રોજિંદી સમસ્યાઓમાં ત્રિકટુ ચૂર્ણના ઘરગથ્થુ પ્રયોગો જુઓ

14 December, 2014 07:12 AM IST  | 

રોજિંદી સમસ્યાઓમાં ત્રિકટુ ચૂર્ણના ઘરગથ્થુ પ્રયોગો જુઓ


આયુર્વેદનું A ૨ Z- ડૉ. રવિ કોઠારી


પાચનશક્તિ નબળી હોય તો ઠંડીમાં કોઈ પણ ચીજ પર ત્રિકટુ ભભરાવીને લઈ શકાય. ઈવન લીંબુ-પાણી લેવું હોય તો એમાં પણ આ ચૂર્ણ છાંટીને લેવાથી એનો સ્વાદ પણ સુધરે અને ઠંડાં પીણાંને કારણે થતી આડઅસરો પણ અટકે. શિયાળામાં કડકડતી ઠંડીમાં કફજન્ય રોગોનું પ્રમાણ વધારે હોય છે. થોડુંક પણ ઠંડું કે ગળ્યું ખાવાથી ગળામાં ખિચ-ખિચ થઈ જાય છે. જેમને શિયાળામાં અવારનવાર શરદી થઈ જાય છે એવા લોકોમાં મોટા ભાગે પાચનની સમસ્યા હોય છે. જો ખોરાક પર છાંટીને ખાવાનું ફાવતું ન હોય તો સવારના સમયે અડધી ચમચી ત્રિકટુમાં મધ ઉમેરીને એની પેસ્ટ બનાવીને ચાટી જવી. એનાથી પાચકાઅગ્નિ પ્રદીપ્ત થાય છે, ઠંડીમાં લોહીનું ભ્રમણ સુધરે છે અને વધારાનો જમા થયેલો કફ નીકળી જાય છે. જેમને વારંવાર બ્લડ-પ્રેશર ઘટી જવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે પણ બારેમાસ આ ચૂર્ણ લેવાનું ફાયદાકારક છે.

પ્રેગ્નન્સીમાં સૂંઠ ઓછી લેવી

ગર્ભાવસ્થા દરમ્યાન કબજિયાતનો કોઠો હોય તો ગૅસ, ઍસિડિટીને કારણે ખૂબ બેચેની લાગ્યા કરતી હોય છે. ગર્ભાવસ્થામાં પણ ત્રિકટુનું ચૂર્ણ લેવાનું સેફ છે. સામાન્ય રીતે સૂંઠ, કાળાં મરી અને લીંડીપીપર અમે ત્રણેય ચૂર્ણ સમભાગે લેવામાં આવે છે; પણ પ્રેગ્નન્સી દરમ્યાન ત્રિકટુ લેવું હોય તો સૂંઠનું પ્રમાણ અડધું લેવું. મતલબ કે જો ૫૦-૫૦ ગ્રામ કાળાં મરી અને લીંડીપીપર લીધાં હોય તો ૨૫ ગ્રામ જ સૂંઠ એમાં ઉમેરવી. હાઇપરટેન્શનના સામાન્ય દરદીઓએ પણ આ જ પ્રમાણમાપ રાખવું.

લિવરના લિપિડ્સ માટે

ખરાબ કૉલેસ્ટરોલની જમાવટ એ આજકાલ ખૂબ જ કૉમન સમસ્યા થઈ ગઈ છે. સપ્રમાણ દેખાતા લોકોના લિવરમાં પણ ખરાબ કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસેરૉઇડ્સની જમાવટ નાની ઉંમરે થવા લાગી છે. ત્રિકટુનું ચૂર્ણ નિયમિત લેવાથી લિવરમાં સંઘરાયેલા લિપિડ્સનું લેખન થાય છે.

ઘરગથ્થુ ઉપાયો


શરદી-સળેખમ: નાક સતત નીતરતું હોય, ગળામાં કફ ભરાઈને અવાજ જાડો થઈ ગયો હોય અને શરીરમાં ઝીણો તાવ ફીલ થયા કરતો હોય તો દિવસમાં ત્રણ વાર અડધી ચમચી ત્રિકટુ ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. મધ ન ફાવે તો સહેજ હૂંફાળા પાણી સાથે ફાકી જવું. ખાંસી અને ઉધરસ હોય તો મધ સાથે મેળવીને જ ચાટવું. મધ અને ચૂર્ણ બન્ને ગળામાંનું ઇરિટેશન દૂર કરવામાં મદદરુપ છે.

મંદાઅગ્નિ: બરાબર ભૂખ લાગતી ન હોય, ખાધા પછી ઓડકાર આવ્યા કરતા હોય અને આમવાળો મળ નીકળતો હોય તો સવારે અને સાંજે જમતાં પહેલાં નાની ચમચી ત્રિકટુનું ચૂર્ણ મધ, આદુંનો રસ કે લીંબુના રસમાં મેળવીને લઈ શકાય. ખૂબ ગૅસ થતો હોય તો જમતાં પહેલાં ત્રિકટુ અને ચપટીક સંચળ ગાયના શુદ્ધ ઘીમાં મેળવીને ચાટી જવું.
કરમિયાં: પેટમાં લાંબા કૃમિ થયાં હોય, પૂંઠે ખંજવાળ આવતી હોય, ભોજનમાંથી પૂરતું પોષણ શરીરને મળતું ન હોય તો વાવડિંગનો ઉકાળો બનાવીને એમાં અડધી ચમચી ત્રિકટુ નાખીને પીવું.

અવાજ બેસી જવો: કફને કારણે અથવા તો બહુ બોલવા-ચિલ્લાવાને કારણે ગળું બેસી ગયું હોય તો એમાં ત્રિકટુનું ચૂર્ણ, ચપટીક હળદર અને મધ મિક્સ કરીને દિવસમાં ત્રણ-ચાર વખત ચાટવું.

આમવાત-સંધિવાત: ઘૂંટણ, કમર, ખભા, કમર અને હાથ-પગના કોઈ પણ સાંધાના દુખાવામાં ત્રિકટુ ચૂર્ણનો લાંબાગાળાનો ઉપયોગ ફાયદો આપે છે. સાથે કડક પરેજી પાળવામાં આવે તો એનો લાભ વધે છે. જેમ કે માત્ર બાફીને ગાયના ઘીમાં વઘારેલા મગ અને ભાતની ઉપર ત્રિકટુનું ચૂર્ણ જ ભોજનમાં લેવામાં આવે તો શરીરમાં જમા થયેલો આમ પચીને નીકળી જાય છે.

વાઇ: એપિલેપ્સીનો હુમલો થવાથી વ્યક્તિ બેભાન થઈ ગઈ હોય ત્યારે ત્રિકટુનું ચૂર્ણ સુંઘાડવું.

દૃષ્ટિમાં નબળાઈ: ત્રિકટુનું ચૂર્ણ ચોખ્ખા અને એક વર્ષ જૂના મધમાં મેળવીને આંખમાં આંજવાથી આંખોનું તેજ વધે છે તેમ જ આંખોના રોગોથી રક્ષણ મળે છે.