નવા ૨૦૧૩ને જૂનું ત્યજી પ્રેમથી અપનાવો

29 December, 2012 07:50 AM IST  | 

નવા ૨૦૧૩ને જૂનું ત્યજી પ્રેમથી અપનાવો


પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

આપની યાદી

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબી સામટી

જોયું ન જોયું છો બને, જો એક યાદી આપની

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની

- કવિ કલાપિ (સૂરસિંહજી ગોહિલ)

Drop the last year into the silent limb of the past. Let it

go for it was imperfact and thank God that it can go

- Poet Atkinson

પંડિત જવાહરલાલ નેહરુએ જાહેર કર્યું કે મને ભગવાન બૌદ્ધના જીવનથી બૌદ્ધ ધર્મનું આકર્ષણ થયું. તેમની સહિષ્ણુતા, ખૂબ ઓછું અને કોમળ વાણીથી ધીમું બોલવું, ક્ષમાવાન થવું. એવા જ તમામ ગુણો થકી મને ઈસુ ખ્રિસ્તની પર્સનાલિટીનું આકર્ષણ થયેલું. આજકાલમાં ઈસુનું નવું ૨૦૧૩નું વર્ષ આવશે. ગુજરાતના અને મુંબઈના શોખીનો આ ક્રિસમસ કે ઈસુના નવા વર્ષની ઉજવણી જે માત્ર શરાબની મહેફિલનો અવસર બનાવ્યો છે ભલે, પણ છાકટા ન થાય. ઉપર કવિ કલાપિની કવિતા ટાંકી છે એ નવા વર્ષના ઉપક્રમે એટલા માટે ટાંકી છે કે એ કવિતામાં ‘ઈશ્વરની જ યાદી’ કવિ આપણને કરાવે છે. એ સેક્યુલર અને ઈશ્વર વિષયક કવિતા છે. કવિ કહે છે કે ભલે આ ટાંકણે હું બધી કિતાબો ભૂલી જાઉં. ભલે ઘણી ભૂલો કરી નાખું, પણ ઈસુ જે પ્રકારે ક્ષમાવાન છે એ રીતે હે ઈશ્વરી તત્વો, તમે પણ મારા કિસ્મતે મને જૂના વર્ષમાં કરાવેલી ભૂલોને માફ કરી દેજે.

કવિ આટકિન્સન પણ આજે ઉપરના સૂત્રમાં માનવને કહે છે કે જૂના વર્ષની તમામ કટુતા ભૂલી જાઓ. તમામ કડવા અનુભવોને જહન્નમની ખાડીમાં (લિમ્બો) નાખી દો, કારણ કે જે ગુજરી ગયું કે વીતી ગયું એ અપૂર્ણ હતું અને ઈશ્વરનો પાડ માનો કે એ બધું જૂનું તો ભૂલી જવાને અને વીતી જવાને પાત્ર જ હતું.

આજે મારે તમને મહાન જર્મન ફિલસૂફ અને કવિ હર્મન હેસની ફિલસૂફી પણ યાદ કરાવવી છે. તેની ૧૫૦મી મરણતિથિ આ વર્ષે છે. હર્મન હેસને ભારતીય અગમનિગમ અને વેદાંતમાં ભારે રસ અને શ્રદ્ધા હતાં. હર્મન હેસ કહ્યા કરતા કે કંઈ નહીં તો નવું વરસ આવે ત્યારે સંકલ્પ કરો કે તમે તમારા પોતાના જ સ્વતંત્ર વિચારો ઘડશો. તમે કોઈ બીજાએ કંડારેલા નહીં, પણ તમારા માર્ગે જ ચાલશો.

બીજી એક વિચારવા જેવી વાત પણ તેમણે કરેલી, ‘તમારે સૌએ આ કે તે ગમે તેટલા કઠિન જમાનામાં માનવજાત પર વિશ્વાસ કરવો જ પડશે.’

છતાં ઘણા લોકોને માનવજાત પરથી વિશ્વાસ ઊઠી ગયો છે કે ઊઠી જશે. તેને કહું છું કે હિન્દુઓને અનુસરજો. હિન્દુઓ અને ખાસ કરીને સ્ત્રીઓ વૃક્ષો પર વિશ્વાસ રાખતી. વૃક્ષોને પૂજતી. અરે! ઘણી ગામડાની સ્ત્રી તો પોતાનાં દુ:ખો વૃક્ષને ઈશ્વર સમજીને રડતી. વટસાવિત્રીને દિવસે તો વડલો પૂજાય છે. પીપળો પણ પૂજાય છે.

...પણ મુંબઈ અને દારૂબંધીવાળા ગુજરાતના ગુજરાતીઓને કહેવાનું કે ૨૦ લાખ ટૂરિસ્ટો, જે માત્ર અને માત્ર આનંદ કરવા અને ક્રિસમસ-ઈસુના નવા વર્ષને બહાને ગોવામાં આવે છે એ રીતે ઈસુના વર્ષને શરાબ પીને બહેકાટમાં ન ઊજવશો. દરેક ધર્મનો પ્રસંગ હોય પછી એ ઈદ હોય, રમઝાન હોય, શ્રાવણ હોય કે ક્રિસમસ હોય; એને ઈશ્વરની નજીક જવાનો અવસર માનવો જોઈએ. ઉમર ખય્યામે તેની રુબાયતમાં કહેલું કે કોઈ પણ ધાર્મિક ઉત્સવ પ્રસંગે જે થૉટફુલ સોલ છે, જે વિચારવંત આત્મા છે એ એક દિવસ પૂરતો એકાંતમાં અને મેડિટેશનમાં ગાળો એ જ યોગ્ય છે. બાકી સૌ સૌની મરજી, પણ એ મરજીને મર્યાદા આપજો.