હોમોસેક્સ્યુઅલિટીને તમારા મનોરંજનનું સાધન ન બનાવો

02 November, 2014 07:08 AM IST  | 

હોમોસેક્સ્યુઅલિટીને તમારા મનોરંજનનું સાધન ન બનાવો



સંબંધ-સરિતા - ડૉ. રવિ કોઠારી

છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા મૉડર્નાઇઝેશનના પગલે હોમોસેક્સ્યુઅલિટી વિશે છૂટથી ચર્ચા થવા લાગી છે. સજાતીય પ્રેફરન્સ ધરાવતા લોકો હવે મોકળાશ અને ગુનાહિત લાગણીમાંથી મુક્તિનો અહેસાસ કરી શકે છે. જોકે એ વાતનો ફિલ્મોમાં જે રીતે મનોરંજક મસાલા તરીકે ઉપયોગ થાય છે એ લાલ બત્તી સમાન છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષની કેટલીયે ફિલ્મો છે જેમાં ગે અને લેસ્બિયન સંબંધોને એન્ટરટેઇનમેન્ટના સાધન તરીકે વાપરવામાં આવ્યા છે. આ છૂટછાટને કારણે કિશોરાવસ્થા અને યૌવનપ્રવેશને ઉંબરે ઊભેલા લોકોમાં એ બાબતે જબરું કુતૂહલ જાગે છે અને કાચીપાકી સમજણના અભાવે ક્યારેક એક્સપરિમેન્ટિવ થઈ જવાનું ભયસ્થાન ઊભું થઈ રહ્યું છે. સજાતીયતાને ધિક્કારવાની જરૂર નથી, પણ એ મનોરંજનનું સાધન કે ફૅશન ન બની જાય એનું સંતુલન જાળવવું જરૂરી છે. વ્યક્તિગત જાતીયતાનું સન્માન થાય એ વિજાતીય અને સજાતીય બન્ને પ્રકારના લોકો માટે જરૂરી છે.

સજાતીયતા વિશે હાલમાં બે તદ્દન અંતિમ છેડાનું વલણ ધરાવતા બે વગોર્ પડી ગયા છે. એક વર્ગ છે જે આજે પણ હોમોસેક્સ્યુઅલિટીને અપવિત્ર અને ગંદી માને છે. આ વર્ગ રૂઢિચુસ્ત અને પ્રૌઢ વયના લોકોનો છે. બીજો વર્ગ કુતૂહલથી ભરપૂર એવા યુવાનોનો છે. તેઓ કંઈક નવું જાણવા માટે, અનુભવવા માટે કે પછી હવે તો સજાતીયતા ખરાબ ચીજ નથી એવી સફાઈ સાથે પોતાના ઓરિજિનલ પ્રેફરન્સ કરતાં કંઈક જુદું ટ્રાય કરવાનો પ્રયોગ કરવામાં માને છે. મૂળભૂત રીતે વિજાતીયતામાં માનનારો યુવાન મજા ખાતર સજાતીય સંબંધોનો ટેસ્ટ માણવા તરફ જાણેઅજાણે વળે છે જે ખતરનાક છે.

સામાન્ય રીતે પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવાય છે. માત્ર જાતીય આકર્ષણ જ નહીં, એક મીઠી લાગણી રહે છે. બાયસેક્સ્યુઅલ વ્યક્તિ પોતે સ્ત્રી હોય કે પુરુષ, તેને સ્ત્રી અને પુરુષ બન્ને માટે જાતીય આકર્ષણ અને મીઠી લાગણી થાય છે. ખૂબ જ અગત્યની અને સમજવા જેવી બાબત એ છે કે આવી વ્યક્તિઓનું સેક્સ્યુઅલ અથવા રોમૅન્ટિક અટ્રૅક્શન દરેક વખતે બન્ને જાતિઓ માટે એકસરખું જ હોય એ જરૂરી નથી. કામશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્રના વરાહ મિહિરે લખેલા બૃહત જાતક ગ્રંથ તેમ જ ગ્રીક ધાર્મિક ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ થયો છે. એટલે કે કોઈ વ્યક્તિ બાયસેક્સ્યુઅલ હોય તો એમાં કંઈ ખોટું નથી, પરંતુ એ નૅચરલી ઉદ્ભવેલી બાબત હોવી જોઈએ. દેખાદેખીમાં આવીને કરેલો પ્રયોગ વ્યક્તિની સેક્સ્યુઅલ સાઇકોલૉજીને માઠી અસર કરી શકે છે.

તરુણાવસ્થા જીવનનો અત્યંત નાજુક સમય છે. માત્ર સેક્સ્યુઅલિટી સમજવા માટે જ નહીં, જીવનની દિશા એ સમયગાળા દરમ્યાન નક્કી થાય છે. કાચી વયે જે બાબતો દિમાગમાં ઘર કરી જાય એને ભૂંસવી અને નવેસરથી સાચું શીખવું અઘરું હોય છે.

માનવમગજની વિચિત્રતા એ છે કે આ સમયગાળા દરમ્યાન જે બાબતની ના પાડવામાં આવે એ તેને કરવાનું મન થાય. ગે, લેસ્બિયન કે બાયસેક્સ્યુઅલ બિહેવિયર જો નૅચરલ પસંદગી જ હોય તો એને બદલવાનો પ્રયોગ કરવો એ પથ્થર સાથે માથું ફોડવા બરાબર છે; પરંતુ આ પસંદગી નૅચરલ જ છે એ નક્કી કેવી રીતે કરવું એ હવે પાયાનો પ્રશ્ન થઈ ગયો છે.

ટીનેજર સંતાનોના પેરન્ટ્સની રિસ્પૉન્સિબિલિટી ખૂબ જ મોટી થઈ જાય છે કે તેમનાં સંતાનો આ વિષયમાં કોઈ પણ પ્રકારની ગ્રંથિ રાખ્યા વિના એને સમજે. સજાતીયતાને ગંદી બાબત ચીતરીને હાથે કરીને એ વિષયનું કૂતુહલ ઊભું કરવું ઠીક નથી. વળી મનોરંજનનાં માધ્યમોમાંનું સજાતીયતા વિશેનું ચટાકેદાર પ્રેઝન્ટેશન તેને ખોટેખોટું એ તરફ ન લલચાવે એ માટે જરૂરી જ્ઞાન તમારા સંતાનને ક્યારે અને કેવી રીતે આપવું એની જવાબદારી ઉઠાવવાનો સમય આવી ગયો છે.

સજાતીયોની કશમકશ   

ભારતીય સમાજમાં મેજોરિટી લોકો વિજાતીય આકર્ષણ ધરાવે છે અને એને જ નૉર્મલ ગણવામાં આવ્યું છે. આને કારણે સજાતીય આકર્ષણ ધરાવતી વ્યક્તિના મનમાં ભયંકર ગડમથલ સર્જાતી હોય છે. ટીનેજ દરમ્યાન જેમ વિજાતીય પ્રેફરન્સ ધરાવતી વ્યક્તિને ઑપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષણ થાય છે એમ સજાતીય પ્રેફરન્સ ધરાવતી વ્યક્તિને પોતાના જ સેક્સની વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય છે. પ્યુબર્ટીથી જ આની શરૂઆત થઈ જાય છે. આ તબક્કે ન તો તે પોતાની લાગણી કોઈને કહી શકે છે, ન ખાળી શકે છે. પેરન્ટ્સ સાથે આવી વાત કરવાની મોકળાશ નથી હોતી અને મેજોરિટી મિત્રો વિજાતીય પ્રેફરન્સવાળા હોવાથી તેની વાત સાંભળનાર કે સમજનાર કોઈ નથી હોતું. એમાં પાછું સજાતીયતાની મજાક બનતી હોય ત્યારે તેમની સ્થિતિ કફોડી બની જાય છે.