છેલ્લો કટોરો ઝેરનો

22 September, 2012 07:13 AM IST  | 

છેલ્લો કટોરો ઝેરનો



અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

ઝેર શબ્દ બોલાય એટલે આંખ સામે અનેક દૃષ્ટાંત છતાં થઈ જાય. એ રસ્તે આગળ વધીએ એ પહેલાં ગની દહીંવાલાના આ શેરને ઇર્શાદ કરી લઈએ.

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું

નિખાલસ પ્રેમથી પાસે જગત, તો ઝેર પી જાશું


શંકરે હળાહળ પીધું અને નીલકંઠ કહેવાયા. સૉક્રેટિસને ઝેર પાઈને મારવામાં આવ્યા. મીરાને રાણાએ ઝેરનો કટારો મોકલાવ્યો. રાજા-મહારાજાઓના કાળમાં ઝેરનો ઉપયોગ કરી શત્રુ કે સ્વજનને મોતને ઘાટ ઉતારી દેવાતા. જલન માતરી સરળ શબ્દોમાં સલાહ આપે છે.

હવે સૌ દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો

જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે


જગતનાં ઝેર જીરવવા સહેલાં નથી. એને માટે હિંમત પણ જોઈએ અને સાહસ પણ. જનાબ ખલીલ ધનતેજવી એક નવી જ ઇમેજ સાથે વાત કરે છે.

શંકરની જેમ નાગને મફલર કરી શકો

પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો?


આપણે ત્યાં ધીમું ઝેર એવો શબ્દપ્રયોગ થાય છે. ટાગોર અને ગાંધીજી વચ્ચે અવારનવાર મુલાકાતો થતી. ‘ગાંધીગંગા’ પુસ્તકમાં કરાયેલી નોંધ પ્રમાણે તેમની વચ્ચે એક દિવસ ખોરાક વિશે ચર્ચા થઈ હતી. ગાંધીજી ફળાહારી રહ્યા. પૂરી વિશે વાત કરતાં તેમણે કહ્યું, ઘી કે તેલમાં તળીને પૂરી બનાવો એથી અનાજનું ઝેર બની જાય. એ સાંભળીને રવિબાબુએ ગંભીરતાથી જવાબ આપ્યો : એ બહુ ધીમું ઝેર હોવું જોઈએ! હું મારી આખી જિંદગી પૂરી ખાતો આવ્યો છું, પણ હજી એથી મને કશું નુકસાન થયું નથી!

સંબંધોમાં જ્યારે ધીમું ઝેર પ્રસરવા લાગે ત્યારે અચૂક નુકસાન થાય છે. કવિ જગદીશ સાધુ એક નિષ્કર્ષ પર આવવાની વાત કરે છે.

તું જો કહે તો દૂર ચાલ્યો જાઉં હું

દરરોજ ધીમું ઝેર તું આપ્યા ન કર

દૂર ચાલી જવાથી ઝેરની અસર ઓછી થશે કે નહીં એ ખબર નથી, પણ વધુ નુકસાન નહીં થાય એવી આશા જરૂર બંધાય. પાસે રહેવાથી એની તીવ્રતા વધતી હોય એવા સંબંધના આરંભમાં જ ક્યાંય ભૂલ હોય છે. મનહરલાલ ચોકસી આરંભ ન પામેલા સંબંધને થમ જા કહી ઝાટકણી કાઢે છે.

આટલાં વર્ષે હવે ઇકરાર ના કરશો તમ

જામ શું કે ઝેર શું? સઘળું સમયસર જોઈએ


આજે જમાનો ભેળસેળનો છે. ડૉ. શ્યામલ મુનશીએ આ બાબત પર વ્યંગ કરતાં એક કાવ્યમાં લખેલું કે એક માણસે ઝેર લીધું, પણ કંઈ ન થયું. એ તો સારું થયું કે તેણે પાણી સાથે ઝેર લીધેલું એટલે ઝેરથી બચી ગયો તો પાણીથી મરી ગયો.

મીરાને મોકલાયેલો ઝેરનો કટોરો ઈશ્વરીય શક્તિથી નાકામ થયો. આદમ ટંકારવી એનો નિર્દેશ કરે છે.

ઝેર તો બીજું જ કોઈ પી ગયું

ખાલી પ્યાલીમાંથી મીરા નીકળે


એકવીસમી સદીની મીરા સાથે આવો કોઈ પ્રસંગ બને તો શું થઈ શકે? નીરવ વ્યાસ એનો મિજાજ પરખાવે છે.

ધરી દો કટોરો ફરીથી મને

જુઓ શું ઉમેરું છું હું ઝેરમાં?


આવો જ હુંકાર ચંદ્રેશ મકવાણા પાસેથી મળે છે. રૂઢિપ્રયોગનો સરસ ઉપયોગ કરી કવિ લખે છે :

હોય હિંમત આવ મસળી નાખ, હું ઊભો જ છું

ઝેર શું રેડ્યા કરે છે, પથ્થરોના કાનમાં

અત્યારે દેશની સ્થિતિ એવી છે કે સતત એક પ્રશ્ન થાય કે હવે શું થશે? આઝાદી પહેલાં અને પછી પણ આ પ્રશ્નો વિશેની અટકળો બદલાઈ છે, પણ તારણ નીવડતાં નથી. સરકાર કોઈ પણ હોય, સામાન્ય માણસની સ્થિતિ ખબર છે કેવી? બેફામસાહેબ કહે છે એવી.

તું જિવાડે છે ભલે, પણ જો દશા બેફામની

કેટલાં પીવાં પડે છે ઝેર તારે કારણે?

સ્થિતિ ગમે એ હોય ખુમારી રાખે તે ખરો વીર. અમૃત ઘાયલ વિરોધાભાસને સ્વીકારી લે છે.

જીવન જો પૂછતાં હો તો જીવન છે ઝેર ઘાયલનું

છતાં હિંમત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે

ક્યા બાત હૈ

ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા!

ઝેર તો પીધાં છે જાણી જાણી.

કોયલ ને કાગ રાણા? એક જ વર્ણા રે

કડવી લાગે છે કાગવાણી.

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;

તેનાં બનાવ્યાં દૂધપાણી.

સાધુનો સંગ મીરા છોડી દિયો રે;

તમને ગણીશું પટરાણી.

બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ

મન રે મળ્યાં સારંગપાણિ


- મીરાબાઈ