પ્રાણીઓ અને પક્ષીઓ મર્યા પછીયે જાણે જીવંત

01 November, 2014 07:51 AM IST  | 

પ્રાણીઓ અને પક્ષીઓ મર્યા પછીયે જાણે જીવંત

સ્પેશ્યલ સ્ટોરી- રુચિતા શાહ


પાંચમી જૂને રાજભવનમાં એક્સપાયર થયેલા મોરને નામશેષ કરવાને બદલે ટૅક્સીડર્મી દ્વારા એનું સંવર્ધન કરવાનો નર્ણિય લેવામાં આવ્યો હતો. જાણે જીવતો મોર હોય એ રીતે તૈયાર થયેલા આ મૃત મોરને તાજેતરમાં જ રાજભવનમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. એવી જ રીતે ૧૪ ઑક્ટોબરે સંજય ગાંધી નૅશનલ પાર્કમાં મૃત્યુ પામેલી ૧૧ વર્ષની શોભા નામની સિંહણનું ટૅક્સીડર્મી કરીને આવનારાં વષોર્માં લોકો એને જોઈ શકે એટલે એનું સંવર્ધન કરવાનું છે. અત્યારે ટૅક્સીડર્મીની કળાને લગતો એક કોર્સ મુંબઈ યુનિવર્સિટીમાં શરૂ કરવા વિશે ચર્ચાવિચારણા ચાલી રહી છે. સ્વાભાવિક છે કે અત્યારે વારંવાર જે શબ્દ તમને વાંચવા મળી રહ્યો છે એ ટૅક્સીડર્મી છે શું એની જિજ્ઞાસા તમને જાગી રહી છે. શું મૃત પ્રાણીઓમાં મસાલા ભરીને રાખવામાં આવતી પદ્ધતિનું નામ ટૅક્સીડર્મી છે કે પછી ઇજિપ્તના પિરામિડમાં પોતાના પૂર્વજોના દેહને સાચવવા માટે મમીઝ તૈયાર કરવાની પદ્ધતિ એટલે ટૅક્સીડર્મી છે? જવાબ છે ના અને ના. આ બન્ને બાબતો સાથે ટૅક્સીડર્મીનું કોઈ કનેક્શન નથી. છતાં મૃત પ્રાણીમાંથી જ એ પ્રાણીને જીવંત રૂપ આપી શકાય એવી આ ટેક્નિકન છે.


ટૅક્સીડર્મી એટલે?

ટૅક્સી એટલે મૂવમેન્ટ અને ડર્મી એટલે સ્કિન, ત્વચા. મતલબ થયો ત્વચાની મૂવમેન્ટ. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્કિનનું મૂવ થવું એટલે ટૅક્સીડર્મી. આ છે શાબ્દિક ભાવાર્થ. પ્રક્રિયા જોઈએ તો ટૅક્સીડર્મીમાં મૃત પ્રાણીના શરીરની સ્કિનને સિફતપૂર્વક કાઢી લેવામાં આવે અને પછી એ પ્રાણીનાં હાડકાંના બંધારણનું મેઝરમેન્ટ લઈને બીબાની મદદથી ફાઇબરની બૉડી બનાવવામાં આવે અને એના પર આ ત્વચા લગાવીને એની સિલાઈ કરવામાં આવે. ખૂબ જ સરળ ભાષામાં ટૅક્સીડર્મીની પ્રક્રિયાનો આ ભાવાર્થ છે. મૃત પ્રાણીના શરીરમાં કોઈ પણ જાતનાં કેમિકલ નાખીને એને ટકાવી રાખવાનું કે મમીઝમાં હોય એ રીતે શરીરને પ્લાસ્ટર ઑફ પૅરિસથી પૅક કરીને એના પર પેઇન્ટિંગ કરવા જેવી કોઈ પ્રોસેસ થતી નથી.

આટલી સચોટ શું કામ?

ટૅક્સીડર્મીની આખી પ્રક્રિયામાં મૃત પ્રાણીના શરીરની માત્ર ચામડીનો જ ઉપયોગ થાય છે અને છતાં એને જીવંતતા આપી શકાય છે, કારણ કે આ પણ એક જાતની કળા છે. દરઅસલ ટૅક્સીડર્મી એ પાંચ કળાનો સંગમ છે. ચર્મકળા એટલે કે સૌથી પહેલાં પ્રાણીની ચામડી સિફતપૂર્વક ઉતરડવામાં આવે છે જેમાં ક્યાંય કાપો ન આવે અને જે કાપો મરાય એ દેખાય નહીં. ચારપગાં પ્રાણી, માછલી, સરીસૃપ જીવ, પક્ષી આ દરેક પ્રાણીની ચામડી કાઢવાની પદ્ધતિ જુદી-જુદી હોય છે. માછલીની સ્કિન કાઢવાનું કામ સૌથી વધુ ડેલિકેટ હોય છે. એક વાઘનું ટૅક્સીડર્મી કરવું હોય તો એને ચત્તો સુવડાવીને પાછળથી વચ્ચેના ભાગમાંથી એની સ્કિન પર બ્લેડથી ચીરો મારીને કાઢવામાં આવે છે, જેને સ્કિનિંગ કહે છે. એના પછી એની ચામડી પર રહેલા વાળ નીકળી ન જાય અને સ્કિન લૉન્ગ-લાસ્ટિંગ બને એ માટે કેટલાક કેમિકલયુક્ત દ્રાવણમાં એનું ટૅનિંગ કરવામાં આવે છે. બીજી કળા છે ઍનૅટમી. એટલે કે શરીરરચનાનું શાjા, જેમાં પ્રાણીઓનાં અંગ-ઉપાંગનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે એક વાર પ્રાણીની સ્કિન કાઢી લીધા પછી એના પર બાઝેલી ચરબીને પણ કાઢી નાખવામાં આવે છે અને માત્ર એનાં હાડકાંના કંકાલને એ પ્રાણીને જે મૂવમેન્ટમાં ઊભું રાખવું છે કે બેસાડવું છે એ રીતે ગોઠવીને એનું બરાબર મેઝરમેન્ટ લેવામાં આવે છે. એના પછી આવે છે ત્રીજી કળા શિલ્પકળા, જેના સિદ્ધાંતો મુજબ હાડકાના કંકાલને ગોઠવીને એના પર માટી લગાડીને એનાથી એક બીબું બનાવવામાં આવે છે જેનાથી એ પ્રાણીનું ફાઇબરનું પોલું સ્ટૅચ્યુ બનાવવામાં આવે છે. એના પછી આવે રંગકળા. તૈયાર થયેલા વાઘના સ્ટૅચ્યુ પર એની સ્કિન લગાવીને એના શરીરના અમુક ભાગોને કલર કરવાનું. વાઘની આંખના કલર પ્રમાણે કાચની એની આંખો બનાવવાની. એને કલર કરવાનો વગેરે. છેલ્લી અને પાંચમી કળા છે સુથારકળા. ધારો કે મોર છે તો એને કોઈ ડાળીએ બેસાડવા માટે એ પ્રમાણેની કૃત્રિમ ડાળી બનાવીને ત્યાં મોરને બૅલૅન્સ કરવાનું. એ માટે છેલ્લા ફિનિશિંગ કામમાં સુથાર કરે એવું લાકડાકામ પણ કરવું પડે.

પાયોનિયરને મળીએ

બૉમ્બે વેટરિનરી કૉલેજના પ્રોફેસર અને મહારાષ્ટ્ર વનવિભાગ દ્વારા નિયુક્ત વાઇલ્ડ-લાઇફ ટૅક્સીડર્મિસ્ટ ડૉ. સંતોષ ગાયકવાડ આ ટેક્નિકનના પાયોનિયર ગણાય છે. તેમનો આ ક્ષેત્રમાં પ્રવેશ કેવી રીતે થયો ત્યારથી માંડીને બીજી અનેક રસપ્રદ વાતોનો ખજાનો તેમની પાસે છે. તેઓ કહે છે, ‘લગભગ ૨૦૦૩ની વાત છે. હું બૉમ્બે વેટરિનરી કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કરી રહ્યો હતો. એક વાર ગેટવે ઑફ ઇન્ડિયા નજીક આવેલું છત્રપતિ શિવાજી વાસ્તુ સંગ્રહાલય જોવા ગયો. એક પર્યટક કે વિઝિટર તરીકે જ આ મ્યુઝિયમ જોવા ગયો હતો, પણ ત્યાં મેં જાણે સાચકલો વાઘ ઊભો હોય એવાં વાઘનાં પૂતળાં જોયાં. મને બહુ તાજ્જુબ થયું. બ્રિટિશરોના જમાનાનું એ મ્યુઝિયમ હતું એટલે સ્વાભાવિક છે કે આ વસ્તુઓ પણ તેમણે જ અહીં મૂકી હતી. એની સ્કિનને ટચ કરી તો એ સાચી સ્કિન હતી. પ્રાણીઓનો ડૉક્ટર હતો એટલે સ્વાભાવિક જ મને આ વાતમાં વધુ રસ પડ્યો હતો. ત્યાંના જૂના વૉચમૅનને પૂછuું. તપાસ કરતાં-કરતાં ટૅક્સીડર્મી વિશે ખબર પડી. એને લગતાં પુસ્તકો વાંચ્યાં. ભારતમાં કોઈ ટૅક્સીડર્મિસ્ટ છે કે નહીં એની તપાસ કરી. જોકે એમાં કોઈનો ભેટો થયો નહીં. કોણ જાણે પણ આ વિષયમાં મને ખૂબ રસ પડ્યો હતો. એના વિશે જ્યાંથી જેટલી માહિતી મળે એ હું મેળવી રહ્યો હતો. ઇન્ટરનેટ પર પણ એના વિશે શોધખોળ કરતો, લોકોને પૂછતો. ધીમે-ધીમે ખબર પડવા માંડી અને મેં રેફરન્સનો ઉપયોગ કરીને ટૅક્સીડર્મી કરવાની તૈયારી કરી. પ્રાણીઓના શારીરિક બંધારણની વેટરિનરી ડૉક્ટર હોવાના નાતે ખબર હતી.’

શરૂઆત કેવી?

પહેલી વાર મેં એક મરઘીનું ટૅક્સીડર્મી કરવાનો પ્રયત્ન કયોર્ એમ જણાવતાં ડૉ. ગાયકવાડ કહે છે, ‘મારી હૉસ્પિટલની ફરતે કોઈ પણ પક્ષી મરેલું દેખાય તો હું એને ઘરે લઈ જતો. આખો દિવસ આઠ કલાક ડ્યુટી કર્યા પછી ઘરે જઈને આ કામ કરતો. કોઈ વાર એકસાથે ત્રણ પક્ષી મરેલાં દેખાય તો એમને થેલીમાં ભરીને ઘરે લઈ જતો. એકસાથે ત્રણ પક્ષીઓ પર તો કામ કરી ન શકાય. અને મૃત્યુ પછી લાંબા સમય સુધી તેમનું શરીર બહાર રખાય તો એ ખરાબ થઈ જાય. પછી એ પ્રોસેસ શક્ય ન બને. એ વખતે તો ડીપ ફ્રીઝ જેવું કંઈ હતું નહીં એટલે હું ઍરટાઇટ થેલીમાં બાકીની બે મરઘીઓ ભરીને ઘરના ફ્રિજમાં મૂકી દેતો. એ વખતે કેટલીયે વાર પત્ની સાથે આ મુદ્દે ઝઘડા પણ થયા છે. આખી-આખી રાત બુક્સમાં આપેલી માહિતી અને થોડાક મારા નૉલેજના આધારે કામ કરતો. શરૂઆતના ચાર-પાંચ પ્રયાસ નિષ્ફળ ગયા, પણ મેં કામ ચાલુ રાખ્યું હતું. લગભગ પાંચમા પ્રયાસે એક મૃત મરઘીમાંથી ટૅક્સીડર્મી દ્વારા મેં જાણે એ મરઘી જીવતી હોય એવી એની સ્કિન લઈને એની પ્રતિકૃતિ બનાવી. એ પછી બીજાં પણ જે મૃત પક્ષીઓ દેખાય એમના પર ટૅક્સીડર્મી કર્યું. એ પછી ચારપગાં પ્રાણીઓ પર પણ ટ્રાય કરી. સાપ, અજગર જેવા સરીસૃપ જીવ પર ટ્રાય કરી. માછલીઓ પર ટ્રાય કરી. બે-ચાર નિષ્ફળતા પછી એમાં સફળતા મળતી ગઈ. ધીમે-ધીમે મારા ડિપાર્ટમેન્ટમાંથી બીજા બધા લોકોને ખબર પડવા લાગી. મેં ટૅક્સીડર્મી દ્વારા બનાવેલાં પશુ-પંખીઓને જોઈને લોકો આર્યચકિત થઈ જતા. જાણે જીવતું પક્ષી ડાળ પર બેઠું હોય તદ્દન એવું લાગતું. કૂતરા, બિલાડીની વષોર્થી ટ્રીટમેન્ટ કરતા-કરતા વેટરિનરી ડૉક્ટર હોવાને કારણે એના વિશે બરાબર બધી જ ખબર પડી ગઈ હતી. આ મારું પૅશન હતું. ફિશનું ટૅક્સીડર્મી કર્યા પછી ફિશિંગ કૉલેજમાંથી મને કેટલીક બેસિક ફિશની બ્રીડ વિશે માછીમારોને એજ્યુકેટ કરવાના આશયથી કેટલીક ફિશનું ટૅક્સીડર્મી કરી આપવાનું સોંપવામાં આવ્યું. પ્રૅક્ટિસ કરી-કરીને આ કામમાં કુશળતા આવી ગઈ હતી. એ પછી તો વાઇલ્ડ-લાઇફનું ટૅક્સીડર્મી કરવાની તક મળી.’

મહારાષ્ટ્રમાં સેન્ટર

૨૦૦૬ સુધી જાતજાતનાં પશુ-પક્ષીઓનું ટૅક્સીડર્મી કરવાને કારણે લોકોને ડૉ. ગાયકવાડના કામનો અંદાજ આવી ગયો હતો અને એને લીધે જ તેમને કેટલાક લોકો બોલાવતા પણ હતા. પહેલી વાર ૨૦૦૭માં ભાયખલામાં આવેલા રાણીબાગમાં દીપક નામના એક ચિત્તાનું મૃત્યુ થયું અને તેમને એનું ટૅક્સીડર્મી કરવાનું કહેવામાં આવ્યું. જંગલી પ્રાણીનું ટૅક્સીડર્મી કરવાનો આ તેમનો પહેલો અનુભવ હતો, પરંતુ ખૂબ સારી રીતે એ કામ થઈ ગયું. તેઓ કહે છે, ‘મારું કામ તો માત્ર એ જ હતું કે કુદરતના અંશ સમાં આ પ્રાણીઓનો બાહ્ય દેખાવ અકબંધ રાખીને એનું સંવર્ધન કરવું. એ પછી ૨૦૦૮માં મધ્ય પ્રદેશના બેન્ગૉલ ટાઇગરના મૃત્યુના સમાચાર સાંભળ્યા. સમાચાર જોઈને મને થયું આ પ્રાણીનું ટૅક્સીડર્મી થવું જ જોઈએ એટલે મેં મારા કૉન્ટૅક્ટ થ્રૂ ત્યાંના વનવિભાગનો સંપર્ક કર્યો. તેમની સામે આ પ્રપોઝલ મૂકી. થોડાક સમયમાં ત્યાંથી જવાબ આવ્યો અને મને ત્યાંથી તાબડતોબ ફ્લાઇટમાં બોલાવવામાં આવ્યો. એ વખતે હું પહેલી વાર પ્લેનમાં બેઠો હતો. હિના નામની વાઘણને લગભગ અઢી મહિનાની ટૅક્સીડર્મીની પ્રોસેસથી જાણે જીવંત બનાવી આપી. ત્યાંના લોકો બધા બહુ ખુશ થઈ ગયા. એ પછી મહારાષ્ટ્ર વનવિભાગ દ્વારા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં મને આવું ટૅક્સીડર્મી સેન્ટર ઊભું કરવા માટે પ્રપોઝલ આવી. ત્યાં જગ્યા સિલેક્ટ કરી અને ૨૦૦૯ની પહેલી ઑક્ટોબરથી નૅશનલ પાર્કમાં રાજ્યનું ટૅક્સીડર્મી સેન્ટર મારી દેખરેખ હેઠળ શરૂ થઈ ગયું. અત્યાર સુધીમાં ૧૪થી ૧૫ જેટલા સિંહ અને વાઘની ટૅક્સીડર્મી ટ્રોફી બનાવી છે. મોટા શાહમૃગથી લઈને નાનકડા સન બર્ડ સુધીનાં ૨૦૦ જેટલાં પક્ષીઓ, ૧૫૦ બ્રીડની માછલીઓ અને અનેક સરીસૃપ જીવની ટૅક્સીડર્મી કરી છે. ૨૦૧૦માં પુણેમાં ૬.૩ ઇંચના એક મોટા કાચબાનું ટૅક્સીડર્મી કર્યું હતું.’

ટકાઉ કેટલું હોય?

ટૅક્સીડર્મી ટ્રોફીની જો પ્રૉપર જાળવણી કરવામાં આવે તો ઓછામાં ઓછાં ૧૦૦થી ૧૨૫ વર્ષ સુધી એને કંઈ જ નથી થતું. એની જાળવણીમાં બે વાતનું ધ્યાન રાખવાનું હોય છે. એક તો સૂર્યપ્રકાશ અને ભેજથી એનું રક્ષણ કરવાનું અને બીજું હવાઈ રજકણો અને ઝીણી જીવાત એના સંપર્કમાં ન આવે એનું ધ્યાન રાખવાનું. આખરે તો એ ચામડી છે. જૈવિક ઘટક હોવાને કારણે સૂર્યપ્રકાશ અને ભેજને કારણે એમાં જીવાત પડવાની શક્યતાઓ વધુ હોય છે. એટલે જ કાચનું ઍરટાઇટ બૉક્સ બનાવીને એમાં ટૅક્સીડર્મી ટ્રોફી રાખવાનું વધુ સલાહભર્યું છે.

ખર્ચ કેટલો આવે?


જો લગાતાર દિવસના સાત-આઠ કલાક કામ કરવામાં આવે તો એક ચારપગા પ્રાણીનું ટૅક્સીડર્મી કરવામાં એકથી સવા મહિનો લાગે છે, પરંતુ ડૉ. સંતોષ ગાયકવાડ કૉલેજમાં પ્રોફેસર પણ છે એટલા માટે ડ્યુટી-અવર્સ પછીના સમયમાં આ કામ કરે છે અને રવિવારે મોટા ભાગનો સમય આ કામને આપે છે. એટલે પાંચથી છ મહિનામાં એક ચારપગા વાઘ જેવા મોટા પ્રાણીનું ટૅક્સીડર્મી કરી શકે છે. પ્રાણીના પ્રકાર અને એની સાઇઝ પ્રમાણે એમના ટૅક્સીડર્મી કરવાનો ખર્ચ બદલાય છે. જેમ કે હાથી કે રાઇનો જેવા પશુનું ટૅક્સીડર્મી કરવાનું હોય તો એનો ખર્ચ એક લાખ રૂપિયા પણ આવી શકે છે અને વાઘ કે સિંહ હોય તો એનો ખર્ચ ૫૦,૦૦૦ રૂપિયા હોય. પક્ષીઓનું ટૅક્સીડર્મી કરવાનો ખર્ચ બે હજારથી પાંચ હજાર રૂપિયા આવે છે. ડૉ. ગાયકવાડ કહે છે, ‘છેલ્લે હું માત્ર એટલું જ કહીશ કે ટૅક્સીડર્મી એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની આર્ટ છે. મૃત પ્રાણી છે જેને તમે દાટીને કે અગ્નિદાહ આપીને નામશેષ કરી દો એના કરતાં એને ટૅક્સીડર્મી દ્વારા જીવંત રાખી શકાય છે. કુદરતના બાહ્ય સ્વરૂપનું સંવર્ધન કરવાની આ પ્રક્રિયા છે. હું આ આર્ટ શીખવા માટે ક્યાંય બહાર નથી ગયો. બહારના દેશોમાં ટૅક્સીડર્મી વષોર્થી થાય છે જેમાં ઘણી ઍડ્વાન્સ વસ્તુઓ પણ તે લોકો વાપરે છે. ભવિષ્યમાં એ શીખવા જવાની પણ મારી ઇચ્છા છે.’

પોતાના પેટ ઍનિમલને ‘જીવંત’ રાખનારા લોકોને મળીએ


મુંબઈનાં ઘણાં ઘરોમાં કૂતરા, બિલાડી અને વિવિધ પક્ષીઓને પાળનારા લોકો છે. વષોર્થી નિસ્વાર્થ પ્રેમ કરનારા આ પ્રાણીઓ સાથે રહેતા હોવાને કારણે પરિવારના સભ્ય જેટલી લાગણી અને મમત્વ થઈ જતાં હોય છે. એવા સમયે તેમનું મૃત્યુ એક સ્વજન ગયા જેટલું દુખ તેમને પહોંચાડે છે. એવા લોકો માટે ટૅક્સીડર્મી આર્શીવાદ સમાન છે. પોતાના પ્રિય પેટ ઍનિમલના મૃત્યુ પછી પણ એના અંશને જીવંતરૂપે જોઈ શકાય એના માટે ઘણા લોકોએ પોતાના પેટ ઍનિમલનું ટૅક્સીડર્મી ડૉ. સંતોષ ગાયકવાડ પાસે કરાવ્યું છે. કેટલાક એવા લોકોને મળીને તેમનો અનુભવ જાણીએ.

એને જોઈને એમ જ લાગે છે કે જાણે એ મારી સાથે જ છે


એ અમારા દિલની બહુ જ નજીક હતો... અમારા માટે એક ડૉગ કે પેટ નહોતો, પણ મારા પરિવારનો હિસ્સો હતો... હું એને મારા નાના દીકરાની જેમ રાખતી હતી...લોખંડવાલામાં રહેતાં ૪૨ વર્ષનાં સુસ્મિતા મલિક એકદમ રડમસ અવાજ સાથે વાતને આગળ વધારતાં કહે છે, ‘લગભગ ૩૫ દિવસનો હતો ત્યારે મારા દીકરાના શોખને કારણે તેના મિત્ર પાસેથી જર્મન શેફર્ડ નસલનો ડૉગ અમે લાવેલાં જેનું નામ અમે બ્રુનો રાખ્યું હતું. એની સાથે એવી લાગણીઓ જોડાઈ ગઈ હતી કે એને મેં મારો નાનો દીકરો માની લીધો હતો. એને એક મિનિટ પણ હું છોડીને નહોતી જઈ શકતી. ક્યારેય કોઈ લગ્નમાં બહારગામ જવાનું હોય તો એની સાથે હું ઘરે રહેતી અને મારા હસબન્ડ અને દીકરો ફંક્શનમાં જતા. હું એકાદ-બે કલાકના કામ માટે બહાર ગઈ હોઉં ત્યારે એ મારી ગેરહાજરીમાં પાણી પણ નહોતો પીતો. ચાર વર્ષ થવાને લગભગ બે મહિના બાકી હતા અને ઘરની બહાર લિફ્ટમાં ત્યાં પહોંચ્યો અને એકાએક એ ઢળી પડ્યો. એને કોઈ બીમારી કે ઇન્ફેક્શન નહોતું થયું. અચાનક જ એનું મૃત્યુ અમારા માટે ખૂબ આઘાતજનક હતું. અમારો આખો પરિવાર ખૂબ રડ્યો હતો એની વિદાય થઈ ત્યારે. જોકે હું હંમેશાંથી ઇચ્છતી હતી કે એ જશે ત્યારે હું એને પ્રિઝર્વ કરીને રાખીશ. વાઇલ્ડ-લાઇફને લગતા કેટલાક આર્ટિકલ વાંચવાને કારણે મને ટૅક્સીડર્મી વિશે ખબર હતી અને એ હંમેશાં મારી નજર સામે રહે અને હું એને જોઈ શકું એ માટે મેં એની ટૅક્સીડર્મી ટ્રોફી બનાવી છે. અત્યારે એને જોઉં છું તો એમ જ લાગે છે કે જાણે એ મારી સાથે જ છે.’સુસ્મિતા મલિકે બ્રુનોના નાનપણના દાંત, એના વાળ પણ સંઘરી રાખ્યા છે. પોતાના મનના સંતોષ માટે આજે પણ બ્રુનો જે વાસણમાં પાણી પીતો હતો એ વાસણમાં રોજ તેઓ પાણી બદલે છે.

મારો ખોયેલો દીકરો જાણે મને પાછો મળી ગયો

દહિસરમાં રહેતી અને બૅચલર ઑફ માસ મીડિયાના ત્રીજા વર્ષમાં ભણતી રાધિકા લોટણકરે પાળેલું ગિની પિગ ગયા ઑગસ્ટમાં સ્કિન ઇન્ફેક્શનને કારણે મૃત્યુ પામ્યું હતું. અમેરિકન નસલના સસલા જેવા આ નાનકડા પેટ ઍનિમલનું નામ તેણે ટ્વિક્સી રાખ્યું હતું. તે કહે છે, ‘મને પહેલેથી જ ઍનિમલ્સ માટે બહુ પ્રેમ છે. એટલે જ ક્રૉફર્ડ માર્કેટમાંથી આ નાનકડું ગિની પિગ હું લાવી હતી. જ્યારે લાવી ત્યારે એની ઉંમર લગભગ બે મહિના હતી. આ એક એવું ઍનિમલ છે જે પાર્ટનર વગર ન રહે. લવ-બર્ડની જેમ બન્ને એકબીજામાં જ રચ્યાંપચ્યાં રહે, પણ મારી પાસે પાર્ટનર વિના પણ એ રહેતું હતું. એની સાથે જાણે મા-દીકરા જેવું રિલેશન થઈ ગયું હતું. હું બહારથી ઘરમાં આવું એટલે ઘરના કોઈ પણ ખૂણામાં હોય એ મારી પાસે આવી જતું. એને ખવડાવવાનું, નવડાવવાનું, સુવડાવવાનું જેવું બધું કામ મારે કરવાનું. અને એ પણ મારી સાથે એટલું હળી ગયું હતું કે આખો દિવસ શાંત બેસી રહે અને મને જુએ એટલે એનાં તોફાન શરૂ થતાં. હું એની સાથે એટલી અટૅચ્ડ હતી કે અચાનક એની વિદાય મારાથી સહન નહોતી થઈ. મને ઉદાસ જોઈને મારા પપ્પાએ મને ટૅક્સીડર્મી કરવાની ઍડ્વાઇઝ આપી. મેં ડિસ્કવરીમાં એના વિશે જોયેલું હતું. ગયા ઑક્ટોબરમાં ટ્વિક્સીની ટૅક્સીડર્મી ટ્રોફી આવી ગઈ છે. મેં એને મારા જ રૂમમાં ઍરટાઇટ ગ્લાસમાં રાખી છે.’રાધિકાએ પોતાના શરીર પર ટ્વિક્સીના નામનું ટૅટૂ પણ બનાવ્યું છે.

મારા માટે એ નિર્જીવ નહીં, સજીવ છે

મલબાર હિલમાં રહેતા સંતોષ લોલણકરના ઘરમાં દેશ-દુનિયાનાં અલભ્ય પક્ષીઓ છે. ડૉગ, મન્કી અને હૉર્સ પણ તેની પાસે છે. પ્રાણીઓને ખૂબ પ્રેમ કરનારા સંતોષે તેની સાથે વષોર્થી રહેલા અને તેના વિના જેમને બિલકુલ નહોતું ચાલતું એવા બે ડૉગ અને થોડાંક પક્ષીઓની ટૅક્સીડર્મી ટ્રોફી બનાવી છે. તે કહે છે, ‘હું નાનપણથી જ ઍનિમલ્સ પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવતો હતો. પશુ-પંખીઓ ખરેખર ખૂબ નિસ્વાર્થ હોય છે. નાનપણથી એટલે કે ૧૫-૨૦ વર્ષથી મારી સાથે રહેલાં પક્ષીઓની ટૅક્સીડર્મી ટ્રોફી બનાવીને મેં મારી સાથે રાખી છે. ફોટો જોઈને આપણે આપણા સ્વજનોને યાદ કરતા હોઈએ છીએ. જોકે ટૅક્સીડર્મીને કારણે હું એ લોકોને આજે પણ મારી સાથે સતત મહેસૂસ કરું છું. હું એમની સાથે વાતો કરું છું. એ બધાં મારાં બાળકો છે અને મારા માટે જાણે એ લોકો નિર્જીવ નહીં પણ સજીવ છે.’