સ્ત્રીને ઉત્તેજિત કરવા વાયેગ્રાની નહીં ફોરપ્લેની જરૂર છે

05 October, 2014 07:09 AM IST  | 

સ્ત્રીને ઉત્તેજિત કરવા વાયેગ્રાની નહીં ફોરપ્લેની જરૂર છે




સંબંધ-સરિતા - ડૉ. રવિ કોઠારી

પુરુષોને જ્યારે શારીરિક કે માનસિક કારણોસર ઇન્દ્રિયમાં ઓછી ઉત્તેજના અનુભવાય ત્યારે સૌથી મોટી ચિંતા સતાવતી હોય તો એ છે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની. મતલબ કે પૂરતી ઉત્તેજના નહીં આવે અને પોતે સમાગમ કરવા સક્ષમ નહીં રહે તો શું થશે એની ચિંતા. છેલ્લા કેટલાક દાયકાઓથી વાયેગ્રાએ ઘણે અંશે પુરુષોની આ ચિંતાને દૂર કરી દીધી છે. ઇન્દ્રિયમાં ૨૫-૩૦ ટકા જેટલી પણ ઉત્તેજના આવતી હોય તો વાયેગ્રા લીધા પછી એ ૯૦-૯૫ ટકા સુધી વધે છે અને સમાગમ સુખરૂપ શક્ય બને છે.

સ્ત્રીઓની સમસ્યાને ચુટકીમાં ભગાડી દે એવી કોઈ ગોળી શોધાઈ નથી. ઘણા પુરુષોની મનમાં ને મનમાં કમ્પ્લેઇન હોય છે કે ‘તેની પાર્ટનરને કામેચ્છા ઓછી જાગે છે... તેની પાર્ટનર ક્યારેય પહેલ નથી કરતી... સ્ત્રી-પાર્ટનરને સેક્સ્યુઅલ ઇન્ટિમસીનો એટલો રોમાંચ નથી હોતો જેટલો તેને હોય છે... થોડીક ઇન્ટિમસીમાં તરત ઉત્કટતા દાખવતી નથી... વગેરે વગેરે.’

શું આનો કોઈ ઉકેલ હોઈ શકે? ઘણા પેશન્ટો પૂછતા હોય છે કે શું તેમની પત્ની કે પાર્ટનરને વાયેગ્રા ન આપી શકાય? કદાચ તેમની સાદી ગણતરી એ હોય છે કે જો વાયેગ્રાથી પુરુષોની ઉત્તેજના ૨૫ ટકામાંથી ૯૫ ટકા થઈ શકતી હોય તો સ્ત્રીઓની કેમ ન થઈ શકે? જોકે આ કમ્પેરિઝન સાચી નથી. પુરુષોમાં ઉત્તેજનાની સમસ્યા હોય છે, કામેચ્છાની નહીં. સ્ત્રીઓ અને પુરુષોની ઉત્તેજિત થવાની ક્રિયા ભિન્ન હોય છે અને સ્ત્રીઓની ઉત્તેજનાનું કેન્દ્ર જનનાંગો નહીં પણ તેમનું મન હોય છે.

એ વાત સાચી કે સ્ત્રી અને પુરુષ બન્ને યોગ્ય રીતે ઉત્તેજિત હોય તો સમભોગ શક્ય બને છે, પણ બન્નેની ઉત્તેજના અનુભવવાની પૅટર્ન અલગ હોય છે જેને કારણે આ ગરબડ થાય છે. સામાન્યત: પુરુષોના શરીરમાં હૉમોર્ન્સની વ્યવસ્થા એવી છે જેમાં કામેચ્છા જાગતાંની સાથે જ ઉત્તેજના પણ તરત આવે છે. પુરુષ થોડાક પણ કામુક વિચારોમાં રાચે તોય ઇન્દ્રિયમાં કડકપણું અનુભવી શકે છે, જ્યારે સ્ત્રીઓમાં એટલી ઝડપે ઉત્તેજના નથી અનુભવાતી. સ્ત્રીઓ ખૂબ જ ધીમે-ધીમે ઉત્તેજિત થાય છે. સ્ત્રીઓની ઉત્તેજનાનું કેન્દ્ર મગજ હોય છે.

જે ચીજ ખૂબ ઝડપથી ઉત્તેજિત થાય એનું શમન પણ અચાનક અને ઝડપથી થાય. પુરુષોમાં ઉત્તેજનાનો ઊભરો પણ તરત આવે છે અને શમે છે પણ ઝડપથી. બીજી તરફ સ્ત્રીઓ ચાની કીટલીની જેમ ધીમે-ધીમે ઉત્તેજિત થાય છે અને એ ઉત્તેજના લાંબો સમય ટકાવી રાખી શકે છે. ચરમસીમાના અનુભવની સાથે પુરુષોમાં ઉત્તેજના શમી જાય છે, પરંતુ સ્ત્રીઓમાં એનું શમન પણ ધીમે-ધીમે થાય છે. આ જ કારણોસર પુરુષોને તરત જ સંભોગમાં રસ હોય છે અને સ્ત્રીઓને સંભોગ પહેલાં ફોરપ્લેની જરૂરિયાત વધારે હોય છે.

સ્ત્રી જલદી ઉત્તેજિત નથી થતી એ ખરેખર સમસ્યા નથી, પણ નૅચરલ બાબત છે. સારી સેક્સ-લાઇફ માણવા માટે આ હકીકત સમજી લેવામાં આવે તો સમસ્યા સમસ્યા નથી રહેતી. જોકે મોટા ભાગના લોકો સમસ્યાનું મૂળ સમજ્યા વિના જ એના લલચામણા દેખાતા ઉકેલો તરફ દોડી જાય છે. આજકાલ સ્ત્રીઓની લો સેક્સ-ડ્રાઇવ વધારવાના નામે કેટલીક દવાઓનું વેચાણ થાય છે. એક ભ્રમણા વધુ ને વધુ લોકોમાં ફેલાઈ રહી છે કે ફીમેલ વાયેગ્રા લેવાથી સ્ત્રી-પાર્ટનર તરત જ ઉત્તેજિત થઈ જશે. જોકે એટલું સમજવું જરૂરી છે કે આ ફીમેલ વાયેગ્રા દવા બનાવનારી કંપનીઓના માર્કેટિંગ ગિમિકથી વધુ કંઈ જ નથી.

સ્ત્રીને ઉત્તેજિત કરવા માટે રોમૅન્સની જરૂર હોય છે, દવાની નહીં. પૂરતી ઉત્તેજના આવે એ માટે ફોરપ્લેની જરૂર હોય છે. વાયેગ્રા જેવા આર્ટિફિશ્યલ માધ્યમ કરતાં હળવી, પ્રેમભરી છતાં થોડીક નટખટ એવી ચેષ્ટાઓ સ્ત્રીને ઉત્તેજિત કરવા માટે વધુ અસરકારક છે. પરસ્પરને સમજો તો સેક્સ-લાઇફને એન્જૉયેબલ બનાવવા યોગ્ય પાર્ટનર સિવાય બીજા કશાની જરૂર નથી.