કામ વધ્યું, કામ કરનારા નહીં

12 October, 2014 07:02 AM IST  | 

કામ વધ્યું, કામ કરનારા નહીં



પહેલાં બે વર્ષ વકીલોને કોર્ટમાં પ્રવેશ નહોતો

૧૯૮૯માં ફૅમિલી કોર્ટ શરૂ થઈ એ પછી બે વર્ષ સુધી વકીલોને ફૅમિલી કોર્ટમાં એન્ટ્રી પણ નહોતી. બહુ જ જૂજ કેસમાં કોર્ટ દ્વારા જ્યારે કહેવામાં આવે ત્યારે જ વકીલો કોઈનો કેસ હાથમાં લઈ શકતા હતા. જોકે કેસ કરનારી વ્યક્તિ પોતે જ કેસ લડતી એમાં ઘણોબધો સમય વેડફાઈ રહ્યો હતો. કેસની સંખ્યા વધતી જતી હતી. કોર્ટની પ્રોસીડિંગ ઝડપી બનાવવા માટે વકીલની એન્ટ્રી ફૅમિલી કોર્ટમાં થઈ. અત્યારે અનેક વકીલ અને જજ મિડિએટર તરીકે કામ કરી રહ્યા છે. ફૅમિલી કોર્ટના વકીલ, સ્ટાફર્સથી માંડીને ક્લાયન્ટના વેલ્ફેર માટે અમે ફૅમિલી કોર્ટ બાર અસોસિએશન બનાવ્યું છે. પહેલાં કરતાં અત્યારે મૅટ્રિમોનિયલ કેસમાં પૈસાનો પ્રભાવ વધ્યો છે. પહેલાં કરતાં ખર્ચ અને ઇન્કમ પણ વધ્યાં છે જેની અસર છૂટાછેડા દરમ્યાન લેવાતા સેટલમેન્ટ અને મેઇન્ટેનન્સ પર દેખાઈ રહી છે.

- સાજન ઉમર, ઍડ્વોકેટ અને પ્રેસિડન્ટ ઑફ ફૅમિલી કોર્ટ બાર અસોસિએશન

અનેક ટેક્નિકો વાપરીને ભેગાં કરવાની ટ્રાય કરી છે

ડિવૉર્સની અરજી કરનારા લોકોને સાઇકિયાટ્રિસ્ટ, સેક્સોલૉજિસ્ટ જેવા વિવિધ એક્સપર્ટ પાસેથી પણ ઍડ્વાઇઝ મળી રહે એવા પ્રયત્નો અમે કરીએ છીએ. એને લગતા સેમિનાર્સ શરૂ કર્યા છે. યેન કેન પ્રકારેણ અમારા પ્રયત્નો તેમને ભેગાં કરવાના હોય છે. છેલ્લાં ૨૫ વર્ષમાં આ મેજર બદલાવ છે જેમાં વધુ ને વધુ કપલ્સને મદદ કરીને તેમની દિશા સ્પષ્ટ કરવાનું કામ વધ્યું છે.

- જગન્નાથ કાંબળે, પ્રિન્સિપલ મૅરેજ-કાઉન્સેલર

વર્કલોડ વધ્યો છે છેલ્લાં વષોર્માં

૨૫ વર્ષ પહેલાં જ્યારે ફૅમિલી કોર્ટમાં જોડાઈ ત્યારે સિવિલ કોર્ટમાંથી ૩૦૦૦ કેસ ટ્રાન્સફર થયા હતા. એ વખતે બધા જ કેસનું રીનંબરિંગ કરવાથી લઈને ફાઇલ મૅનેજમેન્ટનું કામ કોર્ટ શરૂ થયાના આઠ દિવસ પહેલાં આવીને અમે લોકોએ શરૂ કરી દીધું હતું. શરૂઆતના દિવસોમાં અહીં શાકભાજીની માર્કેટ જેવી હાલત હતી, કારણ કે કોઈને કંઈ જ ખબર નહોતી. બધું સેટ અપ થઈ રહ્યું હતું. એ પછી બધું જ સિસ્ટમૅટિક થવા માંડ્યું. જોકે એ સાથે જ કામ વધ્યું છે. અમે લોકો અડધો કલાક વહેલા આવીને કામે લાગીએ છીએ છતાં પૂરું નથી થતું. કામની સરખામણીએ સ્ટાફ વધ્યો નથી, પરિણામે કામ પાછળ ઠેલાતું જાય છે જેની અસર દરેક પર પડી રહી છે.

- મેઘા નીતિન કવળે, જુડિશ્યલ ડિપાર્ટમેન્ટની સુપરિન્ટેન્ડન્ટ

કોર્ટ તરફથી સેન્સિટિવિટી વધી છે

મારા મતે છેલ્લાં કેટલાંક વષોર્માં નૉન-કસ્ટોડિયલ બાબતોમાં કોર્ટ વધુ સેન્સિટિવ બની છે. પહેલાં કસ્ટડી ધરાવતા પેરન્ટ્સ પાસે બાળક હોય તો તેને મળવાનું કે તેની સાથે સમય વિતાવવાનું અન્ય પેરન્ટ માટે અઘરું હતું. હવે એ બાબતમાં કોર્ટ દ્વારા સિમ્પથી દેખાડાય છે. એ ઉપરાંત બીજા બદલાવમાં પહેલાં મેઇન્ટેનન્સમાં નાની અમાઉન્ટ આપવામાં આવતી હતી જે હવે વધી છે. તેમ જ હવે જજનો જે બૅચ આવ્યો છે એ પહેલાં કરતાં વધુ સક્ષમ અને બહેતર છે. કાયદાના જ્ઞાન સાથે તેઓ વધુ સેન્સિટિવ પણ છે.

- મૃણાલિની દેશમુખ, સેલિબ્રિટી મૅટ્રિમોનિયલ લૉયર

લોકો પહેલાં કરતાં વધુ બિન્દાસ અને બોલ્ડ થયા છે

પહેલાં લોકો આવતા તો તેમની આંખોમાં શરમ દેખાતી. હવેના લોકો એકદમ બિન્દાસ થઈને પોતાની વાત કબૂલી લે છે. હવેની જનરેશન પહેલાં કરતાં વધુ ઓપન-માઇન્ડેડ થઈ છે. બહુ જલદી તેઓ દરેક નિર્ણય લઈ લે છે. અત્યારના લોકોમાં જરાય ધીરજ નથી. તેઓ ડિવૉર્સ લેવા આવે તો તેમના મોઢે પહેલી વાત એક જ હોય, અત્યારે ને અત્યારે આપો. એક દિવસ પણ વધારાનો બગાડવો તેમને ગમતો નથી.

એમ. એમ. માટે, રજિસ્ટ્રાર

અત્યારના લોકો વધુ આક્રમક બન્યા છે

પહેલાં ડિપાર્ટમેન્ટ ઓછા હતા અને ભીડ ઓછી હતી. જોકે ૨૫ વર્ષમાં ફૅમિલી કોર્ટમાં ભીડ પાંચ ગણી વધી ગઈ છે. લોકો વધુ આક્રમક બન્યા છે. જજની સામે પણ બિન્દાસપણે ગંદાં-ગંદાં એલિગેશન કરતાં તેઓ ગભરાતા નથી. અમે અગાઉના લોકોની આંખોમાં આંસુ અને શરમ જોયાં છે. હવે લોકો પોતાનાં ઇમોશન દેખાડતા નથી અથવા તેમને ઇમોશન્સ હોતાં જ નથી.

- નરેશ નાઈક, કોર્ટરૂમ પાંચનો હવાલદાર

કાઉન્સેલરનો રોલ મહત્વનો બન્યો છે

છેલ્લાં ૨૫ વર્ષથી આ કોર્ટ સાથે જોડાવાનો અવસર મળ્યો છે. જોકે શરૂઆતમાં જ્યારે એની રચના થઈ ત્યારે અમારા રોલ વિશે બધું જ અસ્પષ્ટ હતું. કોઈને અનુભવ નહોતો, કારણ કે બધાની જ નવી શરૂઆત હતી. અમને ખબર હતી કે કાઉન્સેલરનો ફૅમિલી કોર્ટમાં મહત્વનો રોલ હતો. એ પણ ખબર હતી કે બધી જ ટ્રાય મારી ચૂકેલા લોકો છેલ્લે થાકી-હારીને ફાઇનલ નિર્ણય લઈને જ કોર્ટનો રસ્તો પકડતા હશે. એ બધું આંખની સામે રાખીને અમારે માત્ર બન્ને પાત્રની આંખ નીચે જામેલી ધૂળ હટાવીને ચિત્રની પૉઝિટિવ અને નેગેટિવ બાબતો દર્શાવવાની હતી. અમારો પહેલો પ્રયાસ હોય બન્નેને ભેગા કરવાનો અને એ પછી હોય ડિવૉર્સ કાઉન્સેલિંગ. છૂટાછેડા લેવા માટે બન્ને પાર્ટી તૈયાર હોય તો કઈ રીતે આઉટ ઑફ કોર્ટ સેટલમેન્ટ કરીને કેસને ઈઝી બનાવી દેવો.

- ડૉ. માધવી દેસાઈ, મૅરેજ-કાઉન્સેલર

પત્ની સાથે ઝઘડતો નથી

અહીં અમે અનેક પ્રકારના લોકોને જોતા આવ્યા છીએ. કદાચ એની અમારા પર સૌથી મોટી પૉઝિટિવ અસર એ પડી છે કે ઘરે જઈને અમે ખૂબ શાંતિ રાખતાં શીખી ગયા છીએ. કોર્ટમાં મિયાં-બીબી જે રીતે લડાઈ કરતાં હોય છે એ રીતે ક્યારેય આપણે જીવનમાં ન ઝઘડીએ એવું નક્કી કરી લીધું છે. પહેલાંના લોકોમાં ફૅમિલી કોર્ટમાં આવવાનો ડર દેખાતો હતો, હવે લોકોને એનો કોઈ ડર દેખાતો નથી.

- સંતોષ ઘોને, કોર્ટરૂમ છનો હવાલદાર

પૅચ-અપ પ્રોગ્રામ્સ

ફૅમિલી કોર્ટની કાઉન્સેલિંગ કમિટી દ્વારા છૂટાછેડા માટે આવનારાં કપલને ભેગાં કરવા માટે તથા તેમની વચ્ચેના ડિફરન્સિસને સમજણ દ્વારા દૂર કરવા માટે નિયમિત ધોરણે વિવિધ પ્રોગ્રામ હાથ ધરવામાં આવે છે. પ્રિવેન્શન અને અવેરનેસ પ્રોગ્રામના ભાગરૂપ કોર્ટમાં કેસ કરનારાં કપલ્સ માટે નિબંધ-સ્પર્ધા, રિલેશનશિપ સેમિનાર, પર્સનાલિટી ડિસઑર્ડર અને ચાઇલ્ડ સાઇકોલૉજીને લગતા સેમિનાર્સ યોજાય છે. ડિબેટ અને સ્ટ્રીટ-પ્લેથી જાગૃતિ લાવવાના પ્રયત્ન થાય છે. મધર્સ ડે, ફાધર્સ ડે, ફૅમિલી ડે, ચિલ્ડ્રન્સ ડે વગેરેની ઉજવણી થાય છે. કોર્ટમાં ઠેર-ઠેર અવેરનેસ માટેનાં વિવિધ પોસ્ટર અને બૅનર્સ પણ લગાવવામાં આવ્યાં છે. કાઉન્સેલિંગ દ્વારા છૂટાછેડાનો નિર્ણય બદલીને ફરી ભેગાં થયેલાં ૧૨૫ કપલનું તાજેતરમાં બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પણ હાજર રહ્યા હતા.