નવું વર્ષ આવ્યું, પણ કૅલેન્ડર સિવાય નવું શું લાવ્યું?

06 November, 2011 12:13 AM IST  | 

નવું વર્ષ આવ્યું, પણ કૅલેન્ડર સિવાય નવું શું લાવ્યું?

 

(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)

એ ગૂગલમાં સર્ચ કરશો તો ખબર પડશે કે મેં બાંધ્યા જ નથી. શું કામ બાંધું? જ્યાં કોઈ કદર જ ન હોય. આ દિવાળીમાં તે લોકો આવ્યા નહીં ને હું પણ ન ગયો (હમસે આયા ન ગયા, ઉનસે બુલાયા ન ગયા). માન્યું કે સંબંધો જિંદગીની મૂડી છે. સંબંધો જિંદગીને હૂંફ આપે છે, પણ સૉરી ટુ સે દરેક નવો સંબંધ મને તારી દેશે એવી આશા ને અપેક્ષામાં જિંદગીની તમામ પળ વેડફાઈ જાય છે ને છતાંય ક્યાં ઓળખાય છે? યસ, સાચો સગો પાડોશીના નાતે હું ચંબુને સાલ મુબારક કરવા ગયેલો. મને પૂછ્યું, ‘ઠાકર, શું લઈશ જૂસ કે ડ્રાયફ્રૂટ્સ?’


બા...પ...રે, કાગડાના મોઢામાં ગંગાજળ. સાલું જે ચંબુ નાહવા માટે પણ કપડાં ધોવાની સાબુની ગોટી વાપરતો હોય તે મને ડ્રાયફૂટ્સ... ત્યાં તો ‘લે, આમાંથી ડ્રાયફ્રૂટ્સ ઉઠાવ’ એટલું બોલી ડિશ ઉપરથી કપડું ઉઠાવ્યું તો એમાં ચીમળાયેલાં ચીકુ, કરમાયેલાં કેળાં ને સુકાયેલાં સફરજન જોઈને મને કરન્ટ લાગ્યો.

‘આ... એમ આ આ ન કર, ડ્રાયફ્રૂટ્સ ઘરે બનાવ્યાં છે.’

‘ઘરે ડ્રાયફ્રૂટ્સ?’

‘હા, આ બધાં ફળોને આખો દિવસ ટેરેસ પર સૂકવ્યાં. સુકાયેલાં ફ્રૂટ્સ એટલે ડ્રાયફ્રૂટ્સ. આ રેસિપી ખાસ કોઈને મારા સિવાય ખબર જ નથી.’

હું બિલકુલ રડું-રડું થઈ ગયો. મારા મગજની નસો ફાટ-ફાટ થઈ રહી હતી ત્યાં ચંબુની નાની દીકરી બોલી, ‘અંકલ, મોસંબીનો રસ લેશો?’

ના, પણ મા કસમ બૉસ, એવી જીદ કરીને બે ચમચી પીવડાવી કે જાણે અણ્ણા હઝારેના ઉપવાસ તોડાવી પારણાં કરાવતી હોય. આ ભયાનક દૃશ્યથી મારા હૈયામાં અહીં ન લખી શકાય એવી ગાળોનો જથ્થો જમા થયો. મેં ૧૦ સેકન્ડનો સમયગાળો જવા દીધો ને મારા મુખદ્વાર સુધી એ ગાળોને ન આવવા દીધી. રખેને કાલ ઊઠી હું ધબી જવાની તૈયારી કરતો હોઉં ને આ જ દીકરીનો ગંગાજળ પિવડાવવાનો વારો આવે તો... હું બે ચમચી ઝેર તો પીધા જાણી જાણીની જેમ પી ગયો. તેના સંકજામાંથી છૂટી પહોંચ્યો પછી ચંબુની ચંપાએ મારા ઘરના દરવાજાને લાત મારી રસોડામાં જઈ વાઇફને પૂછ્યું, ‘શું બનાવ્યું?’

‘શાક.’

‘શેનું શાક?’

‘રીંગણ-બટાટાનું.’

‘તે કાલે પણ રીંગણ-બટાટાનું ને આજે પણ...’

એ...ઈ મેં આ જ લેખ લખતાં-લખતાં ડ્રોઇંગરૂમમાંથી જવાબ આપ્યો, ‘એ કાલનું જ છે. ગરમ કરીએ છીએ. અમારું ઘર છે, અમારું શાક છે, અમને ભાવે છે, અમને વાંધો નથી તો તને શેનું પેટમાં દુ:ખે છે?’

જગત આમ આવું જ છે બૉસ. દેખાતું નવું વર્ષ એ આપણો ભ્રમ છે. ગઈ કાલના કે (ગઈ સાલના) વાસી શાકને જ ગરમ કરીએ છીએ. આઇના વોહી રહતા હૈ, ચેહરે બદલ જાતે હૈની જેમ કૅલેન્ડર વોહી રહતા હૈ, તારીખ કા ડટ્ટા બદલ જાતા હૈ. બાકી તારીખો સિવાય નવું શું? એ જ સવાર, એ જ સૂરજ, એ જ દુનિયા, એ જ ભીડભાડ, એ જ કૌભાંડ, એ જ દિવસ-રાતની ઘટમાળ ને એ જ ૮.૨૮ની લોકલ જે રોજ ૮.૩૬ પહેલાં ક્યારેય આવી નથી. એ જ લોકલને ફાસ્ટ ટ્રેનની હરીફાઈની જેમ આપણે પણ જંગ જીતવા નીકળી પડવાનું. ખોટું ન લાગે તો સાચું કહું. ધનતેરસે લક્ષ્મીજીની મૂર્તિ કે છબિની પૂજા કરી, પણ પેલી માતા-પિતાને છોડીને આવેલી લક્ષ્મીને ઘરમાં કેટલો આદર આપો છો? કાળી ચૌદશે ઘરનો કકળાટ અટક્યો નથી, પણ સિરિયલના કકળાટનું ટેન્શન અને દિવાળીએ કોડિયામાં પ્રગટાવેલા દીવાની નીચે જ અંધકાર છે એમ ઉપર-ઉપરથી પ્રભાવ પાડવાનો આપણે બહુ પ્રયત્ન કર્યો, પણ શરીરરૂપી કોડિયાની નીચે અંધકાર છે ત્યાં અજવાળું ક્યારે આવશે? અરે, આ લાભ પાંચમે તમે તમારા જ લાભ માટે વિચાર્યું કે બાજુવાળા વિશે કંઈ વિચાર્યું? આપણો જ લાભ જોવામાં ભલા (લાભનું ઊંધું) કેટલા બન્યા? આ બધું સમજાય તો નવું વર્ષ. બાકી તો નક્કર સત્ય એ છે કે કૅલેન્ડરના ડટ્ટામાંથી આપણે આપણા જ આયુષ્યના રોજ એક-એક પત્તા ફાડતા જઈશું ને એક દિવસ આપણું પોતાનું પત્તું પણ...

શું કહો છો?