ભાઉચા ધક્કાના ધક્કા ખાઈને પહોંચ્યા T-સિરીઝના પ્રેસિડન્ટની પોસ્ટ સુધી

12 October, 2014 07:08 AM IST  | 

ભાઉચા ધક્કાના ધક્કા ખાઈને પહોંચ્યા T-સિરીઝના પ્રેસિડન્ટની પોસ્ટ સુધી




ગુજરાતી ON TOP - કૃપા પંડ્યા


જે સમયે અંગ્રેજી મ્યુઝિક-ચૅનલો પર હિન્દી વિડિયો નહોતા ચાલતા એ સમયે સલમાન ખાનનું ગાયન ‘આ... આ... જાને જાના...’ ગીતનો વિડિયો પહેલી વાર અંગ્રેજી ચૅનલ પર ચલાવનાર હતા વિનોદ ભાનુશાલી. બધાને એક્સક્લુઝિવ શબ્દનો ચસકો લગાડનાર પણ તે જ હતા. એ સાથે તેમણે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીને ગીતોના મૅશ-અપનો ક્રેઝ લગાવ્યો. તેમણે પહેલું મૅશ-અપ બનાવ્યું જેનું નામ હતું ઝીરો અવર મૅશ-અપ. એ સિવાય યુટ્યુબ પર T-સિરીઝ પહેલી એવી કંપની હતી જેણે પોતાની ચૅનલ લૉન્ચ કરી. વિનોદ ભાનુશાલી પાસે ડુંગર ખોદીને પાણી કાઢવાની કલા છે. ચાલો જાણીએ તેમની પાસે આ કલા કઈ રીતે આવી. એ સાથે જાણીએ તેમની ભાઉચા ધક્કાથી લઈને T-સિરીઝ સુધીની સફર.

સ્વજનોની સ્ટ્રગલની ઊંડી અસર

મેં મારા દાદાની સ્ટ્રગલ-લાઇફ સાંભળી છે અને મારા પપ્પાની જોઈ છે એટલે તેમની અસર મારા જીવન પર ઘણી છે. મારા દાદા નારાયણ કરસનદાસ નંદાએ તેમના જીવનમાં ઘણી સ્ટ્રગલ કરી હતી. અમારી અટક આમ તો નંદા છે, પણ અમે નામ પાછળ ભાનુશાલી જ લગાવીએ છીએ. કચ્છથી મુંબઈ આવેલા મારા દાદા અંગ્રેજોના શિપયાર્ડમાં લેબરનું કામ કરતા. એ પછી તેમણે ભાતબજારમાં ગૂણીઓની દુકાન નાખી. તેઓ મહેનત અને લગનથી બહુ પૈસા કમાયા, પણ પછી અચાનક પરિસ્થિતિ વણસી અને દાદાની મહેનતથી ઊભો કરેલો બિઝનેસ તૂટી ગયો અને પાછા મારા પપ્પા અને તેમના ભાઈઓ જ્યાં હતાં ત્યાં જ આવી ગયા.

મારા પપ્પા

તેઓ પણ હાર માને એવા નહોતા. તેમનામાં પણ મારા દાદાના જ ગુણ આવ્યા હતા. તેમણે પણ મારા દાદાનો બિઝનેસ તૂટ્યા પછી એકડે એકથી શરૂઆત કરી. તેઓ રોજ સવારના ચાર વાગ્યે ગૂણીઓ વહેંચવા દાદર શાકભાજી માર્કેટ જતા. પછી ત્યાંથી સાત-સાડાસાત વાગ્યે ટ્રેન પકડી ઉમરગામ જતા અને સાંજે પાછા આવતા.

મમ્મીની દીર્ઘદૃષ્ટિ

મારી મમ્મીએ પણ મને ઘણો સાથ આપ્યો. હું ઑફિસથી રાતે મોડો ઘરે જતો ત્યારે મમ્મી મારી મોડે સુધી રાહ જોતી. મમ્મીએ ક્યારેય મને માયૂસ નથી કર્યો. આ મમ્મીની જ દીર્ઘદૃષ્ટિ હતી જેણે મને એ પરિસ્થિતિમાં પણ અંગ્રેજી મિડિયમમાં ભણાવ્યો, જેથી આગળ મને કામ આવે અને અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર સારા થાય એ માટે ટ્યુશન માટે પણ કૅથલિક ટીચર પાસે જ મોકલ્યો. આ માટે મારી મમ્મી મારા પપ્પાને ફાઇનૅન્શિયલી સપોર્ટ કરવા ઘરગથ્થુ કામ કરતી; જેમ કે સાડીમાં ભરતકામ કરવું, મોતીની માળા બનાવવી વગેરે.

ભણતર સાથે કામ

હું દસમા ધોરણમાં હતો ત્યારે મારા દાદા ગુજરી ગયા હતા. તેમના ગુજરી ગયા પછી મેં મનમાં એક નિર્ણય કર્યો કે મારા દાદાનું નામ રોશન કરવું છે. બસ, એ પછી મેં મહેનત કરવામાં જરાય પાછીપાની નથી કરી. મેં ઘાટકોપરની એમ. ડી. ભાટિયા સ્કૂલથી શિક્ષણ પૂરું કર્યું. એ પછી ગ્રૅજ્યુએશન સોમૈયા કૉલેજથી કર્યું. હું FYJCમાં આવ્યો ત્યારથી મેં કામ કરવાનું ચાલુ કર્યું. મારી પહેલી સૅલરી ૫૦૦ રૂપિયા હતી. હુ શિપિંગ કંપનીમાં કામ કરતો હતો. એ પછી મારા ભાઈ દિનેશે મને તેની ઓળખાણથી મસ્જિદ બંદરમાં કસ્ટમ્સ ક્લિયરિંગની ઑફિસમાં કામે લગાડ્યો.

કૉલેજથી ભાઉચા ધક્કાની સફર

સવારે કૉલેજમાં લેક્ચર અટેન્ડ કરી હું ભાઉચા ધક્કા જતો. ત્યાંથી ઉરણ, પછી ઉરણથી ઑટોમાં ન્હાવા-શેવા તો ક્યારેક કલંબોલી જતો. હું તડકા અને વરસાદની પરવા કર્યા વગર આખો દિવસ ત્યાં ઊભો રહેતો. ત્યાં કસ્ટમ્સ ક્લિયરિંગનું કામ કરતો. સાંજે ત્યાંથી કોઈ ટ્રક આવતી હોય તો એમાં બેસી હાઇવે સુધી આવી જતો અને હાઇવેથી ઘાટકોપરના ઘરે.

સહારામાં નોકરી

મારા મામાએ મને ગ્રૅજ્યુએશન પછી તેમની ઓળખાણથી સહારા ઇન્ડિયા ટીવી નેટવર્કમાં ૧૫૦૦ની સૅલરી પર નોકરીએ લગાડ્યો. ત્યાં મારી પોસ્ટ અસિસ્ટન્ટ જુનિયર વર્કરની હતી. અહીં કસ્ટમ્સનો અનુભવ ઘણો કામ લાગ્યો. ત્યાં સ્ટુડિયોનાં જે પણ ઇક્વિપમેન્ટ્સ આવતાં એને ક્લિયર કરાવવાનું કામ મારું હતું. અમે સ્ટુડિયો પણ ભાડેથી આપતા. એ સાથે-સાથે હું સ્ટુડિયોનું માર્કેટિંગ પણ કરતો. ત્યારે રાતનાં શૂટિંગ બહુ થતાં એટલે રાતે હું સ્ટુડિયોમાં જ રહેતો, ક્યારેક સૂઈ પણ જતો અને સવારે ઘરે જતો અને નાહીધોહીને પાછો સ્ટુડિયો આવતો. ક્યારેક માર્કેટિંગ માટે બહાર પણ જવું પડતું ત્યારે ઑફિસની બાઇક મળતી. સાથે પેટ્રોલના પૈસા પણ મળતા. આખો દિવસ બહાર ફરતો અને સાંજે ઑફિસ આવીને મારું ટિફિન જમતો, કેમ કે ત્યારે બહાર ખાવાના પૈસા નહોતા.

૧૯૯૪માં T-સિરીઝ

આ વર્ષ મારા જીવનનો એવો ટર્નિંગ પૉઇન્ટ છે જેના લીધે મારી જિંદગી બદલાઈ ગઈ. અમારે ત્યાં T-સિરીઝનું કામ પણ ચાલતું હતું. એક દિવસ ગુલશનકુમારને મારા સિનિયરે કહ્યું કે આને લઈ જાઓ, આ તમારા કામનો માણસ છે. એ પછી મને રવિવારે ગુલશનજીએ આમ જ મળવા બોલાવ્યો અને સોમવારે ઑફિશ્યલી ઇન્ટરવ્યુ લીધો. મારા ખભા પર હાથ નાખી તેમણે મને આખી ઑફિસમાં ફેરવ્યો અને સાથે-સાથે મારો ઇન્ટરવ્યુ પણ લીધો. તેમણે મને દસ હજાર રૂપિયા ઑફર કરેલા, પણ મે તેમને કહ્યું કે મારું પહેલાં કામ જોઈ લો. મને પણ મારી જાતને ચકાસવી હતી કે હું આટલી સૅલરીને લાયક છું કે નહીં. હમણાં મને સાડાસાત હજાર રૂપિયા આપો, પછી કામ જોઈને વધારજો. અને તેમણે હા પાડી દીધી. બીજું, મારે T-સિરીઝની જૉબ છોડવી નહોતી.

શરૂ થઈ T-સિરીઝની સફર

T-સિરીઝમાં આવી મેં પહેલાં સ્ટુડિયો બનાવ્યો. એ પછી નવા-નવા એડિટરને લાવ્યો. આખા શૂટિંગમાં ટેક્નિકલ કામ સંભાળવાની મારી જવાબદારી હતી. એ સાથે આખા શૂટિંગનું પ્રોડક્શન હું જોતો. શૂટિંગ વધારે પડતાં રાત્રે જ હોય એટલે હું ત્રણ વાગ્યે ઘરે જતો અને બપોરે અગિયાર વાગે પાછો સ્ટુડિયો આવી જતો. મને ત્યારે ગુલશનજીએ બાઇક આપી હતી જે મારી પોતાની પહેલી બાઇક હતી. એ સમય દરમ્યાન અમે ઘણી ડિવોશનલ ફિલ્મો અને સિરિયલો કરી; જેમ કે ‘સૂર્યપુત્ર શનિદેવ’, ‘સત્યનારાયણની વ્રતકથા’, ‘ચારધામ યાત્રા’. ‘શિવ મહાપુરાણ’. એ સાથે દરેક તહેવાર, દરેક ભગવાનનાં ગીતો, ગઝલ, ગાયકોનાં વર્ઝનો બનાવતા ગયા. એમાં સોનુ નિગમ, કુમાર શાનુ, સુખવિન્દર, સુરેશ વાડકર, અનુરાધા પૌડવાલ આ બધાં સિંગરો અમારા માટે ગાતાં. આ બધા સિંગરોને કો-ઑર્ડિનેટ કરવાનું કામ મારું હતું. એ પછી અમે પૉપ આલબમ અને ફિલ્મો બનાવવા લાગ્યા જે પણ ખૂબ ચાલ્યાં.

‘વિનોદ કભી ના નહીં કહેગા’

ગુલશનજીએ મને આગળ વધવાનું પીઠબળ આપ્યું. તેઓ હંમેશાં મને કોઈ ને કોઈ રીતે કામ કરવા માટે પુશ કરતા રહેતા. એ સાથે મને દરેક કામ માટે રિવૉર્ડ આપતા. તેમની પાસેથી હું ઘણું શીખ્યો છું. આજે પણ હું કોઈ જગ્યા પર અટકી જાઉં છું તો હું એ જ વિચારું છું કે આ જગ્યાએ ગુલશનજી હોત તો શું કરત અને હું એ કરું છું. તેમનામાં માણસ ઓળખવાની તાકાત હતી. તેમને મારા પર એટલો વિશ્વાસ હતો કે ‘વિનોદ મને ક્યારેય ના નહીં કહે. એ કામ પૂરું કરવામાં પૂરી જાન લગાવી દેશે.’ તેમનો આ જ વિશ્વાસ મને આગળ વધવામાં મદદ કરતો.

‘બનાતા હૈ તો બેચના સીખ’

અમારું પ્રમોશન ડિપાર્ટમેન્ટ હતું. અમે જે પણ ટાઇટલ બનાવતા એનું પ્રમોશન ડિપાર્ટમેન્ટ પ્રમોશન કરતો. આ પ્રમોશન ડિપાર્ટમેન્ટમાં કોઈ ટકતું જ નહીં એટલે મને ગુલશનજીએ કહ્યું કે તું એ પણ સંભાળ, પણ મેં કહ્યું કે મને નહીં ફાવે. તો તેમણે કહ્યું કે ‘બનાતા હૈ તો બેચના ભી સીખ.’ બસ, ત્યારથી પછી હું પ્રમોશન ડિપાર્ટમેન્ટ પણ સંભાળવા લાગ્યો.

જીવનમાં આવ્યો દર્દનાક વળાંક

૧૯૯૭ની ૧૨ ઑગસ્ટે એક દર્દનાક બનાવ બન્યો. T-સિરીઝના કર્તાહર્તા ગુલશનજી અમને બધાને છોડીને ચાલ્યા ગયા. તેમના ગયા પછી હું અંદરથી એકદમ તૂટી ગયો હતો અને અમને બધાને એમ જ લાગતું કે ગુલશનજીનો દીકરો ભૂષણકુમાર બધા પરિવારજનો સાથે અહીંથી પૅક-અપ કરીને દિલ્હી જતો રહેશે. એટલે મેં બીજી જગ્યા પર નોકરી શોધવાની શરૂઆત કરી અને મને સ્ટાર પ્લસમાં નોકરી મળી પણ ગઈ. ગુલશનજી ગુજરી ગયા ત્યારે ભૂષણકુમાર ૧૭ વર્ષનો જ હતો. તે રોજ ઑફિસ આવતો. ત્યારે મેં તેને કહ્યું કે તારી પાસે અઢળક પૈસા પડ્યા છે, પણ મારે મારી ફૅમિલીને સંભાળવાની છે; તું રજા આપે તો હું આ ઑફર સ્વીકીરી લઉં. ત્યારે ભૂષણે કહ્યું કે હું અહીં કામ કરવા માગું છું અને મારા પપ્પાનું સપનું પૂરું કરવા માગું છું. મેં આ સાંભળીને ઑફરનો લેટર ફાડી દીધો.

ઘણી ચૅલેન્જો આવી

અમને પ્રોડ્યુસરોએ એ સમયે ઘણા હેરાન કર્યા. ઘણા ધમકીઓ પણ આપતા કે તમને અહીં ટકવા નહીં દઈએ, પાછા દિલ્હી મોકલી દઈશું. અમારો બધો માલ માર્કેટમાંથી પાછો આવતો. કોઈ પણ અમને માર્કેટમાં માલ વેચવા પણ નહોતા દેતા. ક્યારેક અમારી આંખમાંથી આંસુ પણ નીકળતાં, પણ અમે હિંમત નહોતા હારતા. જેટલા અમને પ્રોડ્યુસર વિતાડતા એટલો અમારો જુસ્સો ઇન્ડસ્ટ્રીમાં ટકવા માટે વધતો.

મળ્યો પત્નીનો સપોર્ટ

૧૯૯૭માં મારાં લગ્ન રિન્કુ સાથે થયાં. તે પૈસાદાર કુટુંબમાંથી આવી હતી, પણ તેને એ વાતનો ક્યારેય અહમ્ નહોતો. તેણે મને ઘણો સપોર્ટ કર્યો. એક બંગલામાંથી તે વન BHKના ફ્લૅટમાં આવી હતી. વન BHK એટલે અમે કિચનને બેડરૂમ અને પૅસેજમાં કિચન બનાવી દીધું હતું, પણ તેણે ક્યારેય એ વાતનો અણગમો નહોતો દાખવ્યો. હું રાતોની રાતો સ્ટુડિયોના કામથી ઑફિસમાં રહેતો અને મારી ગેરહાજરીમાં મારા ઘરને સંભાળતી. મારે બે દીકરીઓ છે : ૧૭ વર્ષની ધ્વનિ અને ૧૦ વર્ષની દિયા .

પૂરું કર્યું કમિટમેન્ટ

મારા બે ભાઈઓ છે જે મારાથી નાના છે. એક અરવિંદ, જેને મેં ઓમ ઍડ્વર્ટાઇઝિંગ કંપની ખોલી આપી છે. બીજો ભાવેશ, જે મારી સાથે કામ કરે છે. મેં મારી જાત સાથે એક કમિટમેન્ટ કર્યું હતું કે મારા ભાઈઓને એ રીતે સેટલ કરીશ કે તેમને અને તેમનાં સંતાનોને ક્યારેય કોઈ વાતની તકલીફ ન આવે અને મેં એ કમિટમેન્ટ પૂરું કર્યું.