વેઇટ-લૉસ માટે ત્રિકટુ ચૂર્ણ

07 December, 2014 07:44 AM IST  | 

વેઇટ-લૉસ માટે ત્રિકટુ ચૂર્ણ



આયુર્વેદનું A ૨ Z ડૉ. રવિ કોઠારી



કારતક મહિનાથી ઠંડીની શરૂઆત થાય અને માગશર, પોષ અને મહા મહિનામાં શિયાળો એની ચરમસીમાએ હોય. આ સીઝનમાં પૌષ્ટિક આહાર ખાવાની ઇચ્છા થાય. કડકડતી કે ગુલાબી ઠંડીને કારણે રજાઈમાં ઢબૂરી રહેવાનું મન થાય. ઠંડું, ગળ્યું ખાવાનું ખૂબ મન થાય અને ખાધા પછી કફના રાગો પણ એટલા જ થાય. કફ ચીકણો, ઠંડો, મંદ ગુણવાળો હોવાથી એનાથી વિરુદ્ધ ગુણવાળી ચીજોનું સેવન આ સીઝનમાં ઉત્તમ કહેવાય. શિયાળો સેહત બનાવવાની સીઝન કહેવાય છે, પણ એ જેમની પાચનશક્તિ કડેધડે છે તેમના માટે. નબળી પાચનશક્તિ હોય, ખોરાકનું એનર્જીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયામાં ગરબડ હોય તો શિયાળામાં ગમેએટલું હેલ્ધી ખાવામાં આવે; હેલ્થ બને જ નહીં. શિયાળાનો ઉત્તમ લાભ શરીરને મળી રહે એ માટે ચયાપચયની પ્રક્રિયાને મજબૂત બનાવવાનું શ્રેષ્ઠ ઔષધ છે ત્રિકટુ. તાજેતરમાં મૉડર્ન મેડિસિનના અભ્યાસમાં પણ ત્રિકટુની મેટાબોલિઝમ વધારવાની ક્ષમતાને સપોર્ટ કરે એવાં તારણો બહાર આવ્યાં છે. અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીના રિસર્ચરોએ ઉંદરો પર પ્રયોગ કરીને નોંધ્યું છે કે ત્રિકટુથી ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે.આયુર્વેદે ત્રિકટુના એક નહીં, અનેક ફાયદાઓ જણાવ્યા છે. જોકે એ પહેલાં એમાં વપરાયેલાં દ્રવ્યોના ગુણને જાણીશું તો એના ફાયદા વધુ સારી રીતે સમજી શકીશું.

ત્રિકટુ કેમ ઉપયોગી?

ત્રિ એટલે ત્રણ અને કટુ એટલે તીખું. સૂંઠ, કાળાં મરી અને લીંડીપીપર એમ ત્રણ તીખાં દ્રવ્યોનું મિશ્રણ એટલે ત્રિકટુ. શિયાળા અને ચોમાસામાં આ દ્રવ્યો ઉત્તમ છે. આ બન્ને સીઝનમાં આમવાત, સંધિવાત જેવા વાયુના રોગોનાં લક્ષણો વકરે છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂર્ણની ત્રણથી ચાર મહિના પછી અસરકારકતા ઘટતી જાય છે, પણ લીંડીપીપરને કારણે આ ચૂર્ણ છ-આઠ મહિના સુધી સારું રહે છે. આ ત્રણેય દ્રવ્યો અપાચિત આમને પચાવે છે. ક્વચિત ભારે ખોરાક ખવાઈ જાય તો પાચનતંત્ર બગડે નહીં અને બરાબર ડાઇજેશન થાય એ માટે પણ ત્રિકટુ લઈ શકાય. સામાન્ય રીતે ખોરાક બરાબર પચે નહીં ત્યારે આમ પેદા થાય. આ આમને કારણે વાયુ વધે. વાયુનું સ્થાન સંધિમાં હોવાથી એ શરીરના નબળા સાંધાઓમાં આશ્રય લે અને પરિણામે સાંધાના દુખાવા થાય. બીજી તરફ ખોરાકનું યોગ્ય પાચન થયા પછી એનું એનર્જીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ધીમી હોય તો પૂરતું ખાવા છતાં સુસ્તી, થાક વર્તાયા કરે. વપરાયા વિનાની એનર્જી ચરબીરૂપે જમા થતી હોવાથી કૉલેસ્ટરોલ અને ચરબીનો ભરાવો થાય. ત્રિકટુના સેવનથી પાચન અને પાચન પછી એનર્જીમાં રૂપાંતરણ પણ સારું થતું હોવાથી એ અનેક રોગોમાં અસરકારક છે.

જમવા પર ભભરાવવું

ઘણા લોકો જમ્યા પછી એક ચમચી ચૂર્ણ ફાકી જતા હોય છે, પણ ત્રિકટુ લેવાની બેસ્ટ રીત છે જમવા પર ભભરાવવાની. મંદાãગ્ન, અરુચિ, અપાચન, ઝાડા, શરદી-ખાંસી, કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ જેવી સમસ્યાઓમાં ભોજન પર ત્રિકટુનું ચૂર્ણ ચપટીક જેટલું ભભરાવીને ખાવાથી વધુ ફાયદો થાય છે. જ્યારે આ દ્રવ્યો ખોરાકની સાથે જ ભળે છે ત્યારે પાચનની ક્રિયામાં વધુ ફાયદો આપે છે. પાણી સાથે એકસામટું ચૂર્ણ ફાકી જવાથી એ ખોરાકના એકેએક કણ સાથે બરાબર ભળતું નથી.

વેઇટ-લૉસ માટે ત્રિકટુ

આજકાલ વજન ઘટાડવા માટે પણ ત્રિકટુનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્રિકટુ શરીરને સ્વસ્થ બનાવે છે. એનું નિયમિત સેવન કરવાથી પાચન અને ચયાપચયની ક્રિયા સુધરતી હોવાથી ચરબીનો ભરાવો થતો અટકાવી શકાય છે અને કુપોષણ-અરુચિ કે અપાચનને કારણે કૃશતા આવી ગઈ હોય તો પોષણ મળતાં શરીર ભરાય છે. દાળ, શાક, ચા, ઉકાળો, છાશ જેવાં પીણામાં નાખીને ત્રિકટુ લઈ શકાય. જોકે વજન ઘટાડવું હોય તો સાથે કસરત અને હેલ્ધી ડાયટ હૅબિટ્સ પણ કેળવવી પડે. (વિવિધ રોગોમાં અલગ-અલગ રીતે ત્રિકટુનું સેવન કઈ રીતે કરાય એ વિશે આવતા અઠવાડિયે જોઈશું.)