સરકાર દ્વારા પ્રજા પર થતો બળાત્કાર

29 December, 2012 07:51 AM IST  | 

સરકાર દ્વારા પ્રજા પર થતો બળાત્કાર


નો પ્રૉબ્લેમ - રોહિત શાહ

ભારતની રાષ્ટ્રનગરી દિલ્હીમાં એક યુવતી ઉપર બસમાં ગૅન્ગ-રેપની ઘટના ઘટ્યાં પછી એના ગુનેગારોને સજા કરવામાં વિલંબ થાય તો એ સરકારનો પ્રજા ઉપરનો બળાત્કાર કહેવાય.

ગુનેગારો પકડાઈ ચૂક્યા હોય, ગુનેગારોએ ગુનો કબૂલી લીધો હોય, પીડિત યુવતીના મિત્રનું બયાન અને પીડિતાનું બયાન એકસરખાં હોય, લાખો-કરોડો દેશવાસીઓ ગુનેગારો ફાંસીની સજાની ફેવર કરી રહ્યા હોય, ગુનેગાર સ્વયં એમ કહેતો હોય કે મારાથી જઘન્ય દુષ્કૃત્ય થયું છે અને મને ફાંસી આપી દો - છતાં ગુનેગારોને સજા કરવામાં વિલંબ થતો હોય અને સરકાર તપાસ કરવાના આદેશો આપે એ માત્ર હાસ્યાસ્પદ નહીં, શરમનાક ઘટના છે. કાયદો અને અનુશાસન કેવાં પોલા અને ફોગટ છે એ આ ઘટનામાં સૌ જોઈ શકે છે.

કોઈ એક વ્યક્તિ દ્વારા એકાંતમાં બળાત્કારની ઘટના બને તો એમાં આવેશ કે આવેગ કારણભૂત હોવાનું કહીને, બળાત્કાર કરનાર પ્રત્યે કદાચ થોડી રહેમદિલી દાખવી શકાય, કારણ કે અમુક સંજોગોમાં સંસ્કારી અને ખાનદાન વ્યક્તિ પણ ભૂલ કરી બેસે છે. તે વ્યક્તિ જન્મજાત રીઢો ગુનેગાર ન હોય એ પૉસિબલ છે. કિન્તુ જ્યારે સામૂહિક બળાત્કાર થાય ત્યારે એવું કૃત્ય આચનારની ફેવર કોઈ રીતે ન થઈ શકે, કારણ કે એમાં તો નિશ્ચિતરૂપે ષડયંત્ર અને ગુનાહિત માનસ સ્પષ્ટપણે હોય છે.

દિલ્હીમાં ગૅન્ગ-રેપ કરનારાને સજા થાય ત્યારે થાય, પણ તે ગુનેગારોને સજા કરાવવાની માગણી કરનાર જાગ્રત પ્રજા-જાગ્રત મહિલાઓને પોલીસનું દમન વેઠવું પડે એ વળી ક્યાંનો ન્યાય? પ્રજાએ કાયદો હાથમાં ન લેવો જોઈએ એ સ્વીકારીએ છીએ, પરંતુ પ્રજાને કાયદો હાથમાં લેવો જ પડે એવા સંજોગો ઊભા કરનાર - ગુનેગારોને સજામાં વિલંબ કરીને પ્રજાનો આક્રોશ ભડકાવનાર તંત્ર કેટલું બિનજવાબદાર અને બિનઅસરકારક ગણાય?

પોલીસને આપણે કાયદો-વ્યવસ્થા જાળવવાનું કેમ સોંપેલું છે એટલે એ જ્યારે ટોળાને હટાવવા બળપ્રયોગ કરે એની ટીકા ન કરી શકાય. પોલીસ કાયદાનું પાલન કરાવે છે, કાયદા ઘડવાનું કામ એનું નથી. વળી, પોલીસ દરેક પળે, દરેક જગ્યાએ ચોકન્ની હોય એ પણ શક્ય નથી. આટલા મોટા દેશમાં કોઈક ખૂણે ગુનાની ઘટના ઘટી જાય તો પોલીસ બેદરકાર છે એવો અંતિમ આક્ષેપ કરવાનું વાજબી નથી. આમ છતાં, પોલીસની કર્તવ્યનિષ્ઠા પર હજારો પ્રશ્નાર્થચિહ્નો મૂકી શકાય તેમ છે. જાહેર માર્ગો ઉપર ગેરકાયદે દબાણો કરવાં, જાહેર શાંતિનો ભંગ થાય એ રીતે લાઉડ-સ્પીકરોના ઉપયોગો થતા રહે, પકડાયેલા ગુનેગાર પ્રત્યે રહેમદિલી અથવા તો તોડપાણી કરીને ગુનેગારને છટકી જવાની પોલીસ તક આપતી હોય, પ્રજા જ્યારે ફરિયાદ નોંધવવા આવે ત્યારે ઊલટાનું એના ઉપર રોફ મારવાનો પ્રયોગ થાય કે આ બાબત અમારી પોલીસ-હદમાં નથી આવતી એમ કહીને પ્રજાને ધક્કે ચઢાવવામાં આવતી હોય- આ બધામાં પોલીસ પ્રત્યે પ્રજાનો રોષ ભભૂકે એ સ્વાભાવિક છે અને આવશ્યક પણ છે.

આપણે તંદુરસ્ત સમાજ ઇચ્છતા હોઈએ અને બળાત્કાર જેવાં અનિષ્ટો ટાળવા ઇચ્છતા હોઈએ તો એના મૂળ સુધી જવું પડે. કોઈ પણ કાર્યાં એના મૂળ સુધી જવું પડે. કોઈ પણ કાર્ય એના ચોક્કસ કારણ વગર બનતું નથી. આજની ફિલ્મોમાં જેટલી હદે વલ્ગેરિટી બતાવાય છે એ સામૂહિક રીતે પ્રજામાનસને વિકૃત કરનારું છે. ‘શીલા કી જવાની’, ‘મુન્ની બદનામ’, ‘ઉ... લા... લા... ઉ...’ અને ‘બીડી જલઈ લે...’ જેવાં ગીતો દ્વારા શું સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર થઈ રહ્યો છે? ફૅશન જરૂરી છે, પરંતુ ફૅશનને નામે વલ્ગેરિટી આચરવી એ તો આવાં અનિષ્ટોને આમંત્રણ આપવા જેવું ગણાય. યુવાપેઢી સામે અત્યારે ફિલ્મો-ટીવીની સિરિયલો દ્વારા જે ઉકરડા ઠલવાય છે એની સામે આપણે પુણ્યપ્રકોપ પ્રબળ કરવાની આવશ્યક્તા છે.

પ્રકૃતિએ એક તત્વ વિજાતીય આકર્ષણનું મૂકેલું છે. વિશ્વામિત્રનો તપોભંગ મેનકાએ કરાવ્યો હતો. સ્વયં પાર્વતીએ ભીલડી વેશે ભગવાન શંકરને મોહિત કર્યા હતા. જો આવા મહાન તપસ્વીઓ પણ સ્ત્રીનાં બીભત્સ વસ્ત્રો અને નખરાંથી ચલિત થઈ શકતા હોય તો સામાન્ય પુરુષ એ બધાથી શી રીતે બચે? બીભત્સ વસ્ત્રો પહેરનારી યુવતીઓ ખરેખર તો પુરુષો પર બળાત્કાર કરી રહી છે. અંગ-ઉપાંગોનું પ્રદર્શન કરનારાં વસ્ત્રો બળાત્કારનું કારણ બને છે. ભલે એનો શિકાર બીજું કોઈ થતું હોય...!

બળાત્કાર પ્રત્યે પ્રબળ રોષ રાખીનેય, તટસ્થપણે એનાં કારણો વિશે વિચારી શકાય તો નો-પ્રૉબ્લેમ.