સંવાદનું સંવેદન

20 October, 2012 07:01 AM IST  | 

સંવાદનું સંવેદન



અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

સંવાદ શબ્દ જેટલો નાટકને અભિપ્રેત છે એટલો જિંદગી સંબંધિત પણ ખરો. સંબંધ હોય ને સંવાદ ન હોય ત્યારે વાજિંત્ર હોય, પણ સૂર ન હોય એવી સ્થિતિ સર્જાય. બે જણ વચ્ચેનો સંવાદ ત્યારે ખીલે જ્યારે વિવાદ પાછલે બારણેથી વિદાય લે છે. જમ્યા? દવા લીધી? એક કિલો સાકર લાવવાની છે. બેસો, પગે બામ ઘસી દઉં... વૃદ્ધ દંપતી વચ્ચે ચાલતા આવા સામાન્ય સંવાદો ખરેખર અસામાન્ય છે. સુધીર પટેલના શેરથી તેમને વધાવીએ.

ના અર્થમાં કે ફક્ત અક્ષરમાં રહો

સંવાદના નાજુક સૌ સ્તરમાં રહો!

ધરતી ને આકાશ વચ્ચેનો સંવાદ જીવ અને શિવ વચ્ચેનો સંવાદ લાગે. પર્વત ને નદી વચ્ચેનો સંવાદ, તળેટી ને ટોચ વચ્ચેનો સંવાદ, વૃક્ષ ને પંખી વચ્ચેનો સંવાદ જે માણી શકે, એ માણસ મંદિરે દર્શન કરવા ન જાય તોય માફ છે. મંદિરમાં પુરાયેલા ઈશ્વરને ઓળખવામાં સચરાચરમાં વિહરતા પરમેશ્વરની ઓળખ ગુમાઈ ગઈ છે. ભગવતીકુમાર શર્મા સંવાદને સંવેદન બક્ષે છે.

જન્મ પુષ્પનો મળ્યો તને તો

ઝાકળથી સંવાદ કરી જો!

ગર્ભસ્થ શિશુ અને માતા વચ્ચેનો સંવાદ શબ્દોથી પર છે. સામસામે મળી જતી બે કીડી ક્ષણભર રોકાઈને શું વાત કરતી હશે એ ક્યારેય સમજાતું નથી. પ્રેમીઓ વચ્ચેની પ્રેમાળ બોલચાલ સમય જતાં પતિ-પત્ની સ્વરૂપે બોલાચાલીમાં ફેરવાય ત્યારે ઘરની દીવાલો સ્તબ્ધ બની જાય. કોડિયું અને વાટ, માટી અને અંકુર, પાંદડા અને ઝાકળ વચ્ચેનો સંવાદ મૌન રહીને પણ સોંસરવો ઊતરતો રહે છે, પણ જે સંવાદ સમજવો અઘરો છે એની વાત ગોપાલ શાસ્ત્રી કરે છે.

બંધ મુઠ્ઠી ખૂલશે તો શું થશે?

તું સ્વયમ્ સાથે જરા સંવાદ કર

જાત સાથે વાત કરવી એટલે પ્રતિબિંબને પ્રેમ કરવો એમ નહીં. કામ અઘરું છે. જગત સાથે સંવાદ કરવાનાં તો અનેક માધ્યમો મળી રહે. પુસ્તક, પ્રવચન, પઠન, સંગીત, ફિલ્મ, નાટક વગેરે. રંગભૂમિ પર સંવાદ બોલતો કલાકાર પાત્રમાં પરોવાઈ જાય છે. આજનાં નાટકોમાં વાર્તાતત્વના ભોગે પણ પ્રેક્ષકોની અભિરુચિ અનુસાર રમૂજી સંવાદો મૂકવા પડે છે. એવા માહોલમાં કવયિત્રી કવિ રાવલ કહે છે એવી શક્યતા તો સપનાં જેવી જ લાગે છે.

નાટ્ય, સંવાદો, કથાનક - કેટલું કૈં છે છતાં

એમ લાગે છે કે થોડું પદ્ય હોવું જોઈએ


ખાધું, પીધું ને રાજ કીધું જેવો અંત બધી વાર્તાનો નથી હોતો. જિંદગીની વાર્તામાં દાહ વધારે ને હાશ ઓછી છે. એવા સંજોગોમાં લેખકે લખેલા સંવાદો નથી બોલવાના. મહેશ રાવલનો શેર સંજોગોમાંથી સર્જાતા સંવાદ તરફ લઈ જાય છે.

સુખદ અંજામથી વંચિત રહે છે વારતા છેલ્લે

પછી હર પાત્ર, પોતાના અલગ સંવાદ રાખે છે!


જિંદગીની સમીસાંજે વાત કરવાવાળું કોઈ ન હોય ત્યારે શબ્દોની કિંમત સમજાય. એક સમયે ખડખડ હસતા ઘરમાં સન્નાટો છવાયેલો હોય, સથવારાનું સ્થાન એકલતાએ પચાવી પાડ્યું હોય, ડાઇનિંગ ટેબલ પર ચા પીતાં-પીતાં સામે વાત કરવાવાળું આપણું જણ ન હોય ત્યારે સુખનો સ્વાદ પણ કડવો લાગે. આશા પુરોહિતના શેરમાં આ સ્થિતિ આબાદ ઝિલાઈ છે.

એકલા આ મૌનમાં જીવીને શું કરું

તું નથી ને, એટલે સંવાદ પણ ગયો


પ્રથમ મિલનની ક્ષણ, સાથે ગાળેલો સમય, પહેલા સાયુજ્યનાં સંવેદનોને ભૂલવાં આસાન નથી. એ કાગળ પર લખાયેલા શબ્દો નથી કે ઇચ્છો ત્યારે છેકી નાખો. એ હૃદયમાં કોરાયેલી છબિ છે, જે હેમખેમ સચવાયેલી રહે છે. એને ઉઝરડા ન પડે એનું ધ્યાન રાખવાનું ગૌરાંગ ઠાકરનું સૂચન માન્ય રાખવા જેવું છે.

અહીંયાં એ રીતે હું આપણો સંવાદ રાખું છું

બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું


સંવાદ પછીનું મૌન અકળાવનારું નહીં, પણ પ્રસન્ન હોવું જોઈએ. બે ડાયલૉગ વચ્ચેના મૌનમાં પણ સંવાદ ચાલુ હોય છે. ચાર્લી ચૅપ્લિન જેવો કલાકાર વગર ડાયલૉગે સંવાદ સાધી બતાવતો. સંજીવકુમાર જેવા સક્ષમ અભિનેતાની આંખમાં સંવાદો વાંચી શકાય. ‘બર્ફી’ ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સંવાદની ગરજ સારે છે. શેખાદમ આબુવાલાની પંક્તિઓ સંવાદ અને મૌન વચ્ચેના યુદ્ધ નહીં, પણ સાયુજ્યની પ્રતિષ્ઠા કરે છે.

સંવાદ નથી શોભા એની

છે મૌન પ્રતિષ્ઠા બન્નેની

તું પ્રશ્ન છે મારી પ્રીતિનો

હું તારા રૂપનો ઉત્તર છું

ક્યા બાત હૈ

યુગલગીત

યુવતી : બારણું અધૂકડું ખૂલે...

યુવક : હો, તારું રેશમીકૂંપળ રૂપ ઝૂલે...

યુવતી : ડેલીની ઓથે એક ઊગી’તી ગંધ

એને વાયરાએ આવીને ઘેરી લીધી છે

યુવક : મારી આંખોય હવે મારી ન રહી

જાણે બીજાની આંખો મેં પહેરી લીધી છે

યુવતી : આખી ડાળ લચી પડી એક ફૂલે

યુવક : હો, તારું રેશમીકૂંપળ રૂપ ઝૂલે...

યુવક : તારી પગથારે મારો અટક્યો છે પંથ

અને અટક્યો છું હું તારી ટગરટગરમાં

યુવતી : અદલબદલ થઈ ગયા હું ને ગુલમ્હોર

ચાર આંખોની સામસામી અવરજવરમાં

યુવક : મારે કહેવું’તું એ જ તેં કહ્યું, લે...

હો, તારું રેશમીકૂંપળ રૂપ ઝૂલે...

- રમેશ પારેખ