ગરીબોનું કોકેન

25 December, 2011 09:34 AM IST  | 

ગરીબોનું કોકેન



(કવર સ્ટોરી-સેજલ પટેલ)

થર્ટીફસ્ર્ટની નાઇટ નજીક આવે એટલે પાર્ટીઓ અને પાર્ટીઓમાં છાનેછપને લેવાતા ડ્રગ્સના માર્કેટમાં ગરમી આવી જાય. હજી બે દાયકા પહેલાં પાર્ટીડ્રગ્સને વેસ્ટર્ન કલ્ચર મનાતું હતું, પણ હવે ભારત આવા સાઇકોટિક ડ્રગ્સના બજારમાં મોટું સ્મગલિંગ પૉઇન્ટ બની ગયું છે. તાજેતરમાં કૅનેડાના કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે ભારતમાંથી આવેલો ૧૦૦ કિલો કેટામાઇન પાઉડર પકડ્યો હતો. ચારેક મહિના પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ૨૬ કિલો ડ્રગ્સનું પાર્સલ પકડાયું હતું. બટાટાની વેફર્સમાં પાઉડર ભેળવીને એને અમેરિકા પહોંચાડવાનું હતું, પણ કતાર ઍરવેઝની ફ્લાઇટમાં લોડ થતાં પહેલાં જ એ પકડાઈ ગયું. એની સાથે કેટલીક માનસિક બીમારીઓમાં દવા તરીકે વપરાતી સાયકોટ્રોપિક ડ્રગની ટૅબ્લેટ્સ પણ હતી. હજી ગયા અઠવાડિયે જ અમદાવાદ ઍરપોર્ટના ઍર કાગોર્માંથી કેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો મોટો જથ્થો પકડાયો છે.
કીટામીન અને મેથામ્ફેટામીન એ ભારતમાંથી મોટા પાયે એક્સપોર્ટ થતું હોય એવું ડ્રગ્સ છે. કેટામાઇનનું આખું રાસાયણિક નામ છે કીટામીન હાઇડ્રોક્લોરાઇડ. અત્યંત સૂક્ષ્મ માત્રામાં એને ઇન્જેક્શન વાટે શરીરમાં દાખલ કરવાથી બૉડી અને બ્રેઇન વચ્ચેનું કનેક્શન થોડાક સમય માટે તૂટી જાય છે, જ્યારે ખૂબ માઇલ્ડ ઍનેસ્થેસિયાની જરૂર હોય ત્યારે આ પ્રકારનાં ડ્રગ્સ વપરાય છે. જોકે હવે એનાથી સેફ અને માઇલ્ડ દવાઓ શોધાઈ ગઈ હોવાથી એનો મેડિકલ વપરાશ મર્યાદિત થઈ ગયો છે અને છતાં એનું પ્રોડક્શન અને ખપત નથી ઘટ્યાં.

કીટામીન પ્રાણીઓ અને બાળકો માટે વપરાતી ઍનેસ્થેટિક દવા છે. પાર્ટી-ડ્રગ માર્કેટમાં એ સ્પેશ્યલ કે અથવા વિટામિન કે તરીકે ઓળખાય છે. કોકેન બધાને પરવડતું નથી એટલે એને ગરીબોના કોકેન તરીકે માર્કેટ કરવામાં આવે છે અને એટલે એ મિડલક્લાસ યંગસ્ટર્સમાં વધુ વપરાય છે. અત્યાર સુધી એ ખુલ્લેઆમ કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી શકતી હતી, પરંતુ બે મહિના પહેલાં મળેલી ધ ડ્રગ ટેક્નિકલ ઍડ્વાઇઝરી બોર્ડ (ડીટીએબી)ની બેઠકમાં એવો ઠરાવ થયો કે હવે કીટામીનને ઓપનલી વેચવામાં ન આવે એટલું જ નહીં, આ દવા અમુક ખાસ લાઇસન્સ ધરાવતી મેડિકલ શૉપમાં સ્ટિક્ટ ક્વોટા સાથે પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાય એવો કાયદો પણ થયો છે. કોઈને વિદેશયાત્રા દરમ્યાન મેડિકલ પર્પઝથી એ સાથે રાખવી પડે એમ હોય તો એ માટે નાકોર્ટિક્સ કમિશનરની ઑફિસમાંથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી છે.
ભારતમાં એનો ધંધો શા માટે વિકસ્યો છે?

સૌથી મોટું કારણ છે એમાંથી મળતા રૂપિયા. દવા તરીકે મોટી ફાર્મસીઓમાં જ એનું ઉત્પાદન થાય છે. કેમિકલ ફૅક્ટરીઓની સાઇડ-પ્રોડક્ટ તરીકે મળતી આ ચીજને થોડીક રિફાઇન કરીને વેચવાની હોવાથી કીટામીન બનાવવાનું ખૂબ જ સસ્તું છે. એમ છતાં સામાન્ય રીતે અહીં કેટામાઇન ૭થી ૧૦ હજાર રૂપિયે કિલોના ભાવે વેચાય છે. વિદેશોમાં સ્ટિક્ટ ધારાધોરણોને કારણે એની ડિમાન્ડ ઊંચી છે એટલે જો ઇન્ડિયન કેટામાઇન એક્સપોર્ટ થાય તો એના પ્રતિ કિલો દસ લાખ રૂપિયા સુધીનો ભાવ મળી શકે છે. સાવ ફેંકી દેવાના કચરામાંથી આટલા રૂપિયા ફટાફટ પેદા થઈ જતા હોવાથી વધુ ને વધુ લોકો એના તરફ આકર્ષાયા છે.
કેટામાઇન કેવી રીતે લેવાય?

મોટા ભાગનાં ડ્રગ્સ સેક્સ્યુઅલ ઍબ્યુઝ માટે વપરાતાં હોય છે અને પછી એની આદત પડી જતાં વ્યક્તિ એની બંધાણી બની જાય છે. સેક્સ્યુઅલ મેડિસિનના નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે કે ‘કેટામાઇનનો પાઉડર સ્મોકિંગમાં અથવા તો છીંકણીની જેમ સૂંઘવામાં વપરાય છે. સામેવાળાને ખબર ન પાડવી હોય તો ડ્રિન્કમાં ભેળવીને પણ આપી દેવાય છે. આ એક પ્રકારનું મેડિકલ ડ્રગ છે જે ઍનેસ્થેસિયા માટે વપરાય છે, પરંતુ યુવાનો એનો હાઇ-ડોઝ લઈને દુરુપયોગ કરે છે. આ ડ્રગથી ભ્રાંતિ થાય છે. ટેમ્પરરી ધોરણે બ્લડપ્રેશર વધે છે. આફ્ટર-ઇફેક્ટ તરીકે ડિપ્રેશન અને શ્વસનતંત્રની તકલીફો થાય છે.’
કેવાં-કેવાં ડ્રગ્સ હોય છે? 

ડ્રગ્સના વધતાજતા ચલણ વિશે ડૉ. રવિ કોઠારી કહે છે, ‘ડ્રગ્સની અસર શરૂઆતમાં માઇલ્ડ હોય છે. યુવાનો આને હાર્મલેસ માનતા હોવાથી ફન માટે ટ્રાયલ લે છે અને ક્યારેક તેઓ જિંદગીને જોખમમાં મૂકી દે છે. ક્લબ-ડ્રગ્સ તરીકે ઓળખાતી આ દવાઓ સ્મૉલ સ્કેલ લૅબોરેટરીમાં બનતી હોવાથી એના પર કોઈ ક્વૉલિટી કન્ટ્રોલ નથી હોતો. ઘણી વાર તો યુવાનોને પોતે શું ખરીદે છે એનો અંદાજ નથી હોતો. એકસાથે બે પ્રકારનાં ડ્રગ્સનું કૉમ્બિનેશન કરીને લેવાનો પ્રયોગ જીવલેણ નીવડી શકે છે.’

મોટા ભાગે પેરન્ટ્સને ડ્રગ્સ વિશે ખાસ જાણકારી ન હોવાથી ટીનેજરો કે યુવાન સંતાનોને તેઓ સાચી માહિતી આપી નથી શકતા. આજકાલ પાર્ટીઓ-ક્લબોમાં છાનેછપને કેવાં ડ્રગ્સ વપરાય છે અને એની શું અસર થાય છે એની માહિતી ડૉ. રવિ કોઠારી પાસેથી જાણીએ.

૧. એલએસડી : લાઇસર્જિક ઍસિડ ડિઇથાઇલેમાઇડ
કૉમનલી ઍસિડ અથવા માઇક્રોડૉટ તરીકે ઓળખાય છે. રંગ અને સ્વાદ વિનાની ગોળી અથવા લિક્વિડ ફૉર્મમાં મળે છે. એ ડ્રિન્કમાં ભેળવીને લેવાય છે. ત્રીસથી નેવું મિનિટમાં એની અસર થાય છે. આંખો સામે ધૂંધળું દેખાય છે, અવાજ ઘોઘરો બની જાય છે, અભાનાવસ્થા આવે છે, ઉચાટ અને ડિપ્રેશન બન્ને મળે છે, હાર્ટરેટ વધી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખાલી ચડી જાય છે, પુષ્કળ પરસેવો થાય છે, અનિદ્રાની તકલીફ વધે છે, કાયમી બ્રેઇન ડૅમેજ થાય છે.

૨. એક્સ્ટસી
ગોળીના ફૉર્મમાં મળતા આ ડ્રગને લવ-ડ્રગ તેમ જ એક્સ્ટસી પણ કહે છે. ટૅબ્લેટ ગળી જવાની હોય છે અથવા તો ક્રશ કરીને સિગારેટની જેમ સ્મોક કરી શકાય અથવા તો છીંકણીની જેમ સૂંઘી શકાય છે. આનાથી મગજમાં સેરોટોનિન કેમિકલનો સ્રાવ વધે છે, જેને કારણે વ્યક્તિ ખૂબ જ ખુશ અને કૉન્ફિડન્ટ બને છે. પાર્ટીઓમાં લાંબો સમય ડાન્સ કરી શકાય તેમ જ મોડી રાત સુધી મજા માણી શકાય એ માટે આ દવા લેવામાં આવતી હોય છે. દવાની અસર જેવી ઘટે કે તરત જ ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી જેવાં લક્ષણો દેખાય છે. આડઅસરરૂપે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ અને કિડની ફેલ્યર તેમ જ મેમરી લૉસ થઈ શકે છે. આની ખરાબ અસર ઓછી કરવા માટે વ્યક્તિને ખૂબબધું પાણી પિવડાવવામાં આવે છે.

૩. કોકેન
આ ડ્રગ કોઈ પણ ફૉર્મમાં અને કોઈ પણ માત્રામાં લેવી હાનિકારક છે. છીંકણીની જેમ સૂંઘીને એનું સેવન થાય છે. ડ્રગ સૂંઘ્યા પછી ૩૦થી ૪૫ મિનિટ સુધી એની અસર રહે છે. સેક્સ-ટૉનિક તરીકે આનો મોટા પાયે ઉપયોગ થાય છે. આનાથી વ્યક્તિનો કૉન્ફિડન્સ અને ટેમ્પરરી એક્સાઇટમેન્ટ વધી જાય છે.

૪. જીએચબી : ગામા હાઇડ્રોક્સિબ્યુટાઇરિક ઍસિડ
આ ડ્રગ ફૅન્ટસી-ડ્રગ, જી, લિક્વિડ એક્સ્ટસી અથવા જ્યૉર્જિયા હોમબૉય જેવાં નામોથી પ્રચલિત છે. એ શરીરના મુખ્ય ચેતાતંત્રને સુન્ન કરી દે છે. સૉફ્ટ કે હાર્ડ ડ્રિન્ક્સમાં નાખીને પિવડાવવાથી વ્યક્તિ પાવરલેસ બની જાય છે, ભાન ગુમાવી બેસે છે અને એ પછી એની સાથે કાંઈ પણ કરવામાં આવે તો તે આનો વિરોધ નથી કરી શકતી. જ્યારે તે ભાનમાં આવે ત્યારે તેની સાથે શું થયું હતું એની કોઈ મેમરી પણ નથી રહેતી. આ ડ્રગ ડેટ-રેપ તરીકે છોકરીઓ માટે મોટા પાયે વપરાય છે. હાઇ-ડોઝમાં લેવામાં આવે તો હાર્ટરેટ અને બ્રીધિંગ સ્લો થઈ જાય છે. સુસ્તી અને બ્રેધલેસનેસ અનુભવાય છે.

૫. મૅરિજુઆના
ગાંજાના છોડનાં ફૂલોમાંથી મૅરિજુઆના બનાવવામાં આવે છે. તમાકુ સાથે મિક્સ કરીને એને સ્મોકિંગમાં વાપરવામાં આવે છે. ક્યારેક બિસ્કિટ અને કેકમાં પણ મિક્સ કરવામાં આવે છે. આ લેવાથી વ્યક્તિ રેસ્ટલેસ, વિહ્વળ અને કન્ફ્યુઝ્ડ ફીલ કરે છે. એટલીબધી ઉત્તેજના અનુભવાય છે કે વાસ્તવિકતા ભૂલી જાય છે. સખત ભૂખ લાગે છે, હસવાનું બેકાબૂ બની જાય છે. લાંબા સમય સુધી આ ડ્રગનું સેવન કરવામાં આવે તો ગાંડપણના અટૅકનું પ્રમાણ વધે છે.

૬. મેથામ્ફેટામાઇન
આ ડ્રગને ક્રૅન્ક, ક્રિસ્ટલ, સ્પીડ અથવા આઇસ તરીકે ઓળખવામાં આવે છે. લેતાંની સાથે જ ઠંડો ચમકારો શરીરમાંથી પસાર થઈ જાય છે. હાઈ એનર્જીવાળું ડ્રગ હોવાથી એની અસર ૮થી ૧૨ કલાક સુધી રહે છે. જો થોડીક પણ વધુ માત્રામાં લેવાઈ જાય તો વ્યક્તિ આક્રમક અને હિંસક બની જાય છે. ગાંડપણની હદે મગજ પરનો કન્ટ્રોલ ગુમાવી બેસે છે. લાંબે ગાળે એ મગજના કોષોને ડૅમેજ કરે છે. ડ્રગ લેનાર વ્યક્તિની કોઈ પણ ચીજ કે ઘટનાને પ્રતિભાવ આપવાની ક્ષમતા ઘટવા માંડે છે.

૭. રૂફીઝ : ફ્લુનાઇટ્રૅઝેપામ / રૉઇફ્નૉલ
આ ડ્રગ પણ ડેટ-રેપ કે ફર્ગે‍ટ પિલ તરીકે જાણીતું છે. પહેલાં એનો વપરાશ અનિદ્રાની દવા તરીકે કે ઊંઘની ગોળી તરીકે થતો હતો. સ્વાદ અને ગંધ વિનાનું આ ડ્રગ કોઈ પણ કાબોર્નેટેડ ડ્રિન્કમાં તરત જ ઓગળી જાય છે. આવું ડ્રિન્ક પીવાથી તરત જ ટેમ્પરરી ધોરણે સ્મૃતિનો નાશ થાય છે. યુવતીઓની જાતીય સતામણી માટે પાર્ટીઓમાં વપરાતું આ સૌથી કૉમન ડ્રગ છે. આવું પીણું લીધા પછી વ્યક્તિ ખૂબ જ રિલૅક્સ્ડ ફીલ કરે છે. અજાણ્યાઓ સાથે જરૂરિયાત કરતાં વધુપડતું મળતાવડું વર્તન કરવા માંડે છે. બ્લડપ્રેશર ખૂબ જ ઘટી જાય છે અને ઘેન ચડે છે. સ્મૃતિ અને સંજ્ઞાનું ભાન ન રહેતાં કોઈ પણ વ્યક્તિ તેનો ગેરલાભ ઉઠાવી શકે છે.

૮. એફેડ્રિન

માર્કેટમાં ‘ઈ’ના નામે જાણીતું છે. મેડિકલ કાઉન્ટર પર આ એક ઇનહેલર તરીકે વપરાય છે. દવા તરીકે જેટલો ડોઝ વપરાય એનાથી ત્રણગણો ડોઝ પાર્ટી-ડ્રગ કરીને એકસામટો લેવામાં આવે છે. ત્રણથી ચાર કલાક સુધી એની અસર રહે છે અને હાર્ટરેટ તથા બ્લડપ્રેશર વધી જાય છે.

૯. મૅજિક મશરૂમ
આ એક પ્રકારનાં મશરૂમ છે જેને સૂકવીને લેવામાં આવે છે. ચામાં નાખીને લેવામાં આવે છે. એ લેવાથી આકાર અને કલરનું ભાન નથી રહેતું કે પોતે શું કરી રહ્યા છે એનું ભાન નથી રહેતું. 

૧૦. એમાઇલ નાઇટ્રેટ
આ એક સિન્થેટિક ડ્રગ છે, જેનું રૂમ-ટેમ્પરેચર બાષ્પીભવન થઈ જાય છે. આ ડ્રગને નાકથી સૂંઘવાથી પુરુષોમાં કામુક ઉત્તેજના વધે છે. બજારમાં એ પૉપર તરીકે વેચાય છે. સેક્સ્યુઅલ ઍક્ટિવિટી પહેલાં એ સૂંઘવામાં આવે છે. ડ્રગને કારણે બ્લડ-સક્યુર્લેશન વધતાં ઇદ્રિયમાં ઉત્તેજનાને કારણે સખતપણું આવે છે. ડ્રગ સૂંઘવાથી પાવરફુલ સેક્સ્યુઅલ એનર્જી આવી ગઈ હોય એવું લાગે છે. આની આડઅસરરૂપે સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. જે લોકો આ ડ્રગ લે છે તેમને એચઆઇવીનો ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.

૧૧. ફેનસાઇક્લિડાઇન
લવ-બોટ અથવા પીસીપીના નામે ફેમસ છે. આ ડ્રગ લીધા પછી બિહેવિયર બેકાબૂ થઈ જાય છે. પ્રેમભગ્ન યંગસ્ટર્સ આ ડ્રગ લે છે. એ ધીમે-ધીમે બ્રેઇન સેલ્સને ખતમ કરી નાખે છે અને સુસાઇડ માટે વપરાય છે.