વડીલોના જન્મદિન કે લગ્નતિથિની ઉજવણીમાં શેનું ધ્યાન રાખવું?

02 July, 2017 10:01 AM IST  | 

વડીલોના જન્મદિન કે લગ્નતિથિની ઉજવણીમાં શેનું ધ્યાન રાખવું?


નિવૃત્તિનું નિયોજન - ગૌરવ મશરૂવાળા

જન્મદિવસ માટે બૅન્ક્વેટ રૂમ બુક કરવામાં આવ્યો અને ભોજન, સંગીત, આમંત્રણપત્રિકા સહિત સમગ્ર કાર્યક્રમનું ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું છતાં રોહિતભાઈને જરા પણ ઉત્સાહ નહોતો. તેમણે ઉજવણી કરવાની ના ન પાડી; પરિવારની ઇચ્છાને માન આપ્યું, પરંતુ જન્મદિવસની ઉજવણી માટેના તેમના વિચારો અલગ હતા. તેમની ઇચ્છા પોતાના જન્મસ્થળે જઈને બાળપણનાં સંભારણાં તાજાં કરવાની અને ત્યાં મિત્રો તથા પરિવારજનો સાથે ઉજવણી કરવાની હતી.

આવું તો અનેક કિસ્સાઓમાં બનતું હોય છે. ઘણા વડીલોને વધુપડતી ઝાકઝમાળ અને ખાણીપીણીના ખર્ચવાળી ઉજવણી ગમતી નથી. તેમને પોતાના ઘરના લોકો અને અમુક મિત્રોથી વધારે લોકો સાથે ઉજવણી કરવાનું મન થતું નથી. તેઓ સાદગીથી પ્રસંગ ઊજવીને અમુક રકમ કોઈ સખાવતી સંસ્થાને આપવાનું પસંદ કરતા હોય છે.

અહીં મને મોટી ઉંમરના મારા એક ક્લાયન્ટ યાદ આવે છે. તેમનાં લગ્નને ૫૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે તેમણે સજોડે મંદિર જઈને દર્શન કરવાનું અને ત્યાં હોમ-હવન કરાવવાનું નક્કી કર્યું હતું. એવી જ રીતે શાંતાબહેન અને પુરુષોત્તમભાઈએ પણ અલગ રીતે ઉજવણી કરી હતી. તેમણે પોતાના જીવનમાં અગત્યની ભૂમિકા ભજવનાર વ્યક્તિઓની યાદી બનાવી હતી. એ યાદીમાં તેમના શિક્ષકો, નોકરો, પાડોશીઓ, મિત્રો, કેટલાક પરિવારજનો અને ઑફિસના સહયોગીઓનાં નામ હતાં. બધા મળીને આશરે ૭૮ લોકોનાં નામ હતાં. તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરતા પત્ર સાથે તેમને નાનકડી ભેટ આપવામાં આવી હતી. તેઓ જેમનાં પુસ્તકોથી પ્રભાવિત થયાં હતાં એવા બે ખ્યાતનામ લેખકોનાં નામ પણ યાદીમાં હતાં.

ઉજવણી કરવામાં સારું કે ખરાબ કંઈ નથી. પોતાને ગમતી રીતે માણસ ઉજવણી કરી શકે છે છતાં એ વખતે તબિયતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક દિવસ હું મારા મિત્રના કાકાના ૮૫મા જન્મદિનની ઉજવણીમાં ગયો હતો. તેમને વ્હીલચૅરમાં લાવવામાં આવ્યા એ જોઈને હું ડઘાઈ ગયો હતો. તેઓ ડાયાલિસિસ પર હતા તથા અન્ય કેટલીક તકલીફો પણ હતી. તેમને ઉજવણીના સ્થળ સુધી આવવામાં પડેલી તકલીફ તેમના ચહેરા પર સ્પક્ટ દેખાતી હતી.

ઘણા વરિષ્ઠ નાગરિકોને કેક-કટિંગ ગમતું નથી. અમુકને પોતાના પર વધુપડતું લક્ષ અપાય એ પણ ગમતું નથી અને કેટલાકને ઘણી લાંબી ચાલનારી ઉજવણી પસંદ હોતી નથી. પરિવારજનોએ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ.

મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા અને સંગીતનો જલસો સાંભળવો એ બધામાં કંઈ ખોટું નથી. જો એમ કરવાથી આનંદ આવતો હોય તો ભલે કરો. ફક્ત એ વાતનું ધ્યાન રાખવું કે જેમને માટે કાર્યક્રમ ગોઠવાયો હોય તેમને એમાં મજા આવવી જોઈએ.

ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હોવાને લીધે પરિવારજનો પ્રસંગને માણી શકતા નથી. તેમને પોતાને જ કાર્યક્રમમાં થાક વર્તાતો હોય છે. વળી જેમને માટે કાર્યક્રમ હોય તે વ્યક્તિ કે દંપતી પણ થાકી જતાં જોવા મળ્યાંછે. દા.ત. નિરંજનાબહેન. મારા પિતરાઈનાં આ પાડોશીની ૮૦મી વર્ષગાંઠ ઉજવાયા બાદ તેઓ એક સપ્તાહ સુધી પથારીવશ હતાં. ઉજવણી ફાઇવસ્ટાર હોટેલમાં થઈ હતી, પરંતુ એનો થાક ન સહન થતાં તેઓ માંદાં પડ્યાં હતાં. આટલી મોટી ઉંમરે ત્રણથી ચાર કલાક સુધી બેસી રહેવું, મહેમાનોથી ઘેરાયેલા રહેવું અને ઘરેણાં તથા નવાં વસ્ત્રોનો ભાર સહન કરતા રહેવું એ બધાને લીધે થાક લાગે એ સ્વાભાવિક છે.

કાર્યક્રમમાં કોણ આવ્યું અને કોણ ન આવ્યું એનો હિસાબ કરવાનું ટાળવું જોઈએ. કોઈનેય બળજબરીથી હાજર કરી શકાતા નથી. ઘણી વાર લોકોએ અનિચ્છાએ આવવું પડતું હોય છે. કોઈ સામે ચાલીને નહીં કહે, પરંતુ યજમાને એ વાતનું ધ્યાન રાખવું કે પ્રસંગ ઉજવણીનો છે, ઝાકઝમાળ કે ઓળખાણ દેખાડવા માટેનો નહીં. મહેમાનો બહારગામથી આવે તો જ માન સચવાયું એમ કહેવાય એવું વિચારવું ન જોઈએ.

છેલ્લી વાત. ઉજવણીનો અર્થ છે કોઈ સારા પ્રસંગને આનંદપૂર્વક મનાવવો. આવા સમગ્ર પ્રસંગની યાદ આનંદપૂર્ણ હોય એટલે બસ.

(લેખક વિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર છે અને તેમણે ‘યોગિક વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.)