૨૪ કલાકમાં ૧૯ દેશની સફર

09 November, 2014 07:12 AM IST  | 

૨૪ કલાકમાં ૧૯ દેશની સફર





રેકૉર્ડ-મેકર - સેજલ પટેલ

જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો છે. પહેલાં વિદેશ જવા માટે મહિનાઓ સુધી સ્ટીમરમાં બેસીને સફર કરવી પડતી હતી. હવે તો માણસ સવારે દુબઈ જવા ફ્લાઇટ પકડે અને કામ પતાવીને દુબઈથી પાછો મુંબઈ ઘરભેગો પણ થઈ જાય. ૨૪ કલાકના ગાળામાં વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે એની કદાચ આપણે કલ્પના પણ કરી શકીએ એમ નથી. ચાલો કલ્પના કરી કે તમારી પાસે ૨૪ કલાક ફ્રી છે. તમે ચાહો એટલું ફરી શકો છો, ચાહો એ કરી શકો છો, ચાહો એ દુનિયાના દેશોની મુલાકાતે જઈ શકો છો... આવી તમામ છૂટ આપવામાં આવે તો તમે કેટલી જગ્યાએ ફરી શકો? બહુ-બહુ તો કોઈ એકાદ દેશની મુલાકાત લઈ શકાય. ખરુંને? જોકે નૉર્વે દેશના જુવાનિયાઓની એક ત્રિપુટીએ એક દિવસ એટલે કે નકરા ૨૪ કલાકમાં એક, બે, ત્રણ નહીં... પૂરા ૧૯ દેશોની ધરતી ખૂંદી વળવાનું સાહસ કર્યું છે.

૨૪ કલાક અને ૧૯ દેશો. સતત કનેક્ટિવ ફ્લાઇટ્સ પકડીને સફર કરવામાં આવે તોય બે-ચાર દેશથી વધુ ૨૪ કલાકમાં કવર ન થઈ શકે. જોકે નૉર્વેના ૩૯ વર્ષના ગુન્નર ગાફૉર્સ, ૪૨ વર્ષના ટાય યંગ અને ૩૮ વર્ષના ઓવિન્ડ જુવિકની ત્રિપુટીએ વષોર્ સુધી પ્લાનિંગ અને એક્સપરિમેન્ટ કરીને ૨૪ કલાકમાં સૌથી વધુ દેશોમાં ફરી આવ્યાનો રેકૉર્ડ બનાવી દીધો છે. અલબત્ત, એ માટે થોડુંક સ્માર્ટ મૅનેજમેન્ટ કરવું પડે. યુરોપ ખંડમાં કેટલાક દેશો એવા છે જે આપણા ભારતનાં રાજ્યો કરતાં પણ નાના છે. બાય રોડ આ દેશોની સરહદો પર થપ્પો મારી આવો એટલે એ દેશની મુલાકાત કરી લીધી છે એવો સિક્કો મળી જાય. કેટલાક એવા ત્રિવેણી સંગમ જેવા દેશોનો રૂટ પસંદ કરીને નૉર્વેની ત્રિપુટીએ જબરદસ્ત અશક્ય લાગતો વિક્રમ આખરે બનાવી જ દીધો હતો. તેઓ ગ્રીસથી નીકળીને બલ્ગેરિયા, મૅસેડોનિયા, કોસોવો, સર્બિયા, ક્રોએશિયા, બોસ્નિયા, સ્લોવેનિયા, ઑસ્ટ્રિયા, હંગેરી, સ્લોવેકિયા, ચેઝ રિપબ્લિક, જર્મની, નેધરલૅન્ડ્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડ થઈને ૨૪ કલાક પૂરા થાય એ પહેલાં લિક્ટેન્સ્ટેઇન નામના યુરોપિયન દેશમાં જઈ પહોંચ્યા હતા. આ દોસ્તોનું કહેવું છે કે જો વેધર થોડુંક સારું હોત તો તેઓ વીસમા દેશ ઇટલીમાં પહોંચી શક્યા હોત.

૨૦૧૨માં ૨૪ કલાકમાં ૧૭ દેશ ફરવાનો રેકૉર્ડ ઇંગ્લૅન્ડના એસેક્સ ટાઉનમાં રહેતા ચાર દોસ્તોએ બનાવ્યો હતો. નૉર્વેની ત્રિપુટીએ આ રેકૉર્ડ તોડવાનો પહેલો પ્રયત્ન આ જ વર્ષે મે મહિનામાં કયોર્ હતો, પણ પહેલી વારનો પ્રયોગ ધાર્યા મુજબ પાર ન પડતાં તેઓ પણ ૧૭ દેશની સફર જ કરી શક્યા હતા. વર્લ્ડ ટૂરના પહેલા પ્રયોગમાં વિક્રમની બરોબરી કર્યા પછી નૉર્વેની ત્રિપુટીને જંપ નહોતો. તેમણે વધુ સ્માર્ટ અને વધુ શૉર્ટકટ સાથે જર્ની પ્લાન કરીને સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વાર રેકૉર્ડ બ્રેક કરવાનો પ્રયત્ન કયોર્. આ વખતે તેમણે ફ્લાઇટને બદલે બાય રોડ ટ્રાવેલને વધુ મહત્વ આપ્યું. દરેક દેશમાં તેઓ કેટલા વાગ્યે પહોંચશે અને ત્યાંથી જરૂર પડ્યે કાર હાયર કરવા માટેના વિકલ્પો, એ જ સમયે સ્થાનિક મીડિયાને હાજર રાખીને ત્યાં થોડીક મિનિટોનું ફોટોસેશન પતાવીને ઝટપટ આગળની યાત્રા આરંભી દેવાનું જડબેસલાક આયોજન આ વખતે તેમણે કરેલું. માત્ર બે જ વખત તેમણે ફ્લાઇટનો ઉપયોગ કયોર્ ને બાકીના દેશો તેઓ રોડ દ્વારા જ ઘૂમી વળ્યા.

મોટા ભાગના દેશોમાં તો તેઓ બૉર્ડર પાર કરીને એ દેશની ભૂમિ પર ફોટો પડાવીને અને મીડિયા સામે પુરાવો આપીને થપ્પો મારીને જ નીકળી ગયા હતા. ગ્રીસથી નીકળ્યા પછી બે દેશની સફર પતાવીને કોસોવો દેશની સરહદ પાર કરવામાં ખૂબ લાંબી લાઇન હતી ત્યારે એ દેશની મુલાકાતને પોતાના લિસ્ટમાં સામેલ કરી શકાય એ માટે તેમણે કાર ત્યાં જ છોડી દીધી. એ પછી દોડીને બૉર્ડર પાર કરી અને બીજા દેશની ભૂમિ પર ત્યાંના પોલીસકર્મીઓ સાથે ફોટો પડાવીને કારમાં બેસીને પાછા વળી ગયા હતા. ફ્રાન્સની વિઝિટ તેમનો ૧૭મો દેશ હતો. એ પછી સ્વિટ્ઝરલૅન્ડ પહોંચ્યા ત્યારે તેમણે નવો રેકૉર્ડ તો બનાવી દીધો, પણ ખરાબ મોસમને કારણે તેઓ જોઈએ એટલી ઝડપે આગળ વધી ન શકતાં માત્ર લિક્ટેન્સ્ટેઇન પહોંચી શક્યા અને ઇટલીમાં વીસમો દેશ કવર કરવાની ઇચ્છા અધૂરી રહી ગઈ.

જોકે હાલમાં તો તેમના નામે નવો વિશ્વવિક્રમ બની જ ગયો. એ છે ૨૪ કલાક પૂરા થવામાં વીસ મિનિટ બાકી હતી ત્યાં સુધીમાં ૧૯ દેશની સફર કરવાનો વિક્રમ.