નવરાત્રિના મંડપમાં રોમૅન્સ કરજો, પણ...

22 September, 2012 07:12 AM IST  | 

નવરાત્રિના મંડપમાં રોમૅન્સ કરજો, પણ...



પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

નવરાત્રિ આવી રહી છે. ગુજરાતી યુવતીઓ દાંડિયારાસને બહાને હવે દસથી પંદર દિવસ રોમૅન્સ કરી શકશે, ખુલ્લા દિલે બેધડક.

કોઈ પણ વિષય ઉપર લખતી વખતે હું વિદ્વાન કવિ, લેખક કે ફિલોસોફરના વક્તવ્ય કે ઉક્તિ ટાંકુ છું એ માટે પુસ્તકો કે ઇન્ટરનેટ કે એનસાઇક્લોપીડિયા ખોલું છું; પણ આજે પ્રેમ વિશે લખતી વખતે હું મારું હૃદય ખોલું છું. અગાસી પર જઈને આકાશ, સૂર્ય (લપાતો-છુપાતો), વાદળાં અને કબૂતરો અગાસીની ગોખમાં સંવનન કરે છે એને જોઉં છું. ભાદરવો બેઠો છે એટલે ચોપગાં ખુલ્લંખુલ્લા પ્રેમ કરે છે. પશુ, પંખી, જનાવર એ તમામ જીવો સારું છે કે વાંચતા નથી એટલે ભરપૂર ખુલ્લા દિલે પ્રેમ કરી શકે છે. અમુક પક્ષીને બીજા પક્ષીના માળામાં જઈને એની પક્ષીણીને જ પ્રેમ કરવામાં મજા આવે છે. આ તમામ જીવો કહે છે કે પ્રેમ એ કોઈ લખવાની નહીં, પ્રેમ તો કરવાની ચીજ છે. કાઠિયાવાડના ઘણા કટારલેખકોની કટારનાં નામ ‘ઉઘાડે છોગે’ અગર ‘સોય ઝાટકીને’ એવાં રાખવામાં આવતાં હતાં, પણ એ વાંચો તો લાગે કે કશું ઉઘાડે છોગે હોતું નથી. કલમને જાણે કૉન્ડોમ પહેરાવીને લખતા હોય એમ લાગે. આ લેખમાં કૉન્ડોમ પહેરાવ્યા વગર લખું છું. પ્રેમને કૉન્ડોમ સાથે લેવાદેવા નથી, કારણ કે પ્રેમમાં સેક્સ જરૂરી નથી; અવરોધ છે.

... પણ આજે મૅક્સિમમ કૉન્ડોમ કલમમાં વપરાય છે. એટલે ભાગ્યે જ ઉઘાડે છોગે કે સોય ઝાટકીને કોઈ લખે છે. મારા પ્રિય લેખક કૉલિન વિલ્સન જેમની અને મારી જન્મતારીખ અને રાશિ એક છે (૧૫-૭-૧૯૩૧), તેણે ‘મિસ્ટરીઝ’, ‘પર્સનાલિટી સજ્ર્યન’, ‘આફ્ટર લાઇફ’, ‘ધ ઓકલ્ટ’ જેવા અતિ ગંભીર વિષયો પર પુસ્તકો લખ્યાં છે અને આબાલવૃદ્ધના સૌથી પ્રિય લેખક છે. વાચકોને ભલામણ કરું છું કે તેમનાં બે પુસ્તક ‘ઓરિજિન ઑફ સેક્સ્યુઅલ ઇમ્પલ્સ’ અને ‘ધ આઉટસાઇડર’ વાંચી જાય. આ માણસ લખતો ને ઉઘાડે છોગે લખતો. તેમણે ભરપૂર પ્રેમ કર્યો છે. યાદ રહે કે પ્રેમ એ પ્રેમ છે. હંમેશાં સાચો છે. પ્રેમ કદી ખોટો નથી. ખોટો શબ્દ હોય તો પ્રેમલગ્ન એ ખોટો શબ્દ છે, કારણ કે લગ્ન શબ્દ સાથે પ્રેમને લેવાદેવા નથી. લગ્નેતર પ્રેમમાં જ મજા છે. એકવીસમી સદીના સમાજશાસ્ત્રી કહે છે. સૉફિસ્ટિકેટેડ ભારતીય નારી પણ માને છે કે લગ્નેતર પ્રેમમાં જ મજા છે, પણ જરા

સંભલકે-સંભલકે.

પ્રેમને રોમૅન્સ કે રોમાંચ સાથે જ સંબંધ છે. એ રોમાંચ કે રોમૅન્સની સ્મૃતિ અને રોમૅન્સ કરો છો કે રોમૅન્ટિક ચુંબન કરો છો અને એ ચુંબન એક મિનિટનું હોય તો એ પૅશનેટ હોય છે એ જ પૂરતું છે. એને શાશ્વતી સાથે સંબંધ નથી. એ ર્દીઘકાળ સ્મૃતિ છોડે છે. ચોરી લીધેલાં ચુંબનો વધુ રોમૅન્ટિક હોય છે. 

મારા બીજા ફેવરિટ લેખક અલાન વૉટ્સ છે. તેમનું એક પુસ્તક ‘વિઝડમ ઑફ ઇન્સિક્યૉરિટી’ વાંચવા જેવું છે. આ જગતમાં કશું જ સિક્યૉર્ડ નથી. સિક્યૉર્ડ ચીજમાં મજા નથી, અસલામતીમાં જ મજા છે. એવું જ પ્રેમનું છે. આપણે તો લગ્ન કરીને કોઈ સ્ત્રીને સિક્યૉર્ડ કરવી છે, પણ એ ફાંફાં છે. કદી જ પ્રેમમાં સિક્યૉરિટી નથી. અલાન વૉટ્સનું બીજું પુસ્તક ‘ધ બુક’ તો અદ્ભુત છે. એના ત્રીજા પ્રકરણમાં ૫૩મે પાને લેખકે ધડાકો કર્યો છે. ‘યોરસેલ્ફ ઍન્ડ માયસેલ્ફ હુ કેમ ઇન ટુ ધિસ વર્લ્ડ લિવ્ઝ ટેમ્પરરીલી ઇન એ બૅગ ઑફ સીન ઇઝ અ હોક્સ ઍન્ડ ફેક.’ - આપણે તમામેતમામ ફેક છીએ. માત્ર બનાવટ છીએ. આપણે ઉપરી અંચળો પહેરીને પોતાને જેન્ટલમૅન બતાવવા કે બનાવવા માગીએ છીએ. આપણા પ્રેમમાં બનાવટ આવવા માંડી છે. પુરુષને માત્ર શરીર જોઈએ છે, સ્ત્રીને માત્ર હૃદય! તો? નવરાત્રિમાં યુવતીઓ! રોમૅન્સ કે પ્રેમ કરો ત્યારે કૌમાર્ય સાચવજો. નવરાત્રિના મંડપમાં પરિચયને લગ્નમાં પલટાવવાની ઉતાવળ ન કરતા. છતાં એમ કરવું હોય તો મા-બાપની મંજૂરી એકવીસમી સદીમાં વધુ જરૂરી બની છે, કારણ કે પ્રેમ બટકણા થઈ ગયા છે.