મયખાને સબ બંદ હો જાએ તો કોઈ ગમ નહીં

30 December, 2018 01:11 PM IST  |  | સુભાષ ઠાકર

મયખાને સબ બંદ હો જાએ તો કોઈ ગમ નહીં

મનોરંજનથી મનોમંથન 

અલ્યા ભાઈ, તમે માર્ક કર્યું? સરકારે બૉમ્બેનું નામ મુંબઈ કર્યું, અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું તૂત ઊપડ્યું, પેલા ભાઈ સંજય ભણસાલીને ‘પદ્માવતી’નું ‘પદ્માવત’ કરવા દીધું  પણ કોઈ ટોપાલાલને એવો વિચાર કેમ નથી આવતો કે ચાલો, આ ૩૧ ડિસેમ્બર (કાલ)થી શરાબનું નામ શરબત કરી ગુજરાતના સમગ્ર બેવડાઓનો આનંદ બેવડો કરીએ. અરે બૉસ, આજે કહેતાં મારો જીવ કળીએ-કળીએ કપાય છે, પણ તમે જોયું કે ક્યારેય એ બધાએ સંગઠિત થઈ બેવડા મંડળ ખોલ્યું? ના. મોરચા કાઢ્યા? ના. દુ:ખ તો મને એ બાબતનું થાય છે કે દારૂની આખી ફૅક્ટરી ગટગટાવી જનાર પેલા વિજય માલ્યાને પકડી શકતા નથી ને બાઇક, રિક્ષા કે ટૅક્સી-ડ્રાઇવર બિચારા એક પેગ પણ મારી જો વાહન ચલાવે તો અંદર પૂરી દેવાના? કોઈ કોઈનું દિલ તોડે તો પણ માફ કરી દેવાનો, પણ કોઈ રિક્ષા કે ટૅક્સીવાળો સિગ્નલ તોડે તો તેને માફ કર્યો? ના, ના ને ના.

હમણાં મિત્ર કીર્તિ શાહનો ફોન આવ્યો, ‘ઠાકર, આ કૉન્ગ્રેસ પાર્ટી, BJP પાર્ટી, આમ પાર્ટી, તેમ પાર્ટી, ફલાણી પાર્ટી, ઢીંકણી પાર્ટીથી હવે કાન પાકી ગયા છે ને એ ખરી પડે એ પહેલાં તું બોલ ૩૧ ડિસેમ્બરની પાર્ટી ક્યાં છે?’

‘તારા ઘરે ટોપા, તું ફોન કર એટલે ઠાકર હાજર.’ તેણે ફોન મૂકી દીધો ને મેં સરોજ નામની વાઇફને સવારે કીધું, ‘સુરુ ડાર્લિંગ, તું ધારે તો સ્વર્ગવાસી થયા વગર ઘરને સ્વર્ગ બનાવી શકે છે.’

‘હું? કેવી રીતે?’ બિચારીએ શરમાઈને પૂછ્યું.

‘અરે તારા પિયર બા-બાપુજી પાસે જઈને...’

‘સમજી ગઈ, બધું સમજી ગઈ. તમારા મનમાં ૩૧ ડિસેમ્બરે પીવાના પ્લાન થનગને છે. પણ યાદ રાખો, તમે સંસારમાં બે દીકરીઓના પિતા છો એટલું ઘણું. હવે તમે કોઈ પેગ-બેગ પીતા નહીં, જો પીશો તો તમને મારા સમ છે.’

બીજી બાજુ લોચો એ પડ્યો કે મારા ભાઈબંધો મંડી પડ્યા, આ વખતે તો પેગ પીવો જ પડશે નકર ભાભીના સમ. હવે ચતુર કરો વિચાર કે બન્નેના વિચારોમાં સરોજ કૉમન છે. હવે કવિ સુભાષાનંદ કેવા મૂંઝાયા, ફસાયા, હલવાયા. આજ રાત સુધીમાં મારે નિર્ણય લેવો પડશે. ખૂબ મનોમંથન કર્યા પછી પાર્ટી (પાર્ટી એટલે હું) એ નિર્ણય પર આવ્યા કે માન તો સરોજનું રાખું, પણ ભૂતકાળમાં મેં તેના સમનું માન નથી રાખ્યું તો આ પ્રથાને શું કામ તોડવી. તેથી તેના સમ હમણાં પેન્ડિંગમાં રાખી મિત્રોનું માન રાખી તેમની તરફ ઢળી પડ્યો. પણ મારો પીવાનો આ પ્રથમ પ્રયાસ હતો તેથી મેં કીધું, ‘ડોન્ટ ફોર્સ મી. જો એક વાર પીશ ને જો મને આદત પડી જશે તો?’

‘તંબૂરો આદત પડે? સાલા

અમે બધા ૨૮ વર્ષથી પીએ છીએ, પણ હજી આદત નથી પડી. યુ સી કન્ટ્રોલ.’

મિત્રોની દલીલ મને શીરાની જેમ સડસડાટ અંદર ઊતરી ગઈ ને ૩૧ ડિસેમ્બરને રંગીન બનાવવા દારૂની બૉટલ ખરીદી ઘર તરફ જતો હતો ત્યાં અમારા ધર્મગુરુ મને જોઈ થોડા ભડક્યા, ‘દારૂ અને તું? અરે દારૂ પીશ તો નરકમાં જઈશ.’

‘ઍગ્રી બાપુ,પણ જે દારૂ વેચે છે તેના પર તેનું ઘર ચાલે છે.’

‘તે પણ નરકમાં જશે.’

‘બાપ રે, પણ દારૂ સાથે ચખના માટે બાજુમાં ફરસાણની દુકાન છે તેનું શું?’

‘અરે તે પણ નરકમાં જશે.’

‘મિચ્છા મિ દુક્કડં બાપુ, પણ બધા મિત્રો સાથે મળી પેલી નાચવાવાળીના ઘરે જવાના તો...’

‘અરે તે તો સોએ સો ટકા તેની જવાનીમાં જ નરકમાં જવાની, યુ ઑલ આર ગોઇંગ નરક.’

‘તો પછી નરકમાં જવામાં વાંધો શું છે? દારૂ પીવાવાળો, દારૂ વેચવાવાળો, પેલો ચખનાવાળો ને મનને મોજ પડે એવી નાચવાવાળી પણ નરકમાં જ હોય તો એ સ્વર્ગ જ છે બાપુ.’

પછી ધર્મગુરુ બિચારા શરમાયા, પણ સાચું કહું? બાપુ ત્યારથી અમારી ટોળકીમાં બેસે છે, બે-ત્રણ પેગ પીએ છે, અમને બધાને સલાડ સુધારી આપે છે. સેલ્ફી લેવાની ના પાડી છે એટલે લીધી નથી, પણ તમે સમજી ગયા?

મેં સરોજને કીધું, ‘સુરુ, હું દારૂ મૂકી દેવાનું વિચારું છું.’

‘અરે વાહ! આવું પરમજ્ઞાન, તમને? પણ એમાં વિચારવાનું શું? મૂકી દેવાનો.’

‘હા પણ કોના ઘરે મૂકું, જે પીતા હોય તેના ઘરે મુકાય?’

‘રામ રામ રામ રામ. તમને સમજાવી થાકી ગઈ દારૂ મૂકો ને રામ બોલો ભાઈ રામ થઈ જાય એ પહેલાં રામનું નામ બોલો, પણ...’

‘અરે તારી પાસે રામ છે તો મારી પાસે જામ છે. ફરક શું છે બેઉમાં? બન્નેને આરામ છે. આજે ૩૧ ડિસેમ્બરે આપણા તરફથી પાર્ટી રાખી છે, તારે આવવું છે? યસ ઓર નો?’

‘ના, તમે જાઓ.’

હું હોટેલ આગળ ઊભો રહ્યો. ધીરે-ધીરે બધા ભાઈબંધો બેવડા થવાની માનસિક તૈયારી સાથે બારમા આવતા ગયા. મૅનેજરે મને પૂછ્યું, ‘સર, આ Dથ્નું મ્યુઝિક કેટલી વાર ચાલુ રાખવાનું છે?’

‘ફક્ત પંદર મિનિટ, પછી તો આ બધા જનરેટર પર જ નાચવા લાગશે.’

‘ઓકે સર.’

પાર્ટી શરૂ થઈ, બે પેગ પેટમાં ગયા, પાર્ટી જામી ને હું ટેબલ પર પેગ પીતો હતો ત્યાં જ ધુમાડામાંથી લક્ષ્મી પ્રગટ થાય એમ અચાનક સરોજ પ્રગટ થઈ ને હું ચમક્યો, ‘તું? અત્યારે? અહીં? ડોન્ટ ફિલ બૅડ, પણ બકા આવી છે તો માત્ર એક ઘૂંટ પી તો જો. વેઇટરને પેગનો ઑર્ડર આપ્યો, પણ આ શું? જેવો સરોજે હોઠ પર પેગ અડાડ્યો તો સળગતી બીડી પર પગ પડ્યો હોય એમ ઊછળી ‘થૂ થૂ થૂ થૂ... આવું પીઓ છો?’ મોઢામાંથી ફુવારો ઊડ્યો.

‘ખબર પડી? તને શું એમ કે અમે જલસો કરીએ છીએ? અરે આવા કડવા ઘૂંટ અમે કેમ અંદર ઉતારીએ છીએ એ અમારું મન જાણે છે, સમજી?’

પછી તો તે પગ પછાડતી નીકળી ગઈ.

થોડી વારમાં આ આખું ટોળું પીને ડુમ થઈ ગયું. અમે ૫ણ લથડિયું ખાતાં-ખાતાં એક ઘરે પહોંચી ગયા. બારણું ખખડાવ્યું. કોઈ બેને બારણું ખોલ્યું, ‘અરે બેન, સુઉઉભાઆઆઆષ ઠાકરનું ઘર આ જ છે?’

‘હા આ જ છે.’

‘તો અમારામાંથી જે સુભાષ ઠાકર હોય તેને અંદર લઈ લો, પ્લીઝ.’

‘તરત જ સરોજે ફટાફટ મને અંદર ખેંચી લીધો. ‘જોયું? પોતાની જાતનું પણ ભાન નથી. કેટલી વાર કીધું કે છોડી દો આ નશો. પણ માને તો...’

‘અરે ડાર્લિંગ શરાબ તો અભી છોડ દૂં લેકિન કોઈ એક ચીઝ ઐસી બતાઓ કે જિસ મેં નશા ન હો. અરે બકા કોઈને સંપત્તિનો, કોઈને પ્રતિષ્ઠાનો, કોઈને રૂપનો, અરે કોઈને ત્યાગનો તો કોઈને જ્ઞાનનો, કોઈને અહંકારનો નશો... દારૂનો નશો તો થોડી વાર પછી ઊતરી જાય, પણ આ બધા નશા તો ચિતા પર સૂઈ જાય ત્યાં સુધી તેને ક્યાં હોશ આવે છે?

કારણ કે એ અજ્ઞાની જીવને ખબર નથી કે જેને તું તારું સમજે છે એ તારું નથી. આ શરીર મારું પણ આપ્યું બીજાએ, નામ આપણું પણ પાડ્યું બીજાએ, શિક્ષણ મYયું પણ આપ્યું બીજાએ, તારી પ્રતિષ્ઠા વધી પણ આપી બીજાએ, સ્મશાને જવાનો વારો આવ્યો તો એ પણ બીજા લઈ ગયા. તારી જાતે તો તું સ્મશાન પણ જઈ શકતો નથી. જન્મથી માંડી મૃત્યુ સુધી કશું જ આપણું ન હોવા છતાં આસક્તિ છૂટતી નથી. યાદ રાખ, આસક્તિ આ સકતી હૈ મગર જા નહી સકતી.

હવે મારી આંખોમાં જુઓ, તમને જીવનસાથીનો પ્રેમ મળ્યો પણ હૃદયથી કહેજે, આપ્યો તો મેં જને? ને જે તું ટેન્શન લઈને ફરે છે એ ટેન્શન પણ મેં જ આપ્યુંને? ટેન્શન ભૂલવા હવે બારમાં પાછું જવું પડશે ને પણ પીવડાવશે મિત્રો જ.

‘જાઓ ડિયર, તમારો દારૂ તમારી રાહ જુએ છે. કભી ખુશી કભી ગમ કભી વૉડકા કભી રમ. પીવાનો સમય થઈ ગયો છે. પછી બાર બંધ થઈ જશે. મારાથી આંસુને રોકાય, પણ તમને રોકાય નહીં.’ એટલું બોલી તે રડી પડી.

ને મેં કીધું, ‘મયખાને સબ બંદ હો જાએ તો કોઈ ગમ નહીં, તુને આંખોં સે જો પિલાયા જામ વો મયખાને સે કમ નહીં...’

ને પછી એ જ આંખોમાં આંસુ તો હતાં, પણ હરખનાં...

શું કહો છો?