ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૨

02 November, 2014 06:53 AM IST  | 

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૨

નવલકથા - રશ્મિન શાહ

માઇકલ ડગ્લસની આંખ ખૂલી ગઈ. તેનું આખું શરીર એ હદે ભીંજાયેલું હતું કે જાણે તે હમણાં જ શાવર લઈને બાથરૂમમાંથી બહાર આવ્યો હોય. ખુલ્લી આંખે ડગ્લસે આજુબાજુનું વાતાવરણ પારખવાની કોશિશ કરી. બારી પર પડદા ટીંગાઈ રહ્યા હતા અને રાતના સમયે ઠંડક પ્રસરાવી દેતાં રાજકોટમાં રાતનો અંતિમ પ્રહર ચાલી રહ્યો હતો. ક્યાંક દૂર કૂતરું રડી રહ્યું હતું અને વાતાવરણમાં બોલી રહેલાં તમરાંનો ઘેરો અવાજ બારીમાં ટીંગાઈ રહેલા પડદાને ચીરીને અંદર આવી રહ્યો હતો.

ભૂપત, ફોજદાર, કાળુ, બીજલ, મુલાકાત, પોલીસ-પલટન, હુમલો અને ભૂપતનું માર્યા જવું. ક્યાં ગયા એ બધા?

માઇકલે દિમાગને ઝાટકીને નજર પોતાના કમરામાં ફેરવી. કમરાની બરાબર મધ્યમાં પથરાઈ રહેલા બેડ પર તે બેઠો હતો અને પત્ની મીઠી ઊંઘ સાથે નીંદરમાં પણ સ્મિત કરી રહી હતી. બેડની બાજુમાં પડેલો નાઇટ-લૅમ્પ ચાલુ રહી ગયો હતો અને ડગ્લસની પથારી પરસેવાથી લથબથ થઈ ગઈ હતી.

- તો આ શું સપનું હતું?

અકલ્પનીય એવા આ સપનાની વાસ્તવિકતા જાણવા માટે ડગ્લસે પોતાના જ હાથ પર ચીંટિયો ભર્યો. ચામડીમાં ભરાયેલા નખને કારણે તેને વેદના થઈ જે હકીકત જાણવા માટે કાફી હતી. એમ છતાં ડગ્લસે વધુ મજબૂત રીતે વાસ્તવિકતાને જાણવા પોતાના દાંતની ભીંસ જીભના ટેરવા પર આપી. ગળામાંથી નીકળી ગયેલા આછાએવા ઊંહકારાએ પોતે વાસ્તવિક દુનિયામાં છે એ વાતની સભાનતા આપી અને આ સભાનતામાં જાણે કે હોંકારો ભણવો હોય એમ દીવાલ-ઘડિયાળમાં સવારના પાંચ વાગ્યાના પાંચ ટકોરા પણ પડ્યા. ટકોરાના અવાજની સાથે ડગ્લસની વાઇફે પડખું બદલ્યું અને પોતાનો હાથ ડગ્લસની છાતી પર મૂક્યો. જોકે ડગ્લસને બદલે હાથને ફ્લૅમિંગોનાં પીંછાંથી બનેલા ગાદલાનો નરમ સ્પર્શ મળ્યો એટલે તેની આંખો ખૂલી ગઈ.

‘વૉટ હૅપન...’ ડેઝીએ માઇકલને પૂછ્યું, ‘આટલો વહેલો કેમ જાગી ગયો?’

‘ડેઝી, એક બહુ ખરાબ સપનું જોયું...’

‘ઓહ માય બેબી...’

ડેઝી લાડ સાથે ઊભી થઈ અને તેણે ડગ્લસને પોતાની બાંહોમાં લીધો. જો આ ઘટના બીજા કોઈ સમયે બની હોત તો માઇકલે પોતાના હોઠ ડેઝીના માખણ જેવા ગળા પર મૂકી દીધા હોત, પણ આજની વાત કંઈક જુદી હતી. થોડી ક્ષણો પહેલાં માઇકલે ભૂપતને મરતા જોયો હતો. ફોજદારે કરેલી અવળચંડાઈને કારણે તે જે દિશામાં આગળ વધી રહ્યો હતો એ દિશાના દરવાજા એટલી ખરાબ રીતે બંધ થઈ ગયા હતા કે ડગ્લસ જિંદગીભર પોતાની જાતને માફ ન કરી શકે.

જો આ સપનું સાચું પડે તો? હિન્દુસ્તાન આવ્યા પછી ડગ્લસે સાંભળ્યું હતું કે વહેલી સવારે આવતું સપનું સાચું પડતું હોય છે. આમ તો તેને ક્યારેય સપનાં આવતાં નહીં. આખો દિવસ દોડધામ કરીને રાતે ઘરે આવ્યા પછી તે ડેઝીની બાંહોમાં એવો તે સૂઈ જતો કે તેની આંખ મહામુશ્કેલીએ સવારે આઠ વાગ્યે ખૂલતી. જોકે આજે પહેલી વાર એવું બન્યું હતું કે તેણે એક સપનું જોયું હતું. એક એવું લાંબુંલચક સપનું જેણે તેના દિલદિમાગ પર સ્થાન જમાવી લીધું હતું.

ડગ્લસ ડેઝીને દૂર કરીને બેડ પરથી ઊભો થઈને સીધો બાથરૂમમાં ગયો. બાથરૂમમાં જઈને તેણે પાણીની છાલક ચહેરા પર છાંટી. ઠંડા પાણીએ તેના શરીરમાં વીજળીનો કરન્ટ પસાર કરી દીધો. ઠંડા પાણીમાંથી ઊભરેલી આ ચમક ડગ્લસને એ સમયે ગમી હતી. મનમાં ચાલી રહેલા વિચારોને પણ એ પાણીની ઠંડકથી રાહત થઈ હતી. ડગ્લસને લાગ્યું કે જો તે સૂવાનો પ્રયાસ કરશે તો ચોક્કસ ફરી વખત સપનાના વિચારોમાં તણાશે.

એવું નહોતું કરવું એટલે જ તેણે એ જ સમયે શાવર લઈ લીધો.

ઠંડા પાણીના શાવરે તેને તાજગી આપી.

શાવર પૂરો કરીને ડગ્લસ ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ માટે ગોઠવાયો. આમલેટ અને દૂધ સાથેનો તેનો બ્રેકફાસ્ટ પૂરો થયો. બ્રેકફાસ્ટના આ સમયગાળા દરમ્યાન ડેઝીએ સપના વિશે બહુ પૂછપરછ કરી, પણ ડગ્લસે એના વિશે વાત કરવાનું ટાળ્યું અને તે ઘરેથી નીકળી ગયો. ઑફિસ જઈને તેણે શાંતચિત્તે રાતે જોયેલા સપનાને વાગોળ્યું હતું. હતું તો એ સપનું, પણ એ કોઈ હિસાબે હકીકતમાં ન ફેરવાય એવું કરવું જરૂરી હતું.

જો એવું જ કરવું હોય તો સૌથી પહેલું કામ એ કરવાનું હતું કે ઑફિસમાં રહેલા કર્મચારીઓને બદલવામાં આવે. ડગ્લસે એ જ કર્યું. તેણે એ દિવસે ઑફિસ પહોંચીને ક્લાર્કથી માંડીને ડ્રાઇવર અને પ્યુન સુધ્ધાંને બદલવાનું શરૂ કરી દીધું. બદલવાની આ પ્રક્રિયામાં ફોજદારે જેને ફોડી રાખ્યો હતો એ તેનો ચમચો પણ ડગ્લસની ઑફિસમાંથી હટી ગયો અને ફોજદાર સુધી માહિતી પહોંચતી બંધ થઈ.

ફોજદારને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે પહેલાં તો તે પોતાના માણસ પર ગિન્નાયો હતો.

‘ગધેડા, તેં કોઈક લોચા માર્યા હશે એમાં જ આ બધું થ્યું... મેં તને પહેલાં કીધું’તું કે એ ડગલા ગધેડાની બધી વાતો ચોરીછૂપીથી સાંભળવાની છે. નવરીનો શાણો છે. તે પોતાની આંખો ખુલ્લી રાખીને જ બેઠો હશે.’ ફોજદારે નિસાસો પણ નાખ્યો હતો, ‘બધા કર્યા-કારવ્યા પર પાણી ફેરવી દીધું...’

ડગ્લસ સ્વાભાવિક રીતે આ બાબતથી અજાણ હતો. તેણે તો માત્ર મનથી અને અંતરમાંથી મળેલા આદેશથી જ આ પગલું ભર્યું હતું, પણ તેના આ પગલાથી ફોજદાર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને તેની આશંકાઓ પણ વધી ગઈ હતી. ડગ્લસે પોતાના કર્મચારીઓ બદલ્યા એ દરમ્યાન ફોજદારના મનમાં એક વાત રીતસર ઘર કરી ગઈ કે ડગ્લસ કોઈ રમત રમી રહ્યો છે. મનમાં આવી ગયેલી આ શંકાઓના આધારે જ ફોજદારે કોઈ પગલું ભરવાનું નક્કી કર્યું, પણ તે હંમેશાં માનતો કે પહેલું પગલું ભરતાં પહેલાં બીજા પગલાની જગ્યા ચોખ્ખી કરી લેવી. ફોજદારે એ સમયે પણ એવું જ કર્યું અને તેણે અમદાવાદ ગ્લાડને ટેલિફોન કર્યો.

‘સાહેબ, તમારા ધ્યાન પર એક વાત મૂકું?’

‘યાહ, સે...’

ગ્લાડ એ સમયે નવરાશ વચ્ચે બેઠા હતા અને નવરાશ હંમેશાં કૂથલી કરવા માટે પ્રેરણા આપતી હોય છે.

‘સાહેબ, ડગ્લસસાહેબ થોડાક વધારે પડતા સમારટ બનતા જાય છે.’ ફોજદારે અંગ્રેજી શબ્દોના ખોટા ઉચ્ચારણ સાથે વાત શરૂ કરી, ‘તેમણે પોતાના બધા જૂના માણસોને બદલીને નવા માણસો મૂકવાનું શરૂ કરી દીધું છે. સાહેબ, સાચું કહું તો તે તમારી વાત માને એવાં લખણ દેખાતાં નથી...’

‘હં...’ ગ્લાડે ચુકાદો પણ આપી દીધો, ‘જો એવું થયું તો ડગ્લસે સજા ભોગવવી પડશે...’

‘સજા ભોગવવાનું કામ ત્યારે આવે જ્યારે માણસ પકડાય...’ ફોજદારે ગ્લાડના પેટમાં તેલ રેડવાનું શરૂ કર્યું, ‘પહેલી વાત તો ઈ કે તેનાથી તમારી વિરુદ્ધમાં જઈ જ ન શકાય ને બીજી વાત... ધારો કે તે બધું પોતાનું ધાર્યું કરી લે અને એય ઉપરવાળા મોટા સાહેબને પૂછીને તો પછી આપણે થોડી સજા તેને આપી શકીએ?!’

‘વૉટ ડૂ યુ વૉન્ટ ટુ સે...’ ગ્લાડે તાકીદ પણ કરી, ‘જે કંઈ કહેવું હોય એ ચોખ્ખા શબ્દોમાં કહી દે...’

‘સાહેબ, હું શું કહેવાનો; નાનો મા’ણા છું... તમારા રોટલા પર જીવું છું.’ ફોજદારે ટેલિફોન પર આડકતરી રીતે કરગરી પણ લીધું હતું, ‘જે કરવું હોય ઈ તો તમે કરી શકો. તે મા’ણાને ગામમાંથી કઢાવી પણ શકો ને તે મા’ણા પર નજર રાખવાનું કામ તેને ત્યાં પણ કોઈકને સોંપી શકો.’

‘રાઇટ... તે માણસ તમે જ હો તો તમને કેવું લાગે?’

‘હું!’

ફોજદારની જીભ પર અચરજનો ઉદ્ગાર હતો, પણ તેનું દિમાગ કામે લાગી ગયું હતું. જો તે ડગ્લસની આજુબાજુમાં કાયદેસર રીતે મુકાઈ જાય તો એના અનેક ફાયદાઓ હતા તો એ ફાયદાઓની ઝાંયમાં ગેરફાયદાઓ પણ નોંધાયેલા હતા. ફોજદારે ક્ષણવારમાં જ નિર્નય પણ લઈ લીધો.

‘જુઓ સાહેબ, તમે કામ સોંપો તો એ કરવાનું જ હોય... કોઈ પણ હિસાબે અને જાનના જોખમે પણ... એવું કરવામાં એક મોટું જોખમ છે.’

‘જોખમ...’ ગ્લાડ આ ગુજરાતી શબ્દથી સહેજ મૂંઝાયો હતો, ‘જોખમ, યુ મીન ટુ સે પ્રૉબ્લેમ... ધૅટ તકલીફ?’

‘હા સાહેબ... બેય એક જ હવે. જોખમ ને ઈ તકલીફ...’ ફોજદારે તરત જ મૂળ વાતનું અનુસંધાન જોડી લીધું, ‘જો મને મૂકી દીધો તો તમારો તે સાહેબ સાવચેત થઈ જશે ને પોતાનું બધું કામ અટકાવી દેશે. જો તમારે તેને રંગેહાથ પકડવો હોય તો બેસ્ટમબેસ્ટ ઈ છે કે તેના પર એક એવો વિશ્વાસુ માણસ મૂકીએ જેના પર તેને શક પણ ન જાય અને તમારું કામ પણ થઈ જાય...’

‘રાઇટ... છે કોઈ તમારા ધ્યાનમાં એવો માણસ જેને રાજકોટમાં ડગ્લસની સામે બેસાડી શકાય?’

‘સાહેબ, માણસોનો તોટો નથી, પણ તમે જેવો માણસ કહો છો એવો માણસ જો તમારા જેવો રૂપાળો ને અંગ્રેજ હોય તો કામ બહુ આસાન થઈ જશે...’ ફોજદારે સધિયારો પણ આપ્યો, ‘આમ તો તેણે અહીં આવીને કંઈ કરવાનું છે નહીં. જ્યાં અટકે અને જ્યાં તેનું કામ રોકાય ત્યાં તો હું બેઠો જ છું.’

‘એવી વ્યક્તિ શોધવાનું કામ તો થોડું ડિફિકલ્ટ...’ વાક્ય પૂરું થાય એ પહેલાં જ ગ્લાડના ચહેરા પર ચમક આવી ગઈ અને તેણે ફોજદારને ખુશીના ખબર પણ આપી દીધા, ‘ફોજદાર, એક માણસ છે જે આ કામ સંભાળી શકે. કામ સંભાળી શકે નહીં, જરૂર પડ્યે ભૂપતની સાથોસાથ તારા પેલા ડગ્લસને પણ જિંદગીભરની પનિશમેન્ટ આપી શકે.’

‘તો પછી મુરત શું જોવાનું સાહેબ...’ ફોજદારે ચાનક ચડાવી, ‘મોકલી દો અહીં એટલે પાડી દઈએ ખેલ...’

€ € €

મીરા માટે આજનો દિવસ અત્યંત મહત્વનો હતો. ભૂપતને મળવાનું હતું અને તેને મળવાની સાથોસાથ બહારવટું છોડીને ફરીથી સંસારમાં આવવા માટે સમજાવવાનો હતો. સમજાવવાની આ ક્ષણ તેના હિસ્સામાં આવશે એવું તો મીરાએ સહેજ પણ વિચાર્યું નહોતું. યશોદા અને જાનકી બેઠાં હોય એવા સમયે કેવી રીતે રાધા પોતાનું મહત્વ સમજાવી શકે, પણ એ કામ મૂક પ્રેક્ષક બનીને બેસી રહેતા ભૂપતસિંહના બાપુ અમરસિંહે કર્યું હતું.

જે સમયે એ પ્રશ્ન પર ચર્ચા ચાલી રહી હતી કે ભૂપતને માઇકલ ડગ્લસ સાથે મુલાકાત કરવા માટે કોણ સમજાવવા જાય ત્યારે હરી-ફરીને વાત હુમાતાઈ અને રાંભી પર આવી જતી હતી. રાંભી અને હુમાતાઈ બન્નેને એક જ પ્રશ્ન નડી રહ્યો હતો.

બન્નેના મનમાં એક જ વાતનો રંજ હતો કે દીકરાને જોઈને તેમની મુલાકાતનો સમય આંખમાંથી આંસુ સારવામાં જ પસાર થઈ જશે.

‘મારું માનો તો આ કામ એવી વ્યક્તિને સોંપો જે તમારા બેઉ વતી પૂરા મનથી અને પૂરા ખંતથી વકીલાત કરી શકે.’

‘એવી વ્યક્તિ તો તમે એક છો...’ રાંભીએ ટોણો પણ મારી લીધો, ‘પણ આ કામ તમને સોંપવા જેવું નથી. તમે વકીલાત કરવાની સાથોસાથ ગાંધીજીના વિચારોનો પાઠ ખોલીને બેસી જશો અને દીકરાને નાહકના દીકરાને નાહકના સત્ય અને અહિંસાનાં વચનો કહીને ગુસ્સે કરશો...’

‘હજી એક વ્યક્તિ એવી છે જે આ કામ કરી શકે...’

‘પણ છે કોણ એ વ્યક્તિ?’ હુમાતાઈને પણ અમરસિંહના શબ્દોમાં દિલચસ્પી હતી, ‘તે વ્યક્તિને કામ સોંપવામાં કોઈ બીજી તો તકલીફ નહીં પડેને...’

‘ઘરની વ્યક્તિ હોય અને ભૂપત જેને અંત વહાલો હોય તે શું કામ તેને નડતર બનવાનું કામ કરે.’ અમરસિંહે ચોખવટ પણ કરી હતી, ‘તે પણ ઇચ્છે જ છે કે ભૂપત પાછો સંસારમાં આવી જાય અને ઇજ્જતની જિંદગી જીવે...’

‘કોયડો ઉકેલવાનું બંધ કરીને નામનો ફોડ પાડો તો કંઈક સૂઝ પડે.’

છણકો રાંભીએ કર્યો હતો. જો બીજી કોઈ ક્ષણ હોત તો આ છણકા પર પણ અમરસિંહે નાનકડું ભાષણ આપ્યું હોત, પણ અત્યારની આ ક્ષણ નાજુક હતી અને સૌને તે વ્યક્તિનું નામ જાણવાની તાલાવેલી હતી.

‘મીરા...’

અમરસિંહે નામ આપ્યું કે બધાની આંખમાં અચરજનું આંજણ અંજાઈ ગયું. રાંભીને તો આ નામ પર સહેજ ગુસ્સો પણ આવી ગયો હતો અને ભૂપતની બન્ને બહેન રાબિયા અને અઝાનનો અણગમો પણ તેમના ચહેરા પર પથરાઈ ગયો હતો.

‘મીરા?! મને તો નથી લાગતું કે તે...’

‘બહેન, જે કામમાં એક નહીં પણ અનેકગણો પ્રેમ ઉમેરાઈ જવાનો હોય એ કામને સાચી રીતે પૂરી કરાવવાનું કામ કુદરત પણ કરતી હોય છે...’ અમરસિંહે હુમાતાઈની સામે જોયું, ‘મીરાને મોકલવાથી તમારો સ્વાર્થ પણ સચવાય છે અને તે છોકરીનો પ્રેમ પણ દાવ પર મુકાય છે... બહેન, જે ઘડીએ પ્રેમ હોડ પર હોય એ સમયે તો ભગવાન કૃષ્ણ પણ બધું ભૂલીને પહેલું કામ પ્રેમનું કરતો હોય છે.’

‘પ્રેમની વાત કરો છો એ સાચું, પણ એ ભૂલતા નહીં કે મીરાને ભૂપત માટે લગાવ છે, ભૂપત ક્યારેય મીરાને પ્રેમ કરતો હોય એવું અમને લાગ્યું નથી...’

‘માફ કરજો બહેન, પણ તો એ તમારી ભૂલ છે.’ અમરસિંહે ધીમેકથી કહ્યું, ‘મારે નાછૂટકે કહેવું પડશે કે દીકરાની આંખો વાંચતાં શીખવાનું હજી બાકી રહી ગયું બહેન...’

થોડી વાર માટે વાતાવરણમાં સન્નાટો રહ્યો. સૌના હોઠ બંધ હતા, પણ મન ખૂલી ગયાં હતાં અને વિચારોનો ધોધ અંદર વહેતો થઈ ગયો હતો. એ ધોધનું કેન્દ્રબિંદુ ભૂપત એક જ હતો. સૌ કોઈ ઇચ્છતા હતા કે ભૂપત થકી તેમની દુનિયામાં જોઈતો ફરક આવે. બે મા એવું ધારતી હતી કે ભૂપત સમાજમાં આવીને તેમનું ઘડપણ સુધારે તો બે બહેન એવું ઇચ્છતી હતી કે ભાઈ બધા વચ્ચે ખુલ્લેઆમ ગામમાં રહે અને તેમના તમામ વ્યવહારો સંભાળે. બાપુ પણ હવે બધી જવાબદારીઓમાંથી મુક્ત થવાનો વિચાર લઈને ભૂપતને સમાજ વચ્ચે લાવવા ઇચ્છતા હતા. સ્વાર્થ જ્યારે મનમાં હોય ત્યારે અણગમતી વાતને પણ સ્વીકારવાની હિંમત આવી જતી હોય છે.

‘મને તો ભાઈની વાત સાચી લાગે છે...’ સૌથી પહેલી સંમતિ હુમાતાઈએ આપી હતી, ‘જો મીરા જાય તો તેની વાત ભૂપત શાંતિથી સાંભળે પણ ખરો અને મીરાની વાતમાં તેને પરિવારનો કોઈ સ્વાર્થ પણ નહીં લાગે.’

‘હં... વાત તો મને પણ સાચી લાગે છે, પણ તે છોકરી સમજાવી શકશે ખરી?’ રાંભીએ શંકાનો કીડો રમતો મૂક્યો, ‘ભૂપત આમ તો કોઈનાથી માને એવો નથી. એ છોકરીની વાત તો તે ક્યાંથી કાને ધરશે...’

‘પ્રેમ અવલંબન પણ આપી શકે અને પ્રેમ અનરાધાર વિશ્વાસ પણ આપી દે.’

અમરસિંહના શબ્દોમાં શ્રદ્ધા પણ હતી અને શ્રદ્ધાભર્યા એ શબ્દોમાં આત્મવિશ્વાસ પણ ઝળકી રહ્યો હતો.

‘તો પછી રાહ શું જોવાની, બોલાવીએ મીરાને અને કરીએ કંકુના...’ હુમાતાઈએ અમરસિંહના એ શબ્દોને વધાવી લીધા અને આખરી મહોર મારી દીધી, ‘તમે અહીં જ છો ત્યારે જ છોકરીને તૈયારી કરાવી દઈએ... તૈયારી કરાવી દઈએ અને કહી પણ દઈએ કે જો અમારો દીકરો જોઈતો હોય તો આ કામ તારે પૂરા મનથી કરવું પડશે.’

મીરાને બોલાવવામાં આવી અને સમજાવવામાં આવી. ભૂપતને મળવા જવું એ પણ મીરાને મન તો ગોળના ગાડા જેવી વાત હતી. એમાં હવે તો તેણે ભૂપતને કાયમ માટે ઘરે આવી જવાના કહેણ સાથે મળવાનું હતું. સ્વાભાવિક છે કે મીરાએ ઉત્સાહ અને ઉન્માદ સાથે હા પાડી હતી. જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને એ સૂચનાઓની સાથોસાથ બન્ને માના સંદેશાઓ પણ આપવામાં આવ્યા.

‘કહેજે મારા દીકરાને કે માને હવે દીકરાની અણધારી હાજરી નથી જોઈતી... દરરોજ સાંજે દીકરો ઘરે આવે અને થાક્યોપાક્યો માના હાથની ખીચડી ખાવા હાથ ધોયા વિના થાળીએ બેસી જાય એ દિવસ જોઈએ છે...’ રાંભીએ પ્રેમપૂર્વક મીરાને કહ્યું હતું, ‘કહેજે દીકરાને કે આંખ થાકીને બંધ થાય એવો દિવસ દેખાડવાને બદલે આંખ થાકે એ પહેલાં દીકરો ઘરમાં આવી ગયાનો ઓડકાર જોઈએ છે ને દીકરાના હાથની કાંધ આ માને જોઈએ છે...’

રાંભીની વાત સાંભળતી વખતે મીરાની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં. આવી ગયેલાં એ આંસુની સાક્ષીએ મીરાએ મનોમન નક્કી કરી લીધું હતું કે જો ભૂપત સંસારમાં આવવા તૈયાર ન હોય તો તે પણ પોતાનું ઘર છોડીને વાઘણિયા ભૂપતને ઘરે રહેવા ચાલી જશે.

બિન બ્યાહી બહૂની જેમ...

€ € €

અંગ્રેજ અમલદારો કાળુના મારથી લાલ ટમેટા જેવા થઈ ગયા હતા. તે બિચારા સતત કણસતા હતા, પણ કાળુને તેમની દયા નહોતી આવી રહી. રઘવાયા કૂતરાની જેમ તે બન્ને અધિકારીઓને ચોંટી પડ્યો હતો. જાતજાતની અને ભાતભાતની ક્રૂરતાના પ્રયોગો તે બન્ને પર થયા હતા. પાંચેક કલાકના અમાનુષી કૃત્ય પછી કાળુ થાક ઉતારી રહ્યો હતો ત્યારે ભૂપત પાછો આવ્યો.

‘બેઉના ઢીંઢા ભાંગી નાખ્યા છે... સાલા હજીયે કંઈ બોલતા નથી. બસ, ખાલી ઇંગ્લિશમાં રાડુ પાડ્યા કરે છે...’

‘ગુજરાતી નથી આવડતું તેમને?’ ભૂપતે કાળુની સામે આશંકા વ્યક્ત કરી, ‘તેં તો એ લોકોની વાત ગુજરાતીમાં સાંભળી હતીને?’

‘આવડે છે, પણ અત્યારે બોલતા નથી... ઇંગ્લિશનું ચટરપટર જ કર્યા કરે છે બેઉ.’

ભૂપત ઝૂંપડીમાં દાખલ થયો. દાખલ થતાંની સાથે જ તેની નજર પેલા બન્ને અંગ્રેજ પર પડી. બન્ને અંગ્રેજો ઢગલો થઈને જમીન પર પડ્યા હતા. તેમના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું અને બેઠકસ્થાનનું પાટલૂન ફાટી ગયું હતું. ફાટી ગયેલા પાટલૂનમાંથી લાલ થઈ ગયેલી ગોરી ચામડી દેખાઈ રહી હતી.

ભૂપત અંદર દાખલ થયો. એક અંગ્રેજે સહેજ આંખ ખાલી. તેની નજર ભૂપતની મોજડી પર પડી. મોજડી જેવી દેખાઈ કે તરત જ તેના શરીરમાં સળવળાટ આવ્યો. તે પોતાનું શરીર ઢસડીને મોજડી સુધી લઈ જવાની કોશિશ કરવા લાગ્યો. ભૂપત સામેથી ચાલીને તેની નજીક ગયો અને તેના ચહેરા પાસે જઈને ઊભો રહ્યો. અંગ્રેજના મોઢામાંથી લવારી નીકળી રહી હતી. શબ્દો અંગ્રેજીના હતા, પણ એ સ્પષ્ટ નહોતા સંભળાઈ રહ્યા.

‘વી આર બેગિંગ... પ્લીઝ, લીવ અસ.’ તેના મોઢામાંથી લોહી બહાર આવી રહ્યું હતું તો પણ તેણે જીવ માટે ભીખ માગવાની ચાલુ રાખી, ‘પ્લીઝ, લીવ અસ...’

‘કાળુ...’

ભૂપતની રાડ સાંભળીને બહાર બેઠેલો કાળુ સફાળો ઊભો થઈ ગયો અને સીધો દોડતો અંદર ગયો.

‘બોલોને સરદાર...’

‘સરદારના દીકરા, તને કંઈ ભાન પડે છે...’ ભૂપત ગુસ્સામાં હતો. તેનો ગુસ્સો વાજબી હતો, ‘આ લોકોને આ રીતે માર મારવાનો હોય, ગધેડો...’

‘સરદાર, મગજમાં ભગત સિંહ આવી ગયા તો હું શું કરું...’

‘કંઈ નહીં. હવે આ લોકોમાં બોલવાના હોંશ આવે ત્યાં સુધી રાહ જોઈને બેસીએ...’ ભૂપતે ભડાસ કાઢી, ‘આપણે તો નવરીના જ છીએને. ચાર-છ દિવસે આ લોકો હોંશમાં આવશે, મોઢાનો ઘા રુઝાશે એટલે આપણને જવાબ આપશે અને પછી આપણે ટ્રેન લૂંટવા માટે વિચારીશું. આપણે તો સાવ નવરીના જ છીએને...’

‘ના, એવું નથી.’ કાળુએ બચાવ કર્યો, ‘એ તો થોડીક વારમાં બોલશે’

‘બોલશે ક્યાંથી, તારી પૂંઠમાંથી...’ કાળુની દલીલથી ભૂપતની કમાન છટકી રહી હતી, ‘ગધેડા, તેં એ બન્નેની જીભ છૂંદી નાખી છે. શું કર્યું હતું તેં...’

‘મેં તો એ લોકોને જીભ બહાર કઢાવીને દાઢીએ ખાલી લાત મારી...’ કાળુએ નમાલા અવાજે કહ્યું, ‘મને શું ખબર કે...’

‘ખબર ન પડતી હોય એવી જગ્યાએ કોઈ નકલ કરવા પણ ન જવું જોઈએ...’ ભૂપતે એક અંગ્રેજને પોતાના હાથમાં ઊંચક્યો અને ઓરડામાં પડેલા ખાટલા પર મૂક્યો, ‘ઉપાડ આને અને બોલાવ જલદી વૈદ્યને...’

‘તું ઉપાડી લે, હું વૈદ્યને બોલાવી લાવું.’

ભૂપત કંઈ કહે એ પહેલાં તો કાળુ સીધો ભાગ્યો. તે વૈદ્યને લઈને પાછો આવ્યો ત્યાં સુધીમાં ભૂપતે બન્ને અંગ્રેજને ખાટલા પર સુવડાવી દીધા હતા અને તેમના ઘા પણ સાફ કરી લીધા હતા. વૈદ્ય આવ્યા એટલે ભૂપતે તેમને જગ્યા કરી આપી. વૈદ્યે બન્ને અંગ્રેજને તપાસ્યા અને જરૂરી સારવાર કરી ત્યાંથી નીકળવાની તૈયારી કરી.

‘સારવાર કરવી એ મારો ધર્મ હતો અને મેં એ નિભાવી લીધો, પણ તમારી પાસેથી જાણી શકું ખરો કે આ બન્ને મહાનુભાવો કેવી રીતે અહીં આવ્યા?’

‘વૈદ્યરાજ, બાપુજીના બાપુજી ન બનવાનું હોય હોં...’

વૈદ્યના સવાલથી કાળુ ભડકી ગયો હતો, પણ ભૂપતે નરમાશથી જવાબ વાળ્યો : ‘બન્નેને અકસ્માત નડ્યો છે એટલે અહીં લઈ આવ્યા...’

‘ભાઈ, ખોટું બોલવું હોય તો વાજબી રીતે બોલવું જોઈએ. પકડાઈ જાય એવું અસત્ય સજા તો ન અપાવી શકે, પણ દુખ જરૂર પહોંચાડે.’

‘સિંહ, સાચું જ કહે છે...’

કાળુએ લૂલો બચાવ કર્યો, પણ વૈદ્યરાજે દૃઢતાપૂર્વક તેની સામે જોયું એટલે તે નીચું જોઈ ગયો.

‘બહાર ઊભેલા ગોરીલા જેવા માણસો અને ખભા પર રહેલી બંદૂક તો કંઈક જુદું કહે છે... જેને અકસ્માત નડ્યો એવું કહો છો એ બન્નેના ઘામાં ક્યાંય અકસ્માતની ઝલક નથી દેખાતી.’ વૈદ્યરાજ ભૂપતની નજીક આવ્યા, ‘જો ભાઈ, કહેવું હોય તો બહુબધું કહી શકું છું, પણ એ કહેવાનો કોઈ અર્થ નથી... ચોપાનિયામાં તારો ચહેરો જોયો ન હોત તો એવું ધારીને રાજીપો ઊજવી લેત કે યુવા ક્રાન્તિકારો હશે. તમે પણ પેલું ચોપાનિયું જોઈ લીધું છે એટલે ખબર છે કે અત્યારે એક એવા બહારવટિયા સામે ઊભો છું જેને પોલીસ શોધે છે... એક નાનકડી સલાહ છે તને. મારામારી એક તબક્કે જરૂરી હોતી હશે અને એ કરવી પડે તો એમાં કંઈ ખોટું પણ નથી; પણ બેટા, જે દિવસે એ કામની આદત પડી ગઈ એ દિવસે લોહી જોયા વિના ચેન નહીં પડે. હથિયાર ઉપાડવાનું કામ સહેલું હશે, પણ કામ પૂરું કરી લીધા પછી એ જ હથિયાર મૂકવાનું કામ બહુ અઘરું હોય છે... જરા શાંતચિત્તે વિચારજે. દિશા પણ દેખાશે અને જે દશા પર આવીને ઊભો છે એ દશા પણ દેખાશે.’

વૈદ્યરાજના અવાજમાં સંમોહન હતું અને એ સંમોહનમાં કોઈ જગ્યાએ બાપુ ઝળકી રહ્યા હતા. વૈદ્યરાજ હજી પણ અસ્ખલિત બોલી રહ્યા હતા.

‘જે સમયે દિશા અને દશાની સભાનતા આવે એ સમયે મોડું થઈ ગયાનું ભાન નહીં રહે અને બેટા, એવું થશે તો બહુ ખોટું થઈ જશે... એવું નથી કહેતો કે તું ખોટો છે. ના, એવું તો કેમ કહેવાય મારાથી. જેની વાતો મબલક લોકો પાસેથી સાંભળી હોય અને જે અત્યારે નાના માણસનો મસીહા બની ગયો હોય; પણ બેટા, જંગલમાં રહીને મસીહા બનવું એના કરતાં દુનિયા વચ્ચે રહીને ખુલ્લેઆમ કોઈને મદદ કરવી એ વધારે ઉચિત લાગે છે... આ બુઢ્ઢાને તો એવું જ લાગે છે. પછી ખબર નહીં, ઉંમર મુજબ કદાચ ડાગળી ચસકી પણ ગઈ હોય...’ વૈદ્યરાજે પોતાની થેલી હાથમાં લીધી, ‘ચાલો ત્યારે રજા લઉં છું.’

વૈદ્યરાજ બહાર નીકળવા માંડ્યા એટલે તેમના શબ્દો થકી આવી ગયેલી તંદ્રામાંથી ભૂપત જાગ્યો.

‘વૈદ્યરાજ, તમારા પૈસા...’

‘ના બેટા, એની કોઈ જરૂર નથી.’

ભૂપત કંઈ કહે એ પહેલાં જ કાળુ વચ્ચે બોલ્યો.

‘રહેવા દે ભૂપત, વૈદ્યરાજ સેવાના આ કામના રૂપિયા નહીં લેતા હોય...’

વૈદ્યરાજે કતરાતી આંખે કાળુ સામે જોયું અને પછી ભૂપતની સામે નજર મિલાવી.

‘હા, સાચી વાત છે તમારા ભાઈબંધની... સેવાના આ કામમાં હું લોહી નીતરેલા રૂપિયા નથી લેતો.’ વૈદ્યરાજને ભૂપતનો કોઈ ડર નહોતો, ‘જીવ લઈને કમાયેલો રૂપિયો જીવ બચાવવામાં કેવી રીતે કામ લાગવાનો...’

વૈદ્યરાજ બહાર નીકળી ગયા. તેમને મૂકવા જવા માટે કાળુ બહાર નીકળ્યો, પણ તે જેવો વૈદ્યરાજ સાથે ચાલતો થયો કે તરત જ વૈદ્યરાજે પોતાના પગ થંભાવી દીધા.

‘આવવાનો રસ્તો ખબર નહોતી, જવાનો મારગ ખબર છે ભઈલા...’

€ € €

‘સરદાર, માએ કહેવડાવ્યું છે કે એક વાર મળવાનું છે...’

ખબરી પાસેથી સમાચાર મળ્યા ત્યારે પહેલાં તો ભૂપતને ધ્રાસકો બેઠો હતો, પણ એ પછી જ્યારે ખબરી પાસેથી આખી વાત સાંભળી ત્યારે તેને થોડી રાહત થઈ હતી.

‘ચિંતા કરવા જેવું કંઈ નથી, પણ માને તેના મનની એક વાત કહેવી છે એટલે તેણે મળવા માટે કહેણ મોકલાવ્યું છે...’

‘માને કહેજે, સમય મળ્યે વહેલી તકે ઘરે આવી જઈશ...’

ખબરીએ વાતની ચોખવટ કરી.

‘તમારે ઘરે નથી જવાનું. બહાર જ કોઈ જગ્યાએ મળી લેવાનું છે. માનું કહેણ લઈને બીજું કોઈ આવશે અને...’

‘બીજું કોણ આવવાનું છે?’

‘એ તો ખબર નથી, પણ આવશે ઘરના જ કોઈ સભ્યમાંથી... એવું માએ કહ્યું છે.’

‘હં... સમજી ગયો. સમય લઈને તારે પાછા જવાનું છે?’ પેલાએ રમકડાની જેમ ચાર-છ વખત હા પાડી દીધી એટલે ભૂપતે જવાબ આપ્યો, ‘કહી દેજે કે આવતા રવિવારે માણાવદરમાં મળીએ.’

ખબરીએ સમાચાર પહોંચાડ્યા એ સમયથી અનેક લોકોની નજર રવિવાર પર ખોડાઈ ગઈ હતી.

 (વધુ આવતા રવિવારે)

€€€€€€