પહલે જૈસી દિવાલી આજ ભી, અભી ભી

19 October, 2019 02:48 PM IST  |  મુંબઈ | દર્શિની વશી

પહલે જૈસી દિવાલી આજ ભી, અભી ભી

દિવાળી

દિવાળી એક‍માત્ર એવો તહેવાર છે જ્યારે દરેક ઘરના રસોડામાં નાસ્તાના ડબ્બા ઊભરાતા હોય, મિષ્ટાનોથી ફ્રિજ ઓવરલોડ થતું હોય, જાતજાતની લાઇટવાળાં તોરણોથી બાલ્કની કે બારી ઝળકતાં હોય અને દીવાઓથી ઘરના ઉંબરા તેજોમય બનતા હોય જે દિવાળીના તહેવારને આનંદોત્સવમાં પરિવર્તિત કરે છે. આ આનંદ ત્યારે બમણો બની જાય છે જ્યારે દિવાળીને પારંપરિક ઢબે ઊજવવામાં આવે છે. પરંતુ આજે સમય અને સંજોગોને કારણે અસલ પારંપરિક ઢબે દિવાળીની ઉજવણી કરવાનું શક્ય બની શકતું નથી તેમ છતાં આજે એવાં કેટલાંક ઘરો

ચોપડાપૂજન સંતાનો પાસે કરાવાય છે આ ઘરમાં

વાકોલામાં રહેતાં હાઉસવાઇફ રેખા સીતાપરાએ દિવાળી પરંપરાગત રીતે ઊજવાય એ માટે એક નિયમ બનાવી રાખ્યો છે. તેઓ કહે છે, ‘આપણાં શાસ્ત્રો પ્રમાણે લક્ષ્મીજીની પૂજા ઘરની લક્ષ્મીએ કરવી જોઈએ એટલે એ હું જ કરું છું. એવી રીતે કાળી ચૌદસની પૂજા ઘરના વડીલના હાથે જ થવી જોઈએ એટલે ઘરના વડીલ મારા હસબન્ડ છે એટલે તે પૂજા કરે છે, જ્યારે ચોપડા પૂજન એટલે માતા સરસ્વતીની ઉપાસના છે એટલે અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ માટે એ અત્યંત આવશ્યક છે એટલે એ પૂજા હું મારાં સંતાનો પાસે જ કરાવું છું. આ નિયમ મેં વર્ષોથી બનાવી રાખ્યો છે. આ સિવાય દિવાળીનાં ફરસાણ અને મિષ્ટાનોની વાત કરીએ તો બધું ઘરે જ બને છે. ત્યાં સુધી કે પહેલાંના સમયમાં કાળી ચૌદસના દિવસે અમારા ગામમાં સવા કિલો નમક વિનાના ભાત અને સવા મુઠ્ઠી તલ પિંડ બનતા હતા એ આજે પણ અમારા ઘરમાં બને છે અને ઘરના તમામ સભ્યો સાથે મળીને એને પ્રેમથી ખાઈ પણ લે છે. નાનપણથી જ બાળકોને પણ આવા ભાત ખાવાની ટેવ પાડી છે એટલે આજે પણ તેઓ ખાવાની આનાકાની કરતાં નથી. સૌરાષ્ટ્ર બાજુ આવેલા અમારા ગામમાં અગાઉ ખેતી બહુ થતી હતી એટલે ખેડૂતોએ ખૂબ કામ કરવું પડતું હતું, જેના માટે પૂરતી એનર્જી અને પોષણની પણ જરૂર પડતી હતી. તેથી આવા ખોરાકને બનાવવાની શરૂઆત થઈ હોવી જોઈએ. મારા ઘરના તમામ સભ્યો અમારી આ વર્ષોથી ચાલી આવતી પરંપરાને ફૉલો કરે છે, જેનો મને આનંદ છે.’

કુળદેવીને ચડાવો ચડાવવા ઘઉંનાં રમકડાં આજે પણ બને છે

વિલે પાર્લેમાં રહેતાં દીપ્તિ લિમ્બસિયા પણ કાળી ચૌદસના દિવસે પરંપરાગત રીતે બનાવવામાં આવતી વસ્તુઓ બનાવે છે. તેઓ કહે છે, ‘એમાં ઘઉંના લોટની વસ્તુઓ, મીઠા પૂડલા, મીઠા વિનાની પૂરી, ભાખરીના લાડુ, બાફેલા મગ, મીઠા વગરના ભાત વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય કુળદેવીને ચઢાવો ચડાવવા ઘઉંનાં રમકડાં પણ બનાવીએ જે આજે બહુ જ જૂજ લોકો કરે છે. ત્યાં સુધી કે અમારા કુટુંબમાં પણ કોઈ કરતું નથી. આ પરંપરા અનેક વર્ષોથી અમારા ઘરે ચાલતી આવી છે. મારાં દાદી તેમની સાસુ પાસેથી કરતાં શીખ્યાં છે. મારી મમ્મી મારી દાદી પાસેથી શીખી છે એટલે આ પરંપરા ઘણી જૂની છે અને એમાં સમય પણ ઘણો જાય છે. તેમ છતાં અમને કરવું ગમે છે. આ તો ફક્ત કાળી ચૌદસનું થયું, આ સિવાય અમે દિવાળી દરમિયાન બનતાં તમામ નાસ્તા અને મીઠાઈ પણ ઘરે જ બનાવીએ છીએ. દિવાળી અને નવા વર્ષના દિવસે કુટુંબીજનો ભેગા મળીને ઉજાણી કરીએ છીએ.’

૫૦ વર્ષોથી એક જ લક્ષ્મીજીની મૂર્તિની પૂજા થાય છે

સાંતાક્રુઝમાં રહેતાં અને વ્યવસાયે ઍડ્વોકેટ એવાં શ્રુતિ દેસાઈ છેલ્લાં પચાસ વર્ષથી ધનતેરસના દિવસે એક જ લક્ષ્મીજીની મૂર્તિની પૂજા કરે છે. તેઓ કહે છે, ‘અગાઉ મારા પિતાએ વર્ષો સુધી એક જ લક્ષ્મીજીની મૂર્તિની પૂજા કરી હતી. તેમના બાદ મેં આ પરંપરા આગળ ચાલુ રાખી છે. અમે દર વર્ષે ધનતેરસના દિવસે લક્ષ્મીજીને તિજોરીમાંથી બહાર કાઢીએ છીએ અને લાભપાંચમના દિવસે પાછાં તિજોરીમાં મૂકી દઈએ છીએ. વર્ષોથી અમે આ રીતે જ કરીએ છીએ. અમારું માનવું છે કે લક્ષ્મીજી ચંચળ હોય છે એટલે તેમને સાચવીને રાખવાં જોઈએ. આજની તારીખમાં પણ અમે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પરંપરાગત રીતે પૂજા કરીએ છીએ. પહેલાં તેમને ગૌમૂત્રથી ધોઈએ છીએ. ત્યાર બાદ તેમના પર ગંગાજળ ચડાવીએ છીએ અને પછી દૂધથી તેમનો અભિષેક કરીએ છીએ. પછી પૂજા કરીને મૂર્તિને લાભપાંચમ સુધી બહાર રાખીએ છીએ. લાભપાંચમના દિવસે અમે આ મૂર્તિને ચોખા અને ફૂલની સાથે તિજોરીમાં પાછી મૂકી દઈએ છીએ. આવી જ રીતે અમારી પાસે વર્ષો જૂના ચાંદીના સિક્કા પણ છે, જેની પણ અમે પૂજા કરીને પાછા મૂકી દઈએ છીએ. મારું કહેવું છે કે દરેકને ધન અને લક્ષ્મીની વચ્ચેનું અંતર ખબર જ હોવું જોઈએ. ધન સરળતાથી કમાઈ શકાય છે, પરંતુ લક્ષ્મીજી સહેલાઈથી મેળવી શકાતાં નથી. લક્ષ્મી મેળવવા માટે પરિશ્રમ કરવો પડે છે. એટલે જ તો શ્રીમંત લોકોને ધનવાન કહેવાય છે, પરંતુ લક્ષ્મીવાન કોઈને કહેવાતું નથી.’

નવી વહુ કુટુંબીઓના ઘરે દીવા મૂકવા જાય એ પરંપરા હજીયે ચાલુ

દિવાળીને પ્રૉપર ટ્રેડિશનલ રીતે ઊજવવાનું મને ખૂબ ગમે છે એવું જણાવતાં ભાઈંદરમાં રહેતાં હાઉસવાઇફ દીના જોશી કહે છે, ‘અમારી કાસ્ટમાં દિવાળીના દિવસે નવી વહુએ કુટુંબીઓના ઘરે દીવા મૂકવા જવાની પરંપરા છે, જેને અમે હજી પણ ફૉલો કરીએ છીએ. આ સિવાય જેને પહેલે ખોળે છોકરો હોય તે ટોપરાની વાટકીમાં દીવો લઈને ૧૧ કુટુંબીઓના ઘરે જાય છે જેમાં દરેક ઘરમાંથી ઇચ્છા મુજબ તેલ પૂરવામાં આવે છે.

અત્યારે આ રિવાજ ગામમાં છે, પરંતુ મુંબઈમાં ઘણા નથી કરતા. પરંતુ અમારે ત્યાં કરીએ છીએ. આ સિવાય કાળીચૌદશના દિવસે દિવેલનો દીવો કરવાની અમારી મૂળ પરંપરા હજી પણ ચાલુ રાખી છે. કહેવાય છે કે એનાથી ખરાબ નજર લાગતી નથી. ઘણા લોકોને નવાઈ લાગશે, પરંતુ નવા વર્ષના દિવસે હું સવારે ઘરનો બધો કચરો ઝાડુથી કાઢીને એક થાળીમાં ભેગો કરું છું. પછી એને ચાર રસ્તે લઈ જઈને મૂકી આવું છું. પાછા ઘરે આવતાં વેલણથી થાળી વગાડતાં-વગાડતાં આવું છું, જે ઘણી જૂની રીત છે જે હું દર વર્ષે કરું છું. આવી તો અનેક રીત હું ફૉલો કરતી આવી છું. આ તમામ રીતરિવાજો દિવાળીને અલગ ઓળખ આપે છે.’

કુટુંબના ૪૦ સભ્યો સાથે મળીને મનાવે દિવાળી

‘દિવાળીમાં આખું કુટુંબ ભેગું થાય અને સાથે મળીને ભોજન કરે એવી પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવેલી છે જેને અમે આજે પણ ચાલુ રાખી છે.’ 

થાણેમાં રહેતાં અને ખાનગી બૅન્કમાં કામ કરતાં પ્રાચી દીક્ષિતના આ શબ્દો છે. કુટુંબમાં પ્રેમભાવના અને આત્મીયતા વધારવા માટે એકબીજાની નજીક આવવું જરૂરી છે એવા જ કંઈક વિચાર સાથે આપણે ત્યાં વર્ષોથી દિવાળીમાં કુટુંબ સાથે મળીને ભોજન કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હોઈ શકે છે, જે પરંપરાને અમે આજે પણ ફૉલો કરી રહ્યા છીએ એમ જણાવીને પ્રાચી કહે છે, ‘અમે દર વર્ષે દિવાળીના ત્રણ-ચાર દિવસ કુટુંબના ૩૦થી ૩૫  સભ્યો સાથે મળીને બહાર જઈએ છીએ. દરેક જણ પોતપોતાના ઘરેથી ફરસાણ અને મીઠાઈ બનાવીને લઈ આવે છે જેને અમે બધાં સાથે મળીને ખાઈએ છીએ અને સાથે મળીને ફટાકડા પણ ફોડીએ છીએ. આમ અમે બધું સાથે મળીને કરીએ છીએ. ખૂબ મજા અને મસ્તી કરીએ છીએ. નાનાં બાળકોને પણ મજા આવે છે અને ઘરના વડીલોને પણ ખૂબ આનંદ આવે છે. તેઓ પાસેથી જૂના જમાનાની વાતો સાંભળવાની ખૂબ મજા પડે છે. પૂજાપાઠ અને કીર્તન કરીએ છીએ. અમારો આ ગેટ-ટુગેધર કમ પિકન‌િક જેવો કાર્યક્રમ થઈ જાય છે. એથી દર વર્ષે દિવાળીની ખૂબ આતુરતાથી રાહ જોવાય. પહેલાં અમે ઘરે ભેગાં થતાં હતાં, પરંતુ હવે બહારના કોઈ સ્થળે મળીએ છીએ. કોઈ વાર અમારા વતનના ઘરે તો કોઈ વાર કોઈ રિસૉર્ટમાં તો કોઈ વાર કોઈ હિલ-સ્ટેશન પર ભેગાં થઈએ.’

weekend guide diwali