દુનિયાનો સૌથી વધુ પ્રચલિત ગુપ્ત રોગ

02 November, 2014 07:05 AM IST  | 

દુનિયાનો સૌથી વધુ પ્રચલિત ગુપ્ત રોગ




મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

ક્રિસ્ટોફર કોલમ્બસને કોણ નથી ઓળખતું? પોતાના મોટા નૌકાકાફલા સાથે ભારતની શોધમાં સ્પેનથી નીકળલા આ સાહસી ખલાસીએ ખોટો દરિયાઈ રસ્તો પકડી લેતાં અજાણતાં જ વિશ્વને ધ ન્યુ વર્લ્ડ એટલે કે અમેરિકાની ભેટ આપી દીધી હતી. જોકે શું તમે જાણો છો કે કોલમ્બસે વિશ્વને અમેરિકા ઉપરાંત બીજું પણ કશુંક એવું આપ્યું છે જેનાં પરિણામો આજ દિન સુધી મનુષ્યજાતિ ભોગવી રહી છે? એ બીજું કશુંક બીજું કંઈ નહીં, જેના નામમાત્રથી લોકો ગભરાય છે એ ગુપ્ત રોગ સિફિલિસ છે. હા, મુંબઈની લોકલ ટ્રેનમાં ધક્કા ખાતા-ખાતા કે માહિમ-બાંદરામાં જોવા મળતી વૈદ્ય-હકીમોની વૅન પર આપણે બધાએ અનેક વાર આ શબ્દ વાંચ્યો હશે, પરંતુ આ રોગનો પ્રસાર દુનિયાભરમાં કોલમ્બસ અને એના કાફલાએ કર્યો હોવાનું માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતીઓ અનુસાર સિફિલિસના બૅક્ટેરિયા પહેલેથી જ અમેરિકામાં હતા, પરંતુ એ ભૂખંડ આખી દુનિયાથી અલિપ્ત હતો. એ તો કોલમ્બસથી અજાણતાં થઈ ગયેલી શોધે લોકોને દુનિયાના નકશા પર આ ભૂખંડની હયાતિથી વાકેફ કર્યા. કોલમ્બસ અને તેના નૌકાબેડાના અન્ય નાવિકો અમેરિકાના સ્થાનિક લોકો સાથે હળ્યા-મળ્યા ત્યારે તેમને પણ આ રોગ લાગુ પડ્યો. આગળ જતાં જ્યારે તેઓ ઍટલાન્ટિક સમુદ્ર પાર કરીને યુરોપ પાછા પહોંચ્યા ત્યારે તેમની સાથે સિફિલિસના બૅક્ટેરિયા પણ યુરોપ પહોંચ્યા અને ત્યાંથી એ આખા વિશ્વમાં ફેલાયા.

સિફિલિસ શું છે?

પહેલાંની સરખામણીમાં સેક્સની બાબતમાં આપણે ઘણા બદલાઈ ગયા છીએ. આજકાલ તો ભારતમાં પણ લોકો ફ્રી સેક્સમાં માનતા થઈ ગયા છે. નવી પેઢીના યુવાનો લગ્ન પહેલાં સેક્સનો અનુભવ માણવામાં જરાય શરમ, સંકોચ અનુભવતા નથી. એમ છતાં જ્યારે વાત આવે છે ગુપ્ત રોગોની તો લોકોનું અજ્ઞાન હજી પણ એની ચરમસીમાએ જ છે. આવામાં ક્યારેક ખોટું સાહસ ઊલમાંથી ચૂલમાં પાડવાનું કામ કરી શકે છે. તેથી જ સિફિલિસ જેવા ગુપ્ત રોગ વિશે યોગ્ય સમજ હોવી પહેલાં કરતાં પણ વધુ આવશ્યક બની ગઈ છે. ગામદેવી ખાતેના જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ. હેમેન શાહ સિફિલિસ શું છે એ સમજાવતાં કહે છે, ‘આ એક શારીરિક સંબંધો વડે ફેલાતો અત્યંત ચેપી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) છે જેની પાછળ ટ્રિપોનિમા પેલિડમ નામના બૅક્ટેરિયા વિલનની ભૂમિકા ભજવે છે. આ વિષાણુ ખુલ્લા છાલા દ્વારા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે છે. તેથી કેટલીક વાર માત્ર એક લાંબું ચુંબન પણ એના ફેલાવા પાછળ કારણભૂત બની શકે છે. સિફિલિસની સૌથી મોટી સમસ્યા એ છે કે આ એક તબક્કાવાર થતો રોગ છે, જે પ્રથમ સ્ટેજમાં હોય ત્યારે ઘણી વાર રોગીને પોતાને પણ ખ્યાલ આવતો નથી કે તે આવી કોઈ મહાભયંકર બીમારીથી પીડાઈ રહ્યો છે. તેથી અજાણતાં જ તે પોતાના પાર્ટનરને પણ આ રોગનો શિકાર બનાવી દે છે. એ સિવાય કોઈ ગર્ભવતી મહિલાને આ રોગ હોય તો તેના બાળકને પણ આ રોગ થવાની સંભાવના વધી જાય છે, જે બાળકમાં ખોડખાંપણનું અથવા તેના મૃત્યુનું કારણ બની શકે છે.’

સિફિલિસના વિવિધ તબક્કા

સિફિલિસનું ઇન્ફેક્શન ત્રણ તબક્કામાં જોવા મળે છે : પ્રાઇમરી સિફિલિસ, સેકન્ડરી સિફિલિસ અને ટર્શરી સિફિલિસ.

(૧) પ્રાઇમરી સિફિલિસ : સિફિલિસના પ્રથમ તબક્કાની શરૂઆત ગુપ્તાંગ અથવા મોઢામાં એકાદ અલ્સર (ચાંદા) દ્વારા થાય છે. સામાન્ય રીતે આ અલ્સરમાં કોઈ પણ પ્રકારની પીડા થતી નથી કે નથી એમાંથી લોહી નીકળતું. બલ્કે કોઈ સારવાર ન કરો તો પણ લગભગ છ અઠવાડિયાંના સમયગાળામાં એ જાતે જ રુઝાઈ જાય છે. ડૉ. હેમેન શાહ કહે છે, ‘સિફિલિસ એક એવી બીમારી છે જે સારવાર વિના પીછો છોડતી નથી. તેથી પ્રાઇમરી સિફિલિસનું અલ્સર આપોઆપ રુઝાઈ જાય તો પણ એના બૅક્ટેરિયા તો શરીરમાં રહી જ જાય છે જે શરીરની અંદર રહીને વધુ તાકાતવર બને છે અને બીજા તબક્કામાં વધુ જોર સાથે આક્રમણ કરે છે.’

(૨) સેકન્ડરી સિફિલિસ : પ્રથમ તબક્કાનું સિફિલિસ રુઝાઈ જાય એનાં કેટલાંક અઠવાડિયાં બાદ ધીરે-ધીરે ફરી દરદીને પાછાં એવાં જ ચાંદાં પડવા માંડે છે, પરંતુ આ વખતે આખા શરીર પર એ થાય છે. આ ચાંદાંનું પ્રમાણ એટલું વધારે હોય છે કે એ હાથના પંજા અને પગનાં તળિયાં સુધી ફેલાઈ જાય છે. પ્રથમ તબક્કાની જેમ આ ચાંદાંમાં પણ પીડા થતી નથી. કેટલીક વાર આ ચાંદાં સાથે ગુપ્તાંગ તથા મોઢામાં પાણી ભરેલા મસા પણ થાય છે. કેટલાક કિસ્સામાં આ તબક્કે પહોંચેલા દરદીને સ્નાયુઓમાં દુખાવો, તાવ, ગળામાં સોજો જેવી સમસ્યાઓ પણ સતાવે છે. પ્રથમ તબક્કાની જેમ અમુક અઠવાડિયાં બાદ આ ચાંદાં પણ આપોઆપ રુઝાઈ જાય છે અથવા લગભગ વર્ષભર આવ-જા કર્યા કરે છે.

(૩) ટર્શરી સિફિલિસ : જેમની ક્યારેય સારવાર થઈ નથી એવા સિફિલિસનો ભોગ બનેલા લગભગ ૧૫થી ૩૦ ટકા લોકો રોગના આ ત્રીજા તબક્કામાં ઊભી થતી સમસ્યાઓનો ભોગ બને છે. આ તબક્કે રોગ એની ચરમસીમાએ હોય છે અને દરદીના મગજથી માંડીને હૃદય, આંખ, રક્તવાહિનીઓ, લિવર, હાંડકાં અને સાંધા સુધ્ધાંને નુકસાન પહોંચાડી શકે છે જેને પગલે સ્ટ્રોકથી માંડીને પૅરૅલિસિસ, અંધત્વ, બહેરાશ, હાર્ટ-અટૅક જેવી અનેક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

ટર્શરી અને સેકન્ડરી સ્ટેજની વચ્ચે લેટેન્ટ સિફિલિસ નામનો તબક્કો પણ આવે છે જ્યાં રોગ લાંબા સમય માટે સુષુપ્ત અવસ્થામાં સરી જાય છે અને કોઈ લક્ષણો દેખાતાં નથી.

કૉન્જેનિટલ સિફિલિસ

સિફિલિસ ધરાવતી ગર્ભવતી મહિલાના બાળકમાં પણ પ્લેસેન્ટા દ્વારા આ રોગ પ્રવેશી શકે છે, જે કૉન્જેનિટલ સિફિલિસ તરીકે ઓળખાય છે. આ પ્રકારનો સિફિલિસ ધરાવતા નવજાત શિશુનું જન્મ પહેલાં જ માતાના ગર્ભમાં અથવા જન્મના થોડા જ સમયમાં મૃત્યુ થવાની સંભાવના ઘણી વધારે રહે છે. ક્યારેક જન્મ સમયે બાળકમાં આ રોગનાં કોઈ જ લક્ષણો જોવા ન મળે તો પણ આગામી અઠવાડિયાંઓમાં એ એના સેકન્ડરી સ્ટેજમાં ગંભીર સ્વરૂપે બહાર આવે છે. તાત્કાલિક ઇલાજ ન થાય તો એ બાળકના મૃત્યુથી માંડીને એના વિકાસમાં બાધા તથા ફિટ આવવા પાછળનું કારણ બની શકે છે. મોટા થયા બાદ પણ આવાં બાળકોમાં બહેરાશ, દાંત અને ચહેરાના માળખામાં ગરબડ જેવી તકલીફો જોવા મળે છે.

નિદાન અને સારવાર

ડૉ. હેમેન શાહ કહે છે, ‘VDRL (ધ વિનિરિયલ ડિસીઝ રિસર્ચ લૅબોરેટરી), PPHA તથા FTA-ABS જેવી બ્લડ-ટેસ્ટ દ્વારા સિફિલિસનું નિદાન આસાનીથી કરી શકાય છે. આ ટેસ્ટમાં લોહીમાં સિફિલિસના ઍન્ટિ-બૉડીની ઉપસ્થિતિ દ્વારા શરીરમાં એના બૅક્ટેરિયા છે કે નહીં એ નક્કી કરવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં જ પકડાઈ જાય તો સિફિલિસનો ઇલાજ પેનિસિલિન નામના ઍન્ટિ-બાયોટિકના માત્ર એક ડોઝથી જ કરી શકાય છે. આ ઍન્ટિ-બાયોટિક શરીરમાં પ્રવેશી ટ્રિપોનિમા પેડિલમ બૅક્ટેરિયાને સરળતાથી મારી નાખે છે. જેઓ એકાદ વર્ષથી આ રોગનો શિકાર હોય તેમના માટે આટલો ઇલાજ પૂરતો છે, પરંતુ જેઓ એના કરતાં વધુ લાંબા સમયથી આ રોગનો સામનો કરી રહ્યા છે તેમને વધુ ડોઝની જરૂર પડી શકે છે. પેનિસિલિનની ઍલર્જી‍ ધરાવતા લોકોને ડૉક્ટરો એના જેવી જ અસર ધરાવતી અન્ય ઍન્ટિ-બાયોટિક્સ આપવાનું પસંદ કરે છે. અલબત્ત, સારવારની સાથે દરદીએ પોતે પણ અમુક પ્રકારની સાવધાની રાખવી આવશ્યક છે. જેમ કે જ્યાં સુધી રોગ સંપૂર્ણપણે નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી તેમણે કોઈ પણ પ્રકારના શારીરિક સંબંધોથી દૂર રહેવું જોઈએ. સિફિલિસના દરદીઓને એઇડ્સ થવાની સંભાવના અનેકગણી વધારે રહેતી હોવાથી આ રોગનું નિદાન થતાં જ HIVની ટેસ્ટ કરાવી લેવી પણ હિતાવહ છે. સાથે જ પોતાના જીવનસાથીની પણ આ રોગોની ટેસ્ટ કરાવીને જરૂર હોય તો સારવાર શરૂ કરાવી દેવી જોઈએ. રોગ પર એક વાર કાબૂ મેળવી લીધા બાદ પણ સમયાંતરે યોગ્ય બ્લડ-ટેસ્ટ કરાવતા રહેવું જરૂરી છે. સામાન્ય રીતે એક વાર સિફિલિસ શરીરમાંથી નાબૂદ થઈ ગયો હોય તો પાછો ઊથલો મારતો નથી, પરંતુ તમે જેમની સાથે શારીરિક સંબંધો ધરાવો છો તેમને આ રોગ હોય તો તેમનામાંથી તમારામાં આ રોગના વિષાણુ પાછા પ્રવેશવાની સંભાવના હંમેશાં જ ઊભી રહે છે.

સિફિલિસની આજકાલ

સિફિલિસને દુનિયાના સૌથી જૂના ગુપ્ત રોગોમાંનો એક ગણવામાં આવે છે, જેનાં મૂળિયાં કોલમ્બસથી માંડીને ૧૪મી અને ૧૫મી સદી સુધી વિસ્તરેલાં છે. એક સમય હતો જ્યારે વિશ્વભરમાં દર વર્ષે લાખો લોકો આ રોગને પગલે મૃત્યુ પામતા હતા તો બીજી બાજુ કોલમ્બસ, અમેરિકાના પ્રથમ પ્રેસિડન્ટ જ્યૉર્જ વૉશિંગ્ટન, નેપોલિયન બોનાપાર્ટ, ઍડોલ્ફ હિટલર, ઈદી અમીન જેવા રાષ્ટ્રપ્રમુખોથી માંડીને લિયો ટૉલ્સ્ટૉય, ઑસ્કર વાઇલ્ડ, વિન્સેન્ટ વાન ગોગ, નિત્શે તથા અલ કપોન જેવી હસ્તીઓ પણ આ રોગનો શિકાર બની હોવાનું માનવામાં આવે છે.

અલબત્ત, ગુપ્ત રોગોના મામલામાં હવે લોકો ઘણા જાગૃત થઈ રહ્યા છે. આજની યુવા પેઢી પોતાની અંગત સમસ્યાઓ લઈને ડૉક્ટર પાસે જતાં અચકાતી નથી. આ ઉપરાંત વિજ્ઞાન દ્વારા ઍન્ટિ-બાયોટિક્સના બહોળા ઉપયોગે પણ આવા રોગોની સારવાર પ્રમાણમાં ઘણી સરળ બનાવી દીધી છે. એમ છતાં હકીકત તો એ છે કે આજે પણ આ બીમારીનો ભય લટકતી તલવારની જેમ આપણા માથે તોળાયેલો જ રહે છે. એક અંદાજ મુજબ ૧૯૯૯ની સાલમાં દુનિયાભરમાં એક કરોડ ૨૦ લાખ લોકો આ રોગનો ભોગ બન્યા હતા, જેમાંથી ૯૦ ટકા દરદીઓ વિકસિત દેશોના હતા. એ સિવાય દર વર્ષે લગભગ ૭ લાખ ગર્ભવતી મહિલાઓ આ રોગનો શિકાર બને છે, જે તેમના બાળકનું જન્મ પહેલાં જ અથવા જન્મના થોડા સમયમાં જ મૃત્યુનું કારણ બને છે. સિફિલિસનું પ્રમાણ ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેતા, હોમોસેક્સ્યુઅલ્સ તથા એઇડ્સના દરદીઓમાં વધુ જોવા મળે છે. ૮૦ અને ૯૦ના દાયકામાં પેનિસિલિનના બહોળા ઉપયોગને પગલે સિફિલિસના દરદીઓનું પ્રમાણ ઘણું ઘટી ગયું હતું, પરંતુ અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન દ્વારા ભેગા કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ૨૦૦૫થી ૨૦૧૩ની સાલ દરમ્યાન આ રોગના દરદીઓનું પ્રમાણ પાછું વધી રહ્યું હોવાનું નોંધાયું હતું. એની પાછળ અસુરક્ષિત શારીરિક સંબંધો, દેહવ્યવસાય તથા કૉન્ડોમ જેવાં સુરક્ષાનાં સાધનોનો ઘટી રહેલો ઉપયોગ જેવાં કારણોને જવાબદાર ગણવામાં આવ્યાં હતાં.