આસારામ પાસે પોતાના ભક્તો છે કે ગુંડાઓ?

03 November, 2012 08:14 AM IST  | 

આસારામ પાસે પોતાના ભક્તો છે કે ગુંડાઓ?


નો પ્રૉબ્લેમ -  રોહિત શાહ

એક આદમી પર મર્ડરનો આરોપ છે. તેની સામે કોર્ટમાં કાનૂની કારવાઈ ચાલી રહી છે. કોર્ટ વારંવાર તે આદમીને સમન્સ પાઠવીને કોર્ટમાં હાજર રહેવા જણાવે છે. પેલો આદમી કોર્ટ અને કાનૂનની ઐસીતૈસી કરતો રહે છે. બેફામ અને બિનજવાબદાર બકવાસ કરતો રહે છે. તે આદમી પર હવે માત્ર મર્ડરનો જ કેસ નથી, તેનાં બીજાં પણ કારસ્તાનો જોવા મળ્યાં છે. આ આદમીએ પોતાના પુત્રને પણ પ્રપંચ, પાપલીલા અને અપરાધલીલા આચરવાનું મોકળું મેદાન આપ્યું છે.

તે આદમીને સૌ આસારામના નામથી ઓળખે છે.

સાધુનાં શ્વેત વસ્ત્રો તેના તમામ પાખંડોનું સુરક્ષાકવચ બની ગયાં છે અને મૂર્ખ ભક્તોની અંધશ્રદ્ધા તેની પ્રચંડ તાકાત બની રહી છે. કોઈ સાચો સાધુ કોર્ટની અવહેલના કરે ખરો? કોઈ સાત્વિક સાધુ કાનૂનની ઠેકડી ઉડાડે ખરો? મર્ડરના આરોપમાં પોતે નિર્દોષ હોય તોય એ નિર્દોષતા પુરવાર કરવાની નમ્રતા બતાવવાની હોય કે દાદાગીરી કરીને પોતે નિર્દોષ છે એવી ડંફાસો મારવાની હોય! આવું કામ કોઈ સાધુનું હોય ખરું?

આપણો કાનૂન આટલો કમજોર કેમ છે? આપણી પોલીસ આટલી લાચાર કેમ છે? બે બદામનો કોઈ ગુંડો-મવાલી આખા સમાજને ધમરોળતો રહે, નફટાઈ અને લુચ્ચાઈના ખુલ્લેઆમ તમાશા કરતો રહે તોય પોલીસ અને કાનૂન તેનો વાળ પણ વાંકો ન કરી શકે એ કેવી રાજવ્યવસ્થા? શું પોલીસ અને કાનૂન સજ્જનોને તથા નાના માણસોને પજવવા માટે જ છે? આપણને વારંવાર કહેવામાં આવે છે કે કાનૂનની ઇજ્જત કરો. પોલીસને સહકાર આપો. જે કાનૂન અને પોલીસ ખુદ સત્ય અને ન્યાય માટે ઝઝૂમતાં હોય તેમનો આદર કરવો જ જોઈએ, પણ આવા મોટા આરોપી સામે વિવશ બની જાય અને નર્બિળ-નાની વ્યક્તિ પર રોફ મારે તેના પ્રત્યે આદર-સન્માન કોણ રાખશે? શા માટે રાખે?

આસારામના ગુરુકુળમાં અભ્યાસ કરતા દીપેશ-અભિષેકનાં મૃત્યુના કેસની અદાલતી તપાસ માટે વારંવાર સમન્સ પાઠવવા છતાં આસારામ એક પણ વખત અદાલતમાં હાજર ન રહ્યા. હવે કોર્ટને આસારામ જણાવે છે કે જો હું કોર્ટમાં જુબાની આપવા આવીશ તો મારી સાથે મારા હજારો ભક્તો પણ આવશે અને એ ભક્તોનું ટોળું ઉશ્કેરાટમાં કંઈ પણ કરી શકે છે. આવા સંભવિત તોફાનથી બચવા માટે હું કોર્ટમાં આવવા તૈયાર નથી. જો કોર્ટને આવવું હોય તો મારા આશ્રમમાં આવે. આશ્રમમાં આવેલા દરેક કાનૂની માણસની સુરક્ષા માટે આશ્રમ વ્યવસ્થા કરશે અને એનો ખર્ચ પણ આશ્રમ ભોગવશે.

બોલો, આમાં તમને આસારામની ઉદારતા અને ધાર્મિકતા દેખાય છે કે છલોછલ દાદાગીરી દેખાય છે? પોલીસ અને કાનૂનને આસારામે આડકતરી રીતે ધમકી જ આપી છે કે જો મને કોર્ટમાં બોલાવશો તો મારા હજારો ભક્તો (કે ગુંડાઓ) કન્ટ્રોલમાં નહીં રહે અને તોફાન-હુલ્લડ જેવી પરિસ્થિતિ પેદા કરશે. એમ થાય કે ન થાય એ પછીની વાત છે, પણ આવી વાત કરવાનું એક સાચા-સાત્વિક સાધુને શોભે ખરું? પોતાના ભક્તોને પોતે જ આદેશ આપીને શાંત રહેવા કેમ ન જણાવે? કહેવાતા ભક્તો જો ખરેખર જ સાચા ભક્તો હોય અને ગુરુએ તેમને યોગ્ય પ્રેરણા આપી હોય, સાચો ધર્મપંથ બતાવ્યો હોય તો તે ભક્તો તો કાનૂનની ઇજ્જત કરે, તોફાનો કરીને કાનૂનની ફજેતી ન કરે.

આસારામે ધર્મગુરુ તરીકે તેમના ભક્તોને કેવી પ્રેરણા આપી છે? કોઈ સપોઝ, આસારામ સામે જેવા આરોપો-આક્ષેપો છે એવા જ આરોપો કોઈ સામાન્ય નોકરિયાત માણસ સામે હોત અને તેણે આસારામ કરે છે એવું બિહેવિયર કર્યું હોત તો શું થાત? કન્ટેમ્પટ ઑફ કોર્ટ અનુસાર તેને ક્યારનોય સળિયા પાછળ ધકેલી દીધો હોત.

જોકે આસારામે કોર્ટને આશ્રમમાં આવીને જુબાની લેવા કે વિડિયો કોન્ફરન્સ દ્વારા કારવાઈ કરવા અરજી કરેલી એ અરજી કોર્ટે નકારી કાઢી છે અને આઠ નવેમ્બરે આસારામને તથા તેમના પુત્ર નારાયણ સાંઈને કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે. આપણે ઇચ્છીએ કે કોર્ટ દ્વારા આસારામને ખરેખર આ છેલ્લી તક મળેલી હોય. હવે જો આસારામ સારા નાગરિકની જેમ કોર્ટને સહકાર ન આપે તો તેમની સામે એવાં પગલાં લેવાય કે જેથી ભવિષ્યમાં બીજું કોઈ આવી ચેષ્ટા કરવાનું સાહસ ન કરે. મહાત્મા ગાંધીનો અનુયાયી તો સમગ્ર દેશ હતો છતાં કોર્ટની કારવાઈ વખતે તેઓ હંમેશાં કોર્ટને સહકાર આપતા હતા. જેના નામે યુગ ઓળખાય છે એવા મહાત્મા ગાંધીની જીવનશૈલીમાંથી આસારામ કંઈક સાત્વિક તથા ન્યાયિક પ્રેરણા પામે તો નો પ્રૉબ્લેમ.