પ્રભુને વળી ઘંટ કે ઘંટડીની શી જરૂર?

17 November, 2012 06:52 AM IST  | 

પ્રભુને વળી ઘંટ કે ઘંટડીની શી જરૂર?



નો પ્રૉબ્લેમ - રોહિત શાહ


તર્કબાજ કરવાનો માણસને ગજબ ઉમળકો હોય છે. કોઈ સાવ સામાન્ય વાત હોય તોય એમાં વિચિત્ર અને ક્યારેક વિકૃત તર્ક ઉમેરીને એને રજૂ કરવામાં માણસને વિશેષ આનંદ મળતો હોય છે.

તાજેતરમાં એક જગ્યાએ વાંચ્યું હતું કે ઘંટ મોટો અવાજ કરે છે એટલે એ પ્રભુથી દૂર રહે છે, જ્યારે ઘંટડી નાનો-ધીમો અવાજ કરે છે એટલે જ એને પ્રભુની સમીપ રહેવાનો અધિકાર મળે છે. બોલો, હવે આ વાતમાં તમને કશો શુદ્ધ અને સાચો તર્ક દેખાય છે ખરો? ઘંટને મંદિરમાં પ્રવેશદ્વાર પાસે સ્થાન આપવામાં આવે છે અને ઘંટડીને હાથમાં રાખીને છેક ભગવાનની મૂર્તિની પાસે લઈ જઈ શકાય છે. આટલી નાની-અમથી વાતને મારી-મચડીને કેવા ફાલતુ તર્કથી રજૂ કરવામાં આવી છે. ઘંટ અને ઘંટડીના સ્થાન માટે શું ખરેખર એમનો અવાજ કારણભૂત છે ખરો?

પહેલી વાત તો એ છે કે મંદિરમાં પ્રભુ હોતા જ નથી, મંદિરમાં જે હોય છે એ તો પ્રભુની પ્રતિમા કે તસવીર હોય છે. ઘંટડી પ્રભુની નજીક નથી હોતી, પ્રભુની પ્રતિમાની નજીક હોય છે.

બીજી વાત એ છે કે સ્થૂળ અંતરથી દૂરતા કે નજીકતા પુરવાર નથી થતી. ક્યારેક એક જ છત નીચે વસતાં બે પાત્રો વચ્ચે, એક જ પલંગમાં સહશયન કરનારાં બે પાત્રો વચ્ચે લાખો યોજનનું છેટું હોય છે અને ક્યારેક દૂર-દૂર રહેનારાં બે પાત્રો પરસ્પરનું હૂંફાળું સાંનિધ્ય માણતાં રહે છે. સ્થૂળ અંતરનું કોઈ જ મહત્વ નથી હોતું.

કેટલાક લોકો એવો તર્ક પણ આપે છે કે ઘંટડી કરતાં ઘંટનું મહત્વ અધિક છે. કોઈ ર્તીથયાત્રાના સ્થળે કે એકાંત સ્થળે નિર્મિત મંદિરમાં ઘંટારવ થતો હોય એ સાંભળીને ભાવિક ભક્તો દૂર રહ્યે-રહ્યે પણ ભક્તિનો અણસાર પામી શકે છે. ભૂલા પડેલા ભક્તને ઘંટારવ સાંભળીને મંદિરનો માર્ગ આસાનીથી મળી જાય છે. દૂર દૂરથી ભક્તોને નિમંત્રણ આપીને ભક્તિમાં તરબોળ કરવાનું પુણ્યકાર્ય ઘંટ જ કરતો હોય છે. આ કારણે જ ઘંટને મંદિરના પ્રવેશદ્વારથી નજીક રાખવામાં આવે છે. મંદિરમાં પ્રવેશતાં જ ઘંટ વગાડીને એ દિવ્ય અનુભૂતિ કરી શકે છે.

હવે સાવ સાચી હકીકત તો એ છે કે ભક્તિમાં ન તો ઘંટ અનિવાર્ય છે કે ન તો ઘંટડી અનિવાર્ય છે. જો પરમાત્મા જેવું કશું હોય તો એને વળી, ઘોંઘાટનું પ્રદૂષણ ગમે ખરું? ઘંટડી તો પ્રતિમાની છેક નજીક જઈને રણકે છે એટલે પ્રભુને (પ્રતિમાને) વધારે ત્રાસ આપે છે એવો તર્ક પણ થઈ જ શકે! અધ્યાત્મ જગતનાં પ્રદૂષણોને રંગોળીઓથી સમજાવવામાં તર્કબાજો બડા ચતુર હોય છે. એવી તર્કબાજી કરીકરીને ભોળા ભક્તોનાં ટોળાં ભેગા કરીને, તેમને લાઇફટાઇમ છેતરતા રહેનારા ગરબડિયા ગામના બાબાઓની જમાત કાંઈ નાની નથી.

કેટલાક લોકો એવો તર્ક કરે છે કે પડઘમ કે ઢોલ દાંડીના પ્રહાર વેઠે છે એટલે એ મંદિરમાં અંદર સ્થાન પામે છે, જ્યારે બૂટ-ચંપલને તો દરવાજાની બહાર રહેવું પડે છે. બોલો, આ તર્ક સાથે સંમત થવાય ખરું? જે બૂટ કે ચંપલ આપણને ઘરથી મંદિર સુધીના માર્ગમાં કાંટા-કાંકરાથી રક્ષણ આપે છે, એના પ્રત્યે ઉઘાડપગાઓને શું કહેવું? અને ઢોલ કે પડઘમને મંદિરની અંદર જવા મળે છે એથી એનું શું કલ્યાણ થઈ જાય છે?

ઈશ્વર-પરમાત્મા અને ધર્મના નામે જેટલાં પાખંડ ચાલે છે એટલાં અન્ય કશાયનાં માટે નથી ચાલતાં. દર વર્ષે હજારો મણ અબીલ-ગુલાલ ઉડાડાય છે, ચોખા-કંકુ વેડફાય છે, નાડાછડી જેવા દોરા-ધાગાનો વ્યય થાય છે, ઘી-દૂધ જેવી ઉપયોગી ચીજોની બેફામ દુવ્ર્યય થાય છે. પથ્થરની પ્રતિમાને ધોવામાં દૂધની વળી શી જરૂર? પાછું પાણીથી તો એને પછી સાફ કરવી જ પડે. તો ડાયરેક્ટ પાણીથી સાફ કરોને વહાલા કેટલાક સ્થળે તો ઘીની રેલમછેલ થતી હોય છે અને મૂરખાઓનાં ધાડેધાડાં એ માટે ગૌરવ અનુભવે છે. ઈશ્વર કે પરમાત્મા જો ખરેખર હોય તોય આવાં ત્રાગાં અને ધતિંગ એ ઇચ્છે ખરો? એનાં જ સંતાનોને ખાવા ન મળતું હોય કે દવાની સગવડ ન મળતી હોય ત્યારે પોતાના નામે ઘી-દૂધનો બગાડ કરવાનું કયા ઈશ્વરને ગમે? શું આ જ ભક્તિ છે? શું આ દ્વારા જ મોક્ષમાં રિઝર્વેશન થઈ શકે છે?

કહેવાતા પુણ્યાત્માઓ-મહાત્માઓએ ધર્મની જે ભૂંડી દશા કરી નાખી છે એ જોઈને ઈશ્વર પણ હોય તો આત્મહત્યા જ કરી નાખે.ગંદકી અને ઘોંઘાટ, દંભ અને આડંબર, ભ્રાંતિઓ અને ભૂગર્ભ પ્રવૃત્તિઓનો વરવો ચહેરો આપણને એવો કોઠે પડી ગયો છે કે ભક્તિનો સાચો અને સાત્વિક ચહેરો આપણે ઓળખી જ નથી શકતા! તર્ક-કુતર્કના આડંબરો છૂટે તો નો-પ્રૉબ્લેમ!