સેક્સ-થેરપીના વૈજ્ઞાનિક અભિગમમાં પાયાના મોટા ફેરફારો આવી રહ્યા છે

12 August, 2012 10:09 AM IST  | 

સેક્સ-થેરપીના વૈજ્ઞાનિક અભિગમમાં પાયાના મોટા ફેરફારો આવી રહ્યા છે

 

 

(તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી)

 

ગેરમાન્યતા

 

જાતીય ગુનાખોરી અને વિકૃતિઓનું પ્રમાણ નિમ્ન સ્તરના લોકોમાં વધુ હોય છે


હકીકત

 

એવું નથી. ઉચ્ચ તથા ભદ્ર વર્ગના લોકોમાં પણ જાતીય વિકૃતિ તથા ગુનાખોરીનું વ્યાપક પ્રમાણ હોય છે

 

વિષય બહુ નવો અને રોમાંચક હતો. ડૉ. રૉજર્સની ટીમે પહેલાં દસ દરદીને આ ટ્રાયલમાં સામેલ કર્યા હતા. એ દસેદસ પુરુષોને અગાઉ જણાવ્યા પ્રમાણે વાયેગ્રાથી સાજા ન થાય એવી શિïશ્નોત્થાનની કાયમી તકલીફ હતી જેનું કારણ વૅસ્ક્યુલર હતું. અર્થાત્ શિશ્નને રક્ત સપ્લાય કરતી મોટી ધમનીઓ ઇન્ટર્નલ પુડેન્ટલ આર્ટરીઝમાં બન્ને બાજુ બ્લૉક હતા.

 

આ ઍથેરોક્લેરોટિક બ્લૉક અને સ્ટેનોસિસ (ઉર્ફે ધ્વનિસંકુચન) બે પ્રકારના હતા, જે હાર્ટ-અટૅક એટલે કે કૉરોનરી આર્ટરી ડિસીઝના દરદીઓની હૃદયને બ્લડ પહોંચાડતી કૉરોનરી આર્ટરીઝમાં ઍન્જિયોગ્રાફી દરમ્યાન જોવા મળે છે.

 

હૃદય અને લિંગ બન્નેના બ્લડ-સપ્લાયમાં અનુક્રમે કૉરોનરી અને પુડેન્ટલ આર્ટરીઝ મુખ્ય ભાગ ભજવે છે એ તો જાણીતી બાબત છે, પણ જેમ હૃદયને કૉરોનરી બ્લૉકને લીધે પૂરતું લોહી ન પહોંચે તો ઍન્જાઇના, ઇન્ફ્રાકર્શન યા માયોકાર્ડિયલ ઇશ્કિમિયા જેવી બીમારીઓ થાય છે એ જ રીતે શિશ્નની પુડેન્ટલ આર્ટરીઝમાં લોહી ન પહોંચે તો ઇન્દ્રિયમાં શિથિલતા, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન તથા નપુંસકતા ઉદ્ભવે છે એ બાબત હવે પુરાવાઓ સહિત સિદ્ધ થવા લાગી છે એટલું જ નહીં; આ બન્ને હૃદય તથા શિશ્નની પરિસ્થિતિઓને એકસરખી જ ગણીને એ જ રીતે સારવારના વિકલ્પો પણ પ્લાન કરવાની નવી સ્ટ્રૅટેજી તબીબી આલમમાં ઉદ્ભવી રહી છે.

 

ડૉ. રૉજર્સે શરૂઆતમાં સામેલ કરેલા દસેદસ દરદીઓને ઈડી (ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન) હતું. વાયેગ્રાની અસર થતી નહોતી અને પુડેન્ટલ ઍન્જિયોગ્રાફીમાં જોવા મળ્યા પ્રમાણે બન્ને બાજુ બ્લૉક, ઍથેરોમેટ્સ પ્લેક્સ અને સંકુચન (સ્ટેનોસિસ) હતા. આથી જેમ હવે કૉરોનરીઝમાં મેડિકેટેડ સ્ટેન્ટિંગ થાય છે એમ પુડેન્ટલ સ્ટેન્ટિંગ પ્લાન કરવામાં આવ્યું.

 

આર્યની વાત એ હતી કે આ બધા જ પુરુષોને સાથે-સાથે કૉરોનરી ઍન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. એમાંય ઘણાખરાને બ્લૉક, સંકુચન અને ચરબીના થર જામેલા દેખાતા હતા. ડૉ. રૉજર્સે તેમને હૃદયની ધમનીઓની સારવાર લેવાનું પણ સૂચવ્યું, પણ દસમાંના કોઈને તેમના હૃદયની કૉરોનરી ધમનીઓમાં દેખાતા ઍથેરોમેટ્સ પ્લેક દૂર કરી હાર્ટનો પ્રૉબ્લેમ દૂર કરવામાં રસ નહોતો.

 

મતલબ નપુંસકતાની સારવાર માટે આવેલા દસેદસ પુરુષોને પુરુષાતન જગાડનારી સારવારમાં રસ હતો, પણ હૃદયની સારવારમાં રસ નહોતો. ડૉ. રૉજર્સના કહેવા મુજબ કૉરોનરી ડિસીસિઝ ધરાવતા પુરુષોમાંના આશરે સિત્તેર ટકા પુરુષોને સાથોસાથ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન (ઉર્ફે પુડેન્ટલ સ્ટેનોસિસ) પણ હોય જ છે અને જેને વૅસ્ક્યુલર ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન થાય છે એને ત્રણેક વર્ષ પછી કૉરોનરીમાં પણ બ્લૉક-રિલેટેડ અલ્પરક્તપ્રવાહની તકલીફો દેખાવી શરૂ થઈ જાય છે.

 

આમ હૃદય અને શિશ્ન બન્નેને એક જ રીતે જોવા, સમજવા તથા ટ્રીટ કરવાની જરૂર છે. વળી બન્નેમાં રિસ્ક-ફૅક્ટર્સ જેવાં કે ધૂમ્રપાન, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ તથા ડિસ્લિપિડેનિયા વગેરે પણ એકસરખા જ હોવાનું જણાયું છે. એમ છતાં સેક્સ-થેરપીમાં આજે પણ શિશ્નોત્થાનના દરદીઓનું વૅસ્ક્યુલર ઇવૅલ્યુએશન તથા કૉરોનરી ઇવૅલ્યુએશન મહદંશે થતું નથી. ડૉ. રૉજર્સ ૨૦૦૯માં શરૂ થયેલી હઈશ ઉર્ફે ઝેન ટ્રાયલમાં ઝોટારોલીમસ મેડિકેટેડ સ્ટેન્ટ બન્ને પુડેન્ટલ આર્ટરીમાં કૉરોનરી સ્ટેન્ટિંગની જેમ જ ઍન્જિયોપ્લાસ્ટિક સ્ટેન્ટિંગ કરીને મૂકવામાં આવે છે.

 

 આ પૂર્વેનાં વર્ષોમાં પુડેન્ટલ સ્ટેનોસિસના દરદીઓમાં સ્ટેન્ટ વગરની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, પણ પુન: સંકોચન ઉર્ફે રીસ્ટેનોસિસને લીધે એ શસ્ત્રક્રિયામાં લાંબા ગાળાનાં પરિણામો અનાકર્ષક રહ્યાં હતાં. હવે જ્યારે કાર્ડિયોલૉજિસ્ટો દ્વારા યુરોલૉજિસ્ટોના ક્ષેત્રમાં પહેલ થઈ રહી છે ત્યારે કાર્ડિયુરોલૉજી જેવું નવું ક્ષેત્ર વિકસી રહ્યું હોય એમ લાગે છે. સેક્સોલૉજીનું સાયન્સ જે પહેલાં ગાયનેકોલૉજિસ્ટ, સજ્ર્યનનું હતું, ત્યાર બાદ ડર્મેટોલૉજિસ્ટ તથા સાઇકિયાટ્રિસ્ટોનું બની રહ્યું, પછી યુરોલૉજી અને કૉસ્મેટોલૉજિસ્ટોનું થવા માંડ્યું એ હવે કાર્ડિયોલૉજિસ્ટોનું પણ પ્રિય બની જાય તો નવાઈ નહીં.

 

આજે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનને કૉરોનરી આર્ટરી ડિસીઝ થવા માટેના મહત્વના રિસ્ક-ફૅક્ટર તરીકે જોવામાં આવે છે. હવેનાં વર્ષોમાં કૉરોનરીઝની જેમ પુડેન્ટલમાં ઝોટારોલીમસ એલ્યુટિંગ સ્ટેન્ટ નખાતા હોય એવું જોવા મળશે. આ સ્ટેન્ટિંગ શિશ્નમાં નથી કરવાનું હોતું; કેમ કે શિશ્નને રક્તપ્રવાહ પૂરો પાડતી ઇન્ટર્નલ પુડેન્ટલ આર્ટરીઝ શિશ્નમાં નહીં, બલ્કે એનાથી સહેજ ઉપર ઇંગ્વાઇનલ રીજનની ભીતર હોય છે. સેક્સોલૉજીનું વિજ્ઞાન બહુ મોટાં પરિવર્તનોના ઉંબરે ઊભું છે. આ વર્ષમાં ડૉ. રૉજર્સે બે વર્ષ પૂર્વે શરૂ કરેલા આશાસ્પદ મેડિટ્રોનિક્સ પુરસ્કૃત ઝેન ટ્રાયલનાં પરિણામોની કાગડોળે રાહ જોવાઈ રહી છે. જોઈએ એમાંથી શું નીકળે છે.