ટ્રુડાયલર : વૉટ ઇઝ યૉર મોબાઇલ-નંબર?

09 November, 2014 07:10 AM IST  | 

ટ્રુડાયલર : વૉટ ઇઝ યૉર મોબાઇલ-નંબર?




વેબ-વર્લ્ડ - આર્યન મહેતા

આપણા મોબાઇલ ફોનના યુગની એક હળવી પરંતુ રસપ્રદ સમસ્યા છે. કોઈ પરિચિત વ્યક્તિનો ફોન આવે અને ન કરે નારાયણ ને તમે તેનો નંબર મોબાઇલમાં સેવ ન કર્યો હોય ત્યારે તેનું નામ (ધારો કે બોલોને ચંપકભાઈ) કહેવાને બદલે માત્ર હલો જ કહો તો ચંપકભાઈ રિસાઈ જાય. તે સામો છણકો કરે, ‘બસને પ્રભુ, આપણો નંબર સેવ નથી કર્યોને. હા ભાઈ, તમે તો મોટા માણસ; અમારા જેવા ગરીબોના નંબરો ક્યાંથી સેવ કરો!’

બીજી એક વારંવાર રિપીટ થતી ત્રાસદાયક ઘટના એવી છે કે આપણે ભયંકર બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિકમાં ફસાયેલા હોઈએ અને કોઈકની રિંગ વાગે. આપણને થાય કે અજાણ્યા નંબર પરથી આવેલો આ કોઈનો અગત્યનો કૉલ હશે અને મહામુસીબતે આપણે કૉલ લઈએ ત્યાં કાં તો એ ટેલિકૉમ કંપનીનો પ્રચારાર્થે આવેલો કૉલ હોય અથવા તો કોઈએ ક્રેડિટ કાર્ડ વેચવા માટે કરેલો ફોન હોય. આ તમામ મુશ્કેલીઓના રામબાણ ઉપાયસમી એક ઍપની વાત આપણે અગાઉ આ જ કૉલમમાં કરી ગયા છીએ. નામ રાખ્યું છે ટ્રુકૉલર. ઇન્ટરનૅશનલ મોબાઇલ ફોન ડિરેક્ટરી તરીકે ઓળખાતી આ ઍપ્લિકેશન આપણા ફોનમાં આવતા તમામ અજાણ્યા નંબરોનું નામ શોધીને એકદમ રિયલ ટાઇમમાં આપણને રજૂ કરે છે એટલું જ નહીં, અજાણ્યા નામ કે નંબરને એમાં સર્ચ પણ કરી શકાય છે અને કકળાટિયા નંબરોને એની મદદથી બ્લૉક પણ કરી શકાય છે.

સ્વીડનના સ્ટૉકહોમની આ કંપની ટ્રુકૉલર (Truecaller) હવે નવી ઍપ્લિકેશન લઈને આવી છે, જેનું નામ છે ટ્રુડાયલર (Truedialer). અત્યારે ઍન્ડ્રૉઇડ અને વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમવાળા ફોન માટે ફ્રીમાં ઉપલબ્ધ એવી આ ઍપ એના નામ પ્રમાણે સ્માર્ટ ડાયલર છે. જરા વધારે સિમ્પલ ભાષામાં વાત કરીએ. એક વાર ડાઉનલોડ કરી લઈએ કે તરત જ આ ઍપ આપણા ફોનમાં આવતા-જતા કૉલ્સની નોંધ રાખતા કૉલ લૉગ અથવા તો ફોનબુકને સ્માર્ટનેસના વાઘા પહેરાવી દે છે. ટ્રુડાયલરમાં અગાઉની સુપર સક્સેસફુલ એવી ટ્રુકૉલર ઍપની ખાસિયતોને જોડી દેવામાં આવી છે એટલે ટ્રુડાયલરનો આપણા ફોનમાં પ્રવેશ થયા બાદ આપણા કૉલ-લિસ્ટમાં એક પણ નંબર નામ વિનાનો રહેતો નથી. ટ્રુડાયલર અજાણ્યા નંબરનું નામ પોતાની એક અબજથી પણ વધારે નંબર્સ ધરાવતી વિશાળ ડિરેક્ટરીમાંથી શોધીને આપણને બતાવે છે. એટલે એક તો આપણે નકામા નંબર્સને કામના સમજીને કૉલબૅક કરતા અટકીએ છીએ અને કોઈ સ્પૅમ (જાહેરખબરિયો) નંબર હોય તો આ ઍપ આપણને એવું પણ કહે છે કે અગાઉ આટલા લોકોએ આ નંબરને બ્લૉક કરેલો છે.

આ ઉપરાંત આ ઍપનું સ્માર્ટ કી-પૅડ આપણી ફોનબુકમાંથી કોઈ વ્યક્તિને શોધવાનું કામ પણ એકદમ ઈઝી બનાવી દે છે. ધારો કે આપણે ચંપકભાઈને ફોન કરવાનો છે તો તેમનું નામ ટ્રુડાયલરના કી-પૅડ પર ટાઇપ કરવામાત્રથી ચંપકભાઈ તેમના નંબર સાથે સપાટી પર પ્રગટ થઈ જાય છે.

ટ્રુડાયલર ડાઉનલોડ કરતાંવેંત એ આપણા બોરિંગ કૉલ-લિસ્ટને એકદમ રંગબેરંગી તો બનાવે જ છે, ઉપરાંત બીજાં બે રસપ્રદ ફીચર પણ જાણવા જેવાં છે. કૉલ-લૉગમાંના કોઈ પણ નામ-નંબરને જમણી બાજુ સ્વાઇપ કરવાથી એ કૉન્ટૅક્ટની તમામ માહિતી પ્રગટ થાય છે. તો એ નંબરને મેસેજ કરવો હોય તો એને ડાબી બાજુ સ્વાઇપ કરવાનો જેથી એ મહાનુભાવને SMS, વૉટ્સઍપ કે અન્ય મેસેજિંગ સર્વિસથી સંદેશો મોકલવો હોય તો એ પણ ચુટકી બજાકે થઈ જાય છે.

પ્લસ આ ઍપ્લિકેશન આપણને નવ વ્યક્તિઓના નંબર્સને સ્પીડ ડાયલમાં મૂકવાની પણ ફૅસિલિટી આપે છે. અને હા, તમારે ફોનમાંના રિસીવ્ડ કૉલ્સ, આઉટગોઇંગ કૉલ્સ, મિસ્ડ કૉલ્સ વગેરેનું અલગથી લિસ્ટ જોઈતું હોય તો એ પણ એક જ ટચમાત્રથી મળી જશે. આ ટ્રુડાયલર કદમાં પણ હળવું હોવાથી એ ફોનની મેમરી પર પણ બોજો નાખતું નથી એ એનો બીજો હિડન ઍડ્વાન્ટેજ છે.

હા, અત્યારના તબક્કે આ ઍપ્લિકેશન ઍપલના પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ નથી, પરંતુ ટ્રુકૉલર કંપનીનો રેકૉર્ડ જોતાં એ બહુ ઓછા સમયમાં ઍપલ ઉપરાંત બ્લૅકબેરી વગેરે પ્લૅટફૉર્મ પર પણ હાજર થઈ જશે એ નક્કી વાત છે.