ગાંધીજીને ભલે નોબેલ પ્રાઇઝ નથી મળ્યું, પરંતુ તેમણે એક ડઝન નોબેલ પ્રાઇઝ વિનરો આપ્યા છે

12 October, 2014 07:08 AM IST  | 

ગાંધીજીને ભલે નોબેલ પ્રાઇઝ નથી મળ્યું, પરંતુ તેમણે એક ડઝન નોબેલ પ્રાઇઝ વિનરો આપ્યા છે




નો નૉન્સેન્સ - રમેશ ઓઝા


ભારત અને પાકિસ્તાનની સરહદે લડી રહ્યાં છે, એકબીજાને તાકાત બતાવવા બાવડાં આમળી રહ્યાં છે અને એકબીજાને ખતમ કરી નાખવાની ચેતવણી આપી રહ્યાં છે ત્યારે ભારતીય ઉપખંડના પ્રમાણમાં અજાણ્યા બે નાગરિકોને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવાની જાહેરાત થઈ છે. આ શુદ્ધ યોગાનુયોગ છે કે પછી નોબેલ કમિટીની યોજના છે એ તો એ જાણે, પણ ઘટના ભારત અને પાકિસ્તાનના શાસકોનું નાક કાપનારી જરૂર છે. ૨૦૧૪નું શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની ૧૭ વર્ષની યુવતી મલાલા યુસુફઝઈને સંયુક્તપણે આપવાની જાહેરાત થઈ છે. શાંતિ માટેનું પારિતોષિક સ્થૂળ અર્થમાં શાંતિ માટે કામ કરનારાઓને જ કેવળ નથી આપવામાં આવતું, માનવકલ્યાણ માટે અને રહિતોના વિકાસ માટે કામ કરનારાઓને પણ આપવામાં આવે છે. મલાલા શાંતિ માટે કામ કરે છે જ્યારે સત્યાર્થી બાળકલ્યાણ માટે કામ કરે છે. આ રીતે મલાલા દલાઈ લામાની અનુગામી છે અને કૈલાશ સત્યાર્થી મધર ટેરેસા અને બંગલા દેશમાં ગ્રામીણ બૅન્ક શરૂ કરનારા મોહમ્મદ યુનુસના અનુગામી છે. આમાંનાં કોઈ વિદેશી નથી, બધાં જ આપણાં છે અને એ ભારતીય ઉપખંડનો સ્પિરિટ હોવો જોઈએ. નોબેલ કમિટીએ ભારત અને પાકિસ્તાનના હિન્દુ અને મુસ્લિમને શાંતિ માટેનું સહિયારું પારિતોષિક આપીને આ જ વાત કહી છે.

૧૫ વર્ષની મલાલા યુસુફઝઈ પર ૨૦૧૨માં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યાં સુધી તેનું નામ ખૈબર પખ્તુનવા પ્રાંતમાં આવેલા તેના ગામની બહાર કોઈએ સાંભળ્યું નહોતું. ૧૫ વર્ષની ઉંમર કીર્તિ રળવાની ઉંમર પણ નથી, એ તો રમવા-ખેલવાની અને ભણવાની ઉમર છે. પાકિસ્તાનના મૂળભૂતવાદી ઇસ્લામિસ્ટોએ આદેશ જારી કર્યો હતો કે શરિયા મુજબ મુસલમાનોમાં કન્યાકેળવણી પ્રતિબંધિત છે. મલાલાએ મૂળભૂતવાદીઓનો વિરોધ કર્યો હતો અને તે પોતાના ગામમાં છોકરીઓને સ્કૂલમાં જવા સમજાવતી હતી. તેને અનેક વાર જાનથી મારી નાખવાની ધમકી ઇસ્લામિસ્ટોએ આપી હતી, પરંતુ મલાલા ટસની મસ નહોતી થઈ. એક દિવસ મૂળભૂતવાદી આતંકવાદીઓએ મલાલા પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો જેમાં આતંકવાદીઓની ગોળી તેના લમણામાં વાગી હતી. મલાલા ઘણા દિવસ કોમામાં રહી હતી અને જીવનમરણની લડાઈ લડી હતી. મલાલાને વિદેશમાં સારવાર આપવામાં આવી હતી જેમાં તે બચી ગઈ હતી. યુનાઇટેડ નેશન્સે (શ્ફ્) ગયા વર્ષે જૂન મહિનામાં મલાલાને તેની ૧૬મી વર્ષગાંઠ નિમિત્તે શ્ફ્ બોલાવી હતી અને તેનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્ફ્ દ્વારા કરવામાં આવેલું સન્માન ખરા અર્થમાં વિશ્વસમાજે કરેલું સન્માન હતું. સન્માનના ઉત્તરમાં મલાલાએ જે ભાષણ આપ્યું હતું એવું ભાષણ આજ સુધી કોઈ પોપે કે કોઈ ધર્મગુરુએ (દલાઈ લામાનો અપવાદ) આપ્યું નથી. મલાલાએ આતંકવાદીઓને ભાઈ તરીકે ઓળખાવ્યા હતા. તેમના પર હુમલો કરનારા આતંકવાદીઓને માફ કરી દીધા હતા અને તેમને વિનંતી કરી હતી કે કન્યાઓને ભણતી રોકવામાં ન આવે. તેમણે કન્યાકેળવણી માટે જીવન સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. શ્ફ્માં મલાલાને સ્ટૅન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.

આ આત્મબળ આવે છે ક્યાંથી? ગાંધીજીએ કહ્યું હતું કે રાજ્યના તોપના બળ સામે સામાન્ય માનવીનું તપોબળ અથવા તો આત્મબળ હજાર ગણું શક્તિશાળી છે. આ આત્મબળમાં એટલી તાકાત છે કે એ પ્રસ્થાપિત વ્યવસ્થાને ઉખાડીને ફગાવી શકે છે. કોઈ પણ પ્રકારની બાહ્ય તાકાત નહીં ધરાવતી ૧૫ વર્ષની એક છોકરીએ સશસ્ત્ર આતંકવાદીઓને નિસ્તેજ કરી દીધા છે. તેઓ શસ્ત્ર દ્વારા કેળવણીને રોકવામાં જેટલા સફળ નથી થયા એનાથી અનેકગણી સફળતા કન્યાકેળવણીનો પ્રસાર કરવામાં મલાલાને મળી છે. ગાંધીજીએ કહ્યું હતું કે દરેક માનવ આત્મબળ ધરાવતો હોય છે. કેટલાક વિલક્ષણ લોકો એને ઓળખી લે છે અને બીજાને એનો પરિચય કરાવવો પડે છે. ગાંધીજીએ કરોડો ભારતીયોનું આત્મબળ જાગ્રત કર્યું હતું. અન્યાય અને અસત્ય સામે અહિંસક પ્રતિકાર માનવસમાજને આપવામાં આવેલી ગાંધીજીની અનુપમ ભેટ છે. મલાલા યુસુફઝઈ ગાંધીજીની અનોખી વારસદાર છે. ૧૯૦૧થી શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મેળવનારાઓમાં મલાલા સવર્‍શ્રેષ્ઠ છે. મલાલાને સન્માન આપીને નોબેલ પ્રાઇઝ કમિટીએ નોબેલનું સન્માન વધાર્યું છે.

ગાંધીજીના આત્મબળનો પ્રયોગ કરીને પ્રસ્થાપિત વ્યવસ્થા સામે લાખો લોકો આજે દુનિયાભરમાં લડી રહ્યા છે. ગાંધીજીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંસ્થાનવાદી યુગમાં બ્રિટિશ સરકારના દબાવ હેઠળ આપવામાં નહોતું આવ્યું અને સંસ્થાનવાદનો અંત આવતાંની સાથે જ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. નોબેલ મરણોત્તર આપવામાં નથી આવતું. એટલે ગાંધીજીને નોબેલ પારિતોષિક આપી શકાયું નહોતું. ગાંધીજીને નોબેલ પ્રાઇઝ ન મળી શક્યું એનો અફસોસ એટલા માટે નથી કે ગાંધીજી પાસેથી પ્રેરણા મેળવીને અહિંસક પ્રતિકાર કરનારા એક ડઝન માણસોને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. આત્મબળ દ્વારા અહિંસક પ્રતિકાર કરવાનો ગાંધીજીએ બતાવેલો ઉપાય કેટલો કારગર અને સ્વીકાર્ય છે એ આમાં જોઈ શકાય છે.

મધ્ય પ્રદેશના વિદિશામાં જન્મેલા કૈલાશ સત્યાર્થી આવા એક ગાંધીપ્રેરિત સિપાઈ છે. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, પરંતુ પૈસા કમાઈને સલામત જિંદગી જીવવાની જગ્યાએ તેઓ અહિંસક પ્રતિકાર દ્વારા બાળકોના અધિકાર માટે લડી રહ્યા છે. ૬૦ વર્ષના કૈલાશ સત્યાર્થીએ પ્રારંભમાં સ્વામી અગ્નિવેશ સાથે હરિયાણામાં બંધુઆ મજદૂરોની મુક્તિ માટે કામ કર્યું હતું. એ દરમ્યાન તેમના ધ્યાનમાં આવ્યું હતું કે દિલ્હી શહેરમાં જે મકાનો બંધાઈ રહ્યાં છે એને માટેની ઈંટો નાનાં બાળકો બનાવે છે. એક બાજુ શહેરી સાહેબી અને બીજી બાજુ બાળપણ વિનાનાં બાળકો. તેમણે ઈંટના ભઠ્ઠાઓમાં કામ કરતાં બાળકોને ન્યાય મળે એ માટે લડવાનું શરૂ કર્યું હતું. તેઓ અત્યારે બચપન બચાઓ આંદોલન ચલાવી રહ્યા છે. મલાલા યુસુફઝઈએ બાળપણમાં આતંકવાદનો જાનના જોખમે પ્રતિકાર કર્યો હતો અને કૈલાશ સત્યાર્થી ગરીબ બાળકોનું બાળપણ બચાવવા લડત આપી રહ્યા છે.

કૈલાશ સત્યાર્થી લો-પ્રોફાઇલ માણસ છે, મીડિયામાં મોઢું બતાવતા નથી, બહુ ઓછું બોલે છે એટલે નોબેલ માટે જ્યારે તેમના નામની જાહેરાત થઈ ત્યારે ઘણાને આશ્ચર્ય થયું હતું. અનેક લોકોએ તો આ પહેલાં તેમનું નામ પણ નહોતું સાંભળ્યું. કૈલાશ સત્યાર્થીને આ પહેલાં દેશમાં સાદું પદ્મશ્રીનું પારિતોષિક પણ આપવામાં નથી આવ્યું. મેગ્સાયસાય અવૉર્ડ કે એવા કોઈ પ્રતિષ્ઠિત અવૉર્ડ તેમને આપવામાં નથી આવ્યા. અચાનક અને એ પણ સર્વોચ્ચ નોબેલ પારિતોષિકની જાહેરાતે આશ્ચર્ય પેદા કર્યું છે. કેટલાક લોકો આનાં આડાંઅવળાં અર્થઘટનો પણ કરશે, પરંતુ એમાં કૈલાશ સત્યાર્થીના સાચકલા કામની ઉપેક્ષા ન થવી જોઈએ.

આ દેશમાં અનેક કૈલાશ સત્યાર્થીઓ છે અને દરેક પોતપોતાનું કામ કરી રહ્યા છે. એ પણ ખરું કે બીજા કેટલાક લોકો હજી વધારે વ્યાપક કામ વધારે જોખમ ઉઠાવીને કરી રહ્યા છે. આ બધા માનવતાના સિપાઈ છે અને એમાંથી કૈલાશ સત્યાર્થીને નોબેલ પારિતોષિક મળ્યું છે તો એને વ્યક્તિગત કરતાં માનવતા માટેની લડાઈને મળેલું પારિતોષિક અથવા તો એવી લડાઈની થયેલી કદર માનવી જોઈએ. આમાં કૈલાશ સત્યાર્થીને પારિતોષિક કેમ મળ્યું અને બીજાને કેમ ન મળ્યું એની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. વિચાર અને સંઘર્ષ મહત્વનો છે, વ્યક્તિ મહત્વની નથી. કૈલાશ સત્યાર્થી વિચાર અને સંઘર્ષના પ્રતિનિધિ છે. જગતભરમાં વિચાર ફેલાઈ રહ્યો છે, ન્યાય માટેની લડત ચાલી રહી છે અને એના અનેક સિપાઈઓ છે. દરેકને નોબેલ મળે એ શક્ય નથી.

શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સાવ ખોટા માણસોને મળ્યું હોય એવા ઘણા દાખલા છે. ૧૯૭૩માં અમેરિકન વિદેશપ્રધાન હેન્રી કિસિન્જરને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. તેમણે ચીનની છૂપી યાત્રા કરી હતી અને અમેરિકાના ચીન સાથેના સંબંધ સુધારવાનો પ્રારંભ કર્યો હતો. અમેરિકા-ચીન વચ્ચેના સંબંધ સુધારવાને કારણે જગતમાં શાંતિ સ્થપાવાની છે એવી ધારણાને આધારે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં હેન્રી કિસિન્જરને અને શાંતિને સ્નાનસૂતકનોય સંબંધ નહોતો. અમેરિકા અને ચીને મળીને વિશ્વશાંતિનો કોઈ પ્રયોગ કર્યો નથી. ૧૯૭૮માં ઇજિપ્તના પ્રમુખ મુહમ્મદ અનવર સાદતને અને ઇઝરાયલના વડા પ્રધાન મેનાકેમ બેગિનને શાંતિ માટેનું સહિયારું પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ બે નેતાઓએ ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે શાંતિસમજૂતી કરી હતી. મેનાકેમ બેગિને ખુદ કરેલી હિંસા અને હિંસાના કરેલા નેતૃત્વની લાંબી દાસ્તાન છે. ૧૯૯૪માં પૅલેસ્ટીનના નેતા યાસર અરાફત અને ઇઝરાયલના વડા પ્રધાન યિત્ઝૅક રેબિન અને વિદેશપ્રધાન શિમોન પેરેઝને શાંતિસમજૂતી કરવા માટે પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ ત્રણ નેતા કેટલા શાંતિપ્રિય હતા એ તેમના જીવન પર નજર કરશો તો જણાઈ આવશે. વળી તેમણે કરેલી સંધિ કેટલી તકલાદી હતી અને ઇઝરાયલનો ઇરાદો કેટલો ભૂંડો હતો એ અત્યારે ગાઝામાં જોવા મળી રહ્યું છે. ૨૦૦૯માં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને નોબેલ આપવામાં આવ્યું હતું. હજી તો પ્રમુખ થયે છ મહિના પણ નહોતા થયા એ પહેલાં શાંતિના કયા કામ માટે તેમને પારિતોષિક આપવામાં આવ્યું અને તેમણે સ્વીકાર્યું એ રહસ્ય છે.

એવું પણ બન્યું છે કે નોબેલ પ્રાઇઝ સાચા માણસોને આપવામાં આવ્યું છે, પણ રાજકીય ગણતરીના ભાગરૂપે આપવામાં આવ્યું છે. સોવિયેટ રશિયાને શરમાવવા ૧૯૭૫માં આન્દ્રેઇ સખારોવને અને સામ્યવાદી ચીનને શરમાવવા ૧૯૮૯માં દલાઈ લામાને શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે પસંદ કરવામાં આવેલા. આમાં નોબેલ પ્રાઇઝ કમિટીની શાંતિ માટેની નિસ્બત કરતાં રાજકીય ગણતરી વધુ હતી.

નોબેલના ઇતિહાસમાં શાંતિ માટેનું પારિતોષિક મેળવનારાઓમાં સૌથી લાયક વ્યક્તિ બે છે, બન્ને મહિલા છે અને બન્ને આ પ્રદેશની છે. પહેલા ક્રમે મલાલા યુસુફઝઈ અને બીજા ક્રમે બર્માનાં આંગ સાન સૂ કી આપણા માટે ગવર્‍ લેવા જેવી વાત છે.