રાષ્ટ્રીય વિજ્ઞાનમેળાના અનોખા પ્રોજેક્ટ્સ

07 December, 2014 07:45 AM IST  | 

રાષ્ટ્રીય વિજ્ઞાનમેળાના અનોખા પ્રોજેક્ટ્સ



સ્પેશ્યલ સ્ટોરી-શૈલેશ નાયક

શુક્રવારે અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીમાં શરૂ થયેલા ઇનિશ્યેટિવ ફૉર રિસર્ચ ઍન્ડ ઇનોવેશન ઇન સાયન્સ નૅશનલ ફેર-૨૦૧૪માં મુંબઈના સ્કૂલ-સ્ટુડન્ટ્સ ઝળક્યા હતા.ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ટેક્નૉલૉજી, ગુજકોસ્ટ અને સાયન્સ સિટી કાઉન્સિલ દ્વારા યોજાયેલા અને ભારત સરકાર, ગુજરાત સરકાર અને ઇન્ટેલ દ્વારા આયોજિત આ વાર્ષિક સાયન્સ ફેરમાં દેશભરમાંથી ૨૦ રાજ્યોની સ્કૂલોના ૨૦૦ જેટલા સ્ટુડન્ટ્સે સાયન્સની વિવિધ ૧૭ કૅટેગરીમાં ૧૦૦ જેટલા ઇનોવેટિવ પ્રોજેક રજૂ કર્યા છે, જેમાં મહારાષ્ટ્રમાંથી ૧૨ પ્રોજેક રજૂ થયા છે. એમાં મુંબઈની જુદી-જુદી સ્કુલના સ્ટુડન્ટ્સે પાંચ પ્રોજેક રજૂ કર્યા છે.

મજબૂત બિલ્ડિંગ માટે ઇન્ટરલૉકિંગ સિસ્ટમના પેપર-બ્લૉક


ઘાટકોપરમાં આવેલી નૉર્થ મુંબઈ વેલ્ફેર સોસાયટી હાઈ સ્કૂલમાં એઇટ્થ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી બે સ્ટુડન્ટ્સ અદિતિ પરબ અને સિદ્ધિ કસપાલેએ અનોખો ‘વૉલ વિધાઉટ સિમેન્ટ’ પ્રોજેક રજૂ કર્યો છે જેમાં ઇન્ટરલૉકિંગ સિસ્ટમના પેપર-બ્લૉક બનાવવામાં આવ્યા છે, જેનાથી મજબૂત બિલ્ડિંગ બનાવી શકાય.આ બન્ને સ્ટુડન્ટ્સે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા આ બ્લૉક એટલા માટે મજબૂત છે કેમ કે અમે એને ઇન્ટરલૉકિંગ સિસ્ટમથી બનાવ્યા છે. બીજી વિશેષતા એ છે કે એ ફાયર અને વૉટરપ્રૂફ છે. આ બ્લૉક પર બોરિક ઍસિડ, બોરેક્સ અને વાઇટ સિમેન્ટનું કોટિંગ કર્યું છે.’

જૅકફ્રૂટના વેસ્ટ ફાઇબરમાંથી પ્લેટ


મોનિલ સોલાણી નામના ગુજરાતી સ્ટુડન્ટ અને ચિન્મય ક્ષીરસાગરે ‘કમ્પોઝિટ ર્બોડ ઇન્સ્યુલેટર ફ્રૉમ જૅકફ્રૂટ વેસ્ટ’ Comકosite Board Insulator From Jackfruit Waste નામનો પ્રોજેક રજૂ કર્યો છે.ઘાટકોપરની નૉર્થ મુંબઈ વેલ્ફેર સોસાયટી હાઈ સ્કૂલમાં એઇટ્થ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતા મોનિલ સોલાણી અને સેવન્થ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતા ચિન્મય ક્ષીરસાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘જૅકફ્રૂટ એટલે કે ફણસના ફાઇબરમાંથી અમે પ્લેટ બનાવી છે જે ફર્નિચરમાં અને થરમૉસમાં યુઝ થઈ શકે છે. જૅકફ્રૂટના ફાઇબરમાંથી બનેલા કવચથી થરમૉસમાં લાંબા સમય સુધી વસ્તુ ગરમ રહી શકે છે, જ્યારે જૅકફ્રૂટના ફાઇબરમાંથી બનેલી પ્લેટ ફર્નિચર બનાવવામાં પણ વાપરી શકાય છે, કેમ કે એની મજબૂતી વધારે હોય છે.’


મીઠી નદીમાંથી ઇલેક્ટ્રિસિટી અને ચોખ્ખું પાણી


મુંબઈની મીઠી રિવરને ક્લીન કરીને એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનો તેમ જ વૉટર પ્યુરિફાયર પ્રોજેક ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં સેવન્થ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતી બે સ્ટુડન્ટ્સ સાક્ષી હિન્દુજા અને અનુષ્કા બાસુએ રજૂ કર્યો છે. આ બન્ને સ્ટુડન્ટ્સે ‘મિડ-ડે’ને તેમના પ્રોજેક ‘જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી બાયોકેમિકલી બાય ઍનીરૉબિક બ્રેકડાઉન ઑફ મીઠી રિવર સ્લજ’ વિશે કહ્યું હતું કે ‘મીઠી નદીમાંથી બહુ જ બદબૂ આવે છે એટલે આ આઇડિયા અમને આવ્યો હતો. નદીમાંથી આવતી બદબૂને કારણે અમને તકલીફ પડતી હતી. મીઠી નદીને ક્લીન કરીને એમાંથી બૅક્ટેરિયામાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ અને પાણી પણ પ્યૉરિફાય કરી શકાય છે.’

સ્માર્ટ હેલ્મેટ




નાશિકના સ્ટુડન્ટ અમેય નરેકરે ટૂ-વ્હીલર ચલાવતા લોકોની સેફ્ટી માટે સ્માર્ટ હેલ્મેટ બનાવીને અહીં રજૂ કરી છે. ભોનસાલા મિલિટરી કૉલેજમાં અભ્યાસ કરતા અમેયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ હેલ્મેટની વિશેષતા એ છે કે હેલ્મેટ ન પહેરો તો તમારું વેહિકલ ચાલે નહીં. હેલ્મેટમાં સેન્સર મૂક્યું છે અને વેહિકલના સ્ટિયરિંગમાં એનું રિસીવર મૂક્યું છે. તમે હેલ્મેટ પહેરીને એનો બેલ્ટ બાંધો ત્યારે વેહિકલ ચાલુ થઈ શકે છે. આ ઉપરાંત હેલ્મેટમાં આલ્કોહોલ સેન્સર મૂક્યાં છે, જેના કારણે જો કોઈ ચાલક ડ્રિન્ક કરીને ટૂ-વ્હીલર ચલાવવા જાય તો એ ટૂ-વ્હીલર ચાલુ જ થઈ શકતું નથી.’આ અનોખી શોધ કરવા પાછળનું કારણ જણાવતાં આ સ્ટુડન્ટે કહ્યું હતું કે ‘ભારતમાં ૨૩ ટકા નાગરિકો હેલ્મેટ વગર અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમની સેફ્ટી જરૂરી છે. ભારતમાં મોટા ભાગે મધ્યમ વર્ગના લોકો રહેતા હોવાથી આ ડિવાઇસ સૌને પરવડે એવું છે અને એની કિંમત ૩૫૦થી ૪૦૦ રૂપિયા છે.’

છેડતીખોરોને ૨૨૦ વૉલ્ટનો કરન્ટ આપતાં સેફ્ટી સૅન્ડલ


અલાહાબાદના બે સ્ટુડન્ટસે ‘સેફ્ટી ડિવાઇસ ફૉર વુમન’ નામનો અનોખો પ્રોજેક રજૂ કર્યો છે જેમાં છેડતી કરનારને યુવતી સૅન્ડલ મારે તો એ સૅન્ડલ ૨૨૦ વૉલ્ટનો ઝટકો આપે છે.આ અનોખી શોધ રજૂ કરનાર અલાહાબાદના ઈશ્વરપ્રેમ વિદ્યામંદિરમાં બારમા ધોરણામાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ સંદીપ પટેલ અને પંકજકુમાર સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતુંં કે ‘દિલ્હીના રેપ-કાંડ બાદ દેશમાં આવા બનાવો વધી રહ્યા છે એટલે અમે ગલ્ર્સ અને મહિલાઓની સેફ્ટી માટે  કંઈક કરવાનું વિચાર્યું અને આ સૅન્ડલ બનાવવાનો આઇડિયા આવ્યો જેનાથી મહિલાઓ તેમની સેફ્ટી રાખી શકે છે. અમે સૅન્ડલમાં ૪ વૉલ્ટની એક એવી ૩ બૅટરી મૂકી છે અને એમાં પાછળના ભાગે Dc પ્લેટ મૂકી છે જે ૨૨૦ વૉલ્ટનો કરન્ટ આપે છે.’

૨૫ સાયન્ટિસ્ટોએ બાળવિજ્ઞાનીઓના રિસર્ચ-પ્રોજેકને એક્ઝામિન કર્યા

નૅશનલ સાયન્સ ફેરમાં શુક્રવારે દેશના ટોચના ૨૫ સાયન્ટિસ્ટોએ બાળવિજ્ઞાનીઓના પ્રોજેકને એક્ઝામિન કર્યા હતા.ઇનિશ્યેટિવ ફૉર રિસર્ચ ઍન્ડ ઇનોવેશન ઇન સાયન્સ નૅશનલ ફેર–૨૦૧૪ના ચૅરપર્સન ડૉ. હેમંત પાન્ડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશનાં ૨૦ રાજ્યોમાંથી ૪૧ ગલ્ર્સ અને ૯૭ બૉય્ઝે કુલ ૧૭ કૅટેગરીમાં ૧૦૦ જેટલા પ્રોજેક રજૂ કર્યા છે. તેમના પ્રોજેકને ૨૫ વિજ્ઞાનીઓની ટીમે ચકાસ્યા છે અને આ સ્ટુડન્ટ્સ સાથે તેમના પ્રોજેક બાબતે વાત કરી હતી. આ બાળકો બીજાં બાળકો કરતાં વિશેષ છે. તેઓ નવી શોધ કરીને આવ્યા છે. બાળકોએ સોશ્યલ કૉસ્ટ, મટીરિયલ્સ, કન્વીનિયન્સ જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખી તેમના પ્રોજેક રજૂ કર્યા છે. આ બાળકો એ બાબતે અવેર છે કે દુનિયામાં કેવા પ્રોજેક થાય છે. આ બાળકોમાં પૅશન છે કે સાયન્સમાં મારે કંઈક કરવું છે. આ નૅશનલ ફેરની શરૂઆત કરી ત્યારે ૧૦ હજાર બાળકોમાંથી અમારે પસંદગી કરવાની હતી, જ્યારે આજે ૩ લાખ જેટલાં બાળકો તેમના પ્રોજેક મોકલે છે અને એમાંથી અમારે પસંદગી કરવાની હોય છે અને ત્યાર બાદ આ ફેરમાં એ પ્રોજેકને રજૂ કરવાના હોય છે.’