માનો યા ના માનો : મોતનો ભેટો થયો હોય તો જીવતેજીવ કૉફિનમાં સૂવું પડે

12 August, 2012 10:08 AM IST  | 

માનો યા ના માનો : મોતનો ભેટો થયો હોય તો જીવતેજીવ કૉફિનમાં સૂવું પડે

 

 

(માનો યા ન માનો)

 

દુનિયામાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં માણસ મરે એ પછી લોકો રડતા નથી, પણ એક ઉત્સવ મનાવે છે. મરેલા સ્વજનની પાછળ રડવાથી તેમને શાંતિ નથી મળતી એવી દૃઢ માન્યતાને કારણે પરિવારજનો મોત પર માતમ મનાવવાને બદલે મહોત્સવ ઊજવે છે. જોકે એકદમ અળવીતરા ફેસ્ટિવલ્સ ઊજવવા માટે જાણીતા સ્પેનમાં જીવતા માણસની પણ ઠાઠડી નીકળે છે.

 

અલબત્ત, બધા માણસોને આમ જીવતેજીવ મરવું નથી પડતું. જે લોકોને છેલ્લા એક વરસમાં મોત સાથે બાથ ભિડાઈ હોય તેમના લાંબા આયુષ્ય માટે પરિવારજનો તેની ઠાઠડી કાઢે છે. દર જુલાઈ મહિનાના છેલ્લા રવિવારે આમ નિયર-ડેથ એક્સ્પીરિયન્સ ધરાવતા લોકો કૉફિનમાં પોઢી જાય છે ને તેમના સ્વજનો આ કૉફિનને સ્મશાન અથવા તો ચર્ચમાં ફેરવીને ઘરે પાછું લાવે છે. સામાન્ય રીતે મૃત વ્યક્તિનું કૉફિન બંધ કરેલું હોય છે, પણ આ જીવતી વ્યક્તિની અંતિમયાત્રામાં કૉફિનનું મોં ખુલ્લું રખાય છે.

 

કોઈ મોટા અકસ્માતમાં બચી ગયા હો, અત્યંત ગંભીર માંદગીમાંથી કે આઇસીયુમાં જઈને બહાર આવ્યા હો, કોઈ કુદરતી હોનારતમાં આબાદ બચાવ થયો હોય કે અન્ય કોઈ પણ કારણોસર તમે મોતને હાથતાળી આપીને પાછા દુનિયામાં આવ્યા હો તો આ રસમ નિભાવવી દરેક સ્પૅનિશ માટે મસ્ટ છે.

 

આ પ્રથા પાછળની એક માન્યતા એ છે કે મૃત્યુને નજરે જોઈ આવનારા લોકોને મૃત્યુ પછી તેમની પાછળ પરિવારજનો શું ફીલ કરશે એ જાણવા મળવું જોઈએ એટલું જ નહીં, આવા જીવલેણ અનુભવમાંથી પસાર થઈ ગયેલા લોકો જો જુલાઈ મહિનામાં પોતાના જીવતેજીવ અંતિમયાત્રા ન કાઢે તો પહેલાં જેવો જ અકસ્માત ફરી થઈને તેમનો જીવ જવાની શક્યતાઓ વધી જાય છે. આગામી વર્ષમાં જીવનું જોખમ ઘટાડવા માટે પણ આ રસમ જરૂરી છે.

 

માણસ સાવ એકલો હોય, કોઈ પરિવારજનો ન હોય કે કોઈ ફ્રેન્ડસર્કલ પણ ન હોય તો તેણે પણ કૉફિન મંગાવીને એમાં સૂવું પડે છે ને તેના કૉફિનને ચર્ચમાં ફેરવી આવવા માટે થઈને બે માણસોને એનું મહેનતાણું ચૂકવીનેય રાખવા પડે છે.

 

આ જ કારણોસર જુલાઈના છેલ્લા રવિવારે સ્પેનની ગલીઓ આવાં કૉફિન લઈને ચાલતાં સરઘસોથી ઊભરાઈ જાય છે.