દિવાસળી આપણે, જ્યોત પ્રગટાવીએ કે આગ લગાડીએ

17 November, 2012 06:53 AM IST  | 

દિવાસળી આપણે, જ્યોત પ્રગટાવીએ કે આગ લગાડીએ



મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ઓહો! અદ્ભુત! આહા, અવિસ્મરણીય, અકલ્પનીય, અવિચારણીય, અદ્વિતીય... આવાં તો કેટલાંય ‘અ’થી શરૂ થતાં આપણા નાક જેવાં આશ્ચર્યચિહ્નો ઠાકરના ચહેરા પર છવાયાં. અરે! ઠાકર એટલે હું પોતે... યસ, મેં પોતે ચંબુને પૂછ્યું, ‘ચંબુડા, કમાલ છે. મારું બેટું જબરું કહેવાય. ગઈ કાલે રાત્રે તારો ફટાકડો સાંભળ્યો...’

 ‘કોને ચંપાને?’ અધવચ્ચે જ ચંબુ બોલ્યો.

‘અરે ફટાકડી નહીં, ફટાકડો... ઍટમબૉમ્બ, ટેટા, હવાઈ, રૉકેટ... વગેરેનો અવાજ સંભળાયો, પણ સળગતી બીડીમાંથી નીકળતા ધુમાડા જેટલો પાંચ ગ્રામ પણ ધુમાડો ન દેખાયો. સીએનજી ફટાકડા હતા?’

 ‘ના ભૈ ના, તમે ધુમાડાની વાત કરી મગજની નસ ના ખેંચો. પેલા ભ્રષ્ટાચાર ને કૌભાંડો પહેલાં કરવામાં ને પછી પકડવામાં કેટલા રૂપિયાનો ધુમાડો થાય છે? પેલા અફઝલ ને અજમલ પાછળ હજી પણ કરોડોનો ધુમાડો થાય જ છેને! બોલો દેખાય છે? અરે કાકા, આ જગતમાં માણસ જેવો માણસ પોતે ધુમાડો થઈ જાય ત્યાં સુધી કેટલાય ધુમાડા દેખાતા નથી હોતા. ઍન્ડ મેઇન થિંગ ઇઝ ધૅટ કે માય ફટાકડા વૉઝ નૉટ ફટાકડા.’

‘હેં!’

‘હેં નહીં, હા. આ તો ગયા વર્ષે જે ફટાકડા ફોડેલા એનું સી.ડી. રેકૉર્ડિંગ કરેલું એ ચાલુ કરેલું. આ મોંઘવારીમાં દર વર્ષે ફટાકડાનો ખર્ચો ન પોસાય. આ તો પૉલ્યુશન ઓછું ને છોકરા રાજી.’

 તેના જવાબથી સુભાષ ઠાકરનું, આઇ મીન મારું ખોપરીમાં રહેલું મગજ ભોંયચકરડીની જેમ ચકર-ચકર ફરવા લાગ્યું. મેં પૂછ્યું, ‘પણ મેં તને જે ફટાકડા ભેટ આપેલા એ ક્યાં ગયા?’

‘અરે અંકલ, એમાં તો મોટો લોચો વાગ્યો.’

‘શું?’

‘અરે, એમાંથી ઍટમબૉમ્બ તો ઠીક, પણ નાનકડી ટીકડીએ પણ ધડામ કે ભમ થવાનું નામ ન લીધું. પૂછો કેમ?’

‘કેમ?’

‘કેમ કે બૉમ્બની વાટ સળગાવી ધડાકાની બીકે કૂતરું પાછળ પંૂછડી દબાવી ભાગે એમ થોડે દૂર ભાગી જતો. પછી હમણાં ફૂટશે, હમણાં ફૂટશેની રાહ જોતો ઊભો રહેતો ત્યાં તો સર...સર...સર કરતી સળગતી વાટ મંઝિલ તરફ આગળ વધે ને ધડામ થવા માટેનો દરવાજો આવે ત્યારે યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીંની જેમ રાજીનામું આપી દે. ઍટમબૉમ્બ હોવા છતાં ફૂલઝરીનું રૂપ ધારણ કરે તો આપણને દુ:ખ ન થાય? અંકલ, આવા ફટાકડા દુકાનદારે આપણને આપી આપણી જ વાટ લગાડી દીધી. ચાલો, આપણે બચેલા ફટાકડા રિટર્ન કરીએ.’

 હું અને ચંબુ દુકાને પહોંચ્યા ને ફરિયાદનો શુભારંભ કર્યો. ‘કેમ ભૈ ફટાકડાવાળા, તેં ફટાકડા અમને ફોગટમાં આપ્યા છે? ભેટમાં આપ્યા છે? તારી ગેરહાજરીમાં લઈ લીધા છે? તારો એક પણ ફટાકડો પોતે જરા પણ ફૂટવાની ફરજ બજાવતો નથી. એવા ધર્મચૂÊકુ ફટાકડાને અમારે શોકેસમાં મૂકવાના? એ કંઈ આ દેશનો નેતા છે? તું અમને બેવકૂફ સમજે છે? મૂરખ સમ...’

 ‘અરે, આમાં સમજવા જેવું ક્યાં કંઈ છે? શાંત થાઓ. ગરમ ન થવાય. નહીંતર ફટાકડો ફૂટશે ત્યારે ફૂટશે, એ પહેલાં આપણે જ ફટાક દઈને ફૂટી જઈએ.’

અમારી ફરિયાદથી પણ તેની આંખોના ભાવ કે ચહેરાની રેખા જરાયે ન ફરકી ને ભગવાન બુદ્ધની જેમ ઠંડા કલેજે બોલ્યો, ‘તમે અભણ છો? અજાણ છો? બુદ્ધિનું તત્વ ઈશ્વર આપવાનું ભૂલી ગયો છે? આ બહારનું ર્બોડ વંચાતું નથી? ‘જૈન ફટાકડા કંપની’. બાર નંબરનાં ચશ્માંવાળો પણ ચશ્માં વગર વાંચી શકે, સમજી શકે. અહીં જૈન ફટાકડા જ મળે છે. તદ્દન અહિંસક.’

 તેના જવાબથી તેના ગાલ પર નારિયેળ વધેરતો હોઉં એમ ધડાક કરતો ધડાકો કરું એવી આજ્ઞા મારા મને મને કરી, પણ તેની શક્તિ કરતાં મારી અશક્તિ પર પૂરો ભરોસો હોવાથી મારા મને તરત જ રિટર્ન યાત્રા કરી. મેં પણ એટલી શાંતિથી પૂછ્યું, ‘તો પછી આવા ફટાકડા તારી દુકાનમાં આવ્યા કઈ રીતે? કઈ રીતે એટલે ગઈ સાલ નહોતા ફૂટ્યા એ લોકો પાછા આપી ગયા. હવે આ જ ફટાકડા આવતી સાલ પાછા - સો સિમ્પલ.’

‘હેં દુકાનદાર, તું જૈન ધર્મનો પ્રચારક છે?’

‘હું જૈન ધર્મનો પ્રચારક છું કે નહીં એ જવા દો. હું તો સરકાર જૈન છે એને મદદ કરું છું.’

‘હેં જૈન સરકાર?’

મારા મોં પર દીવાલ પર લગાડેલી ખીંટીના હૂક જેવો પ્રશ્નાર્થ પથરાઈ ગયો. ‘જો ભૈ ગ્રાહક, સરકાર પણ હિંસામાં માનતી નથી તેથી ફાંસીની સજા કેટલાય પામે છે, પણ કોઈ માંચડે ચડે છે? અને પેલા બે જમાઈ જેવા અફઝલ કે અજમલ તો આ દેશના મહેમાન છે ને મહેમાં જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ... પ્રિય ગ્રાહક, આપણે પોતે જ દિવાસળી છીએ. જ્યોત પ્રગટાવી ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો’ પણ ગાઈએ ને આગ લગાડી ‘શોલા જો ભડકે’ પણ ગાઈએ. આપણા પર આધાર છે.’

તમને રસ પડ્યો છે, પણ મારું શબ્દોનું બજેટ પૂરું. હવે આ ઠંડીમાં તમને શાલ આપવી જોઈએ, પણ હું દૂર હોવાથી નવા વર્ષે શુભેચ્છાની સાલ ઓઢાડી બોલું છું - સાલ મુબારક. હવે તમે તો બોલો...

શું કહો છો?