન્ટને લગતી નાનામાં નાની બાબતો માટે તેમણે એફર્ટ્સ લીધા હતા. અત્યારે પણ ટેબલ-ટેનિસમાં કેટલાક શ્રેષ્ઠ પ્લેયરને અડૉપ્ટ કરીને તેમનાં ગૉડમધર તરીકે તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન તેઓ આપી રહ્યાં છે. આ ઉપરાંત ફૂટબૉલ પણ હવે તેમના રસનો વિષય બની ગયો છે.

લાઇફનો ગોલ

એક જમાનામાં ક્રિકેટને પ્રમોટ કરવા માટેના પ્રયત્નો કરનારાં વિટા દાણીનું હવેનું લક્ષ્ય છે ભારતમાં અવગણાયેલી સ્પોર્ટ્સ અને એના કાબિલેદાદ સ્પોર્ટસમેનને ઓળખ મળે. તેઓ કહે છે, ‘ફૂટબૉલમાં આપણી પાસે એવા ઘણા પ્લેયર છે જેઓ શ્રેષ્ઠ રમે છે. મારી ઇચ્છા છે અને એ દિશામાં પ્રયત્નો પણ છે કે આવા શ્રેષ્ઠ રમનારા પ્લેયરને આગળ વધવાનો અવકાશ મળે. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં આ લોકો રમે અને ભારતને રૅન્કિંગ અપાવે. આ પ્લેયર્સ દેશ માટે ગૌરવ સમાન છે અને દેશને ગૌરવ અપાવી શકવા માટે સમર્થ છે. અત્યારે અમારી ફૂટબૉલ ટીમ મારા માટે એક્સટેન્ડેડ ફૅમિલી છે, જ્યાં બધા જ સમાન છે અને અમારી વચ્ચે દિલ ખોલીને વાતો થાય છે. ફીલ્ડ પર અને ફીલ્ડની બહાર પણ સાથે લંચ-ડિનર વગેરેના બહાને અમે સાથે સમય પસાર કરીએ છીએ. એ લોકો પ્રોફેશનલ પ્લેયર છે અને તેમનું ધ્યાન રાખવા માટે હું છું એવો સતત અહેસાસ તેમને કરાવીએ છીએ. ટીમ-સ્પિરિટ અને પ્લેયર્સને એન્કરેજ કરવા માટેનાં આ જરુરી ફૅPર્સ છે.’