શિવસેનાએ એનડીએના સાથીપક્ષો માટે ચોક્કસપણે દાખલો બેસાડ્યો

10 November, 2019 11:10 AM IST  |  Mumbai

શિવસેનાએ એનડીએના સાથીપક્ષો માટે ચોક્કસપણે દાખલો બેસાડ્યો

ઉદ્ધવ ઠાકરે

રાઇઝ ઑફ બીજેપી એ એક આંખ આંજી દે એવો ફિનોમૅનન છે. ૨૦૧૪થી બીજેપીએ શરૂ કરેલા અશ્વમેધ યજ્ઞનો ઘોડો દેશનાં બહુ ઓછાં કહી શકાય એટલાં રાજ્યોમાં જ કોઈકે રોકવાની તાકાત દેખાડી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી જેવો વિરોધી પક્ષ આ ઘોડાને રોકે એ સમજી શકાય એવી વાત છે, પરંતુ મહારાષ્ટ્રમાં સાથીપક્ષ અને નાના ભાઈ સમાન ગણાતો શિવસેના જેવો પ્રાદેશિક પક્ષ જ્યારે બીજેપીના વિજયરથને અટકાવે ત્યારે એ એક દાખલો બની જાય એમાં બેમત નથી. એમ કહી શકાય કે શિવસેનાએ એનડીએના અન્ય ઘટક પક્ષો માટે એક દાખલો બેસાડ્યો છે કે મોટો ભાઈ ગમે એટલો મોટો કેમ ન હોય, તેની સામે ખોંખારો ખાઈને બાંયો ચડાવી શકાય છે. સેનાએ બીજેપી સામે બાંયો તો ચડાવી છે, પરંતુ બન્ને વચ્ચે ચાલી રહેલી સત્તાની સાઠમારીમાં આબરૂ તો છેવટે બિચારી જનતાની જ ગઈ છે. જનાદેશ આ બન્ને પક્ષની યુતિ માટે હતો, બન્નેએ સાથે મળીને આવતાં પાંચ વર્ષ માટે પ્રદેશની પ્રજા માટે કામ કરવાનું હતું, પણ એ બધું બાજુએ મૂકીને માતેલા સાંઢની માફક બન્ને પક્ષો મુખ્ય પ્રધાનપદની ખુરસી માટે સામસામા આથડી રહ્યા છે. જનતા સમક્ષ મૂકપ્રેક્ષક બનીને આ લોકતાંત્રિક વ્યવસ્થાના ભાગરૂપી તાયફો જોવા સિવાય બીજો કોઈ ચારો નથી.
૨૦૧૪ની મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ બન્ને પક્ષોએ પરિણામ પછી જોડાણ કર્યું હતું, પરંતુ આ વખતની ચૂંટણીમાં તો પહેલેથી જ જોડાણ નક્કી હતું. મતલબ કે ચૂંટણીનાં પરિણામ પછી વિજય પ્રાપ્ત થયા બાદ કેવી રીતે સત્તાની વહેંચણી કરવી એ વાત પણ નક્કી થઈ ચૂકી હતી. આ જ વાત ઉદ્ધવ ઠાકરે પણ કહી રહ્યા છે. બન્ને પક્ષો વચ્ચે વિચારધારાની સમાનતા જો કોઈ મુદ્દે હોય તો એ ફક્ત હિન્દુત્વના મુદ્દે છે. શિવસેના એ જાણે છે કે એ એક ખૂબ જ મર્યાદા ધરાવતો પ્રાદેશિક પક્ષ છે. સમગ્ર પ્રદેશમાં એનું એક્સેપ્ટન્સ ક્યારેય નહોતું અને આજે પણ નથી. ૨૮૮ બેઠકો ધરાવતી વિધાનસભામાં શિવસેના ક્યારેય ૭૩થી વધુ બેઠક જીતી શકી નથી. આવી સ્થિતિમાં રાજ્યના મુખ્ય પ્રધાનપદની ખુરસીનું સપનું જોવું અને એ સાકાર થાય એ માટે જીદની છેલ્લી હદ પણ પાર કરી દેવી એ વાત શિવસેનાની સાંપ્રત મનોસ્થિતિ દર્શાવે છે.
શિવસેનાની થિન્ક ટૅન્કને એ ખબર છે કે આવનારાં વર્ષોમાં પણ પાર્ટીને રાજ્યવ્યાપી સ્વીકૃતિ મળે અને પોતાની તાકાત પર સત્તા પ્રાપ્ત કરી શકાય એ શક્ય નથી. મહારાષ્ટ્રમાં જ્યાં સુધી શરદ પવારની એનસીપી અને કૉન્ગ્રેસનાં મૂળિયાં સાવ નબળાં નહીં પડે ત્યાં સુધી બીજેપી માટે પણ એકલા હાથે સત્તા મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કઠિન કામ છે. મતલબ કે બીજેપીને પણ શિવસેનાનો સાથ લીધા વિના છૂટકો તો નથી. આ જ કારણ છે કે શિવસેનાની થિન્ક ટૅન્ક માને છે કે તો પછી સત્તામાં સરખી ભાગીદારી કેમ ન હોવી જોઈએ?
ચૂંટણી પહેલાં શાહ અને ઠાકરે વચ્ચે યુતિ માટે થયેલી સમજૂતીની ચર્ચા દરમ્યાન શાહે ખરેખર ઠાકરે સમક્ષ ફિફ્ટી-ફિફ્ટી ફૉર્મ્યુલાની વાત સ્વીકારી હશે કે નહીં એની તો એ બન્નેને જ ખબર, પરંતુ ઉદ્ધવ ઠાકરે ચૂંટણીનાં પરિણામ બાદ આ મુદ્દે ખૂલીને બોલી રહ્યા છે, જ્યારે અમિત શાહ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. એનો લાભ લઈને શિવસેનાએ વધુ આક્રમક વલણ અપનાવ્યું અને પરિણામે યુતિ હોવા છતાં, યુતિ પાસે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાબળ હોવા છતાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસનના ભણકારા વાગી રહ્યા છે.
આ લખાય છે ત્યારે રાજ્યપાલે સૌથી મોટા પક્ષ તરીકે બીજેપીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. અહીં સમગ્ર સ્થિતિ વધુ રોચક બની જાય છે. આગામી સપ્તાહમાં ફડણવીસે સરકાર બનાવવા માટે જરૂરી ૧૪૫નું સંખ્યાબળ સાબિત કરવું પડશે, જે હાલમાં તો બીજેપી પાસે નથી. શું આગામી સપ્તાહમાં બીજેપી શિવસેનાને સાથ આપવા માટે મનાવી શકશે? શિવસેનાની ૫૦-૫૦ ટકાની માગણી સ્વીકારાશે તો જ શિવસેના સાથ આપશે કે પછી શાહ પોતાના પટારામાંથી જાદુની છડી કાઢીને કોઈ નવી મૅજિક ફૉર્મ્યુલાથી ઉદ્ધવને મનાવી શકશે? જો આમ ન થયું તો બીજેપી સંખ્યાબળ સાબિત નહીં કરી શકે અને તો પછી શું સૌથી મોટા બીજા પક્ષ તરીકે એનસીપી કે શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ રાજ્યપાલ આપશે? દોસ્તો, આ ‘જો’ અને ‘તો’ને લઈને આગામી સપ્તાહમાં અપાર સંભાવનાઓ છે અને નથી પણ. આવતા રવિવારની ‘મનમર્ઝી’ પહેલાં આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે એ સંભાવના છે એ નક્કી. ત્યારે જોઈએ કે ઉદ્ધવ ઠાકરેની મનમર્ઝી ચાલવાની છે કે ફડણવીસની?

shiv sena uddhav thackeray