બોલો, પેપર-પાઇલટ બનવું છે?

02 July, 2017 09:59 AM IST  | 

બોલો, પેપર-પાઇલટ બનવું છે?



વેબ-વર્લ્ડ - જયેશ અધ્યારુ

એક સીધો સવાલ, તમને પેપર એટલે કે કાગળનું પ્લેન બનાવતાં આવડે? તમારી ઉંમર પ્રમાણે આ સવાલના જવાબોની વરાઇટી કંઈક આવી હોઈ શકે : નાના હતા ત્યારે બનાવતા (અને ક્લાસમાં ઉડાડતા). અરે, એ તો નાનાં છોકરાંવ કરે. અથવા તો હાસ્તો, ઊભા રહો બનાવીને બતાડું. ઉંમર ગમે તે હોય, લગભગ દરેક વ્યક્તિએ લાઇફમાં કોઈક ને કોઈક તબક્કે કાગળનાં પ્લેન બનાવ્યાં જ હોય. પરંતુ એને બચ્ચાંલોગની ઍક્ટિવિટી ગણી લેવામાં આ હૉબીને ભારોભાર અન્યાય થાય છે, કેમ કે વિશ્વભરમાં પેપર-પ્લેન બનાવવાં એ એક ફુલફ્લેજ્ડ હૉબી છે. એમાં ઍરોડાઇનેમિક્સનું આખું સાયન્સ સમાયેલું છે. અરે, અમેરિકન અંતરિક્ષ રિસર્ચ સંસ્થા નાસાએ તો બાળકોને ઍરોપ્લેન્સ તથા રૉકેટ કેવી રીતે ઊડે છે એ સમજાવવા માટે પોતાની વેબસાઇટ પર પેપર-ઍરોપ્લેન્સનો એક અલાયદો વિભાગ બનાવી રાખ્યો છે એટલું જ નહીં, ગિનેસ વર્લ્ડ રેકૉડ્ર્સની વેબસાઇટ પર પેપર-પ્લેન લખીને સર્ચ મારશો તો ડઝનબંધ રેકૉડ્ર્સનો ઢગલો હાજર થઈ જશે. આખું વર્ષ વિશ્વના કોઈ ને કોઈ ખૂણે પેપર-પ્લેનના મહારથીઓ એકઠા થઈને જાતભાતની સ્પર્ધાઓનું આયોજન કરતા રહે છે. આવા ઉસ્તાદો માટે પેપર-પાઇલટ એવો શબ્દપ્રયોગ થાય છે.

પણ ધારો કે તમને કાગળનું વિમાન બનાવવાનું કહેવામાં આવે તો? મોટે ભાગે આપણે એક કે બે જ ટ્રેડિશનલ પદ્ધતિઓથી બનતાં વિમાન બનાવી જાણીએ છીએ. આવાં વિમાન ડાર્ટ પેપર-પ્લેનની કૅટેગરીમાં આવે છે જે તીરની જેમ આપણા હાથમાંથી છૂટે અને હવામાં થોડુંક અંતર કાપીને મિસાઇલની જેમ જમીન પર ભફાંગ થઈ જાય. પરંતુ પ્યૉર સાયન્સ અને ઑરિગામીની કળાના મસ્ત કૉમ્બિનેશન જેવી આ હૉબીમાં જરાક ઊંડા ઊતરીએ તો પેપર-પ્લેન્સનો આખો સંસાર આપણી સામે ખડો થઈ જાય. આ સંસારની સફર કરાવતી એક સુપર્બ વેબસાઇટ છે paperairplaneshq.com.

આ કલરફુલ છતાં સિમ્પલ લેઆઉટ ધરાવતી વેબસાઇટ પર આંટો મારશો એટલે ડાર્ટ પેપર-પ્લેન્સ, ફાઇટર જેટ પ્લેન્સ, બૉમ્બર, કનાર્ડ, ડેલ્ટા વિન્ગ્સ, ફ્લાઇંગ વિન્ગ્સ, સ્ટિલ્ધ, એક્ઝૉટિક, સ્ટારશિપ, ક્લાસિફાઇડ જેવા પોણો ડઝન પ્રકારનાં વિમાનો બનાવવાની રેસિપી દેખાશે. વળી આ દરેક પ્રકારમાં બીજાં પાંચ-પાંચ પેટા પ્રકારનાં વિમાનોની ડિઝાઇન તો અલગ. તમે ઇચ્છો તો મોસ્ટ પૉપ્યુલર, સરળ, અઘરાં, હવામાં લાંબું અંતર કાપી શકે એવાં, દેખાવમાં સુંદર વગેરે પ્રકારનાં વિમાન પણ પસંદ કરી શકો.

આમાંથી કોઈ પણ વિમાન પસંદ કરો એટલે સિમ્પલ રેખાંકનો અને કાગળને કેવી રીતે ફોલ્ડ કરતા જવાનું એનું સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન હાજર થઈ જશે. વધુ સમજણ માટે નાનકડા વિડિયો પણ બાજુમાં જ આપેલા છે. વિમાન તૈયાર થઈ ગયા પછી એને કેવી રીતે હવામાં લૉન્ચ કરવું એ પણ સમજાવવામાં આવ્યું છે.

માત્ર પ્લેન બનાવતાં શીખવીને આ વેબસાઇટ છટકી જતી નથી બલકે આ વિશે વધુ જ્ઞાન મેળવવા માટે પેપર-પ્લેન્સનું સાયન્સ, અવનવા વિક્રમો અને એની સાથે જોડાયેલી રસપ્રદ ઘટનાઓની વાતો કહેતાં પુસ્તકોનાં ઠેકાણાં સહિતની અઢળક સંદર્ભ લિન્ક્સ પણ આપેલી છે.

કોઈ જાતની ફ્લૅશી ફિશિયારીઓ માર્યા વિના માત્ર પેપર-પ્લેનની હૉબીને વરેલી આ વેબસાઇટ સહેજ પણ જિજ્ઞાસાનો છાંટો ધરાવતી વ્યક્તિએ જોવી જ જોઈએ બલકે અત્યારે વેકેશનનો માહોલ છે તો મમ્મી-પપ્પાઓએ સંતાનોની સાથે મળીને આ વેબસાઇટ પરથી તેમની સાથે જાતભાતનાં પ્લેન બનાવવાં જોઈએ. આ રીતે ક્રીએટિવિટી, નૉલેજ અને ક્યુરિયોસિટી ત્રણેયમાં વધારો થશે અને પેપર-પ્લેન મેકિંગમાંથી મળતો નિર્ભેળ આનંદ કરીઅરની હાયવોયને કારણે મમ્મી-પપ્પાઓમાં પ્રવેશેલા સ્ટ્રેસને પણ હાંકી કાઢશે. આ વેબસાઇટના વિકલ્પરૂપે તમે પ્લે સ્ટોરમાં જઈને પેપર-પ્લેન મેકિંગને લગતી વિવિધ ઍપ્સ પણ ટ્રાય કરી શકો.