આ છે હેરી મોટર

02 November, 2014 07:02 AM IST  | 

આ છે હેરી મોટર







રેકૉર્ડ-મેકર - સેજલ પટેલ

આપણે ત્યાં ઘણાં ધાર્મિક તીર્થસ્થળોએ ભગવાનનાં ચરણોમાં વાળનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. એ પ્રથા પાછળની કથા જે હોય એ, પણ માણસોના રિયલ વાળનો એને કારણે ઇન્ડિયામાં જબરદસ્ત બિઝનેસ ફાલ્યો છે. ભારતમાંથી માણસોના અસલી વાળની એક્સપોર્ટ બહુ મોટા પાયે થાય છે. મોટા ભાગે અસલી વાળની વિગ બનાવવા માટે એ વિદેશોમાં વપરાય છે. જોકે ઇટલીની મારિયા લ્યુસિયા મુગ્નો નામની ૪૪ વર્ષની હેર-સ્ટાઇલિસ્ટે એનો અનોખો ઉપયોગ કયોર્ છે. તેણે પોતાની કારનો એક સ્ક્વેર ઇંચ જેટલો ભાગ પણ ખાલી ન રહે એ રીતે એને વાળમાં ઢબૂરી દીધી છે.

સામાન્ય રીતે લોકો પોતાની મનગમતી કારને સ્વરોવ્સ્કીથી જડવાના અભરખા ધરાવતા હોય છે, પણ હેર-સ્ટાઇલિસ્ટ મારિયાબહેનને હીરાને બદલે હેરમાં જ રસ પડ્યો. એમાં પાછું મારિયાની કોઈ બહેનપણીએ તેને ચૅલેન્જ આપી કે હીરાથી કારને જડવી સહેલી છે, વાળથી સજાવવાનું શક્ય જ નથી. ૨૦૧૦ની સાલમાં મારિયાબહેને ચૅલેન્જ ઉપાડી લીધી. ઇન્ડિયાથી ઢગલોબંધ એટલે કે લગભગ ૧૦૦ કિલો જેટલા વાળ મગાવ્યા. મારિયાનું કહેવું છે કે ઇન્ડિયન વાળ યુરોપિયન કન્ટ્રીના લોકોના વાળ કરતાં વધુ સ્ટ્રૉન્ગ, મૅનેજેબલ અને ટકાઉ હોય છે. આ વાત કદાચ સાચી હોવા છતાં ઇન્ડિયન વાળ બીજા દેશોના અસલી વાળની સરખામણીમાં સસ્તા પડે એવા હોય છે.

મારિયાએ તેના અસિસ્ટન્ટ વૅલેન્શિયા સ્ટૅસાનો સાથે મળીને કારને વાળથી સજાવવાનું મિશન આરંભી દીધું. વાળને લાવી, ધોઈ, અલગ-અલગ કલરમાં ડાઇ કરીને એના અલગ-અલગ ચોટલા ગૂંથવાનું શરૂ કરી દીધું. આ ગૂંથણીને એકબીજા સાથે વણીને એમાંથી વાળની ચાદર જેવું બનાવ્યું. એ ચાદરો માપ મુજબ કારના ખૂણેખૂણામાં ફેલાવી દીધી. કારની અંદર અને બહાર બન્ને તરફ વાળ જ વાળ. એક્સ્ટર્નલ બૉડી ઉપરાંત કારની અંદરની સીટ, નીચે પગ મૂકવાની જગ્યા, છાપરું, ડેશબોર્ડથી લઈને સ્ટિયરિંગ વ્હીલ અને ગિયર્સને પણ વાળની ગૂંથણીથી સજાવી દીધાં. આગળના કાચ પાસે ઝૂલતું તોરણ પણ વાળનું બનાવ્યું. ૨૦૧૦ની સાલમાં આ કારના નામે સૌથી વધુ વાળથી કવર કરવાનો વિક્રમ અંકિત થઈ ગયો.

કોઈ પણ વિક્રમ જે-તે વ્યક્તિ માટે મોંઘેરો હોય છે, પણ આ રેકૉર્ડ ખરેખર મોંઘો પણ હતો. આટલી મોટી માત્રામાં અસલી વાળ ઇમ્પોર્ટ કરવાનો જાયન્ટ ખર્ચ ઉમેરતાં ટબૂકડી ફીઆટ ૫૦૦ કારની કિંમત પૂરા ૬૦,૦૦૦ પાઉન્ડ એટલે કે ૬૦ લાખ રૂપિયા જેટલી થઈ ગઈ. આટલી મોંઘીદાટ ગાડીને સાચવવાનું પણ અઘરું હોય. અસલી વાળની સંભાળ રાખવામાં ન આવે તો એ રફ અને બટકણા થઈને થોડા જ સમયમાં બગડી જાય. આ વાળને પોષણ મળતું રહે એ માટે મારિયા ખાસ પ્રકારના શૅમ્પૂથી ગાડીને નવડાવે છે. એ પછી એને ડ્રાય કરતાં લગભગ ચારથી પાંચ કલાક જાય છે.

આટલી બધી કાળજી લીધા પછી તેણે તાજેતરમાં હેરથી ભરપૂર હેરી કારના માથે પતંગિયા જેવા આકારનો વીસ કિલો વાળનો બીજો ઉમેરો કયોર્ છે. એની પાછળ ટેમ્પરરી વાંકડિયા વાળની સેરો લટકાવી છે. એમ કરીને મારિયાએ પોતાનો જ વિશ્વની હેરીએસ્ટ કાર બનાવવાનો રેકૉર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો હતો.