આપણો પ્રૉબ્લેમ ગરીબી નથી, અવ્યવસ્થા છે

22 September, 2012 07:11 AM IST  | 

આપણો પ્રૉબ્લેમ ગરીબી નથી, અવ્યવસ્થા છે


નો પ્રૉબ્લેમ - રોહિત શાહ

કોઈ રાજકીય નેતા પોતે બોલેલા શબ્દોને વફાદાર રહેવાનો આગ્રહી નથી. પ્રજાને વચનો આપવાનાં હોય, વિરોધી પક્ષની છેડતી કરવાની હોય કે પોતાના પક્ષની ડંફાસો ઠોકવાની હોય ત્યારે આલિયો-માલિયો નેતાય વાણીશૂરો થઈ ઊઠે છે. બોલતી વખતે મોઢામાંથી ઊડતા થૂંકને નહીં અટકાવી શકનાર નેતા આતંકવાદીઓ અને ભ્રષ્ટાચારીઓને નહીં છોડવાની શેખી મારે છે. આ દેશમાં જે કંઈ સારું થયું છે એ પોતાના પક્ષ દ્વારા થયું છે અને જે કંઈ ખરાબ થયું છે એ બધુંય વિરોધી પક્ષ દ્વારા જ થયું છે. આવાં આધારહીન જૂઠાણાં ફેલાવવામાં નેતાઓને કોઈ ન પહોંચે.

આપણો કયો નેતા એવો છે કે જે પ્રજાને પોતે આપેલાં વચનો પાળવા કટિબદ્ધ હોય? ચૂંટણી જીતવાના નજીકના સ્વાર્થ માટે ભોળી પ્રજાને છેતરવાનું પાપ આપણા નેતાઓનો પર્મનન્ટ બિઝનેસ છે. જો નેતાઓએ આપેલાં વચનો પૂરેપૂરાં પળાતાં હોત તો ભારતમાં આજે ગરીબી દીઠીયે જોવા મળતી હોત ખરી? જો નેતાઓ પોતાનાં વચનોને વફાદાર હોત તો આજે ભ્રષ્ટાચાર આટલી હદે વકર્યો હોત ખરો? શું મોંઘવારી ખરેખર કન્ટ્રોલ થઈ શકે એમ નથી? ઠેર-ઠેર રસ્તા પર જોવા મળતા ખાડા અને ગંદકી હટાવવાનું શું ખરેખર અશક્ય છે? શું દરેક બાળકને કહેવાતી સારી સ્કૂલમાં ઍડ્મિશન માટે ડોનેશનના નામે ‘વ્યવહાર’ થાય છે એને અટકાવવાનું સાવ ઇમ્પોસિબલ છે? ધાર્મિક તહેવારોના નામે સામાન્ય પ્રજાને ટ્રાફિકમાં અડચણો અપાય છે અને મોડી રાત સુધી માઇકનાં ભૂંગળાં જંપવા દેતાં નથી - એ બધું રોકવાનું ખરેખર અશક્ય છે?

પ્રત્યેક લોકશાહી દેશમાં ચૂંટણી વખતે અપાતાં વચનો માટે સ્વતંત્ર સેન્સર બોર્ડ હોવું જોઈએ. કોઈ પણ પક્ષનો ઉમેદવાર ચૂંટણી જીતવા માટે પ્રજાને જે વચનો આપે એનું રજિસ્ટ્રેશન કરાવવાનું કમ્પલ્સરી બનવું જોઈએ. ઇલેક્શન સેન્સર બોર્ડની પરમિશન વગર કોઈ પણ ઉમેદવાર પ્રજાને કોઈ જ વચન આપી ન શકે એવી જોગવાઈ હોવી જોઈએ. આ સેન્સર બોર્ડનું મુખ્ય કામ એ હોય કે ચૂંટણી પતી ગયા પછી જે પક્ષ વિજેતા થયો હોય એણે ચૂંટણી પહેલાં આપેલાં વચનો પાર પાડ્યાં કે નહીં એની જાંચ કરવાની. સત્તા પર બેઠા પછી ત્રણ વર્ષની અંદર જો તમામ વચનો પાર ન પાડ્યાં હોય તો એ નેતાઓએ તરત સત્તા છોડી દેવાની હોય અને પછી ક્યારેય એને ચૂંટણીમાં ઊભા રહેવાની સંમતિ ન મળવાની હોય એવી કાનૂની-બંધારણીય ચુસ્ત વ્યવસ્થા હોવી જોઈએ. જો આટલી આચારસંહિતા અમલી બને તો આપણા ઘણા પૉલિટિશ્યનોનાં પોતિયાં છૂટી જાય!

આપણું બહુ મોટું દુર્ભાગ્ય છે કે આપણી પાસે એક પણ વચનનિષ્ઠ નેતા નથી. અણ્ણા હઝારે પણ નહીં. સજ્જન તેને કહેવાય કે જે સમાજની ભલાઈનાં અનેક કામ કર્યા પછીયે મોટાઈ ન કરે, પોતાની વાહવાહી ન કરાવે. મૌન રહીને લોકસેવાનાં કાર્યો યથાશક્તિ કર્યા કરે એવા સજ્જનો શોધ્યા જડતા નથી. આપણી પાસે શેખચલ્લી નેતાઓની બડી ફોજ છે. પ્રજાને વચનોની લૉલીપૉપ આપીને, પ્રજાના પૈસે લીલાલહેર કરનારા લબાડ નેતાઓ પાસે એક ટકોય રાષ્ટ્રભક્તિ નથી. પાકિસ્તાન અને બંગલા દેશની ઘૂસણખોરી જગજાહેર છે. નકલી ચલણી નોટો થોકબંધ ઘૂસી જાય છે. આતંકવાદીઓને ભારતમાં કોઈ જાતનો ખોફ નથી. રસ્તા પર ‘નો એન્ટ્રી’માં ભૂલથી કે ઉતાવળને કારણે કોઈ વાહનચાલક ઘૂસી ગયો હોય તો તેની પાસેથી દંડ વસૂલ કરાય છે, પરંતુ વિદેશી ઘૂસણખોરીને ભરપૂર નિરાંત હોય છે. તેમને તો તેમના નામનાં રૅશન-કાર્ડ પણ મળી જાય છે.

ઇઝરાયલ બહુ નાનકડો દેશ છે, છતાં એને કોઈ સતાવી નથી શકતું. એની સાથે અડપલું કરનાર માટે સલામત રહેવાનું શક્ય નથી. નેતા હોય કે નાગરિક, કોઈના માટે રાષ્ટ્રથી વધારે મહત્વનું બીજું કંઈ જ ન હોય, એવું રાષ્ટ્ર વિકાસ પણ કરી શકે અને સુખચેનથી જીવી પણ શકે. ગરીબી આપણો પ્રૉબ્લેમ નથી. ખરેખર તો આપણો દેશ ગરીબ છે જ નહીં. પ્રૉબ્લેમ વહીવટનો છે, વ્યવસ્થાનો છે, દાનતનો છે. આપણે ત્યાં પાણીથી લઈને ભોજન સહિતનો જેટલો બગાડ થાય છે, એટલા બગાડમાંથી તો દસ મોટાં શહેરોની આહાર-પાણીની સમસ્યા આસાનીથી ઊકલી શકે. બગાડ અટકે એ માટે સરકારે નક્કર સિસ્ટમ ડેવલપ કરવી પડે અને લોકોએ નિષ્ઠાપૂર્વક એ સિસ્ટમને ફૉલો થવું પડે. વ્યક્તિગત રૂપે ક્યાંક-ક્યાંક બગાડ અટકાવવાની ચીવટ દેખાય છેય ખરી, પણ એટલું ઇનફ નથી. કોગળા કરીને ભીષણ આગને હોલવવાનો પ્રયત્ન કરવા જેવું એ લાગે છે. સામૂહિક સ્વરૂપે અને ચોવીસ કૅરેટની રાષ્ટ્રભક્તિ સાથે આ બાબતે નક્કરરૂપે કંઈક થવું જોઈએ. ‘વચનેષુ કિં દરિદ્રતા?’ બકવાસ કરવામાં કરકસર વળી કેવી એવો ખેલ જો બંધ થાય તો નો પ્રૉબ્લેમ.