‘સુરક્ષેત્ર’ કી નિયત ઝરા ડાઉટફુલ હૈ

28 September, 2012 06:17 PM IST  | 

‘સુરક્ષેત્ર’ કી નિયત ઝરા ડાઉટફુલ હૈ



નો પ્રૉબ્લેમ - રોહિત શાહ


લાલચ માણસને બેવકૂફ બનાવે છે અને સ્વાર્થ માણસને લુચ્ચો બનાવે છે. લાલચ અને સ્વાર્થ પ્રમાણસર હોય એમાં કશું પાપ કે અનિષ્ટ નથી. એનો અતિરેક થાય ત્યારે અનિષ્ટ બને છે.

લાલચુ માણસ કદી પ્રતિભાશાળી નથી હોતો અને પ્રતિભાશાળી આદમીને કશી લાલચ નથી હોતી.

કલર્સ ચૅનલ પર રજૂ થતો ‘સુરક્ષેત્ર’ કાર્યક્રમ જોયા પછી એમ લાગ્યું કે આ ‘હિન્દુસ્તાન કા સબસે બડા મ્યુઝિક શો’ નથી ‘હિન્દુસ્તાન કા સબસે બડા ઇન્સલ્ટ શો’ છે. એ શોમાં કલા કરતાં બીજાં તત્વો વધારે હોવાનું કોઈ પણ રાષ્ટ્રભક્તને ઇઝીલી સમજાઈ જશે. ‘સુરક્ષેત્ર’ને નફરત કરવા માટે આપણું સંગીતપ્રેમી હોવું કમ્પલસરી નથી.

કલાને સીમાડા ન હોય અને કલાને શત્રુતા ન હોય એવી ડંફાસો મારીને આ ભ્રષ્ટ કાર્યક્રમનો ભ્રામક પ્રચાર કર્યો. પ્રિય હિતેશ રેશમિયા ભાઈને આપણે કહેવું જોઈએ કે જો સંગીતને-કલાને સીમાડા ન નડતા હોય તો તમારી સાથે ભારતના ૧૫ કલાકારોને લઈ જઈને પાકિસ્તાનમાં દોઢ-બે વરસ રહીને ત્યાં શો કરી બતાવો. આપણે તો પાકિસ્તાનના ઘણા ગાયકો અને અન્ય ક્ષેત્રના લોકોને રિસ્પેક્ટ સહિત ઇન્ડિયામાં રાખ્યા છે. પાકિસ્તાને ભારતના કોઈ કલાકારને એટલી રિસ્પેક્ટ આપીને પોતાના દેશમાં રાખ્યો છે?

સંગીત કે કલાના નામે પોતાની ટીઆરપી વધારવાની બદમાસી કરનારાઓને સરકાર કેમ રોકતી નથી?

વિદેશના કલાકારોને લાવવા જ હોય તો ફ્રાન્સ, જપાન, અમેરિકા, ઇંગ્લૅન્ડ કે અન્ય દેશોના કલાકારોને લાવોને. તેમની સાથે ‘સુરક્ષેત્ર’ની કૉમ્પિટિશન ગોઠવોને. પણ પાકિસ્તાનના કહેવાતા કલાકારો પ્રત્યે આટલા ગળગળા થઈ જવાનો શો મતલબ?

સંગીતને-કલાને શત્રુતા ભલે ન હોય, સ્વમાન તો હોય કે નહીં? ભૂતકાળમાં અનેક નિષ્ઠાવાન કલાકારોએ માત્ર સ્વમાનને કારણે રાજાના હુકમનો અનાદર કરીને કાં તો પોતાના પ્રાણની આહુતિ આપી છે અને કાં તો રાજ્યાશ્રય ખોયો છે. સાચા કલાકારને સ્વમાનના ભોગે કાંઈ જ ન ખપે. પાકિસ્તાને કદીયે કોઈ વાતે ભારત માટે સારું સોચ્યું કે કર્યું નથી. હંમેશાં ખંડનાત્મક અને હાનિકારક ઉપદ્રવો કરીને આપણી ભલમનસાઈનો ખોટો લાભ જ લીધો છે. પાકિસ્તાનને સબક શીખવવાને બદલે હે હિમેશભાઈ, તમે પાકિસ્તાનને પ્રોત્સાહન કેમ આપી રહ્યા છો? તમારા સંગીતપ્રેમને સલામ કરીએ, પણ તમારી રાષ્ટ્રભક્તિનું શું? જે દેશ વારંવાર અને ડગલે ને પગલે આપણા દેશને અનેક રીતે પજવ્યા કરતો હોય, જે દેશ આપણી ઉદાર નીતિનો હંમેશાં ગેરલાભ લેતો હોય, તેની સાથે દોસ્તીનો જ્યારે-જ્યારે હાથ લંબાવ્યો ત્યારે-ત્યારે તેણે આપણને ખંજર ભોંક્યું હોય એવા દેશ સાથે દોસ્તી કરવામાં આપકી નિયત સાફ નહીં લગતી હૈ. વિશ્વાસઘાત, ઘૂસણખોરી, આતંકવાદ અને લુચ્ચાઈઓના નિતનવા પેંતરા કરનારા આ પાકિસ્તાનને એની ઓકાત બતાવવાની જરૂર છે ત્યારે ‘સુરક્ષેત્ર’ના નિર્માતા ટીઆરપીની લાલચથી આવી વેવલાઈ કરે એ અત્યંત ઘૃણાસ્પદ છે. આવા બોગસ કાર્યક્રમોનું, રાષ્ટ્રદ્રોહની બદદાનતવાળા આવા ભ્રષ્ટ અને ભ્રામક કાર્યક્રમોનું પ્રસારણ ભલે આપણે ન અટકાવી શકીએ, પણ એવા કાર્યક્રમો જોવાનું તો ટાળી જ શકીએને. જે ઘરમાં ‘સુરક્ષેત્ર’ કાર્યક્રમ જોવાતો હોય એ ઘરના લોકોને પણ રાષ્ટ્રદ્રોહી ગણવા જોઈએ.

રાજ ઠાકરે પાકિસ્તાની કલાકારો અને ક્રિકેટરો પ્રત્યે કૂણી લાગણી નહીં રાખવા કહે છે એ સાવ સાચું છે. બાળ ઠાકરે અને શિવસેના હંમેશાં પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યાં છે. આપણે સાચી વાતી સાંભળવા ટેવાયેલા નથી. છેતરાયા કરવાનું અને માર ખાતા રહેવાનું આપણને માફક આવી ગયું છે. ઉદારતાનો અતિરેક મૂર્ખામી કહેવાય. એનું રિઝલ્ટ સર્વનાશ જ હોવાનું.

તમે એક વાત માર્ક કરી જ હશે. ન કરી હોય તો ખાસ માર્ક કરજો કે ‘લાફ્ટર’ના જે કાર્યક્રમોમાં પાકિસ્તાનના કહેવાતા કલાકારો આવ્યા તેમણે શો દરમ્યાન કાં તો ભારતના કલાકારોની ઇન્સલ્ટિંગ મજાકો ઉડાડી છે, કાં તો વલ્ગર કમેન્ટ્સ કરીને પોતાની જાત બતાવી છે. મહિલાકલાકારો સાથે તે પાકિસ્તાની લુચ્ચા કલાકારોએ ઇન્સલ્ટિંગ કમેન્ટ્સ કરીને બદસલૂકી કરી છે. બડી બાત તો યે હૈ કિ, આપણા સડેલા ભેજાવાળા નિર્માતાઓ પાસે અહીં કોઈ કામ નથી. તેમની જે પાત્રતા હતી એથી વધારે તેમને કોઈ પ્રતિષ્ઠા ન મળી એટલે આવા વાહિયાત કાર્યક્રમોનાં આયોજનો કરીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાના તેઓ વલખાં મારી રહ્યા છે. પ્રિય હિમેશભાઈ, તમારી રાષ્ટ્રનિષ્ઠા શંકાસ્પદ ન બને એનો વિચાર કરશો તો નો-પ્રૉબ્લેમ!