ક્ષણના મહેલમાં

17 November, 2012 06:54 AM IST  | 

ક્ષણના મહેલમાં


અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

ક્ષણનું આયુષ્ય ક્ષણભર હોય છે. ક્ષણ સમયનું નૅનો સ્વરૂપ છે. નાની, પણ પહોંચ ઘણી. એક ક્ષણ માટે મળતી નજર લગ્નની કંકોતરી સુધી પહોંચવાનું સામથ્ર્ય ધરાવે છે. ભૂકંપ આવે ત્યારે ક્ષણમાં બધું હતું-ન હતું થઈ જાય. શ્રીનાથજી, તિરુપતિ જેવાં ધર્મસ્થાનકોમાં એક ક્ષણ દર્શન કરવા માટે પણ ભક્તોની શ્રદ્ધાળુ પડાપડી હોય છે. દીકરીને વિદાય આપતી બાપની નજર ક્ષણભર માટે એટલી ભીનાશ અનુભવે છે, જે આખી જિંદગીમાં ન અનુભવી હોય. સ્કૂલમાં પહેલી વાર જતા બચ્ચા માટે મમ્મીની આંગળી છોડવાની ક્ષણથી અસલામતીનો અનુભવ શરૂ થાય છે. રાતે ક્ષણભર માટે દેખાતો આગિયો ઝબકતું આશ્ચર્ય છે. પરપોટાનું આયુષ્ય ક્ષણભરનું હોય તોય આંખે ચડી જાય એવી ઓળખ હોય છે. ભરત ભટ્ટ ‘તરલ’ ક્ષણનો મહિમા આ રીતે કરે છે.

તું યુગોની જિંદગી જીવે ભલે

પણ ‘તરલ’ને ક્ષણ હશે તો ચાલશે!


જિંદગીમાં યાદગાર ક્ષણો આવતી ન હોય એવી જિંદગી ફિક્કી બનતી જાય છે. ક્ષણને મધુર બનાવવી કે વેડફી નાખવી એ આપણે નક્કી કરવાનું છે. જોકે ઈશ્વરે નક્કી કરવાનું કામ ભલે આપણને આપ્યું હોય, પણ નિયતિ તેના હાથમાં રાખી છે. સૌમ્ય જોશી આવી જ કોઈ ક્ષણનો શિકાર બને છે.

શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું?

એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઈ ગઈ


કૅમેરાનું તો કામ જ છે ક્ષણને ક્લિક કરવાનું. આ ક્ષણ સ્મરણ તરફ દોરી જાય છે. ગઈ કાલની ક્ષણ વર્તમાન પર બોજ ન બનવી જોઈએ. એનો અનુભવ સાથે લઈને ચાલો એ વાત જુદી છે અને એને માથે ઉપાડીને ફર્યા કરો એ વાત જુદી છે. સમજફેર થવાની સાથે જિંદગીનો ચહેરો બદલાઈ જતો હોય છે. વિવેક કાણે ‘સહજ’ સીધીસાદી જબાનમાં મોટી વાત કહી જાય છે.

વીતકનો નથી આપવો અહેવાલ, જવા દે

આ ક્ષણને ઊજવ દોસ્ત, ગઈ કાલ જવા દે


ઈશ્વરે જિંદગી આપી છે આનંદ કરવા માટે અને આનંદ કરાવવા માટે. આટલું સમજાય તો વિષાદને વરસાદ થતાં વાર નહીં લાગે. ઘણી વાર જ્ઞાની ધર્મગુરુઓ સમજાવી-સમજાવી થાકી ગયા હોય એ વાત ક્ષણાર્ધમાં સમજાઈ જતી હોય છે. દિમાગમાં ચમકારો થાય અને વાત ખૂલી જાય. જાહેરખબરમાં આવે છે એમ દિમાગ કી બત્તી જલા દે-વાળી અનુભૂતિ થઈ આવે. ધ્વનિલ પારેખ આવો જ ચમકારો દર્શાવે છે.

ડાઘ ધોવાની ક્ષણે અટકી ગયો

જાત મેલી, વસ્ત્ર ક્યાં મેલું હતું?


ક્ષણભરમાં ઝબકેલો અને જિંદગીની દિશા બદલી નાખે. ક્ષણમાં સાક્ષાત્કાર કરાવવાની ક્ષમતા છે. આવી ક્ષણોની મજા જ એમાં છે કે એ લંબાય નહીં. કોઈ અનેરી તસવીર ઝડપી લેવા પ્રોફેશનલ ફોટોગ્રાફર માટે ક્ષણ મહત્વની હોય છે, પણ ફરવા નીકળેલા ટુરિસ્ટ ફોટાઓ ખેંચવાની લહાયમાં કુદરતને મનભરીને માણવાનું ચૂકી જાય છે અને કૅમેરા ભરીને કેદ કરવા લાગે. પર્વતોને ટીકી-ટીકીને થોડી ક્ષણો પણ જોશો, તો પથ્થરો વાત કરવા લાગશે. આકાશમાં તારાને થોડી ક્ષણો જોશો તો સમજાશે કે દૂરથી નાની લાગતી વસ્તુનું પણ તેજ હોઈ શકે છે. પતંગિયાના વિવિધ રંગોને થોડી ક્ષણો જોશો તો લાગશે કે આ બધા કલર કમ્પ્યુટરની ગણતરી વગર કઈ રીતે જનરેટ થતા હશે. ઘણા પ્રશ્નો વણઉકેલ્યા રહે એમાં જ એની મજા છે. ચિનુ મોદીનો શેર છે.

એ એક છે કે જેમની આંખે જવાબ છે

બાકી ક્ષણો તો વાંચવી કિતાબ છે

અઘરી ક્ષણો એકાકી બનીને નિરાશા કે અસંતોષને જન્મ આપે છે. શાંત પાણીમાં નિરાંતે વહેતી હોડી જેવી ક્ષણો બહુ ઓછાને મળતી હોય છે. એટલે જ એની ખેવના વધારે હોય છે. સુનીલ શાહ સ્પષ્ટપણે કહી દે છે.

ભલે થોડી ક્ષણો ઝાકળની માફક બાથમાં લે કોઈ

મિલનની પળ વિનાનું જીવવું અમને નહીં ફાવે


સુનીલ શાહ થોડી ક્ષણોની વાત કરે છે, તો કિરણસિંહ ચૌહાણ એનાથી વધુ આશ્ચર્ય લઈને આવે છે.

મળ્યું’તું કોઈ એક જ વાર, એ પણ અડધી ક્ષણ માટે

મિલન બસ આટલું કાફી હતું એના સ્મરણ માટે

ક્યા બાત હૈ

એક પળ સંકોવાની ક્ષણ મળી

જિંદગીને મ્હોરવાની ક્ષણ મળી

વળગણો સઘળાં તજી દીધાં પછી

વિશ્વ આખું વ્હોરવાની ક્ષણ મળી

ટાંકણું પામ્યો ગઝલનું એટલે

આંસુને પણ કોરવાની ક્ષણ મળી

થઈ ગયો નિ:શબ્દ પળભર એ પછી

શબ્દને ઠમઠોરવાની ક્ષણ મળી

આપમાં ઊભાં રહ્યાં જ્યાં સ્થિર ‘સુધીર’

જાતને ઝકઝોરવાની ક્ષણ મળી


- સુધીર પટેલ