પૉલિસીમાં જણાવી ન હોય એવી કોઈ રકમ ક્લેમ પાસ કરતી વખતે વીમા કંપની ડિડક્ટ કરી ન શકે

17 November, 2012 06:53 AM IST  | 

પૉલિસીમાં જણાવી ન હોય એવી કોઈ રકમ ક્લેમ પાસ કરતી વખતે વીમા કંપની ડિડક્ટ કરી ન શકે



ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય

વિષય : ક્લેમ કરેલી રકમમાંથી જો એ વીમાનો કરાર કરતી વખતનો કોઈ હિસ્સો ન હોય તો ફક્ત માર્ગદર્શિકા (ગાઇડલાઇન) અને પરિપત્રો (સક્યુર્લર)ને આધારે એમાંથી કોઈ પણ રકમ કપાત નથી કરી શકાતી.

બૅકડ્રૉપ : વીમા કંપની ઘણી વખત પૉલિસીની શરતોનો ભોગ ન હોવા છતાં આંતરિક પરિપત્રો અને માર્ગદર્શિકાને આધારે અયોગ્ય રીતે વિના કારણ રકમની કપાત કરી મોટે ભાગે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હોય છે. ભોળા ગ્રાહકો કાયદાને સમજવામાં નિષ્ફળ રહે છે એટલે તેઓ આવી કપાત કાયદાકીય છે એવું માની બેસે છે. ખરી રીતે તો વીમા કંપની અને વીમો ઉતરાવનાર વચ્ચે થયેલો કરાર જ બન્નેને બાંધી રાખે છે. નક્કી કરાયેલી પૉલિસીની શરતો તેમ જ નિયમોની અંદર ન આવતી કોઈ પણ માહિતી વીમો ઉતરાવનારને નુકસાન ન પહોંચાડી શકે.

કેસ સ્ટડી : પી. આર. નાંબિયાર નેલસ્ટર વેલ્કોનના નામ હેઠળ વ્યવસાય કરતાં હતા. તેમની ઑફિસ મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં ઑફ ઇ. મોઝિઝ રોડ નજીક આવેલી શક્તિ મિલની ગલીમાં આવેલી હતી. તેમણે ન્યુ ઇન્ડિયા અસ્યોરન્સ કંપની હેઠળ ઑફિસની ફાયર પૉલિસી લીધી હતી. આ પૉલિસી પૂર આવવાને લીધે થતાં નુકસાનને પણ આવરી લેતી હતી.

ચોમાસા દરમ્યાન તા. ૨૨-૮-૧૯૯૭ને દિવસે આવેલા પૂરને કારણે ભારે નુકસાન થવાને લીધે તેમની ઑફિસમાં ખોટ ગઈ. તેમણે ક્લેમ માટેનો દાવો નોંધ્યો. એક મોજણીદારની નિમણૂક કરવામાં આવી. એણે ૭,૭૬,૬૧૮નું નુકસાન જણાવ્યું. નાંબિયારે આ મોજણીદાર દ્વારા નક્કી કરાયેલા નુકસાનનું વળતર માન્ય કર્યું. જોકે, વીમા કંપનીએ એમાંથી ૧,૦૫,૩૯૬ રકમ બાદ કરી અને ફક્ત ૬,૭૧,૨૨૨ રકમ જ મંજૂર કરી અને આ રકમ પણ લગભગ એક વર્ષ પછી મોકલાવાઈ.

નાંબિયારે ૧,૦૫,૩૯૬ રૂપિયાની કપાત શા માટે કરવામાં આવી છે એવો સવાલ કરી એનું કારણ પૂછ્યું ત્યારે તેને જણાવાયું કે ટેરિફ ઍડ્વાઇઝરી કમિટીની માર્ગદર્શિકા પ્રમાણે નુકસાન પૂરગ્રસ્ત વિસ્તારમાં થયું હતું. નાંબિયારે આ બાકાત કરેલી રકમ માટે તકરાર કરી કારણ કે એ પૉલિસીની શરતો અને નિયમો પ્રમાણે નહોતી. તેણે જણાવ્યું કે આ માર્ગદર્શિકા પૉલિસીમાં જણાવાયેલી નહોતી એટલે આ રકમની કપાત વીમા કરારની વિરુદ્ધ હતી. એ ઉપરાંત તેની ઑફિસ પૂરગ્રસ્ત વિસ્તારમાં નહોતી આવેલી, પણ એ તો પૂરગ્રસ્ત વિસ્તારથી એક કિલોમીટર દૂરની ગલીમાં હતી. વીમા કંપનીનો મોજણીદાર પણ નાંબિયારની ઑફિસ પૂરગ્રસ્ત વિસ્તારમાં નથી પડતી એ બાબતે સંમત હતો, પણ વીમા કંપની ઑફિસના લખાવાયેલા સરનામાં પ્રમાણે આ બાદબાકી યોગ્ય જ છે એવું ખાસ ભાર આપીને કહેતી રહી. શક્તિ મિલ્સ લેન જે. ઑફ ઇ. મોઝિઝ રોડ પર આવેલી હતી અને એ પૂરગ્રસ્ત વિસ્તારમાં ન ગણાવા છતાં હકકીત સામે અવગણના કરી તે ઇ. મોઝિઝ રોડ પર આવેલી છે એવું જણાવાયું.

એ સમયગાળા દરમ્યાન ૧૯૯૮ના ચોમાસામાં ફરી પાછું પૂર આવ્યું જેને માટે ફરી પાછો દાવો નોંધાયો. વીમા કંપનીના મોજણીદારે આ વખતે ૭,૮૨,૧૨૨ રૂપિયાનું નુકસાન જણાવ્યું. જોકે ફરી પાછા વીમા કંપનીએ એમાંથી ૧,૬૨,૭૫૧ રૂપિયા કાપીને બાકીની ૬,૧૯,૩૭૧ રૂપિયાની રકમ ચૂકવી. એ પણ નવ મહિનાના લાંબા વિલંબ પછી. ફરી પાછું આ બાબતસર નાંબિયારને એવું જણાવવામાં આવ્યું કે આ કપાત ટેરિફ ઍડ્વાઇઝરી ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવી છે જે પૂરગ્રસ્ત જેવા સંવેદનશીલ વિસ્તારને લાગુ પડે છે.

નાંબિયારે આ બન્ને કપાત અંગે ગ્રાહક ફરિયાદ નોંધાવી. સ્ટેટ કમિશને વીમા કંપનીને શક્તિ મિલ્સ લેન પૂરગ્રસ્ત વિસ્તારમાં જે ગણાય છે કે નહીં અને પૂરગ્રસ્ત વિસ્તાર સાથે આ કપાત અંગેનો પૉલિસીનો કોઈ ક્લૉઝ છે કે નહીં એવો વારંવાર નિર્દેશ કર્યો. જોકે, વીમા કંપની કમિશનના આ પ્રશ્નોનો જવાબ આપવામાં નિષ્ફળ રહી. કમિશને એ પણ અવલોક્યું કે પૉલિસી આપ્યા પહેલાં જગ્યાની મુલાકાત માટે પણ કોઈ આવ્યું નહોતું. આ બધી બાબતના કોઈ પણ પ્રકારના જવાબ વીમા કંપની આપી શકી નહોતી.

બેન્ચ પર બેઠેલા મિ. કાશલકર અને મિ. નરેન્દ્ર કાવડે જેમના દ્વારા અપાયેલા તા. ૨-૯-’૧૨ના ચુકાદામાં કમિશને અવલોક્યું કે નાંબિયારની ફરિયાદ ખૂબ જ પ્રમાણિક હતી. ફ્લડ એક્સેસ ક્લૉઝ હેઠળ દાવો કરેલી રકમ બાબતે થયેલી ખોટી કપાત અંગે વીમા કંપનીની સેવામાં ખામી છે એવું કમિશને જણાવ્યું.

એ મુજબ કમિશને વીમા કંપનીને ખોટી રીતે કપાત કરેલા ૧,૦૫,૩૯૬ રૂપિયા અને ૧,૬૨,૭૫૧ રૂપિયા ચુકવવાનું જણાવ્યું અને આ બન્ને રકમો પર તા. ૬-૪-૨૦૦૦થી એ કરી રકમ ચુકવાઈ નહીં ત્યાં સુધી વાર્ષિક બાર ટકા પ્રમાણે વ્યાજ ચુકવવાનો આદેશ આપ્યો. આ આદેશ પુરો કરવા માટે કમિશને ૪૫ દિવસની મુદત આપી અને મુદતમાં જો કોઈ કારણસર વિલંબ થાય તો વાર્ષિક ૧૫ ટકા પ્રમાણે વ્યાજ ચુકવવાનું રહેશે એવું જણાવ્યું. એ ઉપરાંત ખર્ચપેટે ૨૫,૦૦૦ રૂપિયા ચુકવવાનો પણ આદેશ આપ્યો. (મહારાષ્ટ્ર સ્ટેટ કમિશનમાં ૨૦૦૦માં કરાયેલી ફરિયાદ નં. ૧૪૩, મિ. પી. આર. નાંબિયાર વર્સસ ન્યુ ઇન્ડિયા અસ્યોરન્સ કંપની લિમિટેડનો તા. ૨૪-૯-’૧૨ના રોજ અપાયેલો ચુકાદો.)

ઇમ્પૅક્ટ : વીમા કંપનીઓએ હવે ખાસ સમજવાની જરૂર છે કે બન્ને પક્ષ વચ્ચે થયેલો વીમા કરાર જ તેમને બાંધે છે. આંતરિક માર્ગદર્શિકા કે પરિપત્રો અથવા તો માહિતીને આધારે કોઈ પણ મનમરજી મુજબની કપાત કરી શકાય નહીં. વળી કોઈ વિસ્તારને જે હકીકતમાં પૂરગ્રસ્ત ન હોવા છતાં એને ખોટી રીતે એ પૂરગ્રસ્ત વિસ્તાર છે એવું પૂરવાર કરવાથી વીમા કંપનીની આબરૂ પર ખોટી અસર પડે છે. લાંબા ગાળે વીમા કંપની તો વ્યાજ, વળતર અને ખર્ચ ચુકવવાનું જ બંધ કરી દેશે. હવે તો ખરેખર જવાબદારીપૂર્વક તેમ જ વ્યવસાયી ધોરણે વર્તવાનો સમય આવી ગયો છે એવું વીમા કંપનીએ સમજી જવાની જરૂર છે.