ઓ. પી. નૈયર-આશા ભોસલેની જોડીનું અંતિમ ગીત કેવા સંજોગોમાં રેકૉર્ડ થયું?

12 October, 2014 06:58 AM IST  | 

ઓ. પી. નૈયર-આશા ભોસલેની જોડીનું અંતિમ ગીત કેવા સંજોગોમાં રેકૉર્ડ થયું?



વો જબ યાદ આએ - રજની મહેતા


Familiarity breeds contempt. અર્થાત્ અતિનિકટતા અવજ્ઞામાં પરિણમે છે. સંબંધોમાં જ્યારે વ્યક્તિઓને એકમેકથી ટેબલ-સ્પેસ જેટલી જગ્યાની મોકળાશ ન મળે ત્યારે ગૂંગળામણ અનુભવાય છે. એકમેકની વિશિષ્ટતાઓ મર્યાદામાં પરિણમે છે. બે પંક્તિઓ યાદ આવે છે...

દૂરતા થોડી વખત મોંઘી પડી

પણ નિકટતા તો સતત મોંઘી પડી

આવું જ કંઈ સંગીતકાર ઓ. પી. નૈયર અને આશા ભોસલેના સંબંધોમાં બન્યું. જેમ પ્રેમને કારણો સાથે કોઈ સંબંધ નથી. એનાથી ઊલટું વિચ્છેદ માટે સંબંધિત વ્યક્તિઓને અનેક કારણો મળી રહેતાં હોય છે. આ કૉલમમાં કોઈના અંગત જીવનમાં ડોકિયું કરી ખણખોદ ન કરવાનો શિરસ્તો કાયમ રાખીને એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે એક એવા યુગનો અંત આવ્યો જેમાં ઓ. પી. નૈયર અને આશા ભોસલેની જોડીએ અવિસ્મરણીય ગીતો સંગીતપ્રેમીઓને આપ્યાં. આ જોડીનું છેલ્લું ગીત હતું ૧૯૭૩માં આવેલી ફિલ્મ ‘પ્રાણ જાએ પર વચન ન જાએ’નું, જેના શબ્દો હતા ચૈન સે હમકો કભી આપ ને જીને ના દિયા.

 ઓ. પી. નૈયર અને આશા ભોસલેના નિકટના સંબંધોથી આ ગીતના શાયર એસ. એચ. બિહારી વાકેફ હતા અને એમાં આવેલા તનાવથી પણ. અમીન સાયાની સાથેના એક ઇન્ટરવ્યુમાં તેમણે આ ગીત માટે એક રસપ્રદ કિસ્સો કહ્યો હતો એ તેમના જ શબ્દોમાં -

‘બે પ્રતિભાશાળી વ્યક્તિત્વમાં આવતા તનાવ ઘણી વખત એક વ્યક્તિ માટે જીરવવા અસહ્ય બની જાય છે. એક દિવસ આશાજી ખૂબ જ વ્યગ્ર હાલતમાં મારી સાથે વાત કરતાં બોલી પડ્યાં, ‘કૈસી હૈ મેરી ઝિંદગી? કોઈ મુઝે ચૈન સે જીને ભી નહીં દેતા.’ મેં તેમને વધુ કંઈ ન કહેતાં આશ્વાસન આપ્યું. તેમની આ વાત પરથી મારા એક ગીતનું મુખડું બન્યું - ‘ચૈન સે હમકો કભી આપને જીને ના દિયા.’ ગીત પૂરું થતાં મેં નૈયરસાબને એ બતાવ્યું. તેઓ સમજી તો ગયા કે આ કોની વાત છે, પણ એટલું જ કહ્યું - અચ્છા લિખા હૈ. ત્યાર બાદ આ ગીત રતન મોહનની ફિલ્મ ‘પ્રાણ જાએ પર વચન ન જાએ’ માટે અમે લીધું.’

૧૯૭૩માં આવેલી આ ફિલ્મનાં સાત ગીતોમાંથી છ આશા ભોસલેએ અને એક મોહમ્મદ રફીએ ગાયાં હતાં, પણ આ ગીતના રેકૉર્ડિંગ (જે ફિલ્મનું અંતિમ ગીત રેકૉર્ડ થયું) સમયે બન્નેના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. નિર્માતાને ડર હતો કે આશા ભોસલે ગીતને રેકૉર્ડ કરશે કે નહીં. પણ તેઓ આવ્યાં અને ગીત રેકૉર્ડ થયું. એ સમયની વાતો એસ. એચ. બિહારીના એ જ ઇન્ટરવ્યુમાંથી -

‘એ દિવસે રેકૉર્ડિંગ રૂમમાં અમે સૌ તંગ હતા. દરેકને ખબર હતી કે બન્ને એકમેકની જિંદગીથી અલગ થઈ ગયાં હતાં, પણ આશાજીએ એક પ્રોફેશનલ આર્ટિસ્ટની જેમ પોતાનું કમિટમેન્ટ પૂરું કર્યું. ગીતના શબ્દો પણ કેટલા સૂચક હતા! જ્યારે મેં આ ગીત લખ્યું ત્યારે મને ખબર નહોતી કે આવા સંજોગોમાં આ ગીત રેકૉર્ડ થશે. આ પહેલાં ફિલ્મનાં ગીતો રેકૉર્ડ થયાં હતાં એ સમયે તેમની વચ્ચે પહેલાં જેવી ઉષ્મા નહોતી. વાતચીત પણ ખપપૂરતી જ થતી. પણ એ દિવસે માહોલ જુદો હતો. આશાજીએ આવીને કહ્યું, સીધો ટેક લઈએ છીએ. પણ ઓ. પી. નૈયરે કહ્યું, એક રિહર્સલ કરી લઈએ. આશાજીએ વાત માન્ય રાખી. ખપ પૂરતી વાતો થઈ એ પણ સહાયકો દ્વારા. બન્ને એકમેકથી દૂર. ઓ. પી. નૈયર રેકૉર્ડિસ્ટ સાથેની કૅબિનમાં અને આશા ભોસલે સિંગરની કૅબિનમાં. પહેલા જ ટેકમાં ગીત ઓકે થયું. વાસ્તવિકતા બયાન કરતું આ ગીત આશાજીએ જે દર્દથી ગાયું એની સચ્ચાઈ અમને દરેકને સ્ર્પશી ગઈ. ઓ. પી. નૈયર માથું ધુણાવતા આશાજીના દર્દને જાણે પંપાળતા હોય એમ બોલી ઊઠ્યા, ક્યા બાત હૈ! બહોત ખૂબ.

‘ગીત પૂરું થયું અને આશાજીએ વિદાય લીધી. ચૂપચાપ, એક પણ શબ્દ બોલ્યા વિના. કોઈની સાથે વાતો કર્યા વગર. કેટલાય સમય સુધી વાતાવરણમાં એક સન્નાટો છવાયેલો રહ્યો. ચારે તરફ એક ગમગીની છવાઈ ગઈ હતી. દરેકને એક વાતનો રંજ હતો કે હવે આ બન્નેનો કમાલ સાંભળવા નહીં મળે. જાણે એક યુગ સમાપ્ત થઈ ગયો.’

€€€

વાતોનાં વડાં કરનારા લોકોને તો ટાઇમપાસ માટે એક વિષય મળી ગયો. ઓ. પી. નૈયરના રંગીન સ્વભાવને જાણતા લોકોએ આ વિચ્છેદ માટે તેમને જવાબદાર ગણાવ્યા. તો કોઈએ આશા ભોસલેના જીવનમાં આર. ડી. બર્મનના આગમનની વાતો ફેલાવી. હકીકત જે હોય તે, પણ જે બન્યું એ દુ:ખદ હતું અને કદાચ અનિવાર્ય પણ. શિરીષ કણેકર સાથેની મુલાકાતમાં ઓ. પી. નૈયર આ વિશે વાત કરતાં કહે છે, ‘ઍસ્ટ્રોલૉજીનો મારો અભ્યાસ એમ કહેતો હતો કે અમે એક દિવસ છૂટાં પડીશું. અમારી વચ્ચે મનદુ:ખ થશે એ નક્કી જ હતું. એટલે તે મને છોડે એ પહેલાં જ મેં તેને છોડવાનું નક્કી કર્યું. જીવન હંમેશાં હું મારી શરતોએ જીવ્યો છું. લતા મંગેશકર માટે કહેવાતું કે તેના સ્વરથી સંગીતકારોની કારકર્દિી  બને છે. મને એ મંજૂર નહોતું. એટલે તેની પાસે મેં કદી ન ગવડાવ્યું. આશા સાથે પણ મને એ મંજૂર નહોતું કે મારું અસ્તિત્વ તેના કારણે છે. તેની ગેરહાજરીથી મારા સંગીત પર અસર પડે એ મને કબૂલ છે, પણ હું સમાધાનો સાથે જીવવામાં માનતો નથી. આજે પણ હું મારી શરતોએ જીવું છું. ભૂખે મરીશ, પણ કોઈની સામે નમીશ નહીં. કબૂલ કે આશા એક મહાન ગાયિકા છે. એમાં કોઈ શક નથી, પણ તેને મહાન બનાવવામાં મારા સંગીતનો ફાળો કેટલો છે એ આખી દુનિયા જાણે છે.’

આશા ભોસલે પછીના ઓ. પી. નૈયરના સંગીતની અને જીવનની વાતો આવતા રવિવારથી.