પુરુષની નપુંસકતાનું સર્ટિફિકેટ મેળવી શકાય?

12 October, 2014 07:07 AM IST  | 

પુરુષની નપુંસકતાનું સર્ટિફિકેટ મેળવી શકાય?




સંબંધ-સરિતા - ડૉ. રવિ કોઠારી

કેસ-૧

૩૫ વર્ષનો મિતેશ લગ્નના પાંચ વર્ષના સુખી સહજીવન પછી અચાનક જ મુશ્કેલીમાં મુકાયો છે. તેને અચાનક જ ઉત્તેજના આવવામાં સમસ્યા થઈ રહી છે. પહેલાં ક્યારેક જ યોનિપ્રવેશમાં મુશ્કેલી આવતી હતી. હવે તેનું કહેવું છે કે ખૂબ પ્રયત્નો કરવા છતાં તેને ઉત્તેજના આવતી જ નથી. છેલ્લા ત્રણેક મહિનાથી તેને આ સમસ્યા શરૂ થઈ છે એટલે તે હવે પત્ની સામે જવાનું જ ટાળે છે. તેના મનમાં શંકાનો કીડો પેદા થઈ ગયો છે કે શું તે નપુંસક તો નથી થઈ ગયોને?

કેસ-૨

હજી વીસીમાં પ્રવેશેલાં યુવક-યુવતીનાં ત્રણ મહિનાં પહેલાં જ લગ્ન થયાં છે. લગ્નની પહેલી રાતની ઉત્સુકતા બન્નેના મનમાં ખૂબ જ હતી, પણ ખબર નહીં કેમ આ યુગલને ત્રણ મહિના પછી પણ સેક્સ્યુઅલ લાઇફનો આનંદ નથી મળ્યો. સમસ્યા શું છે અને તેઓ કેમ સંભોગ નથી કરી શક્યાં એનાં કારણો સમજી શકાતાં ન હોવાથી આખરે દોષનો ટોપલો છોકરા પર જ ઢળ્યો છે કે તેનો પતિ પુરુષમાં નથી.

હસ્તમૈથુનનો આનંદ આરામથી માણી શકતો પતિ પણ હવે મનમાં વિચારવા લાગ્યો છે કે કદાચ ખરેખર જ તેના પુરુષાતનમાં ખામી છે કે શું?

કેસ-૩

૨૪ વર્ષના માનવનાં અરેન્જ્ડ મૅરેજ થયાં છે. લગ્ન પહેલાં તે કદીયે છોકરીઓ સામે આંખ ઉઠાવીને જોતો પણ નહીં. મમ્મી-પપ્પાના દબાણવશ તેણે સુંદર દેખાતી છોકરી સાથે લગ્ન તો કરી લીધાં, પણ તેની સાથે જાતીય સુખ માણવામાં તેને તકલીફ પડવા લાગી. અગેઇન સંતોષ ન મળતાં પત્ની પિયર આવી ગઈ અને પતિ નપુંસક હોવાની વાત ફેલાવી. હકીકતમાં માનવ કાલેજજીવનમાં કેટલાક સજાતીય સંબંધો બાંધી ચૂક્યો હતો, પણ પત્ની સાથે સંબંધો ન બાંધી શક્યો.

કેસ-૪

૪૫ વર્ષના મનીષભાઈને પત્નીનો સહકાર પહેલેથી જ ખૂબ મળતો હતો, પણ હમણાંથી ઉત્તેજના આવવામાં તકલીફ શરૂ થઈ હતી. ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરની દવાઓ ચાલુ હોવા છતાં એ કાબૂમાં રહેતાં નહોતાં. ક્યારેક અપૂરતી ઉત્તેજનાને કારણે કામેચ્છા હોવા છતાં સમાગમ શક્ય ન બનતો અને પરિણામે લગ્નજીવનમાં તિરાડ પડવી શરૂ થઈ. મનીષભાઈને મનમાં ધારણા બંધાતી ગઈ કે હવે સેક્સ-લાઇફમાંથી રિટાયરમેન્ટ આવી ગયું છે. જોકે પત્નીની અપેક્ષાઓ પૂરી ન થતાં સમસ્યાઓ વધતી જ ગઈ.

€ € €

ઉપર જણાવેલા તમામ કિસ્સાઓમાં પુરુષો માટે એક જ સવાલ છે શું તેઓ નપુંસક થઈ ગયા છે? મેડિકલ વિજ્ઞાનમાં જેને ઇરેક્ટાઇલ ડિસફંક્શન તરીકે ઓળખવામાં આવે છે એ સમસ્યા એટલી મોટી છે કે ઘણી વાર એની કલ્પના કે ભીતિમાત્રથી પુરુષોમાં પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટી વધી જાય છે. ક્યારેક માનસિક તાણને કારણે પુરુષો ટેમ્પરરી ઇરેક્ટાઇલ ડિસફંક્શનના શિકાર બની જાય છે. કેટલાક કિસ્સામાં પત્ની કે સમાજ સામે તો ક્યારેક પોતાના મનની શંકા દૂર કરવા માટે થઈને પુરુષો પૂછે છે કે શું અમે નપુંસક છીએ કે નહીં એ જાણવા માટે કોઈ ચોક્કસ ટેસ્ટ કે પરીક્ષણ ઉપલબ્ધ નથી? જેમ કે ડાયાબિટીઝ છે કે નહીં એ જાણવા માટે બ્લડ-શુગરનું લેવલ તપાસતાં એ ખબર પડી જાય છે એમ કોઈ ટેસ્ટ પરથી નપુંસકતાની તપાસ ન થઈ શકે?

ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે ઇન્દ્રિયમાં ઉત્તેજનાના અભાવને કારણે સમાગમ કરવાની અક્ષમતા બાબતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણાં સંશોધનો થયાં છે. ઘણા અંશે એનું નિરાકરણ પણ હવે હાથ લાગ્યું છે, પણ કોઈ વ્યક્તિ નપુંસક છે કે પર્ફોર્મ કરી શકે કે નહીં એનું નિદાન કરવા માટે કેટલીક સહાયક તપાસ જરૂરી છે. જેમ કે અમુક-અમુક સંજોગોમાં વ્યક્તિમાં પૂરતી ઉત્તેજના નથી આવી શકતી એનાં કારણો અલગ-અલગ હોઈ શકે છે. આ લેખમાં નોંધાયેલા સૌથી પહેલા કેસમાં પુરુષ પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટીનો શિકાર બનવાને કારણે દુષ્ચક્રમાં ફસાયો છે. બીજા કેસમાં પુરુષની નપુંસકતા નહીં પણ યુવક-યુવતીનો બિનઅનુભવ અને સ્ત્રી-પુરુષની કામાનંદની અનુભૂતિની વ્યાખ્યામાં ગેરસમજ હોવાની શક્યતાઓ હતી. ત્રીજા નંબરના કેસમાં સજાતીય વ્યક્તિને વિજાતીય વ્યક્તિ સાથે પર્ફોર્મ કરવાનું દબાણ અનુભવાતું હતું. જો વિજાતીય વ્યક્તિ પ્રત્યે પુરુષ આકર્ષિત જ ન થતો હોય તો ઉત્તેજના આવવાની સંભાવના કેટલી રહે? ચોથા અને છેલ્લા કેસમાં ઉંમરની સાથે આવતા કેટલાક લાઇફ-સ્ટાઇલ ડિસીઝની અસરો સેક્સ્યુઅલ લાઇફ પર પણ પડતી હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન જેવી સમસ્યાઓ ઇન્દ્રિયના ઉત્થાનમાં સમસ્યા પેદા કરે છે માટે જો આ બે રોગોને કાબૂમાં લેવામાં આવે તો આપમેળે ઉત્તેજનામાં પણ સુધારો જોવા મળે જ.

આ તો કેટલાક કેસ-સ્ટડીઝ છે, પણ સેક્સ્યુઅલ લાઇફની હજીયે કેટલીયે સંકુલ બાબતો છે જે વ્યક્તિના જીવનમાં નપુંસકતા આવી ગઈ હોવાનો ભય પેદા કરી શકે છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનના દરદીનાં જનનાંગોનું પરીક્ષણ, બ્લડમાં હૉર્મોન્સનું સ્તર, બ્લડ-શુગરનું પરીક્ષણ જેવી પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. જો એમાં ઉત્તેજના ન આવવાની સમસ્યાનું કારણ ન મળે તો શિશ્નની કલર ડૉપલર સ્ટડી, પાપાવરીન ટેસ્ટ, N-P-T-R (નૉક્ટર્નલ પીનાઇલ ટ્યુમસન્સ ઍન્ડ રિજિડિટી મૉનિટરિંગ) જેવી તપાસો કરવામાં આવે છે. આ તપાસમાં શિશ્નમાં જો ફિઝિયોલૉજિકલ સમસ્યાઓ હોય તો એનું નિદાન પણ થાય છે. ઘણી વાર કહેવાય છે કે રોગ છે એના કરતાં કેમ રોગનાં લક્ષણો પેદા થયાં છે એ જાણવાથી એની સમસ્યાનું નિવારણ સરળ બને છે. એવું જ પુરુષોની આ સમસ્યા માટે પણ કહેવાય.