કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ અને ભાવની તકરાર

18 August, 2012 07:53 AM IST  | 

કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ અને ભાવની તકરાર

ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય

(ગતાંકથી ચાલુ)

એક વાર નક્કી થયેલો ભાવ અને ત્યાર પછી વધારેલા ભાવ વચ્ચેનો તફાવત દોરવો જરૂરી છે. ભાવ નક્કી કરવો એ ઉત્પાદક અથવા તો સર્વિસ આપનારનો હક બને છે. એની સામે પડકાર ન ફેંકી શકાય. જોકે એક વાર ભાવ નક્કી કરી લીધા પછી ભાવવધારા બાબતે થયેલી તકરારનો નિવેડો લાવવો જરૂરી છે. એ જ રીતે, એક જ વસ્તુ માટેના જુદા-જુદા ભાવ બાબતે ફરિયાદ નોંધી શકાય છે, કારણ કે એ ટ્રેડ પ્રૅક્ટિસ હેઠળ ગણાય છે.

કેસ સ્ટડી-૩

મુંબઈ-ગોવા હાઇવે પર મુસાફરી કરતી વખતે પ્રહ્લાદ પડલીકર પનવેલ નજીકની કામત હોટેલમાં ગયા. તેમણે ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા બનતી એક લિટરની ઑક્સિરિચ પાણીની બૉટલ લીધી. બૉટલ પર મારેલા લેબલમાં લખાયેલું હતું કે ‘ખાસ કામત હોટેલ્સ માટે તૈયાર કરાયેલી.’ અને એની એમઆરપી હતી ૨૫ રૂપિયા. આ જ બૉટલની બજારમાં કિંમત ૧૫ રૂપિયા હતી. ભાવનો આ તફાવત દરેક બૉટલ પર વધારાના દસ રૂપિયા આપીને ગ્રાહકે પૂરો કરવો પડે છે. આ પ્રકારના કિસ્સામાં ગ્રાહકોનું શોષણ થઈ રહ્યું છે એવું લાગતાં પ્રહ્લાદે એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. રાયગડ ડિસ્ટ્રિક્ટ ફોરમે ફરિયાદને મંજૂરીની મહોર મારી અને કામત હોટેલ્સ તેમ જ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝને આ ઑક્સિરિચ પાણીની બૉટલો એના બજારભાવ કરતાં વધુ ઊંચા ભાવે વેચવાની મનાઈ ફરમાવી દીધી.

ઉત્પાદક અને હોટેલવાળા બન્નેએ જુદી-જુદી અપીલ કરી. કમિશને નોંધ્યું કે બહાર વેચાતી બૉટલ તેમ જ કામત હોટેલમાં વેચાતી બૉટલોમાં પાણીની ગુણવત્તા, શુદ્ધતા અને પ્રમાણમાં કોઈ પણ પ્રકારનો તફાવત નહોતો. ફક્ત એક જ તફાવત હતો અને એ હતો કે એને ખાસ કામત ગ્રુપ્સ ઑફ હોટેલ્સ માટે બનાવવામાં આવી હતી એટલે એ ગુણવત્તા કે પાણીના પ્રમાણમાં કોઈ પણ જાતનો તફાવત નહોતો, જેને કારણે એના ભાવવધારાને વાજબી ગણી શકાય. ભાવનું જે લેબલ લગાડાયું હતું એ સંપૂર્ણ રીતે હોટેલ અને ઉત્પાદકની વચ્ચે થયેલા કરાર મુજબનું હતું.

કમિશને એ પણ અવલોકન કર્યું કે આ ભાવવધારો સામાન્ય સંજોગોમાં અનુચિત તેમ જ ફક્ત ગ્રાહકનું શોષણ કરવાનો જ છે. પૅકેજ કૉમોડિટીઝના નિયમો હેઠળ આ ગુનો નથી એમ છતાં ગ્રાહકનું શોષણ કરતા ભેદભાવ ભરેલા ભાવ એ એક અનુચિત ટ્રેડ પ્રૅક્ટિસ ગણાશે. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ (સીપીએ)નો હેતુ આવા શોષણને અટકાવવા માટેનો છે.

જ્યારે ભાવતફાવત ગ્રાહકના શોષણ તરફ દોરી જતો હોય ત્યારે એ ચોક્કસપણે સીપીએના વિસ્તારની અંદર આવી જાય છે. હોટેલ્સ અને રેસ્ટોરાં પોતાની સેવાના ચાર્જ તરીકે એમઆરપી કરતાં વધારે ભાવ લગાવી શકે, પરંતુ મનસ્વી રીતે ભાવમાં તફાવત બાબતના તાજેતરના આ કિસ્સા માટે એ લાગુ પડતો નથી. કોઈ પણ પ્રક્રિયા, જેનું પરિણામ આબાદ રીતે ગોટાળા કરી ભાવમાં કરેલા ફેરફારમાં પરિણમે તો એવી ટ્રેડ પ્રૅક્ટિસને સીપીએ હેઠળ ચોક્કસ અટકાવી શકાય છે.

એ મુજબ કમિશને હોટેલ તેમ જ પાણીની બૉટલ બનાવનારા ઉત્પાદકની ગ્રાહકના ભોગે નફો મેળવવાની આ રીતને અનુચિત ટ્રેડ પ્રૅક્ટિસ તરીકે વખોડી કાઢી.

કેસ સ્ટડી-૪

મહારાષ્ટ્ર ઓનરશિપ ફ્લૅટ્સ ઍક્ટ (મોફા) હેઠળ એક બિલ્ડર જે પણ ભાવ નિયત થયો હોય એના કરતાં વીસ ટકાથી વધુ જો ભાવનો ફેરફાર કરે તો લેખિત કરાર દાખલ કર્યા વિના આપસી સંમતિ વગર એનો સ્વીકાર થાય નહીં. ઍગ્રીમેન્ટની અંદર બીજી બધી માહિતીઓની સાથે ફ્લૅટની કિંમત, કાર્પેટ એરિયા અને એનો કબજો આપવાની તારીખ જેવી બાબતો આવશ્યક હોય છે. જો એમ ન કરવામાં આવે તો એને અનુચિત ટ્રેડ પ્રૅક્ટિસ ગણી શકાય. કમનસીબે, સરકાર આ બાબતને અલગ જ દૃષ્ટિકોણથી જુએ છે અને મોફાની જોગવાઈઓ સિડકો જેવી હાઉસિંગ ડેવલપમેન્ટ ઑથોરિટી પર લાગુ પડતી નથી.

સિડકોની ડીઆરએસ-૮૭ સ્કીમ હેઠળ ફ્લૅટ ખરીદનારે નૅશનલ કમિશનમાં પોતાની ફરિયાદ નોંધાવી કે તેણે ફ્લૅટની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી ત્યાર પછી સિડકોએ એના ભાવમાં વધારો કર્યો એટલે સિડકો અનુચિત ટ્રેડ પ્રૅક્ટિસ કરી રહી છે. નૅશનલ કમિશને આ ફરિયાદને ફગાવી દીધી. નૅશનલ કમિશને આ બાબતસર અવલોકન કર્યું કે જે ભાવ સિડકોએ બહાર પાડ્યો કે એ તો હંગામી ધોરણે કરાયેલો હતો, નહીં કે છેવટની કિંમત હતી.

કમિશને આગળ એ પણ નોંધ્યું કે ભાવ વિશેની બાબતો કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટના વિસ્તારમાં નથી આવતી અને આવા કિસ્સાઓ આગળ પણ નોંધાયા છે. એટલે ભાવવધારા વિશે સિડકો સામે લડત કરવાની કોઈ પરવાનગી ફ્લૅટ ખરીદનારને ન આપી શકાય (ડીઆરએસ-૮૭ ઍપ્લિકન્ટ્સ અસોસિએશન વર્સિસ સિટી ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર લિમિટેડ).

ઇમ્પૅક્ટ

જો વાજબી હોય તો ભાવમાં તફાવત સ્વીકાર્ય છે, પણ ફક્ત ગ્રાહકનું શોષણ કરવા માટે તો એ તફાવતને ન જ અપનાવી શકાય.

મહત્વના ગ્રાહક સમાચાર

ધ ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (પૉલિસી ધરાવનારના રક્ષણ અને હિતમાં) રેગ્યુલેશન્સ, ૨૦૦૨ દ્વારા દાવાની પતાવટ અને એની કાર્યવાહી માટેની અમુક સમયમર્યાદા નિયત કરેલી છે. વીમાકંપની જ્યારે કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર દાવાનો અસ્વીકાર કરે છે ત્યારે એ દાવાનો કદાચ સ્વીકાર કરાયો છે અથવા તો પછી એનો કદાચ અસ્વીકાર કરવામાં આવ્યો છે કે નહીં એ મુદ્દા બાબતે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ખાસ સુનાવણી હાથ ધરશે. દાવાની ફરિયાદ નુકસાન થયાનાં બે વર્ષની સમયમર્યાદામાં નથી નોંધાઈ એવું કહી વીમાકંપની પોતે જ કરેલા વિલંબનો ફાયદો ઉઠાવી દાવાની પતાવટ વિલંબમાં મૂકે છે અને આ મુદ્દે કાયદો નક્કી કરવામાં આવશે.