એક ખોવાયેલો અવસર ભારતીય ઇસ્લામ અને આજનું સંકટ

05 October, 2014 07:06 AM IST  | 

એક ખોવાયેલો અવસર ભારતીય ઇસ્લામ અને આજનું સંકટ




નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

વિલ્ફ્રેડ સ્મિથ નામના કૅનેડિયન વિદ્વાને કહ્યું છે કે ભારતથી વિભાજિત થઈને ભારતીય મુસલમાનોએ લોકતાંત્રિક સેક્યુલર સમાજમાં પણ મુસલમાન ભાગીદાર બનીને રહી શકે છે એનો પ્રયોગ કરવાની તક ગુમાવી હતી. આવી તક ઇસ્લામિક વિશ્વના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય મુસલમાનોને મળી હતી. એ પહેલાં જગતભરમાં મુસલમાનો કાં શાસકો હતા કાં શાસિત હતા. પહેલી વાર તેમની સામે ત્રીજો વિકલ્પ આવ્યો હતો જેમાં મુસલમાન ન શાસક, હોય, ન શાસિત હોય પણ પોતે જ પોતાના દેશમાં નાગરિક તરીકે રાજ્યમાં બરાબરનો ભાગીદાર હોય. ન રાજા, ન રૈયત પણ નાગરિક. ન ઉપર, ન નીચે પણ સમકક્ષ ભાગીદાર. વિલ્ફ્રેડ સ્મિથ માનતા હતા કે મુસલમાનોએ આધુનિક સેક્યુલર લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થામાં મુસલમાનની જગ્યાએ નાગરિક બનીને રહેવાનો પ્રયોગ કરવો જોઈતો હતો. જો એ પ્રયોગ સફળ નીવડ્યો હોત તો ભારતીય મુસલમાન સમગ્ર મુસ્લિમ પ્રજા માટે અનુકરણીય બની શક્યો હોત. આખરે જગતના મુસલમાનોમાં પ્રત્યેક ચોથો મુસલમાન ભારતીય છે.

હું વિલ્ફ્રેડ સ્મિથ કરતાં હજી આગળ જઉં છું. મુસ્લિમ લીગે ૧૯૪૦માં લાહોરમાં ભારતથી અલગ થવાનો ઠરાવ કર્યો ત્યારે ભારતીય મુસલમાનોએ તક નહોતી ગુમાવી. તક ગુમાવવાની શરૂઆત તો ઘણી વહેલી થઈ હતી અને લાહોરનો મુસ્લિમ લીગનો ઠરાવ તો એની પરિણતિ હતી, શરૂઆત નહોતી. શરૂઆત અરેબિયાના સલાફી ઇસ્લામને ભારતમાં આયાત કરવામાં આવ્યો અને અનોખા ભારતીય ઇસ્લામને નકારવામાં આવ્યો ત્યારે થઈ હતી.

ભારતીય ઇસ્લામ અનેક રસાયણોના મિશ્રણમાંથી બન્યો હતો. ભારતમાં ઇસ્લામ પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા અને ઉત્તર આફ્રિકાના એક ડઝન દેશોમાંથી આવ્યો છે. ભારતીય ઇસ્લામ પર કોઈ એક દેશનો પ્રભાવ નથી એટલે ભારતના મુસલમાનોએ એક ડઝન જેટલા દેશોના મુસલમાનોનાં સંસ્કાર અને સભ્યતા પોતાનામાં સમાવ્યાં છે. બીજું, ભારતીય ઇસ્લામ પર એક ડઝન જેટલા સૂફી સિલસિલા (પરંપરા)નો પ્રભાવ છે અને ભારતીય ઇસ્લામનું એ મુખ્ય રસાયણ છે. મધ્યકાલીન યુગમાં સૂફીઓએ સહઅસ્તિત્વ અને સહિયારી સંસ્કૃતિ માટેની ભૂમિકા રચી આપી હતી જેની ભારતીય મુસલમાનોને ૧૮૦૦ની સાલ પછી આધુનિક યુગમાં જરૂર પડવાની હતી. નસીબ તો જુઓ. નવા યુગ માટેનું આવું અનુકૂળ રસાયણ જગતના કોઈ મુસ્લિમ દેશમાં મુસલમાનોને ઉપલબ્ધ નહોતું એ કેવળ ભારતીય મુસલમાનોને ઉપલબ્ધ હતું. ત્રીજું, ૯૫ ટકા ભારતીય મુસલમાનો પૂર્વાશ્રમમાં હિન્દુ હતા. ભારત જેવા બહુઅસ્મિતાવાળા દેશમાં હિન્દુ હિન્દુ મટીને મુસલમાન થઈ જાય એટલે ભારતીય નથી મટી જતો. ધર્માંતરણ એ કોઈ રેલવેનો ડબ્બો બદલવા જેવું હોતું નથી જેમાં પાછલા ડબ્બાને ભૂલી જવાય. ભારતીય મુસલમાનોમાં પૂર્વાશ્રમના સંસ્કાર ક્યારેક પ્રબળ માત્રામાં અને ક્યારેક અવશેષરૂપે કાયમ રહ્યા હતા અને એણે પણ ભારતીય ઇસ્લામનો ઘાટ ઘડવામાં યોગદાન આપ્યું હતું. માટે તો ભારતીય ઇસ્લામને ગંગા-જમની, સાઝા સંસ્કૃતિવાળા, સિન્ક્રેટિક ઇસ્લામ તરીકે ઓળખવામાં આવે છે.

નૈયાયિકો કહે છે એમ કોઈ પણ ચીજના નિર્માણમાં એક ઉપાદાન કારણ હોય છે અને બીજાં આનુષંગિક કે નિમિત્ત કારણો હોય છે. જેમ કે માટીના ઘડામાં માટી ઉપાદાન કારણ છે અને પાણી, અગ્નિ, ઘાસ વગેરે આનુષંગિક કારણ છે; જ્યારે કુંભાર નિમિત્ત કારણ છે. પદાર્થમાંથી જ્યારે ઉપાદાન કારણ હટાવી દેવામાં આવે ત્યારે એ પદાર્થ ટકી શકતો નથી. માટી વિના ઘડાનું અસ્તિત્વ અશક્ય છે. ભારતીય મુસલમાનો માટે ગંગા-જમની ભારતીય ઇસ્લામ ઉપાદાન કારણ છે.

બન્યું એવું કે સલાફી પ્રભાવ હેઠળ ઉલેમાઓએ ભારતીય મુસલમાનોના ઉપાદાન કારણને જ નકારવાનું શરૂ કર્યું જેણે ભારતીય મુસલમાનોને અલાયદી ઓળખ આપી હતી અને નવા યુગમાં સહઅસ્તિત્વ માટેની ભૂમિકા રચી આપી હતી. ભારતીય મુસલમાનો પોતાની અલાયદી ઓળખ ધરાવતા હતા. બહુમતી ભારતીય મુસલમાનો પૂર્વાશ્રમમાં હિન્દુ હતા અને હિન્દુઓની સાથે પાડોશીનો સંબંધ ધરાવતા હતા. તેમનું હિન્દુઓ સાથે પરસ્પરાવલંબન હતું. ભારતીય મુસલમાનો હવે તો અંગ્રેજોના કારણે પાશ્ચાત્ય સભ્યતાના અને મૂલ્યવ્યવસ્થાના સંપર્કમાં આવ્યા હતા અને એને સમજવાનો પ્રયાસ કરતા હતા. હિન્દુઓ પાશ્ચાત્ય સભ્યતા સાથે કઈ રીતે કામ પાડી રહ્યા છે એ પણ સમજવાની તેઓ કોશિશ કરી રહ્યા હતા. તેમને માટે જો કોઈ સાવ અજાણ્યો પદાર્થ હોય તો એ સાઉદી સલાફી ઇસ્લામ હતો. ખ્રિસ્તી ધર્મ કરતાં પણ વધારે અજાણ્યો.

ઉલેમાઓએ ઉપાદાન કારણને નકારીને, આનુષંગિક પણ ન કહેવાય એવા હદીસમાં આવતા પયગંબરના એક વાક્યને ઉપાદાન કારણ માનીને પાછા ફરવાનું આંદોલન શરૂ કર્યું હતું. સેંકડો વર્ષના પરિચિત પ્રદેશમાંથી ૧૪૦૦ વર્ષ જૂના અજાણ્યા પ્રદેશમાં જવાનું એ આંદોલન હતું. આગ્રહો ભારતીય મુસલમાનનાં મૂળિયાં કાપી નાખે એવા હતા. પ્રશ્ન એ છે, પ્રશ્ન કરતાં પણ આશ્ચર્ય એ વાતનું છે કે શા માટે કોઈ મુસ્લિમ નેતા કે વિદ્વાને આ અજાણ્યા પ્રદેશમાં લઈ જનારા અને ભારતીય મુસલમાનોનાં મૂળિયાં કાપનારા આંદોલનનો વિરોધ નહીં કર્યો? હિન્દુઓમાં નવી વાસ્તવિકતા નહીં સ્વીકારનારા મૂળભૂતવાદી સનાતનીઓનો રાજા રામમોહન રૉય અને બીજાઓએ મુલાબલો કર્યો હતો. હિન્દુઓમાં પાશ્ચાત્ય ધર્મોની ભદ્દી નકલ કરનારા આર્યસમાજીઓના મૂળભૂતવાદનો વ્યવહારવાદી પ્રગતિશીલ હિન્દુઓએ મુકાબલો કર્યો હતો. હિન્દુઓમાં હિન્દુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોમવાદનો જોરદાર મુકાબલો કરવામાં આવ્યો હતો અને એમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. દેશ આઝાદ થયો એનાં ઘણાં વર્ષો પહેલાં દેશની બહુમતી હિન્દુ પ્રજાએ મન બનાવી લીધું હતું કે સ્વતંત્ર ભારત લોકતાંત્રિક અને સેક્યુલર હશે. જે હિન્દુમાં શક્ય બન્યું એ મુસલમાનોમાં કેમ શક્ય ન બન્યું?

આનું કારણ એ છે કે મુસલમાનોના રાજકીય નેતાઓ (રાજકીય નેતાઓ, ઉલેમાઓ નહીં) ભારતીય ઇસ્લામ અને આયાતી મૂળભૂતવાદી સલાફી ઇસ્લામની ખૂબીઓ અને ખામીઓ વચ્ચે વિવેક કરી શક્યા નહોતા. સલાફી ઇસ્લામનો મુકાબલો થોડોઘણો સૂફીઓએ કર્યો હતો જેમને રાજકીય નેતાઓએ ટેકો નહોતો આપ્યો. પૂર્વ અને પશ્ચિમ, પરંપરા અને આધુનિકતા, મૂળભૂતવાદ અને સુધારો આ વિશે જેટલી ચર્ચા અને ઊહાપોહ હિન્દુઓમાં થયો હતો એનો દસમાં ભાગનો પણ ઊહાપોહ મુસલમાનોમાં નહોતો થયો. આનું બીજું કારણ એ છે કે ભારતમાં હિન્દુઓ બહુમતીમાં હતા અને મુસલમાનો લઘુમતીમાં હતા અને દેશમાં કોમી ત્રિકોણમાં અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોનું રાજકારણ કરતા હતા. એ સમયના મુસલમાનોના રાજકીય નેતાઓને મુસલમાનને હિન્દુથી અળગો રાખીને અંગ્રેજો પાસેથી લાભ લેવા માટે સલાફી ઇસ્લામનો ખપ હતો. સર સૈયદ અહમદ ખાન અને એ પછીના મુસ્લિમ નેતાઓ અંગત જીવનમાં સેક્યુલર હોવા છતાં રાજકીય લાભ લેવા માટે નહોતા અનોખા ભારતીય ઇસ્લામના પડખે ઊભા રહ્યા કે નહોતો તેમણે ભારતીય મુસલમાનોના સલાફીકરણનો વિરોધ કર્યો.

સર સૈયદ અહમદ ખાન મુસલમાનોના પહેલા નેતા હતા જેમને મુસલમાનોના રાજા રામમોહન રૉય તરીકે ઓળખાવવામાં આવે છે. આ તુલના બંધબેસતી નથી. રાજા રામમોહન રૉયે પૂર્વ અને પશ્ચિમ તેમ જ પરંપરા અને આધુનિકતા વચ્ચે નીરક્ષીર વિવેક કર્યો હતો. સર સૈયદ અહમદ ખાન ભારતીય ઇસ્લામ અને સલાફી ઇસ્લામ વચ્ચે નીરક્ષીર વિવેક કરી શક્યા નહોતા. તેમનો એજન્ડા મુસલમાનોમાં આધુનિક પાશ્ચાત્ય શિક્ષણનો પ્રસાર થાય, મુસલમાનો હિન્દુઓની બરાબરી કરી શકે અને મુસલમાનો અંગ્રેજોની નજીક જાય એટલો જ હતો. એ માટે તેમણે કુરાન અને હદીસનું પ્રગતિશીલ અર્થઘટન કર્યું હતું, પરંતુ એ ખપપૂરતું હતું. સર સૈયદને ભારતીય ઇસ્લામ તરફ પક્ષપાત હોય કે સલાફી ઇસ્લામની મર્યાદા સમજતા હોય એવું જોવા મળતું નથી. ઊલટું તેઓ પણ ભારતીય મુસલમાનોને ઝાહીલ સમજતા હતા. એ પછીના મુસ્લિમ નેતાઓનું વલણ પણ આવું જ હતું. તેઓ ગામડાંઓમાં રહેતા આમ મુસલમાનથી દૂર રહેતા હતા એટલે આમ મુસલમાનને ઉલમાઓને ભરોસે છોડવામાં આવ્યો હતો. એક બાજુ ઉલેમાઓ ભારતીય મુસલમાનોનાં મૂળિયાં કાપતા હતા અને તેમનું બ્રેઇનવૉશિંગ કરતા હતા તો બીજી બાજુ ઉચ્ચ શિક્ષિત અને અંગત જીવનમાં સેક્યુલર મુસ્લિમ નેતાઓ આમ મુસલમાનથી અંતર રાખીને સલાફી ઇસ્લામનો કોમી લાભ લેતા હતા. ઉલેમાઓના પક્ષે પોતાના વજૂદ પર ઘા કરવાના વલણના કારણે અને નેતાઓના પક્ષે એવા વલણ તરફ ઉદાસીનતા દાખવવાને કારણે સહઅસ્તિત્વ અને સામંજસ્ય માટેની દરેક અનુકૂળતા હોવા છતાં એ અનુકૂળતાનો લાભ લેવામાં નહોતો આવ્યો. ભારતીય મુસલમાનો સુવર્ણ અવસર ચૂકી ગયા હતા. ભારતનું વિભાજન સહઅસ્તિત્વની બાંયધરી આપનારા ગંગા-જમની વિશેષતા ધરાવતા ભારતીય ઇસ્લામને નકારવાના કારણે થયું હતું. પાકિસ્તાનનું વિભાજન પૂર્વ પાકિસ્તાનના મુસલમાનોની બંગાળી અસ્મિતાને નકારવાના કારણે થયું હતું. પાકિસ્તાનની આજની અવદશા સલાફી ઇસ્લામ સિવાયના બીજી ઇસ્લામિક માન્યતા અને અસ્મિતાને નકારવાના કારણે થઈ છે. આ બીમારીનું આજનું સૌથી વિકૃત સ્વરૂપ અત્યારે સિરિયા અને ઇરાકમાં જોવા મળી રહ્યું છે. સલાફીઓ રાજ્યને હાઇજૅક કરવા યુદ્ધે ચડ્યા છે.

ભારતીય મુસ્લિમ નેતાઓએ આવી ભૂલ ન કરી હોત અને પોતાના વજૂદને નકારનારી આત્મઘાતી પ્રવૃત્તિનો વિરોધ કર્યો હોત તો આજે ભારતીય ઉપખંડનો અને સમગ્ર મુસ્લિમ વિશ્વનો ઈતિહાસ જુદો હોત. વિલ્ફ્રેડ સ્મિથ કહે છે એમ મુસ્લિમ ઇતિહાસમાં પહેલી વાર ભારતીય મુસલમાનો માટે ન શાસક, ન શાસિત પણ નાગરિક તરીકે આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાજ્યમાં સહઅસ્તિત્વ માટેની તક મળી હતી. આવા સહઅસ્તિત્વની સંભાવના હિન્દુઓ સાથેની હતી જે પ્રમાણમાં વધારે સહિષ્ણુ પ્રજા છે. ગાંધીજીના નેતૃત્વમાં કૉન્ગ્રેસે સેક્યુલર લોકતંત્ર માટેની પ્રતિબદ્ધતા જાહેર કરી દીધી હતી અને આઝાદી પહેલાં જ એ દિશામાં આગળ વધવાની તૈયારીઓ શરૂ કરી હતી. ભારતીય મુસ્લિમ નેતૃત્વે અશ્રદ્ધા અને આશંકાની જગ્યાએ લોકતાંત્રિક સેક્યુલર રાજ્યમાં મુસ્લિમની જગ્યાએ નાગરિક બનીને નસીબ અજમાવવાનો એક પ્રયોગ કરવો જોઈતો હતો. જો એમ બન્યું હોત તો ભારતીય મુસલમાન સમગ્ર મુસ્લિમવિશ્વ માટે દીવાદાંડી બની શક્યો હોત. જો એમ બન્યું હોત તો આધુનિકતા અને ઇસ્લામ વચ્ચે સામંજસ્યની ભૂમિકા રચાઈ શકી હોત. જો એમ બન્યું હોત તો આજે સલાફીઓ આધુનિક રાજ્યના બંધારણ સામે કુરાનને અને હદીસને મુસલમાનોના બંધારણ તરીકે રજૂ કરી રહ્યા છે એ મૂર્ખતા ટાળી શકાઈ હોત. આખરે જગતનો પ્રત્યેક ચોથો મુસલમાન ભારતીય હતો.