ન ભાવતા માણસોને પણ નભાવતાં શીખો- આ સિદ્ધાંત મેં જીવનમાં ઉતાર્યો છે

02 July, 2017 10:02 AM IST  | 

ન ભાવતા માણસોને પણ નભાવતાં શીખો- આ સિદ્ધાંત મેં જીવનમાં ઉતાર્યો છે



પ્રકરણ ૫ - સેજલ પોન્દા


શિપમાં તરી ગયા

૧૯૮૫માં એક સંસ્થાએ સુભાષભાઈનો પ્રોગામ ક્રૂઝમાં ગોઠવ્યો. કાર્યક્રમનો મજાનો અનુભવ સુભાષભાઈ શૅર કરે છે, ‘હું જોખમ ઉઠાવવા ઑલ્વેઝ તૈયાર રહ્યો છું. મને કોઈ પણ શબ્દ કહો એના પરથી જોક કહીશ એવી ચૅલેન્જ મેં ઑડિયન્સ સામે મૂકી. હું માનસિક તૈયારી કરીને જ ગયો હતો. એક પછી એક જુદા-જુદા શબ્દો મારી તરફ આવતા ગયા અને મેં મારી ચૅલેન્જ સફળ રીતે પાર પાડી.’

ભઈની વિદાય

ટ્રૅજેડી અને કૉમેડીને એક જ સિક્કાની બે બાજુ માનતા સુભાષભાઈ કહે છે, ‘ભઈની (પપ્પાની) પ્રાર્થનાસભા રાખી હતી. એ પછી તરત મારે ઉન્નતિ મહિલા મંડળનો હાસ્ય દરબારનો કાર્યક્રમ આપવા જવાનું હતું. ભઈના શોકમાંથી બહાર નીકળી મારે લોકોને હસાવવાના હતા. ચહેરા પર શોકના ભાવ ન આવે એની પૂરી તકેદારી સાથે મારે પર્ફોર્મ કરવાનું હતું. વેદનાથી હાસ્ય તરફ જવું એટલું સહેલું નથી હોતું. ઑન ધ સ્પૉટ મળેલો રોલ જે નિભાવી જાય છે એ જ સાચો કલાકાર.’

ડાયરાની ડાહી વાતો

ઘણી વાર એવું બને કે માત્ર ટૂંકા પરિચયથી કોઈક વ્યક્તિ માટે અમુક પ્રકારની ધારણા બંધાઈ જાય. સુભાષભાઈ આવો જ એક કિસ્સો ટાંકે છે, ‘ભાનુ લોકસાહિત્ય અને હું હાસ્યસાહિત્ય કરતો. એક વખતે ડાયરાના કાર્યક્રમ વખતે ઑર્ગેનાઇઝરે ભાનુ વોરાને કહ્યું કે સુભાષને પૈસા આપી દઈશું, પણ તેને માઇક નહીં આપતા. ભાનુએ કહ્યું, સુભાષને પૈસા નહીં આપો ચાલશે, પણ માઇક તો આપવું જ પડશે; કારણ કે તે મારો પાર્ટનર છે. તમે તેના હૈયાની વાત સાંભળશો તો તમને મજા આવશે. અત્યારે એ જ ઑર્ગેનાઇઝર સામે મળે તો મને ભેટી પડે છે, કારણ કે મેં તેમની મારા માટેની ધારણા બદલી નાખી હતી.’ 

અનિલ લવિંગિયા

સુભાષભાઈ કહે છે, ‘છોટમના મૃત્યુ બાદ મારો હાથ ઝાલનાર વ્યક્તિ એટલે અનિલ લવિંગિયા. અનિલભાઈએ મારી અંદરની ખૂબી પારખી હાસ્ય-કાર્યક્રમની સાથે-સાથે મને સંચાલન કરવાની તક આપી. મેં તેમના વિશ્વાસને જીતી લીધો અને અહીંથી સંચાલક તરીકેની મારી સફરનો શુભારંભ થયો. અનિલભાઈ સાથેની સફર હજીયે અવિરત ચાલુ છે. એ જ રીતે લંડનમાં મને બોલાવનાર વિક્રમ નિઝામા અને આફ્રિકામાં સંજય ઓમકારનો દિલથી આભાર.’ 

ભાઈઓનું વહાલ

જે પરિવારમાં એકબીજા સાથેનું બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ હોય એ પરિવાર ખૂબ આગળ આવે છે. આ વાસ્તવિકતા છે. સુભાષભાઈ કહે છે, ‘મોટા ભાઈ નાગેન્દ્ર ઠાકરે અમારા પરિવાર માટે ખૂબ કુરબાની આપી છે. મુંબઈમાં નોકરી કરી તે સિદ્ધપુર પૈસા મોકલતા. હું સિદ્ધપુરમાં હતો ત્યારે મોટા ભાઈ મારા માટે સ્વેટર, ફટાકડા, પતંગ, કેરી મોકલાવતા; જે હું ક્યારે ભૂલી શકું એમ નથી. બા અને ભઈના શ્રાદ્ધ વખતે જ્યારે મેં પૈસા આપ્યા ત્યારે મોટા ભાઈની આંખમાંથી આંસુ સરી પડ્યાં. એ જ રીતે ભરતભાઈએ મને ખૂબ સાચવ્યો છે. હું અને સરોજ આઠ વર્ષ ભરતભાઈને ત્યાં વન રૂમ-કિચનમાં રહ્યાં છીએ, પણ ભાઈ-ભાભીએ ક્યારેય મોઢું બગાડ્યું નથી. મુંબઈ આવ્યા બાદ જો આ બન્ને ભાઈઓએ મને ન સાચવ્યો હોત તો મારા સપનાને ખુલ્લું આકાશ ન મળ્યું હોત. હજી આજે પણ મારા ભાઈઓ છાપામાં મારા વિશે કંઈ છપાયું હોય તો એની નાની ચબરખી પણ સાચવી રાખે છે. વહાલને કોઈ સીમા હોઈ શકે ખરી?’

ગુજરાત અંબુજા

જેમની પાસે મહેનત અને કામ કરવાની સાચી ધૂન છે તેમના માટે ઈશ્વર નવા દરવાજા ખોલી આપે છે. ગુજરાત અંબુજાના ડિરેક્ટર રશ્મિન કંપાણી માટે સુભાષભાઈએ મહાબળેશ્વરમાં ફાલ્ગુની પાઠક અને બીજા કલાકારોની ટીમ સાથે કાર્યક્રમ કર્યો. પ્રોગામ બાદનો મજેદાર કિસ્સો સુભાષભાઈ શૅર કરે છે, ‘કંપાણીસાહેબે મારી નોકરી વિશે પૂછપરછ કરી. ત્યારે મારો પગાર પાંચ હજાર થઈ ગયો હતો. કંપાણીસાહેબે કહ્યું કે બે વર્ષનો તમારો પગાર એક લાખ વીસ હજાર થાય, તમે નોકરી છોડી દો, એક લાખ ને વીસ હજાર ગુજરાત અંબુજા પાસેથી લઈ જવાના, તમને કાર્યક્રમ અપાવવા હું બેઠો છું. તેમના પ્રોત્સાહનથી મેં નોકરી છોડવાનું સાહસ કર્યું. જે. બી. બોડા કંપનીમાંથી પણ છૂટ મળી કે જો કાર્યક્રમો ન મળે તો અહીં પાછા આવી શકો છો. આમ બન્ને તરફના સર્પોટને લીધે મેં નોકરી છોડી ફુલ ફ્લેજમાં કાર્યક્રમ કરવાનું શરૂ કર્યું.’

વાંસળી વાગી

સુભાષભાઈ પાસે નાકનાં બન્ને નસકોરાંથી વાંસળી વગાડી શકવાની કુદરતી બક્ષિસ છે. સુભાષભાઈ કહે છે, ‘હું ક્યારેય વાંસળી શીખ્યો જ નથી. કૉલેજની પિકનિકમાં મેં એમ જ મસ્તી-મસ્તીમાં વાંસળી વગાડવાની ટ્રાય કરી અને એ સફળ નીવડી. મારા ગુરુ નરેન્દ્ર બ્રહ્મચારી પાસે હું યોગ-પ્રાણાયામ શીખ્યો છું. અવિરત પ્રાણાયમને લીધે હું લાંબો શ્વાસ બહાર કાઢી શકતો. મનોમંથન કરી મેં નવતર પ્રયોગરૂપે નાકથી વાંસળી વગાડવાનું શરૂ કર્યું. મારી આ કલાને લઈને હું સ્ટેજથી લઈ ટીવી બધે જ છવાઈ ગયો. પછી મેં નાકનાં બન્ને નસકોરાંથી બે વાંસળી વગાડવાની ટ્રાય કરી અને મને એમાં સફળતા મળી. જેમ સંગીતમાં રોજ રિયાઝ જોઈએ એમ નાકથી વાંસળી વગાડવા માટે હું રોજ પ્રૅક્ટિસ કરતો. હજી હું શું નવું કરી શકું એમ વિચારતાં મેં નાકથી માઉથ-ઑર્ગન વગાડવાનું શરૂ કર્યું. જ્યાં સુધી તમારી કોઈ કૉપી ન કરી શકે ત્યાં સુધી તમે ચાલશો એમ હું માનું છું. હું બેન્જો અને હાર્મોનિયમ પણ વગાડી શકું છું.’

વાંસળીએ વીઝા અપાવ્યા

અમેરિકાસ્થિત આયોજક પીયૂષ શાહ અને રૂપલ દોશીએ સુભાષભાઈને અમેરિકા કાર્યક્રમ કરવાનું આમંત્રણ આપ્યું. સુભાષભાઈ કહે છે, ‘પીયૂષ શાહના આમંત્રણ પહેલાં વીઝા માટે હું બે વખત રિજેક્ટ થઈ ગયો હતો. પીયૂષ શાહે અમેરિકાથી પિટિશન મોકલી. ઇન્ટરવ્યુ લેનારે મને પૂછ્યું કે તમે નાકથી વાંસળી વગાડી શકો છો શું એ પૉસિબલ છે? હું વાંસળી લઈને જ ગયો હતો. મેં તેમને પહેલાં એક અને પછી નાકનાં બન્ને નસકોરાંથી વાંસળી વગાડી બતાવી. ઇમ્પ્રેસ થઈ તરત તેમણે બારીમાંથી હાથ બહાર કાઢી મને અભિનંદન આપ્યાં. મને વીઝા મળી ગયા. બહાર આવી મારી આંખમાં હરખનાં આંસુ આવી ગયાં.’

પત્રમાં પકડાઈ ગયા

અમેરિકા પ્રોગામ કરવા ગયેલા સુભાષભાઈએ ત્યાંથી પત્ની સરોજને પત્ર લખ્યો. એ પત્ર બેસ્ટ ફ્રેન્ડ પરેશ બદાણીને વંચાવ્યો. પરેશે સુભાષભાઈને રિક્વેસ્ટ કરી કે મારી પત્ની માટે પણ આવો પત્ર લખી આપો. અને સેવાભાવી સુભાષભાઈએ પત્ર લખી આપ્યો. એ પછી શું થયું એની વાત સુભાષભાઈ કરે છે, ‘પરેશની પત્નીના હાથમાં જેવો પત્ર આવ્યો કે તેણે તરત પરેશને ટકોર કરી કે લેટર તો સુભાષભાઈ પાસે ન લખાવો. અને અમે બન્ને પકડાઈ ગયા.’

અજબ-ગજબ દોસ્તી

સુભાષભાઈ અને તેમના મિત્ર નીતિન ઠાકર છેક છઠ્ઠા ધોરણથી ખાસમ ખાસ મિત્રો. આ મિત્રતા મુંબઈ વસવાટ કર્યા બાદ પણ અકબંધ રહી. સુભાષભાઈ કહે છે, ‘એક રાતે નીતિનની તબિયત લથડતાં અમે તેને હૉસ્પિટલમાં લઈ ગયા અને જોતજોતામાં તો તે ગુજરી ગયો. તેનું હાર્ટ બંધ થઈ ગયું અને જાણે હું પણ એક ધબકારો ચૂકી ગયો એવું મેં અનુભવ્યું. નીતનિના ગયા પછી મને એટલોબધો આઘાત લાગ્યો કે છ મહિનામાં મારે અઢાર ડૉક્ટરને બતાડવું પડ્યું. તેની સાથેના અત્યંત લગાવે મને ભીતરથી તોડી નાખ્યો હતો.’

જિંદગીનો જલસો

ઉમંગ પબ્લિકેશનના એડિટર ચંદ્ર ખત્રીએ એક વાર સુભાષભાઈને ગાયક તરીકે રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સુભાષભાઈ કહે છે, ‘મેં હા પાડતાં જ ચંદ્ર ખત્રીએ સાહસ કરી ‘જિંદગીનો જલસો’ નામે કાર્યક્રમ ગોઠવ્યો. જિંદગી પરનાં ગીતો ગાવાની સાથે હું જિંદગીની ફિલસૂફી વણતો જાઉં. આ પ્રોગામ હિટ ગયો અને ગાયક તરીકે પણ મારી ઓળખાણ વધી. આ રીતે ચંદ્ર ખત્રીએ મારી અંદર છુપાયેલી કળાને ખુલ્લું આકાશ આપ્યું.’

ડૉક્ટર બોલાવો કોઈ!

હાર્ટ ફેલ થાય તો ચાલે, આર્ટ ફેલ ન થવી જોઈએ એવું માનતા સુભાષભાઈ અમદાવાદના એક કાર્યક્રમનો દિલચસ્પ કિસ્સો સંભળાવે છે, ‘અમદાવાદમાં જૈન સ્તવનના કાર્યક્રમમાં હું સંચાલન કરી રહ્યો હતો. મેં ઑર્ગેનાઇઝરને કહ્યું કે મારો પ્રોગામ પૂરો થાય એ પહેલાં તમે કોઈ ડૉક્ટરને બોલાવી રાખજો. ઑર્ગેનાઇઝર જરા ચમક્યા, કારણ કે હું તો મોજથી પ્રોગામ કરી રહ્યો હતો. મને જોઈ કોઈને લાગે નહીં કે ભીતરથી હું ખૂબ અનઈઝી ફીલ કરી રહ્યો હતો. પ્રોગામ પૂરો થયા બાદ તરત ડૉક્ટરે મને તપાસ્યો. મારી અગાઉની દવાનું પ્રિસ્ક્રિપ્શન જોઈ મને ખખડાવતા બોલ્યા કે તમે પણ કમાલ કરો છો, હાઈ BP લો કરવાની દવા તમે હજી સુધી કન્ટિન્યુ રાખી છે? તમારું BP બરાબર હોય એમાં તમે લો BPની દવા લો તો પછી ચક્કર જ આવેને! તેમણે બધી દવા બંધ કરાવી. દવા ચાલુ રાખવાની ગંભીરતા ત્યારે સમજાઈ.’

શબ્દોને છૂટા પાડી મન ભેગાં કરે

શબ્દને પંપાળવાની કળા સુભાષભાઈને હસ્તગત છે. નામના દરેક અક્ષરનું વિશ્લેષણ જો કોઈ કરી શકે તો એ છે સુભાષ ઠાકર. સુભાષભાઈ કહે છે, ‘એક વખત દીપિકા ચિખલિયાનાં લગ્નમાં પ્રોગામ કરવાનું આમંત્રણ મળ્યું. મેં વિચાર કર્યો કે એવું હું શું કરું કે જેથી દીપિકાના ફૅમિલીવાળા ખુશ થાય. અને અહીંથી મેં દરેક નામના અક્ષરને છૂટા પાડી એનો માર્મિક અર્થ કાઢવાનું શરૂ કર્યું. મારી કલા પર બધા ફિદા થઈ ગયા અને આ નવતર પ્રયોગ અવિરત ચાલુ જ છે.’

મૌલિકતાની સાથે નવી સર્જનશીલતાના સર્જક સુભાષભાઈની જીવન-અનુક્રમણિકામાં સંઘર્ષનાં પ્રકરણ બમણાં રહ્યાં છે. એ દરેક પ્રકરણની તેમણે પ્રયાસપૂર્વક બમણા જોશથી પરીક્ષા આપી છે. દરેક વ્યક્તિની જીવનડાયરી એક વાત શીખવી જાય છે કે અમુક પ્રકરણ ક્રમશ: રહે તોય એને જીવી જવાં પડે.

(ક્રમશ:)