ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૩

09 November, 2014 07:01 AM IST  | 

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૩


નવલકથા - રશ્મિન શાહ


‘સરદાર, માએ કહેવડાવ્યું છે કે એક વાર મળવાનું છે...’

ખબરીએ જ્યારે વાવડ આપ્યા ત્યારે પહેલાં તો ભૂપતને મનમાં ડર પેઠો હતો કે નક્કી કોઈ નવી રામાયણ શરૂ થઈ હશે. સામાન્ય રીતે પોલીસ કે પછી અંગ્રેજોની પકડ જ્યારે ભૂપત પર મજબૂત થતી કે એવું કરવાની એ લોકો કોશિશ કરતા ત્યારે વાઘણિયામાં ભૂપતનાં માબાપને હેરાન કરવાની કોશિશ કરવામાં આવતી. આમ તો જોકે લાંબા અરસાથી બધાની વચ્ચે એક એવી છાપ ઊભી થઈ જ ગઈ હતી કે ભૂપત અને તેનાં બા-બાપુજી વચ્ચે કોઈ વ્યવહારો રહ્યા નથી એટલે એ છાપના આધારે તેમની ખાસ કંઈ કનડગત કરવામાં આવતી નહીં. એમ છતાં ક્યારેક એવું બની જતું કે બાપુને મળવાના બહાને પોલીસચોકીએ બોલાવવામાં આવતા અને બોલાવ્યા પછી તેમને કલાકો સુધી નજરકેદ રાખવામાં આવતા. આ નજરકેદની અમરસિંહને ખાસ કોઈ અસર થતી નહીં અને તેઓ કર્મને દોષ આપીને ચૂપચાપ આખો દિવસ ચોકીમાં કાઢી નાખતા. અમરસિંહનો શાંત સ્વભાવ અને તેમનો સત્યપ્રેમ વાઘણિયાભરમાં જાણીતો હતો એટલે અમુક સમય સુધી રાહ જોયા પછી પોલીસ અને અંગ્રેજ તેમને સામેથી જ રવાના કરી દેતા. શરૂઆતના સમયમાં તો નજરકેદમાંથી છૂટનારા અમરસિંહ પર નજર રાખનારાઓ પણ મૂકવામાં આવતા, પરંતુ એ પછી પણ તેમની હિલચાલમાં કોઈ પ્રકારની શંકા જન્મતી નહીં એટલે છેલ્લા થોડા સમયથી તો એ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

માએ મળવાનું કહેણ મોકલ્યું એ સાંભળ્યા પછી ભૂપત સ્વાભાવિક રીતે ડર્યો હતો. મનમાં પ્રસરી ગયેલો આ ડર ભૂપતના ચહેરા પર પણ ઝળકી ગયો હતો. ચહેરા પર પથરાયેલી ચિંતાની એ લકીર જોયા પછી ખબરીએ તરત જ ખુલાસો પણ કર્યો હતો.

‘ચિંતા કરવા જેવું કંઈ નથી, પણ માને તેના મનની એક વાત કહેવી છે એટલે તેણે મળવા માટે કહેણ મોકલાવ્યું છે...’

‘પાકું છેને?’ ભૂપતે આંખો ઝીણી કરીને પૂછ્યું, ‘એવું તે કંઈ નથીને જે મારાથી છુપાવવું પડે...’

‘ના સરદાર... એવું કંઈ નથી.’ ખબરીનો હાથ અનાયાસ જ ગળા પર ચાલ્યો ગયો હતો અને ગળાની ચામડી તેણે સમ ખાવા માટે જમણા હાથે ખેંચી હતી, ‘તમારી સામે ખોટું બોલું તો-તો પાપમાં પડું... એવું કંઈ નથી.’

‘હં...’ ભૂપતે ધરપતનો શ્વાસ લીધો અને માને કહેણ પણ મોકલી આપ્યું, ‘માને કહેજે કે સમય મળ્યે વહેલી તકે ઘરે આવી જઈશ...’

ખબરીએ તરત જ વાતની ચોખવટ કરી.

‘તમારે ઘરે નથી જવાનું. બહાર જ કોઈ જગ્યાએ મળી લેવાનું છે. માનું કહેણ લઈને બીજું કોઈ આવશે અને...’

ભૂપતને આશ્ચર્ય થયું. આવું અગાઉ ક્યારેય બન્યું નહોતું. જો કોઈને મદદ કરવાની હોય તો પણ મા સંદેશો લઈ આવનારા સાથે વાત પહોંચાડી દેતી અને જો કોઈ બહુ અગત્યનું કામ હોય તો એ કામ માટે મા સીધી જ તેને મળી લેતી. જોકે આ વખતે તેને બદલે કોઈ બીજું આવવાનું હતું, એ પણ માનો સંદેશો લઈને...

‘બીજું વળી કોણ આવવાનું છે?’

‘એ તો ખબર નથી, પણ આવશે ઘરના જ કોઈ સભ્યમાંથી...’ ખબરીએ ભૂપતની આંખમાં ડોકાઈ રહેલી શંકાને જોઈને તરત જ ચોખવટ કરી, ‘એવું માએ કહ્યું છે... હું તો ખાલી આપણને જાણ કરું છું.’

‘હં... સમજી ગયો.’ ભૂપતે ખબરીની આંખોમાં જોયું, ‘સમય લઈને તારે પાછા જવાનું છે?’

ખબરીએ ચાવી દીધેલા રમકડાની જેમ એકધારી ચાર-છ વખત હા પાડી દીધી એટલે ભૂપતે જવાબ આપ્યો : ‘કહી દેજે, આવતા રવિવારે માણાવદરમાં મળીએ.’

જે ક્ષણે આ સમય નક્કી થયો એ સમયે માત્ર ભૂપત કે રાંભી બે જ નહીં, બીજા અનેક લોકોની નજર રવિવાર પર ખોડાઈ ગઈ હતી. ભૂપત બહાર આવે એવી ઇચ્છા જે રીતે રાંભી અને હુમાતાઈના મનમાં પોષાઈ રહી હતી એવી જ રીતે ફોજદાર પણ એ જ દિશામાં આગળ વધી રહ્યા હતા. ફોજદારની ધારણા વાજબી હતી કે કોઈ પણ હિસાબે માઇકલ ડગ્લસનું પગેરું દબાવીને એ પગેરા પર ચાલી ભૂપતને રંગેહાથ પકડવો. સામા પક્ષે ભૂપતને એ વિશે કોઈ અણસાર સુધ્ધાં નહોતો. તે પોતાની મુશ્તાકીમાં મસ્ત હતો અને તેના મનમાં એ જ વાત ઘર કરી ચૂકેલી હતી કે કોઈ પણ હિસાબે અંગ્રેજોની ટ્રેન લૂંટવી. લૂંટવામાં આવનારી આ ટ્રેનમાં માલસામાન શું ભર્યો હતો એ તેને ખબર નહોતી, પણ જે કોઈ પ્રકારની માહિતી તેને મળી હતી અને કાળુએ જે માહિતી તેની પાસે મૂકી હતી એના આધારે એટલી ખબર પડી ગઈ હતી કે ટ્રેનમાં જે કોઈ માલની હેરફેર થવાની છે એ કીમતી છે. અલબત્ત, આ અનુમાનના આધારે કેવી રીતે આગળ વધવું એની દિશા નક્કી નહોતી થઈ શકતી એટલે જ ભૂપતે ટ્રેનની દેખરેખની જવાબદારી જે અંગ્રેજોને સોંપવામાં આવી હતી એ બન્નેને ઊંચકીને બંદી બનાવી લીધા હતા. બંદી બનાવવામાં આવેલા આ અંગ્રેજો પાસેથી માહિતી કઢાવવાનું કામ કાળુને સોંપીને ભૂપત થોડી વાર માટે ગામમાં આંટો મારવા માટે ગયો, પણ તેની ગેરહાજરીમાં કાળુએ પેલા અંગ્રેજોને એ હદે પીટ્યા હતા કે બન્નેની સારવાર માટે બહારથી વૈદ્યરાજને બોલાવવા પડ્યા હતા.

વૈદ્યરાજે આવીને સારવાર આપવાનું કામ પહેલાં શરૂ કર્યું હતું અને એ સારવાર પૂરી કરીને તેમણે ભૂપતની ઓળખ પણ છતી કરી દીધી હતી. ભૂપત માટે એ ક્ષણ ભારોભાર કષ્ટદાયી હતી. પહેલી વખત કોઈ એવો માણસ તેની સામે આવ્યો હતો જે તેને ઓળખતો અને પિછાણતો હોવા છતાં સહેજે ગભરાયો નહોતો. શરીર કૃશ થઈ ગયું હતું અને આંખોમાં ઉંમરનો ભાર વર્તાઈ રહ્યો હતો તો પણ તે ખુદ્દારી સાથે તેની સામે ઊભો રહ્યો હતો અને આંખમાં આંખ પુરાવીને વાત કરતો હતો. આટલું ઓછું હોય એમ જતી વખતે તે એવું પણ બોલીને ગયો હતો કે ‘જીવ લઈને કમાયેલો રૂપિયો જીવ બચાવવામાં કેવી રીતે કામ લાગવાનો...’

- વાત તો એકદમ સાચી હતી.

જીવ લઈને કમાયેલો રૂપિયો કોઈનો જીવ બચાવવાનું કામ કેવી રીતે કરી શકે.

ભૂપતે દેખાવા નહોતું દીધું, પણ તે અંદરથી ખળભળી ગયો હતો. વાંરવાર વૈદ્યરાજના આ શબ્દો તેના કાને અથડાઈ રહ્યા હતા. વાંરવાર એ એક ને એક વાત તેના મનમાં અંધકાર પાથરવાનું કામ કરી રહી હતી અને વાંરવાર એ એક ને એક ચહેરો તેની આંખ સામે આવી રહ્યો હતો. ભૂપત પ્રયત્નપૂર્વક એ ચહેરાને પોતાનાથી દૂર કરવાની કોશિશ કરતો હતો, પણ એ નહોતો થઈ શકતો. એ રાતે જંગલમાં પાછા જવાનું ટાળીને ભૂપત અને કાળુ ખેતરમાં જ રોકાઈ ગયા હતા. રાતે ભૂપત ખાટલા પર પડખાં ફરી રહ્યો હતો ત્યારે કાળુએ ટકોર પણ કરી હતી:

‘અલ્યા, આમ તો તને ખરાબમાં ખરાબ જગ્યાએ પણ ઊંઘ આવી જાય છે તો આજે શું પડખાં ઘસે છે...’ ભૂપતે જવાબ આપવાનું ટાળ્યું ત્યારે કાળુએ ટોણો પણ માર્યો હતો, ‘મૂંગા રહેવાથી મનમાં ચાલતા વિચારો અટકી નથી જતા...’

‘જો મૂંગા રહેવાથી વિચારો અટકતા ન હોય તો તારી જેમ બકબક કરવાથી વિચારોને દિશા નથી મળી જતી...’

‘ભઠાઈ છે શાનો... બોલવું ન ગમતું હોય તો હવેથી નો બોલું...’

ભૂપતે ધીમેકથી કહ્યું હતું, ‘એવું તો ઘણું છે જેમાં બોલવું તો શું કરવું પણ નથી ગમતું અને એ પછી પણ બોલવું અને કરવું પડતું હોય છે...’

ભૂપતના સદ્નસીબે સવાર પડતાં સુધીમાં પેલા બન્ને અંગ્રેજો ભાનમાં આવી ગયા હતા. સવારે પહેલું કામ તેમને ચા અને નાસ્તો પહોંચાડવાનું કરવામાં આવ્યું અને એ પછી ભૂપત અને કાળુ ઝૂંપડીમાં દાખલ થયા. કાળુને જોઈને તો પેલા બન્ને થથરી ગયા હતા. એક અંગ્રેજે તો હાથ પણ જોડ્યા અને અંગ્રેજીમાં કહ્યું પણ ખરું કે આ રાક્ષસને અમારાથી દૂર રાખજો.

‘ભૂપત, જો હજીયે અંગ્રેજીની મા પરણે છે... દઉં બે ઉપાડીને?’

ભૂપતે આંખના ઇશારાથી જ કાળુને દૂર રાખ્યો અને પછી તે અંગ્રેજની પાસે ગયો. શક્ય એટલા સૌમ્ય બનીને અને સભ્યતા સાથે તેણે એક અંગ્રેજને સમજાવવાનું શરૂ કર્યું. કાળુને આ સમજાવટ ગમતી નહોતી એટલે જેવી ભૂપતે વાત શરૂ કરી કે તરત જ તે

વચ્ચે બોલ્યો.

‘આ ગધેડા એમ નહીં સમજે ભલા માણસ, એમને ખર્ચાપાણી આપવા પડે...’

‘તું મૂંગો રહેવાનું શું લેશે?’

‘રોટલો ને છાશ...’ કાળુએ મશ્કરી કરી, ‘હોય તો આપી દે અને ન હોય તો મને ખાવા જવા દે... બાકી, અહીં ઊભો રહીશ તો આ લોકો પર કમાન છટકેલી રહેશે.’

ભૂપતે કાળુને રવાના કર્યો એટલે ઝૂંપડીમાં સન્નાટો છવાયો. ભૂપતે મનમાં ચાલી રહેલા વિચારોને એક દિશા આપી અને એ દિશાની વાટ પકડીને તેણે ફરીથી અંગ્રેજ સાથે વાત શરૂ કરી.

‘જુઓ, મને તમારી સાથે કોઈ દુશ્મની નથી. કોઈ એટલે કોઈ દુશ્મની નથી... મને જે માહિતી જોઈએ છે એ માહિતી આપી દો એટલે તમારો પણ છુટકારો અને મારો પણ છુટકારો...’

‘વૉટ યુ વોન્ટ ટુ નો...’

‘નો મોર અંગ્રેજી...’ ભૂપતે પ્રેમથી તેમને સમજાવ્યું, ‘ગુજરાતી મોર, લેસ અંગ્રેજી...’

‘ટમારે શું જાણવું છે... વિચ માહિતી યુ વોન્ટ...’

‘ટ્રેન માહિતી...’ ભૂપતે શબ્દો ગોઠવવા પડ્યા હતા, ‘ટ્રેનમાં શું આવવાનું છે અને શું અહીંથી જવાનું છે... ઇમ્ર્પોટન્ટ માહિતી. માહિતી આપો અને જીવ બચાવો.’

‘વી ડોન્ટ નો...’ તરત જ બીજા અંગ્રેજે ભાષાંતર કર્યું, ‘અમને ખબર નથી...’

ધાડ...

ભૂપતે પહેલા અંગ્રેજનું માથું જોરથી પકડીને પાછળ આવેલી દીવાલ સાથે અફડાવ્યું. એક મોટો અવાજ આવ્યો અને ઝૂંપડીની દીવાલો ધ્રજી ગઈ. જે અંગ્રેજનું માથું અથડાયું હતું તે અંગ્રેજની ખોપરીમાં આછીસરખી તિરાડ પડી ગઈ અને એમાંથી ધીમે-ધીમે લોહી ઝરવા માંડ્યું.

‘પ્રેમથી પૂછું છું ત્યાં સુધીમાં જવાબ આપી દો... નહીં તો પહેલાં તારા આ જોડીદારની ખોપરી ફોડીશ ને પછી તારી...’

‘બટ, આઇ ઍમ સેઇંગ ટ્રુથ...’

‘એ નવરીના પેટના... મોઢામાંથી મને અંગ્રેજી ન જોઈએ...’ ભૂપતે બીજા અંગ્રેજના ગાલ પર એક થપ્પડ ચોડી દીધી, ‘... અને બીજી વાત, આડીઅવળી વાત ન જોઈએ. સીધી વાત ને સીધો હિસાબ.’

‘સાચું કહું છું... મને નથી ખબર કંઈ...’ બીજા અંગ્રેજના ચહેરા પર લાચારી હતી, પણ એ લાચારી વચ્ચે પહેલી વાર એક વાત સાચી બોલ્યો, ‘ટ્રેનમાં જે કંઈ આવશે એ બધું શું છે એની ખબર તેને છે... હું તો તેનો અસિસ્ટન્ટ છું.’

‘તો એમ બોલને કે તું કાળુ છે... ને આ નવરીનો ભૂપત છે.’ ભૂપત ફરીથી પહેલા અંગ્રેજની સામે ફર્યો. જોરથી માથું ભીંત સાથે અફડાયું હોવાથી તેની આંખ સામે અંધારાં નાચી રહ્યાં હતાં, ‘જો તારા આ જોડીદારે વધારે માર સહન ન કરવો હોય તો તેને કહી દે કે બધેબધું સાચું કહી દે... સાચું કહી દેશે તો વહેલો છુટકારો થશે અને ખોટું કહેશે તો માર સહન કરવો પડશે... ઇચ્છા તેની. તારી પાસે પાંચ મિનિટ છે. આવું એટલી વારમાં જે સમજાવવું હોય એ સમજાવી દેજે તેને.’

ધમકી આપીને ભૂપત બહાર નીકળી ગયો. બહાર તેના બે સાથીઓ બેઠા હતા. થોડી વાર તેમની સાથે ગપ્પાં મારીને ભૂપત ફરી અંદર ગયો. અંદર ગયો ત્યારે પેલા બન્ને અંગ્રેજો વાત કરી રહ્યા હતા. ભૂપતને ફરી અંદર આવેલો જોઈને બન્ને ચૂપ થઈ ગયા.

‘વાત કરવાની બાકી હોય તો તમને વધારે સમય આપું?’

એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અંગ્રેજ અધિકારીએ ના પાડી દીધી અને કહ્યું પણ ખરું, ‘જે કંઈ ખબર છે એ બધું સાચું જ કહીશું, પણ પ્લીઝ અમારો વિશ્વાસ કરજો.’

‘વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી પણ... એક વાત યાદ રાખજો કે વિશ્વાસ આવે એવું બોલજો.’

‘બધું સાચેસાચું કહી દેશું... ગૉડ પ્રૉમિસ.’

‘ગૉડનું નામ વચ્ચે લાવ્યા છો તો ભૂલતા નહીં કે અત્યારે તમારો ગૉડ હું જ છું.’ ભૂપતે ખાટલા પર બેઠક જમાવી, ‘ચાલો, બધું બોલવા માંડો...’

પહેલા અંગ્રેજે શરૂઆત કરી.

‘અમને એટલી ખબર છે કે ટ્રેન દિલ્હીથી રવાના થવાની છે અને પોરબંદરના બંદર પર જઈને ખાલી થવાની છે.’

‘ટ્રેનમાં શું ભર્યું છે?’

‘અમને નથી ખબર...’ પોતાના જવાબની સાથે જ ભૂપતના ચહેરાના હાવભાવ બદલાયા એ જોઈને અંગ્રેજ અધિકારીના મનમાં ડર પેસી ગયો, ‘સાચું કહું છું, અમને ખબર નથી... અમે એ બધું જાણવા માટે નાના માણસો કહેવાઈએ. અમે આવું બધું પૂછી પણ ન શકીએ...’

‘ક્યાંથી બધી વાત જાણવા મળે...’

‘એ તો અમને પણ ન ખબર હોય...’ અંગ્રેજ અધિકારીએ આખી પ્રથા વર્ણવી, ‘અમારામાં એક સિસ્ટમ હોય છે... પ્રથા. એ મુજબ અમને ખબર હોય એનાથી એક વાત વધારે ખબર અમારા મોટા સાહેબને હોય. મોટા સાહેબને ખબર હોય એનાથી એક વધુ વાત એના મોટા સાહેબને ખબર હોય...’

‘અમારા ડાકુ જેવું કામકાજ છે તમારા લોકોનું તો...’ ભૂપતે વાતને ફરી અનુસંધાન આપ્યું, ‘તમારો મોટો સાહેબ કોણ?’

‘માઇકલ ડગ્લસ અને તેનો મોટો સાહેબ ગ્લાડ... અમદાવાદમાં બેસે છે તે.’

‘તમને કેટલી ખબર છે એ વાત છોડીને મને જવાબ આપો...’ ભૂપતે વાતને સીધી કરવાની કોશિશ કરી, ‘ટ્રેનમાં શું હોઈ શકે છે... દેશમાંથી માલ લઈ જવાની વાત છે એટલે ઘઉં અને જુવાર તો નહીં હોયને...’

‘ના...’

‘તો શું હોઈ શકે એ વિચારો...’ ભૂપતને અચાનક સૂઝ્યું, ‘આ અગાઉ પણ આ રીતે માલસામાનની તો હેરફેર થઈ હશેને? એ સમયે શું લઈ જવામાં આવતું હતું... યાદ કરો. કંઈક તો ખબર હશેને તમને...’

પાંચ-દસ ક્ષણનો સન્નાટો અને એ સન્નાટા પછી તરત જ પહેલો અંગ્રેજ અમલદાર બોલ્યો : ‘એક વખત ભોપાલમાંથી ઝવેરાત લઈ જવામાં આવ્યાં હતાં એ મને યાદ છે. એ સમયે ભોપાલમાં હું ફરજ પર હતો. ભોપાલમાંથી તો ઝવેરાત ને હીરા ને...’

‘હથિયાર ક્યારેય આ રીતે લઈ ગયા છે?’

‘ના...’

સહેજ યાદ કરીને અંગ્રેજે જવાબ આપ્યો. તેને માથામાં સણકા નીકળી રહ્યા હતા. જબરદસ્ત પીડા પણ થઈ રહી હતી. લોહી ગંઠાઈ ગયું હોવાથી હવે નવું લોહી નીકળતું નહોતું, પણ એમ છતાં તેને એ જગ્યાએ જબરદસ્ત લાય ઊપડી રહી હતી. હાથ વાંરવાર એ જગ્યાએ લઈ જવાનું મન થતું હતું, પણ એવું કરવામાં તેને ડર હતો કે ભૂપત તેના પર ચિલ્લાશે એટલે તે પોપટની જેમ જવાબ આપી રહ્યો હતો. જોકે જવાબ આપતી વખતે પણ તેના ચહેરા પર ઘાની આ પીડા ચીતરાઈ જતી હતી. ગઈ કાલે કાળુના હાથનો મરણતોલ માર ખાધા પછી એ મારની પીડા તો અફીણના નશામાં ભુલાઈ ગઈ હતી, પણ આજે આ નવો માર ખાધા પછી નવેસરથી પીડા શરૂ થઈ હતી.

‘આમ તો કોઈ દિવસ એવી રીતે હથિયાર નથી લઈ જતા...’ તેણે શક્ય હોય એટલા સૌમ્ય બનીને જવાબ આપ્યો હતો, ‘હથિયાર લઈ જવા માટે તો ટ્રકનો ઉપયોગ થતો હોય છે.’

‘હં...’

હથિયાર નથી અને દાગીના અગાઉ લઈ ગયા છે. એનો સીધો એક અર્થ નીકળી શકે કે જે ટ્રેનમાં લઈ જવાયું રહ્યું છે એ કીમતી છે અને અગત્યનું છે. અંગ્રેજોને મન હથિયારો કરતાં પણ કીમતી જો કંઈ હોય તો એ ઝવેરાત છે અને એ ઝવેરાતને જ આ રીતે લઈ જવાનું પસંદ કરે છે. ભૂપતે વધુ એક વાર એ જ દિશામાં સવાલ પૂછી લીધો.

‘ક્યારેય એવું બન્યું છે ખરું કે માલની આ હેરફેર માટે લંડનથી પોલીસ બોલાવવામાં આવ્યા હોય?’

‘ના, ક્યારેય નહીં...’ સ્પષ્ટતા સાથે ચોખવટ પણ થઈ, ‘એવું બન્યું છે કે બૉબી... એટલે કે અંગ્રેજ પોલીસને લાવવામાં આવ્યા હોય, પણ આ રીતે માલ સાથે એને પણ રહેવાનું બન્યું હોય એવું નથી બન્યું. આ તો પહેલી વાર...’

‘ચાલ, આપણે એક રમત રમીએ...’ ભૂપત ખાટલા પરથી ઊભો થયો અને જેને તેણે માર્યો હતો એ અંગ્રેજની પાસે જઈને તેણે જમણા હાથની પહેલી બન્ને આંગળીઓ ધરી, ‘આ બે આંગળીમાંથી કોઈ પણ એક આંગળી ખેંચી લે...’

‘બટ વાય...’

‘અરે, વાયની સગલી, કહું એટલું કરને...’ ભૂપતે પેલાને ધમકાવ્યો, ‘આંગળી ખેંચ જલદી...’

ભૂપતની રાડથી અંગ્રેજ ગભરાઈ ગયો. તેણે તરત જ ભૂપતના જમણા હાથની પહેલી આંગળી ખેંચી લીધી. આંગળી જેવી ખેંચાઈ કે તરત જ ભૂપતના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું. આ સ્મિત વચ્ચે જ તેણે એ હાથ બાજુમાં બેઠેલા બીજા અંગ્રેજ અમલદારની સામે ધર્યો. પેલાએ એક પણ શબ્દ પૂછ્યા વિના તરત જ એ જ આંગળી ખેંચી લીધી જે તેના ઉપરી અધિકારીએ ખેંચી હતી.

‘બહુ શાણોને તું તો...’ ભૂપતના ચહેરા પર રહેલું સ્મિત વધુ પહોળું થયું, ‘બેઉ એ જ કહો છો જે વાત મારા મનમાં છે...’

‘કાન્ટ અન્ડરસ્ટૅન્ડ યુ...’

‘અન્ડરસ્ટૅન્ટની તો માને પરણે... મારું કામ થઈ ગયું. હવે જે કંઈ કરવાનું છે એ ઉપરવાળો કરશે.’

ભૂપત ઝડપભેર બહાર નીકળી ગયો. બહાર આવ્યા પછી તે કાળુની રાહ જોવા રોકાયા વિના જ સીધો ખેતરની બહાર નીકળી ગયો હતો. તેણે હવે એક વાત નક્કી કરી લીધી હતી કે કોઈ પણ હિસાબે ટ્રેન લૂંટવી છે. ટ્રેન લૂંટવા માટે તેની પાસે કારણો પણ હતાં, જેની ચર્ચા તેણે ગીરમાં પાછા આવતી વખતે કાળુની સાથે કરી હતી.

‘જો કાળુ, એક વાત તો નક્કી છે કે માણસોની દેખરેખ ત્યારે જ મૂકવામાં આવે જ્યારે એ જે કોઈ જગ્યા હોય એને દેખરેખની જરૂરિયાત હોય. સાચું કે નહીં?’

‘વાત તો તારી સાચી છે...’

‘ભૂપતસિંહ ક્યારેય ખોટું ક્યાં બોલ્યો છે બકા...’ ભૂપતે પોતાને જ પોરસ ચડાવ્યો, ‘જો દેખરેખ જે પ્રકારની મૂકવામાં આવી છે એ તો દેખાડે છે કે જે કોઈ માલની હેરફેર થવાની છે એ બહુ કીમતી છે. સાચું?’

‘ભૂપતસિંહ ક્યાં કોઈ દી ખોટું બોલે છે?!’

કાળુએ મારેલા ટોણા માટે ભૂપતસિંહને ખડખડાટ હસવું આવી ગયું. જોકે હસવાનું પૂરું કરીને ભૂપતસિંહે તરત જ પોતાના મનની વાત જબાન પર ફરી ગોઠવી દીધી.

‘જો માલ કીમતી હોય તો વાત પૂરી થઈ ગઈને... આપણને પણ કીમતી ચીજવસ્તુ તો જોઈએ છે.’

‘પણ એમાં ઝવેરાત નહીં હોય તો?’

‘ઝવેરાતને રડવાનું પણ ક્યાં છે...’ ભૂપતસિંહે આંખ મીચકારી, ‘જો ટ્રેનમાં હથિયારો હશે તો એ પણ કામ તો લાગવાનાં જ છે અને... હું તો ઇચ્છું કે ટ્રેનમાં હથિયારો જ મળે. જે સમયે બધાને ખબર પડશે કે ટ્રેન ભૂપતસિંહે લૂંટી છે એ સમયે તારા ને મારા પર હાથ નાખતાં પોલીસ કૂતરાઓ મૂતરી પડશે.’

‘આંગળી ખેંચવી છે?’

ભૂપતે સ્મિત વેર્યું.

‘ખેંચાવી લીધી...’

‘કોની પાસે?’

‘પેલા બન્ને અંગ્રેજો પાસે...’

‘શું આવ્યું?!’

‘ઝવેરાત...’

‘તો કરી નાખીએ કંકુના...’

‘કરી નાખ્યા...’ ભૂપતે અંતિમ નર્ણિય પણ જણાવી દીધો, ‘હવે વચ્ચે કોઈ નાનાં કામોમાં આપણે દાખલ નહીં થઈએ. આપણું ધ્યાન માત્ર આ ટ્રેન પર રહેવું જોઈએ... આગગાડી લૂંટીને ભલભલાની પૂંઠમાં આગ લગાડવાનું કામ આપણે કરવાનું છે.’

જે સમયે આગ લગાડવાના વિચારો સાથે ભૂપત પોતાના અડ્ડા પર પાછો આવી રહ્યો હતો એ સમયે ખબરી પણ માનો સંદેશો લઈને ઘરેથી રવાના થઈ ગયો હતો. ભૂપત અને ખબરી ઢળતી બપોરે મળ્યા અને તેને માએ મોકલેલો સંદેશો આપવામાં આવ્યો. સંદેશો મળ્યોએટલે ભૂપતસિંહે રવિવારે મળવાનું કહેણ મોકલવા દીધું. રવિવારે તે જ્યારે માનો સંદેશો લઈને આવનારાને મળવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે કાળુ રાજકોટ જઈને ટ્રેનના રસ્તાનો નકશો લાવવાની તૈયારી કરી રહ્યો હતો.

અડ્ડા પરથી ભૂપત અને કાળુ સાથે જ નીકળ્યા હતા. મળવા માટેનું સ્થળ માણાવદર નક્કી કરવામાં આવ્યું હતું. માણાવદરમાં જીપ લઈને જવાનું કામ જોખમી હતી. અગાઉ આ જ માણાવદરના લશ્કરી મથકમાંથી જીપ ચોરવામાં આવી હતી. જો એ જ જીપ લઈને તે એ વિસ્તારમાં જાય તો એ આંખે ચડી જાય એવી સંભાવના હતી.

‘બીજલને લઈને નીકળવામાં એક મોટી શાંતિ હોય...’ ભૂપતે બીજલની કેડમાં પગ ખૂંચાવ્યો, ‘એવું લાગે કે આજે આપણે ધ્યાન નહીં રાખીએ તો પણ એ કામ કોઈ કરી લેવાનું છે...’

‘આમ પણ તારું ધ્યાન રાખવાનું કામ ક્યાં તું કરતો હોય છે...’ કાળુએ કટાક્ષ કર્યો, ‘જો એવું કરતો હોત તો મને નિરાંત ન હોત...’

‘કાળુ, તું અને તારાં મહેણાં... મને તો લાગે છે કે ગયા જન્મમાં તું મારી સાસુ હોઈશ...’

‘તારા જેવી વહુ જો મારા ઘરમાં આવી હોત તો તેને મારી-મારીને સીધી દોર કરી દીધી હોત...’

જો માણાવદરનું પાદર ન દેખાયું હોત તો આ મજાકમસ્તી આગળ ચાલી હોત, પણ જે ગામમાં રહીને લશ્કરની તાલીમ લેવામાં આવી હતી એ ગામની જાણીતી સડકોએ બન્ને ભાઈબંધોને બોલતા બંધ કર્યા. શહેરમાં દાખલ થયા પછી બન્ને ભાઈબંધોની આંખો સામે એ શૈશવકાળ આવવો શરૂ થઈ ગયો હતો જે તેમણે આ ગામમાં સાથે વિતાવ્યો હતો. ભૂપતની આગેવાની આમ તો આ જ ગામમાં કાળુએ સ્વીકારી લીધી હતી. ઉંમર પણ નાની હતી એ સમયે. ભૂપતનો રોફ એ સમયે પણ કાળુને ગમતો અને એ જ દિવસોમાં કાળુ પહેલી વાર મશ્કરીમાં બોલ્યો હતો : ‘જો તું છોકરી હોત તો તને મારી બૈરી બનાવી લીધી હોત...’ કાળુના આ શબ્દો પછી થોડા દિવસ તો ભૂપત તેનાથી દૂર ભાગતો રહ્યો હતો. તેને ડર લાગ્યો હતો કે કાળુમાં કોઈ તકલીફ હશે તો તે વગર કારણે શારીરિક ચેનચાળા કરશે. રાતે પણ ભૂપતને આ જ વાતનો ડર રહેતો અને કાળુ તો નચિંત થઈને તેની નજીક સૂવા જતો. એક વખત રાતે ઊંઘમાં કાળુનો હાથ ભૂપતના શરીરને અડી ગયો એમાં તો ભૂપતે ભરઊંઘમાં રહેલા કાળુના ગાલે થપ્પડ ચોડી દીધી હતી.

‘એ નવરીના, તુંય છોકરો ને હુંય છોકરો...’ જાગીને કાળુ બરાડ્યો હતો, ‘એમાં આટલાં બધાં નખરાં શાનો કરે છે. અડી ગયો તો અડી ગયો હાથ... આવાં નાટક તો છોકરી પણ નહીં કરતી હોય.’

‘તે ભલે ન કરે, પણ મને આ બધું નથી ગમતું... તું મારાથી દૂર રહેજે.’

‘અલ્યા, તારાથી દૂર જ છું હોં.’

કાળુ તકિયો અને રજાઈ લઈને એ જ રાતે કમરાના બીજા ખૂણામાં સૂવા માટે ચાલ્યો ગયો હતો. એ રાતે તો ભૂપતને રાહત થઈ હતી અને તેણે શાંતિની ઊંઘ કરી હતી. થોડા દિવસ આ નિત્યક્રમ ચાલ્યો, પણ એ પછી તેને કાળુની ખોટ વર્તાવા લાગી હતી. કાળુ દિવસ દરમ્યાન પણ તેનાથી દૂર રહેતો અને તેની સાથે વાતો કરવાનું તો તેણે લગભગ બંધ જ કરી દીધું હતું. ભૂપતે ધીમેકથી કાળુની હરકત જોવાની શરૂ કરી, પણ તેની હરકતમાં તેને કોઈ ખામી કે ત્રુટિ દેખાઈ નહીં. વીસેક દિવસ એમ જ પસાર થયા પછી એક દિવસ ભૂપત જ સામેથી તેની પાસે ગયો હતો અને તેણે કાળુની માફી માગી હતી.

‘મારી ભૂલ થઈ ગઈ... એ દિવસે મેં ખોટું વર્તન કરી લીધું.’ ભૂપતે પ્રેમથી હાથ જોડ્યા હતા, ‘ભાઈબંધીમાં આવું ન કરવું જોઈએ.’

‘વાંધો નહીં બકા...’ કાળુ તેની નજીક આવ્યો હતો અને ભાવપૂર્વક તેને ભેટ્યો હતો, ‘તને બધું કરવાની છૂટ... જો તું મારી બૈરી હોત તો તને છૂટ આપી જ હોતને.’

ફરી એ જ શબ્દો સાંભળીને ભૂપત તેનાથી અળગો થઈ ગયો હતો, પણ પછી કાળુના ચહેરા પર કરવામાં આવેલી મશ્કરીનું હાસ્ય જોઈને તે સમજી ગયો હતો. એ સમયથી આ દોસ્તીની શરૂઆત થઈ જે અત્યારે, આ ક્ષણ સુધી અકબંધ હતી.

‘ચાલ ભાઈ... તારું ધ્યાન રાખજે.’ રાજકોટ તરફ જવાના રસ્તા પર આવ્યા પછી ભૂપતે કાળુની સામે જોયું, ‘ખોટું જોખમ ઉઠાવવાનું નથી અને બને એટલી સાવચેતી સાથે પાછા આવવાનું છે.’

‘જેવો તારો આદેશ...’

‘આદેશ નથી, વિનંતી છે... જલદી પાછો આવજે.’

‘કેમ જલદી પાછો આવું?’ આગળ વધી રહેલો ઘોડો કાળુએ પાછો વાળ્યોઅને બીજલની બાજુમાં આવીને ઊભો રાખ્યો, ‘મારા વિના નહીં ગમે તને?!’

ભૂપતે કાળુની સામે જોયું. તેની આંખોમાં ખોટો આક્રોશ હતો, પણ કાળુને એ આક્રોશની કોઈ અસર નહોતી થઈ રહી. તે તો ભૂપત સાથે હજી પણ ઇશ્કબાજી કરતો હતો.

‘બોલને, મારા વિના નહીં ગમે વહાલી... જવાબ તો આપ?’

‘નથી આપવો જવાબ...’ ભૂપતને કાળુના આ છેલ્લા શબ્દો પર ગુસ્સો આવતો હતો અને એ શબ્દો માટે શરમ પણ આવતી હતી, ‘તું જલદી જા હવે.’

‘એમ થોડું જવાય... તને એકલા મૂકીને...’ કાળુની મશ્કરીના બીજા શબ્દો તેના ગળામાં જ રહી ગયા અને આંખ સામે આવેલી વ્યક્તિને જોઈને તેણે તરત જ વાત બદલવી પડી, ‘જવાય, એકલા મૂકીને જવામાં જ માલ છે હવે.’

કાળુએ ઘોડાના મોઢાની દિશા બદલાવી અને ઘોડાને મારી મૂક્યો. કાળુને ભાગતો જોઈને ભૂપત હસી પડ્યો, પણ હસ્યા પછી તેણે એ દિશામાં ડોક ઘુમાવી જે દિશાનું દૃશ્ય જોઈને કાળુ ભાગ્યો હતો. નજર ઘુમાવ્યા પછી ભૂપતની આંખો પણ ખુલ્લી રહી ગઈ અને તેને પણ ત્યાંથી રવાના થઈ જવાની ઇચ્છા થઈ આવી હતી.

સામે મીરા ઊભી હતી.

માનો સંદેશો લઈને મીરા આવશે એવી તો ભૂપતે કલ્પના પણ નહોતી કરી.

(વધુ આવતા રવિવારે)