મમ્મી જ બાળકને બીમાર પાડે ત્યારે

14 December, 2014 07:06 AM IST  | 

મમ્મી જ બાળકને બીમાર પાડે ત્યારે


મેડિકલ વર્લ્ડ- ફાલ્ગુની જડિયા-ભટ્ટ

ગયા બે વખતથી આ લેખશ્રેણીમાં આપણે વાત કરી રહ્યા છીએ બીમારીને લગતા માનસિક રોગોની. પહેલી વાર આપણે વાત કરી હાઇપોકોન્ડ્રિયાસિસ નામની માનસિક બીમારીની, જેમાં વ્યક્તિને એવું જ લાગે કે તે કોઈ મોટી બીમારીનો શિકાર બની છે જેના નિવારણ માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. વાસ્તવમાં આ લોકો સંપૂર્ણપણે સ્વસ્થ હોય છે, પરંતુ તેમનું મન બીમાર હોવાથી પોતાનું શરીર તેમને હંમેશાં અસ્વસ્થ લાગ્યા કરે છે. બીજી વાર આપણે વાત કરી એવા લોકોની જેઓ બરાબર જાણે છે કે પોતાને કશું જ થયું નથી છતાં તેમને હૉસ્પિટલમાં મળતી સારવાર અને સરભરા ગમતી હોવાથી તેઓ બીમારીનો સ્વાંગ રચે છે. મન્ચાઉસેન સિન્ડ્રૉમ નામની આ માનસિક બીમારીથી પીડાતા આવા લોકો કેટલીક વાર આ માટે જીવનું જોખમ પણ વહોરી લેતા અચકાતા નથી. અલબત્ત, આ વખતે આપણે વાત કરવી છે એવા ખતરનાક લોકોની જેઓ પોતાની બીમારીનું નહીં પણ અન્યોની બીમારીનું નાટક કરે છે. સૌથી ભયાનક બાબત તો એ છે કે આ અન્યોમાં મહદંશે તેમના પોતાના બાળકનો સમાવેશ થાય છે જેમને સતત બીમાર રાખવામાં તેમને એક પ્રકારનો રાક્ષસી આનંદ મળે છે.

બાળકોનું ખતરનાક શોષણ

મન્ચાઉસેન સિન્ડ્રૉમ બાય પ્રૉક્સી નામે ઓળખાતા આ સિન્ડ્રૉમનો પરિચય આપતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘કેટલીક માતાઓ પોતાના બાળક માટે જરુર કરતાં વધારે પડતી જ ચિંતિત હોય છે. બાળક સંપૂર્ણપણે સ્વસ્થ હોવા છતાં તેમને કાયમ પોતાનું બાળક દુર્બળ જ લાગે છે. આવી મા બાળકને એક નહીં તો બીજાં હેલ્થ-ટૉનિક પીવડાવ્યા કરે છે. શક્તિવર્ધક ટીકડીઓ આપ્યા કરે છે વગેરે. કેટલીક તેમનાથી પણ વધુ આક્રમક સારવારમાં માને છે. તેથી બાળકને જરાક અમથી શરદી થઈ જાય તો તરત કફ-સિરપ પીવડાવી દે, અમસ્તો પણ તાવ આવી જાય તો ઍન્ટિ-બાયોટિક્સની દવાનો ર્કોસ કરી દે. બાળક પ્રત્યેના તેમનાં પ્રેમ અને મમતા ઘણી વાર આવી માતાઓને ભાન ભુલાવી દે છે, પરંતુ દુનિયામાં કેટલીક એવી માતાઓ પણ છે અને થઈ ગઈ છે જેમને પોતાના બાળકને સતત બીમાર રાખવાનું ગમતું હોય છે. તેઓ જાણીજોઈને પોતાના બાળકને નુકસાન પહોંચાડી તેમને બીમાર પાડે છે અને એ દ્વારા લોકો તરફથી મળતી સહાનુભૂતિ એન્જૉય કરે છે. આ એક પ્રકારની ક્રિમિનલ સાઇકોલૉજી છે, જેમાં ઘણી વાર બાળકનો જીવ પણ જતો રહે છે. તેથી જ મનોવિજ્ઞાન મન્ચાઉસેન સિન્ડ્રૉમ બાય પ્રૉક્સીને દવાઓના માધ્યમથી થતા બાળકોના શોષણ એટલે કે મેડિકલ ચાઇલ્ડ અબ્યુઝ તરીકે જુએ છે.’

કેટલાક આઘાતજનક આંકડા

૨૦૦૩માં બહાર પાડવામાં આવેલા એક અભ્યાસમાં મન્ચાઉસેન સિન્ડ્રૉમ બાય પ્રૉક્સીના ૪૫૧ કિસ્સા નોંધવામાં આવ્યા હતા. આ કિસ્સાઓમાં ભોગ બનેલાં બાળકોની સરેરાશ ઉંમર ૪ વર્ષની હતી, જ્યારે અડધા કરતાં વધુ બાળકો તો બે વર્ષથી પણ નાનાં હતાં. એ બધામાંથી ૬ ટકા કિસ્સામાં શિકાર બનેલાં બાળકો ભૂખના માર્યા કે પછી ગૂંગળામણને કારણે અંતે મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે ૭ ટકા બાળકોને એક નહીં તો બીજા પ્રકારની કાયમી બીમારી લાગુ પડી ગઈ હતી. આમાંથી અડધા ઉપરાંતનાં બાળકોને ભાઈબહેન પણ હતાં, જેમાંથી ૬૧ ટકા ભાઈબહેનોમાં પણ તેમના જેવી જ બીમારીઓનાં લક્ષણો જોવા મળ્યાં હતાં એટલું જ નહીં, ૨૫ ટકા ભાઈબહેનો તો મૃત્યુ પણ પામ્યાં હતાં. નોંધવામાં આવેલા ૪૫૧ કિસ્સાઓમાંથી ૭૬ ટકા કિસ્સામાં બાળકોની બીમારી પાછળ તેમની માતા જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે ૬.૭ ટકા કિસ્સાઓમાં પિતા ગુનેગાર હોવાનું પુરવાર થયું હતું.

પ્લાનિંગ સાથે બીમાર પાડે

મન્ચાઉસેન સિન્ડ્રૉમ બાય પ્રૉક્સીનાં લક્ષણોની વાત કરતાં મલાડ, બોરીવલી અને દહિસર ખાતે પ્રૅક્ટિસ કરતા જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે,  ‘મન્ચાઉસેન સિન્ડ્રૉમ બાય પ્રૉક્સી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સામાન્ય મમ્મીઓ બાળકથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ગુસ્સામાં કે ફ્રસ્ટ્રેશનની અસર હેઠળ બાળક પર હાથ ઉગામી દેતી હોય છે; પરંતુ આ સિન્ડ્રૉમથી પીડાતી માતાઓ જાણીજોઈને, સમજી-વિચારીને, પૂરતા પ્લાનિંગ સાથે પોતાના બાળકને બીમાર પાડે છે. આ માટે તેઓ બાળક બીમાર પડે એવા ખરાબ ખોરાકથી માંડી ખોટી દવાઓ, ઝેર કે તેનો શ્વાસ રુધાઈ જાય એવી રીતે તેનું મોઢું અને નાક દબાવી દેવા સુધીના કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરી શકે છે. એક સર્વે મુજબ આવી મહિલાઓ પોતે ડોકટર, નર્સ, હૉસ્પિટલમાં કામ કરતી આયાઓ કે પછી ફાર્મસિસ્ટ હોવાથી મેડિસિનની સારીએવી સમજ પણ ધરાવતી હોય છે; જેનો ઉપયોગ કરી તેઓ ડોકટર પણ છેતરાઈ જાય એવી રીતે બાળકને બીમાર પાડી શકે છે એટલું જ નહીં, તેઓ બાળકને લાલ કે ભૂરા રંગનો પેશાબ થાય છે કે કાનમાંથી જીવાત નીકળે છે કે પછી નિપલ કે નાભિમાંથી વિચિત્ર પ્રકારનું ડિસ્ચાર્જ નીકળે છે જેવી એટલી વિચિત્ર ફરિયાદો સાથે આવે છે કે ડૉPરો પણ રીતસરના ચકરાવે ચડી જાય છે. વળી વાણી, વર્તન અને વ્યવહારમાં આ મહિલાઓ પોતાના બાળક પ્રત્યે એટલી માયાળુ હોવાનું નાટક કરી શકે છે કે કોઈ વિચારી પણ ન શકે કે તેમના બાળકની બીમારી પાછળ તેઓ પોતે જવાબદાર છે. હકીકતમાં આવી માતાઓને પોતાના બાળક પ્રત્યે કોઈ લગાવ હોતો નથી. તેમને મન તેમનું બાળક જ તેમનું સૌથી મોટું દુશ્મન છે. તેથી આવી માતાઓ સામે ચાલીને ડોકટર પાસે બાળકને અતિશય પીડા થાય એવી ટેસ્ટ કે સર્જરી વગેરેની માગણી કરે છે.’

એક મા આવું કેવી રીતે કરી શકે?

મા એટલે મમતાનો દરિયો. માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ નહીં, દુનિયાની દરેક સંસ્કૃતિમાં માના ગુણગાન ગાવામાં આવ્યા છે. આવી મા પોતે પોતાના બાળકના જીવની દુશ્મન કેવી રીતે બની શકે? આ પ્રfનનો જવાબ આપતાં ડૉ. સોનાર કહે છે, ‘મન્ચાઉસેન સિન્ડ્રૉમ બાય પ્રૉક્સીનાં ચોક્કસ કારણો હજી સુધી વિજ્ઞાન શોધી શક્યું નથી, પરંતુ અત્યાર સુધી થઈ ગયેલા કિસ્સાઓના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે બાળપણમાં પોતાનાં માતાપિતા અથવા આયા વગેરે તરફથી શારીરિક કે જાતીય શોષણનો ભોગ બનેલા લોકોમાં આગળ જતાં આ સિન્ડ્રૉમ ડેવલપ થાય છે. એ સિવાય જેમનું અંગત જીવન જીવનસાથીની બેવફાઈ, છૂટાછેડા, પ્રિયજનનું નિધન વગેરે જેવી કોઈ મોટી આફતમાંથી પસાર થઈ રહ્યું હોય તેઓ પણ આ સિન્ડ્રૉમનો ભોગ બને છે. સાથે જ અનેક અભ્યાસોમાં બાળપણમાં પોતાનાં માતા કે પિતાના મન્ચાઉસેન સિન્ડ્રૉમ બાય પ્રૉક્સીનો ભોગ બનેલાં બાળકોમાં પણ મોટાં થયા બાદ મન્ચાઉસેન સિન્ડ્રૉમનાં લક્ષણો જોવા મળે છે એટલું જ નહીં, પોતાની જેમ તેઓ પોતાનાં બાળકોને પણ હંમેશાં બીમાર રાખ્યા કરે છે. આમ પોતાની અને બીજાની બીમારીમાંથી આનંદ મેળવવો એ પેઢી-દર પેઢી ચાલી આવતી પ્રથા જેવો બની જાય છે.’

આવામાં બાળકનું શું થાય?

આવાં બાળકોની પરિસ્થિતિ પણ ખૂબ કફોડી હોય છે. સૌથી પહેલાં તો તેમનું આખું બાળપણ માતાપિતા તરફથી મળતી બીમારીમાં નીકળી જાય છે. તેઓ પોતે પણ એવું માનતાં થઈ જાય છે કે તેમને કોઈ બહુ મોટી બીમારી લાગુ પડી છે. વધુમાં તેમને એવું પણ લાગવા માંડે છે કે તેમને જેની સૌથી વધારે જરુર છે તે માતાપિતાનું વાત્સલ્ય તો જ મળશે જો તેઓ બીમાર હોવાનું નાટક કરશે. તેથી કેટલીક વાર આવાં બાળકો સામે ચાલીને બીમાર હોવાનો ડોળ કરતાં પણ થઈ જાય છે અને પોતાના જ શોષણમાં સહાયકની ભૂમિકા ભજવવા માંડે છે. બલકે તેમના જીવ સામે કાયમી જોખમ તો ખરુ જ.

બાળકને માથી છૂટું પણ કરવું પડે

અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે સામાન્ય રીતે કોઈ પણ બીમારીનાં લક્ષણો વ્યક્તિમાં પોતાનામાં જોવા મળે છે, પરંતુ આ એક બીમારી એવી છે જેનાં લક્ષણો ખુદ દરદીમાં નહીં પણ તેના બાળકમાં જોવા મળે છે. તેથી આ બીમારીનું નિદાન પણ ખૂબ મુશ્કેલ છે છતાં જો કોઈ માતા એક બાળકમાં લગભગ ક્યારેય જોવા ન મળે એવાં લક્ષણોની ફરિયાદ સાથે અવારનવાર ડોકટર પાસે આવ્યા કરે, જેના બાળકની બીમારી માતાની ગેરહાજરીમાં સુધરતી અને હાજરીમાં વકરતી જણાય તો તરત જ ડૉPરે સાવધાન થઈ જવું જોઈએ. અહીં ડૉ. સોનાર કહે છે, પશ્ચિમના દેશોમાં બાળકો પ્રત્યેના ગુનાને અતિશય ગંભીરતાથી લેવામાં આવે છે. ત્યાંની સોશ્યલ સર્વિસ એજન્સીઓ પણ આવાં બાળકોને તરત જ તેમના વાલીઓથી છૂટાં કરી દઈ અત્યંત જવાબદારીપૂર્વક તેમનો ઉછેર સ્વીકારી લે છે, પરંતુ આપણા જેવા દેશોમાં હજી સુધી આ પ્રકારની વ્યવસ્થા નર્મિાણ થઈ નથી. તેથી આવાં બાળકોનો બચાવ ખૂબ મુશ્કેલ છે. બીજી મહkવની વાત એ છે કે આવા લોકો સામાન્ય રીતે ફૅમિલી-ફિઝિશ્યન કે વધુમાં વધુ પીડિયાટ્રિશ્યન પાસે વધુ જાય છે. મનોચિકિત્સકો પાસે આવા કિસ્સા ઓછા જ આવે છે. તેથી આવા લોકોને ઓળખી કાઢવાનું કામ પણ ખૂબ મુશ્કેલ છે. તેમ છતાં જો કોઈ રીતે અમારી પાસે આવો કોઈ કેસ આવે તો અમારો સૌથી પહેલો ઉદ્દેશ બાળકને બચાવવાનો જ રહે છે. આ માટે અમારે સામ, દામ, દંડ, ભેદ જેવી દરેક રીત અજમાવવાની તૈયારી રાખવી પડે છે. જરુર પડે તો પોલીસનો ભય બતાવીને પણ તેમને સારવાર માટે તૈયાર કરવા પડે છે. અલબત્ત, એ દરમ્યાન તેઓ ડોકટર બદલી કાઢે, શહેર બદલી કાઢે વગેરે જેવી શક્યતાઓ પણ ખરી જ. તેમ છતાં જો કોઈ રીતે સારવાર શક્ય બને તો તેમને કાઉન્સેલિંગ તથા ઍન્ટિ-ડિપ્રેસન્ટ અને ઍન્ટિ-ઍન્ગ્ઝાઇટી જેવી દવાઓની મદદથી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવશ્યકતા ઊભી થાય તો બાળકને દરદીથી છૂટા પાડી દેવાની હદ સુધી પણ જવું પડે છે.’


મન્યાઉસેન સિન્ડ્રોમ બાય પ્રોક્સીના નોંધનીય કિસ્સા

(૧) સિકન્ડ : ધ મેમ્વાર્સ ઑફ મન્ચાઉસેન બાય પ્રૉક્સી ચાઇલ્ડહુડ નામના પુસ્તકમાં લેખિકા જુલી ગ્રેગોરીએ મન્ચાઉસેન બાય પ્રૉક્સીથી પીડાતી પોતાની માતા સાથે વિતાવેલા પોતાના વર્ષોના અનુભવો વર્ણવ્યા છે જેમાં કેવી રીતે તેની મા તેને બીમાર પાડતી હતીથી માંડીને કેવી રીતે તેને બીમારીનો ડોળ કરવાનું શીખવાડવામાં આવતું હતું, કેવી રીતે તેની બીમારીનાં લક્ષણોનું બઢાવી-ચડાવીને ડોકટર પાસે વર્ણન કરવામાં આવ્યું હતું અને કેવી રીતે માતાને કારણે તેણે અનેક પીડાદાયક ટેસ્ટના ભોગ બનવું પડ્યું હતું વગેરેનું ઊંડાણપૂર્વક વર્ણન કર્યું છે.


(૨) ૨૦૧૦માં બ્રિટનની ર્કોટે લિસા હેડન જૉનસન નામની મહિલાને તેના છ વર્ષના બાળક પાસે બીમારીનું નાટક કરાવી વિવિધ પ્રકારની ૩૨૫ ટેસ્ટ કરાવવા તથા સ્વસ્થ હોવા છતાં વ્હીલ-ચૅરમાં સ્કૂલ જવા જેવો તથા પેટમાં ટયુબ નાખી ખવડાવવા જેવો અત્યાચાર કરવા બદલ ૩ વર્ષ અને ૩ મહિનાની જેલ કરી હતી. લિસાનું કહેવું હતું કે તેનું બાળક ડાયાબિટીઝ, ઍલર્જી‍, સેરીબ્રલ પૉલ્ઝી અને સિસ્ટિક ફાઇબ્રૉસિસ વગેરે જેવી અઢળક બીમારીઓ ધરાવે છે. આ માટે તેણે ઇન્ટરનેટ પર અપીલ કરી લોકો પાસેથી અઢળક ડોનેશન પણ મેળવ્યું હોવાનો તેના પર આરોપ હતો.


(૩) ૨૦૦૩ની સાલમાં ઇંગ્લૅન્ડમાં મૂળ ભારતીય કુળની ફાર્મસિસ્ટ તૃપ્તિ પટેલ સામે તેનાં ત્રણ નવજાત શિશુઓને મારી નાખવા બદલ કેસ ચલાવવામાં આવ્યો હતો. પોલીસને શંકા હતી કે અકળ કારણોસર મૃત્યુ પામેલાં એ ત્રણેય બાળકોના નિધન પાછળ તેમની સગી મા તૃપ્તિનો હાથ હતો. અલબત્ત પૂરતા પુરાવાઓને અભાવે અદાલતે તૃપ્તિને નિર્દોષ છોડી મૂકી હતી, પરંતુ હજી આજની તારીખમાં પણ તૃપ્તિને તેની એકમાત્ર જીવિત પુત્રી સાથે ઘરમાં એકલા રહેવાની કે ક્યાંય એકલા જવાની પરવાનગી નથી એટલું જ નહીં, તેને તેની દીકરી માટે ખાવાનું બનાવવાની કે ખવડાવવાની રજા પણ નથી. તેની મા અથવા સાસુએ સતત તેની સાથે રહેવું ફરજિયાત છે.


(૪) ૨૦૧૪માં ન્યુ યૉર્કની લેસી સ્પીયર્સ સામે પોતાના બાળકને વિપુલ પ્રમાણમાં મીઠું ખવડાવી મારી નાખવાનો પ્રયત્ન કરવા બદલ ખટલો ચલાવવામાં આવ્યો હતો.