કાચનો ઝૂલતો સ્કાયવૉક

05 October, 2014 07:04 AM IST  | 

કાચનો ઝૂલતો સ્કાયવૉક






વાહ રે વાહ! - સેજલ પટેલ


પર્વતની ટોચ પર તમારી આસપાસ વાદળાં દોડતાં હોય, ચારેકોર લીલીછમ વનરાજી પથરાયેલી હોય અને ઠંડાગાર પવનમાં તમે હવામાં જાણે અધ્ધર ઊડી રહ્યા હો એવી પરિકલ્પના સૌને ગમતી હોય છે. જોકે ૨૦૦-૫૦૦ ફૂટની ઊંચાઈએ ગયા પછી હાંજા ગગડી જાય છે. નીચે કીડિયારા જેવી માનવવસ્તી જોવાનો રોમાંચ તો થાય, પણ સાથે ભયનું લખલખું પણ ફરતું હોય. જો તમને એવું લાગતું હોય કે તમે આવા કાચાપોચા અને ડરપોક લોકોમાં નથી અને ઊંચાઈએથી પણ કુદરતી સૌંદર્યના ઘૂંટડા ભરી-ભરીને એને માણી શકો છો તો હાલો, ચીન પહોંચી જાઓ. તમે કેટલા જાંબાઝ છો એની કસોટી કરી જ નાખો. 

ચીનના પાટનગર બીજિંગના ઉત્તર સીમાડે હુબઇ પ્રાંતમાં આવેલા બાઉડિંગ શહેરમાં થોડા સમય પહેલાં જ એક ઝૂલતો સ્કાયવૉક ખૂલ્યો છે. બે પર્વતોની ટોચને જોડતો એક સેતુ બનાવવામાં આવ્યો છે જેનું ભોંયતળિયું ટ્રાન્સપરન્ટ ગ્લાસનું બનેલું છે. એકસાથે બે-ત્રણ માણસો સાથે ચાલી શકે એટલો પહોળો આ સ્કાયવૉક જમીનથી લગભગ ૧૮૦ મીટર એટલે કે લગભગ ૫૪૦ ફૂટ ઊંચે બંધાયેલો છે. ચોમેર પર્વતોની હરિયાળી છવાયેલી છે. સ્કાયવૉકની બન્ને બાજુમાં આધાર લઈ શકાય એ માટે કઠેડા પણ છે. દૂરથી આ સ્કાયવૉકનું દૃશ્ય રોમાંચક અને નયનરમ્ય લાગે છે, પણ એક વાર એની ઉપર પહોંચ્યા પછી ભયથી ભલભલાનાં રૂંવાડાં ખડાં થઈ જાય છે.

સ્કાયવૉક લૂઝ સસ્પેન્શનથી લટકેલો છે એટલે તમે પર્વતની એક કિનારી છોડીને ચાલતાં-ચાલતાં અધવચ્ચે પહોંચો ત્યારે જબરી કસોટી થાય છે. ભોંયમાં ગ્લાસ હોવાને કારણે જાણે પગ હેઠળથી ધરતી સરકી ગઈ હોય એવું લાગે અને પવનને કારણે અધવચ્ચે આ સ્કાયવૉક પવનની લહેરખીઓ સાથે આમતેમ હિલોળા લેવા લાગે છે.

ખાસ ટૂરિસ્ટો માટે તૈયાર કરવામાં આવેલા આ ઝૂલતા સ્કાયવૉક પર કાચાપોચા હૃદયના કેટલાક લોકો બહુ હામ ભીડીને નીકળી તો પડે છે, પણ અધવચ્ચે પહોંચ્યા પછી જબરી બૂમાબૂમ કરી મૂકે છે. એ માટે અહીં પ્રોફેશનલ ટ્રેઇનિંગ ધરાવતા અસિસ્ટન્ટ્સ પણ અવેલેબલ છે. આ અસિસ્ટન્ટ્સ તમને હાથ પકડીને હિંમત બંધાવીને બેડો પાર કરવામાં મદદ કરે છે.