જબરું થયું નંઈ? પરિવર્તનને બદલે પુનરાવર્તન!

29 December, 2012 07:51 AM IST  | 

જબરું થયું નંઈ? પરિવર્તનને બદલે પુનરાવર્તન!



મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

‘તમે ‘ખાનદાન’ જોયું?’

‘હેં?’

‘અરે, ના ભૈ ના. હું મારા વડદાદા કે બાપદાદાની કુંડળીનું નથી પૂછતો. એમાં બહુ જોવા કે પડવા જેવું નથી, પણ વર્ષો પહેલાં ‘ખાનદાન’ નામનું પિક્ચર આવેલું એ જોયું?’

‘ના.’

‘તો નો પ્રૉબ્લેમ. પણ એમાં આપણા ભૈ સુનીલ દત્તના ગળામાં રફીસાહેબે બેસીને એક કૂણી કાકડી જેવું ભજન લલકારેલું - ‘સંકટ મં હૈ આજ વો ધરતી જિસ પર તૂને જનમ લિયા. પૂરા કર દેએએએ... હોઓઓઓ...’ ખેંચ્યું છે. (આપણાથી બગાસું ખાતા હોઈએ એમ મોઢું પહોળું કરી રફીની કૉપી ન કરાય નહીંતર મોઢામાં ચકલી ઈંડું મૂકીને જતી રહેશે ને ગળામાંથી ઢબુક કરતી સ્વરપેટી બહાર આવશે અને આપણે જીવનભર મૂંગી ફિલ્મ ‘પુષ્પક’ના મૂંગા કમલ હાસન બની જઈએ.) તો શક્તિ મુજબ હોઓઓ... ખેંચી આગળ વધો. ‘પૂરા કર દે આજ વચન વો, ગીતા મેં જો તૂને દિયા. તુમ બિન કોઈ નહીં હૈ મોહન ભારત કા રખવાલા, બડી દેર ભઈ નંદલાલા... આગળનું જાતે ગોતવું. મેં કંઈ આખા ગીતનો ઠેકો નથી લીધો સમજ્યા?’

આમાં વિરોધ મારો એ છે કે હે વીર વાચક! કે સંકટ મેં હૈ આજ... પૂરા કર દે આજ એવું વર્ષોથી ગાવા છતાં કેટલીયે આજો ‘આવજો’ કહીને જતી રહી ને ભૂતકાળ ભૂત બની ગયો, પણ સંકટ બધું એમનું એમ રહ્યું. ગીતાનું કોઈ વચન આજ સુધી મોહને પાળ્યું નથી. તો ભૈ મોહન, અમે તો માણસ છીએ એટલે બાજુવાળી ગીતાડીનું વચન પણ ન પાળી શકીએ પણ તું ભગવાન જેવો ભગવાન થઈને ગીતાનું વચન ન પાળે તો અમારી ખચકે કે નહીં? (જરૂર ખચકે.) ભારતની જનતાએ તો જેણે વચન નથી પાળ્યાં તેમને પણ પાળ્યાં છે. (જેમ કોઈ કૂતરા, બિલાડા, ગધેડા કે બળદ પાળે એમ.) હવે તારાથી ન બન્યું એટલે ગુજરાતનું સંકટ દૂર કરવા બાપા અને બાપુ બન્ને મેદાનમાં આવ્યા, પણ જે ગુજરાતની દશા અને દિશા બદલવાનાં હતાં એની જ દશા અને દિશાની પથારી ફેરવી દેવાની? વેરી બૅડ, મોહન વેરી બૅડ. અને કેશુબાપાને તો તેં ધોબીપછાડ આપી. બન્ને પદ અને ઉંમરમાં માજી થઈ ગયેલા દિગ્ગજ મુખ્ય પ્રધાનોની ભરબજારે લાજ લૂંટાઈ ગઈ ને તું જોતો રહ્યો. તારા વર્તનથી મને બહુ દુ:ખ થયું છે. તારા કરતાં શંકર સારા કે પોતે કડકા ભગવાન હોવા છતાં થોડીયે શંકર (સિંહ)ની લાજ રાખી. તું તો સમૃદ્ધ હોવા છતાં અને કેશવ હોવા છતાં કેશવની લાજ ન રાખી શક્યો. શંકર શંકરને થોડાય કામ આવ્યા, પણ કેશવ કેશવને ... જયશ્રી કૃષ્ણ. અરે બાપાનો તો હાર્યા પછી ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવાનો જ પ્લાન હતો, પણ તેમના માપની ઢાંકણી ન મળી એટલે માંડી વાળ્યું. મોદીસાહેબ, આપની પણ ભૂલ છે. અરે, છ કરોડની જનતામાંથી તમે બાપા ને બાપુએ બે-બે કરોડ વહેંચી લીધી હોત તો માથે ભાર હળવો થાત. હવે ભોગવો છએ છ કરોડની જવાબદારી એકલા. તમે એક પણ વાર બાપાને સમજાવ્યું કે ‘બાપા, વરઘોડિયાંને આશીર્વાદ આપવાની ઉંમરે લગ્ન કરવા ન નીકળાય. જોયુંને તમે? તેમના નિવાસસ્થાને સાદડી રાખી લગ્નગીતને બદલે મરસિયાં સાંભળવા પડ્યાં. મોદીજી, તમે ચાલાક તો છો જ. કમળના ફૂલની એવી બૉલિંગ કરી કે બૅટના ફુરચે ફુરચા ઊડી ગયા ને (પંજાને લકવો પડી ગયો) બૅટ કરતાં બૉલ મજબૂત એ વળી ક્યાંનો ન્યાય? અરે, બાપાની ઉંમર જોઈ એક ચાન્સ ન આપી શક્યા? વેરી બૅડ. મોદીસાહેબ, ભડકતા નહીં પણ ચોખ્ખું કહું? અમને ઘરનું ઘર આપવાવાળાને જ તમે ઘરભેગા કરી દો તો અમારે તેમના ઘરમાં રહેવા જવાનું કે તમારા ઘરે? અરે અમને તો બાળક માટે ફ્રીમાં લૅપટૉપ મળવાનાં હતાં જેથી બાળક હોશિયાર બને. મોદીજી, બાળકોને લૅપટૉપ ન મળે તો સાક્ષર પણ ન બને. આ માટે જવાબદાર કોણ? તમે મોદી, તમે. અમે હવે ઘરનાં ઘરવિહોણા રહીશું. જવાબદાર કોણ? તમે. ટૂંકમાં તમે બાપા અને બાપુને દુ:ખ પહોંચાડ્યું છે. બાપા અને બાપુના એક બાળક તરીકે તમારું વર્તન યોગ્ય છે? અરે, ગુજરાતમાં પરિવર્તન લાવવાનો અર્થ ન સમજ્યા. તેમનું એમ કહેવું હતું કે આજ કરતાં પણ વધુ ગુજરાતને ખરાબ કરી શકાય, પરિવર્તન લાવી શકાય પણ તમે સમજ્યા જ નહીં. એ પરિવર્તન લાવવા માગતા હતા ને તમે પુનરાવર્તન. મોદીસાહેબ, જે કેશુબાપાએ તમને ભ્રષ્ટ કીધા, જૂઠા કીધા, સરમુખત્યાર કીધા, ચારસોવીસ.. શક્ય એટલા મરચા જેવા તીખા શબ્દો આપના માટે વાપર્યા, પણ તમે ખરા છો. તેમના ઘરે પેંડા ખવડાવી જખમ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. ખેર, આપની પાસેથી અમને એ શીખવા મળ્યું કે જુબાનમાં મરચું હોય તો મધ પણ ન વેચી શકાય ને જુબાનમાં જો મધ હોય તો મરચું પણ વેચી શકાય.

બાપા, આપણા તેન્ડુલકરે મોડી-મોડી પણ નિવૃત્તિ લીધી છે એના પરથી આપ શીખશો એવી ૨૦૧૩ની શુભેચ્છા. અને મિત્રો, મને કોઈ નવા વર્ષની શુભેચ્છા ન આપતાં, કારણ કે હું સુધરવાનો નથી... તમે? ચાલો આવતા વર્ષે મળીશું. મતલબ ૨૦૧૩માં ફરી નવી વાત સાથે.

શું કહો છો?