શું તમારા પ્રિયજનના માથાના કોઈ એક ભાગમાં અકારણ જ ટાલ થઈ રહી છે?

05 October, 2014 07:05 AM IST  | 

શું તમારા પ્રિયજનના માથાના કોઈ એક ભાગમાં અકારણ જ ટાલ થઈ રહી છે?



મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

તમને આજે એક સવાલ પૂછું? તમે ક્યારેક અતિશય ચિંતામાં કે ઉચાટમાં હો ત્યારે શું કરો છો? પગ હલાવો છો? નખ ચાવો છો? ગળામાં પહેરેલા પેન્ડન્ટને ચેઇનમાં આમતેમ ફેરવવા માંડો છો? હાથની આંગળીઓના ટચૂકા ફોડવા માંડો છો? હવે વધુ એક અંગત સવાલ પૂછું? શું તમારામાંથી કોઈ એવું છે જે આવી પરિસ્થિતિમાં પોતાના માથાના એક પછી એક વાળ તોડે છે? શું કોઈ એવું છે જે આ તોડેલા વાળને આંગળીમાં લપેટી મોઢા પર કે હોઠ પર જાણે મોરનું પીંછું ફેરવતા હો એમ ફેરવે છે? કે પછી કોઈ એવું છે જેને આ તોડેલા વાળ ખાવામાં મજા આવે છે? વાંચવામાં કે સાંભળવામાં પણ ચીતરી ચડે એવી આ વાત કોઈ કલ્પના નથી પરંતુ માનસિક રોગોની યાદીમાં સત્તાવાર રીતે સ્થાન પામેલો એક ડિસઑર્ડર છે. એનું નામ છે ટ્રાઇકોટિલોમેનિયા. સામાન્ય રીતે કોઈ આપણા વાળ ખેંચે તો આપણને પીડા થાય; પરંતુ આ એક એવો વિચિત્ર ડિસઑર્ડર છે જેમાં વ્યક્તિને પોતાના જ માથાના વાળ તોડવામાં એક પ્રકારની રાહત, એક પ્રકારની નિરાંતનો અનુભવ થાય છે. એવું ન કરવા મળે તો ક્યાંય તેનો જીવ ચોંટે નહીં અને અસહ્ય અકળામણ થવા માંડે.

હાથ પરની મગજની લગામ છૂટે ત્યારે

ભગવાન શ્રીકૃષ્ણે અજુર્‍નને યુદ્ધભૂમિના મેદાનમાં કહેલી ગીતાનું આજે બજારમાં મળતું કોઈ પણ સારામાંનું પુસ્તક લેશો તો એક ચિત્ર એમાં ચોક્કસ જોવા મળશે. એ ચિત્રમાં એક સારથિ પાંચ ઘોડાવાળા રથની લગામ સંભાળવા મથી રહેલો દર્શાવવામાં આવ્યો હશે. આ ચિત્ર ખરેખર તો સિમ્બૉલિક છે. એ પાંચ ઘોડા દ્વારા વાસ્તવમાં મનુષ્યની પાંચ ઇન્દ્રિયો દર્શાવવામાં આવી છે, જ્યારે સારથિ એ ખરેખર તો આપણું મન છે. ગીતા કહે છે કે ઈશ્વરકૃપા હોય તો જ માણસ પોતાનું મન કાબૂમાં રાખી શકે અને એ સ્થિર મન પાંચ ઇન્દ્રિયોની લગામ સંભાળી જીવનરથને સુખરૂપ એના ગંતવ્યસ્થાન સુધી લઈ જઈ શકે. જો એવું ન થાય તો બેકાબૂ મન પાંચ ઇન્દ્રિયો પાસે ધાર્યું કામ કઢાવી ન શકે અને બધી અલગ-અલગ દિશામાં દોડવા માંડે છે. આવું જ કંઈક ટ્રાઇકોટિલોમેનિયામાં પણ થાય છે. એની વાત કરતાં ગોરેગામમાં ન્યુ હૉરાઇઝન નામનું કાઉન્સેલિંગ સેન્ટર ચલાવતા જાણીતા ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ ડૉ. સમીર દલવાઈ કહે છે, ‘દરેક વ્યક્તિની પોતાની ચિંતા અને ઉચાટને હૅન્ડલ કરવાની રીત અલગ હોય છે. નાનાં બાળકો હોય તો અંગૂઠો ચૂસવા માંડશે. ઘણા મોટા લોકોને પગ હલાવવાની, રૂમમાં આમતેમ આંટા મારવાની, નખ કે ચ્યુઇંગ-ગમ ખાવાની આદત હોય છે. આ બધાથી અલગ કેટલાક એવા લોકો હોય છે જેઓ આવી પરિસ્થિતિમાં જાતે જ પોતાના માથાના વાળ એક પછી એક તોડવા માંડે છે. કેટલાક લોકો માથાના વાળ નહીં ને આંખની પાંપણ, આઇબ્રો, હાથ અને પગની રુવાંટીથી માંડીને નાકના વાળ અને જનાંનગોના વાળ પણ તોડવા માંડે છે. જેમ નાના બાળકને અંગૂઠો ચૂસવાથી રાહતનો અહેસાસ થાય છે એવી અને એટલી જ રાહત આવા લોકોને પોતાના વાળ તોડવાથી મળે છે. આ ડિસઑર્ડરથી પીડાતા મોટા ભાગના લોકો એક સમયે એક જ વાળ તોડે છે તો કેટલાક મનને શાંત કરવા એકસાથે અનેક વાળ તોડી નાખતા પણ અચકાતા નથી. વળી જો વાળ તોડવા ન મળે તો તેમની અકળામણ વધી જાય છે અને તેઓ યેનકેન પ્રકારેણ એમ કરવા માટે અધીરા બની જાય છે. એનાથી આગળ વધીને કેટલાક લોકોને તો એ તોડેલા વાળ ખાઈ જવામાં પણ એટલો જ આનંદ મળે છે. વાળ ખાવાની આ આદત ટ્રાઇકોફિજિયા તરીકે ઓળખાય છે. ટૂંકમાં, તમે એમ કહી શકો કે તેમનું અસ્થિર મન તેમના હાથ પરનો સંપૂર્ણ કાબૂ ગુમાવી બેસે છે અને એ બેલગામ હાથ શરીરને પીડા આપી શાંતિ મેળવવાનો પ્રયાસ કરે છે.’

ટ્રાઇકોટિલોમેનિયાના પ્રકારો

સામાન્ય રીતે આ ડિસઑર્ડરનો આરંભ ૯થી ૧૩ વર્ષની ઉંમરે થાય છે. એની પાછળ મમ્મી-પપ્પામાંથી કોઈનું મૃત્યુ, કોઈ પણ પ્રકારનું શોષણ કે ભણવામાં નાપાસ થવા જેવી તાણ પેદા કરતી પરિસ્થિતિઓ જવાબદાર બને છે. આગળ જતાં એ આદત બની જાય છે. કેટલાક કિસ્સામાં આ આદત જીવનભર પજવતી રહે છે તો કેટલાકમાં જીવનના વિવિધ તબક્કે આવ-જા કર્યા કરે છે. મોટા ભાગે આ આદત બે પ્રકારે જોવા મળે છે. કેટલાક લોકો સમજી-વિચારીને સંપૂર્ણ ફોકસ સાથે માનસિક તાણ દૂર કરવા વાળ ખેંચે છે તો કેટલાક લોકો કંટાળો દૂર કરવા કે પછી ટીવી જોતી વખતે વાળ ખેંચ્યા કરે છે. એમ કહોને કે જાણે તેમનો હાથ વાળ તોડી રહ્યો છે એ આખી ક્રિયાથી જ તેઓ લગભગ અજાણ હોય છે. ટ્રાઇકોટિલોમેનિયાનો આ પ્રકાર ઑટોમૅટિક તરીકે ઓળખાય છે. કેટલાક લોકોમાં આ બન્ને પ્રકાર એકસાથે પણ જોવા મળી શકે છે. એમાં પણ હાથ પર માથું ટેકવીને બેસવા કે પછી માથું ઓળવા જેવી પરિસ્થિતિઓ વાળ ખેંચવાની અદમ્ય ઇચ્છાને ટ્રિગર કરી શકે છે.

અનેક રીતે અસર કરતો ડિસઑર્ડર

ટ્રાઇકોટિલોમેનિયાના મોટા ભાગના લોકોને પોતાની આ આદત યોગ્ય ન હોવાનું ખબર હોવાથી તેઓ આ કામ લોકોની નજરથી છુપાઈને ખાનગીમાં કરે છે, પરંતુ આ આદત બહુ લાંબી ચાલે તો તેમના માથાના કોઈ એક ચોક્કસ ભાગમાં થઈ જતી ટાલ કે પછી આંખની પાંપણ કે આઇબ્રોની સંપૂર્ણ ગેરહાજરી તેમની આ વિચિત્રતાની ચાડી ખાઈ જાય છે. આ તકલીફ તેમના માટે બીજી નવી આફત લઈને આવે છે. આવા વાળ કે ચહેરા સાથે લોકોની વચ્ચે જવામાં તેમને શરમ અને સંકોચ નડતાં હોવાથી ક્યાં તો તેઓ વિગ કે ફૉલ્સ આઇલૅશિસ જેવાં ઉપકરણોની મદદથી પોતાની આ ખોટને એક નહીં તો બીજી રીતે છુપાવવાના પ્રયત્નમાં રચ્યાપચ્યા રહે છે અથવા લોકોની નજરોથી બને એટલું દૂર એકલવાયું જીવન જીવવા માંડે છે. પોતાનું આ રહસ્ય જાહેર ન થઈ જાય એ માટે તેઓ પ્રેમમાં પડવાનું કે શારીરિક સંબંધ બાંધવાનું પણ ટાળે છે. આ બધાને પરિણામે અંતે તેમનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે જે તેમને ડિપ્રેશન તથા ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર જેવા માનસિક રોગોનો શિકાર પણ બનાવી શકે છે. આ સિવાય શરીરના જે ભાગમાંથી સતત વાળ ખેંચ્યા જ કરવામાં આવતા હોય ત્યાં ઇન્ફેક્શન થવાની સંભાવના પણ રહે છે. સાથે જો એ વાળ તોડીને ખાઈ જવાની પણ આદત હોય તો પાચનતંત્રમાં ગરબડ ઊભી થવાની શક્યતા તો ખરી જ.

આવી ઇચ્છા તો કેવી રીતે થઈ શકે?

આ પ્રશ્નના જવાબમાં વિજ્ઞાન અમુક જિનેટિક ખામીઓ તથા પરિવારના કોઈ સભ્યને આ ડિસઑર્ડર હોય તો બાળકોમાં એ ડેવલપ થવાની સંભાવનાને જવાબદાર ગણાવે છે. એ સિવાય સેરોટોનિન અને ડોપામિન જેવાં મગજમાં રહેલાં કેમિકલ્સમાં ખામી પણ આ ડિસઑર્ડરનું કારણ બનતી હોવાનું માનવામાં આવે છે.

નિદાન અને સારવાર

તમને ટ્રાઇકોટિલોમેનિયા છે કે નહીં એ શોધી કાઢવા માટેની કોઈ ચોક્કસ લૅબોરેટરી ટેસ્ટ હજી સુધી શોધી શકાઈ નથી. તેથી કોઈ વ્યક્તિ માથાના કોઈ એક જ ભાગમાં ટાલ સાથે ડૉક્ટર પાસે પહોંચે અને આવું થવા પાછળ કોઈ બીમારી જવાબદાર નથી એવું જણાય તો ડૉક્ટરે આ ડિસઑર્ડર હોવાની શક્યતા ચકાસી જોવી જોઈએ. અલબત્ત, આ રોગના દરદીઓ ડૉક્ટર પાસે જવાનું જ ટાળતા હોવાથી મોટા ભાગના કિસ્સા સારવાર સુધી પહોંચી શકતા જ નથી. છતાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના દેખાવ માટે વધુ સંવેદનશીલ હોવાથી ટ્રાઇકોટિલોમેનિયાની સારવાર માટે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ડૉક્ટર પાસે વધુ જતી હોવાનું નોંધવામાં આવ્યું છે. ડૉ. સમીર દલવાઈ કહે છે, ‘આ ડિસઑર્ડર દૂર કરી દે એવી કોઈ દવા હજી સુધી શોધાઈ નથી. તેથી સારવાર માટે સાઇકોથેરપી અને કાઉન્સેલિંગ એકમાત્ર ઉપાય જ બાકી રહે છે. આ થેરપીમાં અમે કઈ-કઈ તાણભરી પરિસ્થિતિમાં દરદીને વાળ ખેંચવાની અદમ્ય ઇચ્છા થાય છે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી આ ઇચ્છાને દબાવીને સકારાત્મક રીતે એ મુશ્કેલીઓનો ઉકેલ કેવી રીતે શોધી શકાય એનો રસ્તો દેખાડીએ છીએ. આ ડિસઑર્ડરની શરૂઆત નાની ઉંમરે થઈ હોય તો એ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની સારવાર વિના જાતે જ જતો રહે છે, પરંતુ પાછલી ઉંમરે લાગુ પડેલો ટ્રાઇકોટિલોમેનિયા કોઈ બીજી જ માનસિક બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. તેથી સારવાર શરૂ કરતાં પહેલાં દરદીના ઘર, પરિવાર, જીવન અને સંજોગોની સંપૂર્ણ છણાવટ કરી લેવી વધુ હિતાવહ છે.’

વાળ તોડીને ખાવાની આદત હોય ત્યારે...

એક અંદાજ મુજબ ટ્રાઇકોટિલોમેનિયાના દર ૧૦૦માંથી ૨૦ દરદી ટ્રાઇકોફિજિક હોય છે. ગયા વર્ષે પવઈની ૧૬ વર્ષની એક છોકરી પેટની અસહ્ય પીડા સાથે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે તેને ઘ્વ્ સ્કૅન અને અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી. આ ટેસ્ટમાં તેના પેટમાં વાળનો મોટો જથ્થો ફસાઈ ગયો હોવાનું બહાર આવ્યું. આખરે અંધેરીમાં આવેલી એક હૉસ્પિટલમાં ઑપરેશન કરવામાં આવ્યું ત્યારે તેના પેટમાંથી એક કિલો ૬૦૦ ગ્રામ જેટલા વાળનો ગુચ્છો બહાર નીકળ્યો. આ વાળનો ગુચ્છો તેના આખા પેટમાં ફેલાઈ ગયો હતો, જેને કાઢતાં ડૉક્ટરોના નાકે દમ આવ્યો હતો. ડૉક્ટરોનું કહેવું છે કે વાળ ખાવાની આ આદત કમળાથી માંડીને પેટનું અલ્સર, પેટમાં બ્લીડિંગ તથા નાના આંતરડામાં અવરોધ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે.